ગ્રીલ્ડ વેજિટેબલ્સ – રેસ્ટોરન્ટ માં મળતા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા ગ્રીલ્ડ વેજિટેબલ હવે બનાવો તમારી જાતે…

આજકાલ બધા હેલ્ધી ફૂડ માટે નો આગ્રહ રાખે છે. આજે હું કંઈક એવી જ રેસિપી લાવી છું જે રોજિંદા ઉપયોગ માં લેશો તો ચોક્કસ થી સ્વાસ્થ્ય ને ફાયદો જ થશે. રેસ્ટોરન્ટ માં મળતા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા ગ્રીલ્ડ વેજિટેબલ હવે ખૂબ જ સરળતા થી ઘરે બનાવો અને એની મજા માણો..

જો શાક ને બહુ રાંધવામાં આવે તો મોટાભાગના વિટામિન્સ અને બીજા પોષક તત્વો નાશ પામે છે . આપણે રોજિંદા બનાવવામાં આવતા શાક માં પણ મોટા ભાગે એવું જ બને છે. ગ્રીલ્ડ વેજિટેબલ્સ ની ખાસિયત એ છે કે તમે જો ડાયેટ ફૂડ ખાતા હશો તો બેસ્ટ છે આ વેજિટેબલ્સ જે તમારા એક સમય ના ભોજનનું સ્થાન લઇ શકશે.

મારા ઘરે અઠવાડિયામાં એકવાર ચોક્કસ થી ગ્રીલ્ડ વેજિટેબલ્સ બને છે. એકવાર જરૂર થી ટ્રાય કરવા જેવી આ રેસીપી છે જે બાળકો ને પણ બહુ ભાવશે.

સામગ્રી:-

200 ગ્રામ પનીર (મેં ટોફુ જે સોયાબીન ના દૂધ માંથી બને છે એ લીધું છે)

8-10 નંગ ફણસી

1 નંગ ગાજર

1 નંગ ડુંગળી

1 નંગ કેપ્સિકમ

1/2 કપ બાફેલા મકાઈ ના દાણા

1 નંગ ટામેટું

1/2 લીંબુ

2 ચમચી તેલ( મેં ઓલિવે ઓઇલ લીધું છે)

2 ચમચી લસણ અને લાલ મરચાં ની ચટણી

4-5 લસણ ની કળી સમારેલી

1/2 ચમચી મરી નો ભુકો

1/2 ચમચી મિક્સ હર્બ્સ

મીઠું સ્વાદાનુસાર

રીત:-


સૌ પ્રથમ બધા શાક ધોઈ ને સાફ કરી લો. હવે ફોટો માં દેખાડ્યા મુજબ બધા કાપી લો. પનીર ના પણ ક્યુબ કરી ને તૈયાર રાખો.


એક નાના બાઉલ માં તેલ, લસણ , મરી નો ભુકો અને મિક્સ હર્બ્સ ઉમેરી ને બરાબર મિક્સ કરો.


હવે નોનસ્ટિક પેન કે ગ્રીલ્ડ પેન લો. તેને ગરમ કરો હવે તેમાં અડધી ચમચી તેલ નું મિશ્રણ ઉમેરો અને પછી પનીર ના ક્યુબ ઉમેરી ને તેજ આંચ પર 1-2 મિનિટ સાંતળો. હવે મીઠું અને થોડી લસણ ની ચટણી ભભરાવી ને ફરી થી 1 મિનિટ જેટલું સાંતળો અને એક બાઉલ માં નીકાળી લો.

હવે પેન ને પાણી થી સાફ કરો અને ફરી થી ગરમ કરવા મુકો . ગરમ થાય એટલે તેલ વાળું મિશ્રણ ઉમેરો. પછી ફણસી , ગાજર અને મકાઈ ના દાણાં ઉમેરી ને તેજ આંચ પર 1-2 મિનિટ સાંતળો. હવે મીઠું અને થોડી લસણ ની ચટણી ઉમેરી ને ફરીથી 1 મિનિટ જેટલું સાંતળી ને પનીર વાળા બાઉલ માં નીકાળી લો. હવે આ જ રીતે ડુંગળી અને કેપ્સિકમ અને ટામેટાં ની સ્લાઈસ ને સાંતળી લો.


ટામેટાં ની સ્લાઈસ સિવાય ના બધા ગ્રીલ્ડ વેજિટેબલ ને બાઉલ માં લો અને લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરી લો. અને ગ્રીન ચટણી, સોસ કે મેયોનીઝ સાથે ગરમાગરમ સર્વ કરો.


નોંધ:-

શાક ને માત્ર સાંતળવાનું છે. બહુ વધુ ના રાંધો. એ ખાવામાં ક્રન્ચી લાગવા જોઈએ. મેં પનીર , ગાજર- ફણસી-કોર્ન અને ડુંગળી- કેપ્સિકમ અલગ અલગ એટલે સાંતળી ને રાખ્યા કેમકે ગાજર, ફણસી અને કોર્ન માં પાણી નું પ્રમાણ નહિવત હોય અને ડુંગળી – કેપ્સિકમ માં ઘણો પાણી નો ભાગ હોય એટલે તેમનો કુક કરવાનો સમય સરખો જ હોય… જો બધું જોડે સાંતળો તો તે ક્રન્ચી એક સરખા નહીં બને..

તમે ઈચ્છો તો ઉપર થી વધુ મીક્સ હર્બ્સ કે મારી નો ભુકો નાખી શકો. તમે ઇચ્છો તો ઝૂકિની, બેબી કોર્ન , ફ્લાવર અને રીંગણ જેવા શાક પણ ઉમેરી ને આ જ રીતે બનાવી શકો છો. લસણ ની ચટણી માં મેં લસણ ,લાલ મરચાં પલાળેલા , લાલ મરચું અને મીઠું ઉમેરી ને બનાવી છે.

તમે ઇચ્છા અનુસાર મસાલો કરી શકો છો. ગ્રીલ્ડ વેજિટેબલ્સ માં મીઠું અને બીજા મસાલા ઓછા જ હોય છે. આ વેજિટેબલ્સ માં સોયા સોસ પણ ઉમેરી શકાય.. તમે આ વેજિટેબલ સાથે દહીં અને લીલી ચટણી મિક્સ કરી ને બનાવેલું ડીપ પણ સર્વ કરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી