ગ્રીન મસાલા છોલે અને ભટુરે -છોલે ભટુરેનું એક નવું જ વર્ઝન, બહાર હોટલ કરતા પણ ટેસ્ટી…

પંજાબી છોલે અને ભટુરે બધા બનાવતા જ હોય છે. જો તમે છોલે ના એક જ સ્વાદ થી કંટાળ્યા હોય કે કંઈક નવું ખૂબ જ ટેસ્ટી ટ્રાય કરવું હોય તો આજે હું ગ્રીન ગ્રેવી માં બનાવેલા ખૂબ જ ટેસ્ટી એવા ગ્રીન મસાલા છોલે અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ભટુરે ની રેસિપી લાવી છું..

શું તમે ક્યારેય આવા છોલે ટ્રાય કર્યા છે? ના?? તો આજે જ બનાવો અને ઘર ના બધા સભ્યો ને ખુશ કરી દો.

છોલે બનાવવા માટે ની સામગ્રી:-

1 કપ કાબુલી ચણા

1 તજ પત્તા

1 બાદીયા ના ફૂલ

મીઠું સ્વાદાનુસાર

પાણી બાફવા માટે

વઘાર કરવા માટે

2 ચમચી તેલ

1/4 ચમચી જીરું

ચપટી હિંગ અને હળદર

1 કાપેલી ડુંગળી

5-7 લસણ ની કળી

1 નાનો કટકો આદુ

1 કપ કોથમીર

2-3 લીલાં તીખા મરચાં

1 લીંબુ નો રસ

10-15 ફુદીના ના પાન

1 ચમચી એવરેસ્ટ છોલે મસાલો

ચપટી ગરમ મસાલો

1/2 ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદાનુસાર

રીત:-

સૌ પ્રથમ આગલી રાતે કાબુલી ચણા 2-3 વાર પાણી થી ધોઇ ને નવશેકા પાણી માં આખી રાત પલાળી રાખો.(6-8 કલાક) હવે બીજા દિવસે સવારે એકવાર પાણી થઈ ધોઈ ને કુકર માં પાણી, મીઠું,તજપત્તા, બાદીયા ના ફૂલ ઉમેરી ને 4-5 સીટી થાય ત્યાં સુધી કે ચણા બરાબર ન બફાય જાય ત્યાં સુધી બાફી લો. ચણા બાફયા હોય તેનું પાણી રહેવા દો.


હવે એક મિક્સર બાઉલ માં લસણ , ડુંગળી અને આદુ ઉમેરી ને ક્રશ કરી લો. આ પેસ્ટ ને બીજા બાઉલ માં નીકાળી લો. હવે મિક્સર બાઉલ માં કોથમીર, ફુદીનો , લીંબુ અને મીઠું ઉમેરી ને ગ્રીન પેસ્ટ તૈયાર કરી લો.


હવે એક કડાઈ માં તેલ મુકો. તેમાં જીરુ, હળદર અને હિંગ થાય એટલે ડુંગળી- લસણ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો. બરાબર સાંતળી લો પછી તેમાં ગ્રીન પેસ્ટ , છોલે મસાલો, ધાણાજીરું ઉમેરો હવે 1-2 મિનિટ તેજ આંચ પર સાંતળી ને બાફેલા કાબુલી ચણા ઉમેરો. ચણા નું બાફેલુ પાણી પણ તમારે જોઈતી ગ્રેવી મુજબ ઉમેરો. બધું બરાબર થવા દો .

બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.કોથનીર થી ગાર્નિશ કરીને ભટુરે જોડે સર્વ કરો.


હવે આપણે બહાર રેસ્ટોરન્ટ જેવા જ ભટુરે ની રેસિપી જોઈશું. એ પણ ઘઉં ના લોટ માંથી બનાવેલા. તો હવે છોલે જોડે પુરી ના બનાવતા સ્વાદિષ્ટ ભટુરે જ બનાવજો.

ભટુરે માટેની સામગ્રી :-

2 કપ ઘઉં નો લોટ

1/2 ચમચી ખાંડ

1/2 ચમચી બેકિંગ પાવડર

2 ચમચા ઘટ્ટ દહીં

2 ચમચી તેલ

મીઠું સ્વાદાનુસાર

હુંફાળું પાણી કણક બાંધવા

(2 ચમચી રવો પણ ઉમેરી શકાય)

રીત:-


સૌ પ્રથમ ઘઉં ના લોટ ને એક બાઉલ માં લો. તેમાં વચ્ચે ખાડા જેવું કરો અને હવે તેમાં ખાંડ , મીઠું, દહીં ,બેકિંગ પાવડર અને તેલ ઉમેરી ને બધું ચમચી થી મિક્સ કરો જેથી એ સક્રિય થઈ જાય. હવે લોટ માં બધું મિક્સ કરી લો. હુંફાળા પાણી ની મદદ થી લોટ માંથી મધ્યમ સોફ્ટ કણક તૈયાર કરો. ભીના કોટન કપડાં થી કણક ને 1-2 કલાક ઢાંકી ને રાખો.


હવે તેલ વાળા હાથ કરી ને લોટ મસળી લો. તેમાંથી એક સરખા ગુલ્લા કરી ને ગોળ જાડી રોટલી ની સાઈઝ ના ભટુરે વણી ને તૈયાર કરો.


(તમને ગમતાં આકાર માં પણ વણી શકો છો). ગરમ તેલ માં આ ભટુરે મધ્યમ આંચ પર બંને બાજુ ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી ને પેપર નેપકિન પર નીકાળી લો.


હવે આ ગરમાગરમ ભટુરે ને ગ્રીન મસાલા છોલે ,સલાડ, અથાણાં જોડે સર્વ કરો. આ ભટુરે કોઈ પણ પંજાબી શાક જોડે પણ સરસ લાગે છે.

નોંધ:-

તમે કોથમીર-ફુદીના ની બદલે પાલક ની પેસ્ટ પણ ઉમેરી શકો છો. એ પણ એટલા ટેસ્ટી જ લાગશે.

કોથમીર , મરચાં અને ફુદીના ને ક્રશ કરવામાં મીઠું અને લીંબુ ઉમેરો જેથી એનો ગ્રીન કલર એવો જ રહે..

છોલે માં મીઠું ધ્યાન થઈ ઉમેરો કેમકે આપણે બાફવામાં પણ મીઠું ઉમેર્યું છે.

ભટુરે ગરમ ગરમ બનાવી ને સર્વ કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ