“રજવાડી ગ્રીન ઉંધીયું” – આજે જ બનાવો અને ઉતરાયણ પેહલા જ ટેસ્ટ કરી લો…

“રજવાડી ગ્રીન ઉંધીયું”

સામગ્રી:

– સુરતી પાપડી બસો ગ્રામ,
– તુવેરનાં દાણા સો ગ્રામ,
– વટાણા સો ગ્રામ,
– વાલનાં દાણા પચાસ ગ્રામ,
– બટાકા બસો ગ્રામ,
– શક્કરીયા બસો ગ્રામ,
– રતાળુ પચાસ ગ્રામ,
– રીંગણ પચાસ ગ્રામ,
– ટામેટાં પચાસ ગ્રામ,
– જામફળ સો ગ્રામ,
– મેથીની ભાજી સો ગ્રામ,
– કાચું કેળુ એક નંગ,
– લીલું લસણ પચાસ ગ્રામ,
– કોથમીર બસો ગ્રામ,
– મરચાં પાંચ નંગ,
– આદુ એક કટકો,
– લીંબુ લીંબુ નંગ,
– લીલા કોપરાનું છીણ સો ગ્રામ,
– તલ ચાર ચમચી,
– અજમો બે ચમચી,
– ગરમ મસાલો ચાર ચમચી,
– મીઠું સ્વાદ પ્રમાણે,
– તેલ બસો ગ્રામ,
– ખાંડ બે ચમચી,
– વરિયાળી એક ચમચી,
– હીંગ એક ચમચી,
– લાલ મરચું બે ચમચી,
– શીંગદાણાનો ભુકો પચીસ ગ્રામ,
– વાટેલું જીરૂ બે ચમચી,
– ચણાનો લોટ પચાસ ગ્રામ,
– ઘઉંનો કકરો લોટ પચીસ ગ્રામ,
– મેંદો પચાસ ગ્રામ,
– સોજી પચાસ ગ્રામ,
– કોપરાનું છીણ પચીસ ગ્રામ,
– ઝીણી સેવ સો ગ્રામ.

રીત:

સૌપ્રથમ સોજી અને મેંદો ભેગા કરી તેમાં મોણ અને મીઠું નાંખી લોટ બાંધો અને પછી તેના મોલ્ડ તૈયાર કરી તેને તળી લો. તુવેર અને વાલનાં દાણા જરા તેલ અને પાણી નાંખી બાફી લો.

રતાળુને ઝીણા ઝીણા કટકા કરી તળી લેવા તેની ઉપર સંચળ ચાટ મસાલો અને મીઠું નાંખી દો પછી તપેલામાં પાણી મૂકી રીંગ મૂકો તેની ઉપર ચાળણી મૂકો, તેની ઉપર સફેદ કાપડ પાથરી તેમાં બટાકા, શક્કરિયાનાં કટકા, વટાણા, સુરતી પાપડી મૂકી કાપડનો કકડો બંધ કરી બાફી દો પછી ચણાનો લોટ, ઘઉંનો કકરો, લોટ, મેથીની ભાજી, લીલાં મરચાંની પેસ્ટ, કોથમીર એક ચમચી, ખાંડ, લીંબુનો રસ, મોણ નાંખી કણક બાંધી એકદમ નાનાં નાનાં બોલ બનાવી તળી દો.

રીંગણનાં મોટા કટકાં કરો પછી તાંસળામાં તેલ મૂકો, તેમાં અજમો નાંખો. અજમો તતડી જાય એટલે તેમાં હીંગ નાંખો તેમાં રીંગણન કટકા નાંખો પછી દસ મિનિટ સિજાવા દો. પછી તેમાં બટાકા, શક્કરીયા, વટાણા, તુવેરનાં દાણા, વાલના દાણા અને સુરતી પાપડી અને લસણ-મરચાંની પેસ્ટ નાંખો. વાટેલા શીંગદાણા અને વરિયાળી અને કોપરાનું છીણ નાંખો.

સ્વાદ પ્રમાણે મીઠું નાખો, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ, લાલ મરચું નાંખી બધું હલાવી લો પછી તેમાં જામફળનાં કટકા, ટામેટાંના કટકા, કેળાંના કટકા નંખી બધું હલાવી દો. દસ મિનિટ સુધી તેને થવા દો પછી ગેસ બંધ કરી દો. ઉપર કોથમીર અને લીલા કોપરાનું છીણ નાંખી હલાવી દો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી