ગૃફર્સ – યુ.એસ.એની નોકરી છોડી સ્વદેશગમન કરી કરોડોની ડિલીવરી કંપની સ્થાપી

3 ઇડિયટ્સ ફિલ્મમાં આમીરખાને કહ્યું છે કે જો તમારું કામ ઉત્તમ હશે તો સફળતા તમારી પાછળ ભાગશે તમારે સફળતા પાછળ નહીં ભાગવું પડે. અને તમે જે કંઈ કરવા માગો તેમાં તમારું પેશન હોવું જોઈએ એટલે કે એક પ્રકારનું ગાંડપણ હોવું જોઈએ. ત્યારે તમે જે ઇચ્છતા હોવ તે મળી રહેશે. આજે લાખો-કરોડો યુવાનો ડીગ્રીઓ લઈને બહાર નીકળે છે અને છેવટે તે ડીગ્રી એટલે કે તેઓ જે કંઈ ભણ્યા હોય તેનાથી વિપરીત જ ફિલ્ડમાં નોકરી કરવા લાગે છે. આ બાબત ભારતના એન્જિનિયર્સને ખાસ લાગું પડે છે. તેઓ જે કંઈ પણ ભણ્યા છે તેમાંનું કશું જ ઉપયોગમાં ન આવે તેવી નોકરીઓ તેઓ કરી રહ્યા છે.


જોકે આ એક સામાન્ય યુવાન વર્ગની વાત છે પણ એક વર્ગ એવો છે જેમાં ખુબ જ ઓછા યુવાનોનો સમાવેશ થાય છે. આ લોકો ડીગ્રી લઈને નોકરી કરવાનું પસંદ નથી કરતા પણ પોતે જે કંઈ પણ પોતાના અભ્યાસ દરમિયાન શિખ્યા હોય તેનો એક સ્ટાર્ટ-અપ શરૂ કરવા પાછળ ઉપયોગ કરે છે. તેઓ પોતે જ પોતાના માલિક બનવાનું નક્કી કરે છે અને તેમાં સફળ પણ થઈ રહ્યા છે.

આજની આપણી પોસ્ટ એવા જ એક યુવાનની છે જેણે વિદેશની નોકરી છોડીને ભારત આવી પોતાનું ઘરે-ઘરે સામાન પહોંચાડવાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું અને તેમાં અપાર સફળતા મેળવી છે. અહીં વાત થઈ રહી છે ગ્રોફર્સ ડોટ કોમના ફાઉન્ડર અલબિંદર ઢીંઢસા. અલબિંદર પંજાબી છે. તેઓ પતિયાલા શહેરના એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે. તેમણે પોતાનો શાળા સુધીનો અભ્યાસ પંજાબમાં જ કર્યો અને ત્યાર બાદ તેમણે દીલ્લી આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવ્યા બાદ તેમણે સીધી જ અમેરિકાની યુઆરએસ કોર્પોરેશનમાં ટ્રાંસપોર્ટશન એનાલિસ્ટની જોબ મેળવી લીધી. સાથે સાથે તેમણે યુએસમાં જ એમબીએની ડીગ્રી પણ મેળવી લીધી.

હાઇ સેલેરી હોવા છતાં પણ તેમણે છેવટે યુ.એસની જોબ પડતી મૂકી અને પોતાના વતને પાછા ફર્યા. તેઓ ભારત આવી ગયા અને તેમણે ઝોમેટો વેબસાઇટ સાથે પોતાની ભારતીય કેરિયરની શરૂઆત કરી. અલબિંદરનો જીવ ક્યારેય નોકરીનો હતો જ નહીં તે હંમેશા પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હતા. ભારત આવી નોકરીની સાથે સાથે સતત તેમના મગજમાં નવા સ્ટાર્ટઅપ્સના આઇડીયાઝ ઘૂમ્યા કરતા હતા. તેમને અમેરિકામાં રહી નોકરી કરી હોવાથી તેમને અમેરિકન ઓનલાઇન બિઝનેસીસની ઘણી જાણકારી હતી. તે વખતે તેમણે જોયું કે ત્યાંની જે ડિલીવરી ઇન્ડસ્ટ્રી હતી તેમાં એક મોટી ખીણ હતી. તેમણે જોયું કે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચેનો જે લેવા-દેવાનો વ્યવહાર હતો તે ખુબ જ ગુંચવણભર્યો અને અસ્તવ્યસ્ત હતો. તેમને ભારતમાં આ ધંધા માટે ખુબ જ શક્યતાઓ જોવા મળી.

તેમણે પોતાનો આ આઇડિયા પોતાના મિત્ર સૌરભ કુમાર સાથે શેયર કર્યો. બન્નેએ ખુબ ચર્ચા કરી અને સંશોધન પણ કર્યા અને તેમને ખ્યાલ આવ્યો કે આ એક સારો બિઝનેસ આઇડિયા છે. તેમને સંશોધન દ્વારા જાણવા મળ્યું કે આસપાસની દવાની દુકાનોવાળા પોતાની દુકાનના બેથી-ચાર કિલોમીટરના વિસ્તારમાં રોજની લગભગ 40-50 હોમ ડિલીવરી કરે છે.

હવે તેમના ઇરાદાઓ મજબૂત થઈ ગયા હતા. તેમને હાજર ડિલિવરી સિસ્ટમમાં કેટલીક ખામીઓ જોવા મળી. તેમણે તરત જ આ ખામીઓનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું. તેમણે તરત જ એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું નક્કી કર્યું જેમાં રીટેઇલરની સાથે સાથે ગ્રાહકને પણ ફાયદો થાય અને બજાર અને ગ્રાહક વચ્ચેના અંતરને પણ દૂર કરી શકાય.

તેમણે પોતાના ઘરની આસપાસના વિસ્તારોની દવાની દુકાનો, કરિયાણાની દુકાનો, રેસ્ટોરન્ટ વિગેરેથી ગ્રાહકો માટે ઓન-ડિમાંડ પિક-અપ અને ડ્રોપ સર્વિસ પુરી પાડવાની શરૂઆત કરી. થોડા મહિનાના પ્રાયોગિક સમયગાળામાં તેમને જાણવા મળ્યું કે તેમની સર્વિસીસમાં લગભગ 90 ટકા ભાગ કરિયાણા તેમજ દવાની દુકાનોવાળાનો છે. ત્યાર બાદ તેમણે માત્ર દવાઓ તેમજ કરિયાણાની વસ્તુઓ પર જ કેન્દ્રીત થવાનું નક્કી કર્યું. તેમણે હવે પોતાના માળખામાં ફેરફાર કર્યો અને કંપનીને નવેસરથી શરૂ કરી જેનું નામ આપવામાં આવ્યું ગ્રોફર્સ. આ પહેલા કંપનીનું નામ રાખવામાં આવ્યું હતું ‘વન નંબર’.

તમણે તરત જ ગ્રોફર્સ માટે એક નવી જ વેબસાઇટ તૈયાર કરી અને સાથે સાથે ગ્રાહકોને સરળતા રહે તે માટે તેની એપ્લીકેશન પણ ઉપલબ્ધ કરાવી. હવે ગ્રાહકો સરળતાથી ઓનલાઇન આ સેવા મેળવી શકતા હતા. આ સ્ટાર્ટ-અપને ચેન્નઈ, દિલ્લી, કોલકાતા જેવા મોટા શહેરોમાં ખુબ જ સફળતા મળી. ધીમે ધીમે ગ્રોફર્સ ડોટ કોમ દરરોજ 20000 ગ્રાહકોને હોમ ડિલીવરી સેવા આપતી વિશાળ કંપની બની ગઈ.

આજે ગ્રોફર્સ ડોટ કોમ સેંકડો લોકોને રોજગાર પુરો પાડે છે. આ કંપનીની માર્કેટ વેલ્યુ 100 કરોડ છે. ઉપરના ઉદાહરણ પરથી આપણે એ સમજી શકીએ છીએ કે જો તમારો આડિયા ઉત્તમ હોય તો તમે અપાર સફળતા પ્રાપ્ત કરી શકો છો. તમારે માત્ર યોગ્ય દિશામાં વિચારવાની જ જરૂર છે. અને જાણે દુનિયા તમારી મુઠ્ઠીમાં સમજી લો.