ગ્રાહક સુરક્ષા – દરેક સામાન્ય જનતાને આ વિષય પર દરેક માહિતી હોવી જ જોઈએ…

ગ્રાહક સુરક્ષા

યુનાઈટેડ નેશન્સનાં ઠરાવ ઉપરથી ભારતમાં ૨૪ ડીસેમ્બર ૧૯૮૬ નાં રોજ આ કાયદો અમલમાં આવેલો છે. જે અર્ધ ન્યાયીક પ્રકારનો છે અને આ કાયદા નીચે સ્વતંત્ર કોર્ટોની રચનાં ૧૯૯૦ની સાલમાં કરવામાં આવેલ છે જે હાઈકોર્ટનાં વહીવટ નીચે ન હોતા સરકારશ્રીનાં પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ નીચે કાર્ય કરે છે, પરંતુ સ્વાયત્ત છે.

૨ચના અને કાર્ય પધ્ધતી
આમા પ્રત્યેક જિલ્લા કક્ષાએ એક કોર્ટ હોય છે જેમાં રીટાયર્ડ ડીસ્ટ્રીકટ જજ તથા તેને મદદ કરવા માટે બે બીન સરકારી સભ્યો હોય છે એટલે કે, ઈગ્લીશ કાયદામાં જે જયુરી સીસ્ટમ હતી તેવી રચના છે આ બીન સરકારી સભ્યો વકીલાત, વ્યાપાર, વ્યવસાય કે સામાજીક કાર્ય વગેરેમાંથી કોઈ પણ ક્ષેત્ર નો ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા, ૩૫ વર્ષથી ઉપરની ઉમર ધરાવતા બીન રાજકીય વ્યકિત હોવા જરૂરી છે. અને, તેમાં પણ એક મહીલા સભ્ય હોવા ફરજીયાત છે. આ બંને સભ્યોની નીમણુક પ વર્ષ માટે કરવામાં આવે છે અને ફોરમ કોર્ટનાં પ્રત્યેક જજમેન્ટમાં પ્રમુખ અને બે સભ્યો પૈકી કોઈ પણ બે જજની સહી અનીવાર્ય છે.
કાર્ય પધ્ધતી

૧. આમા સી.પી.સી. તથા પુરાવાનો કાયદો બહુ કડક રીતે લાગુ પડતો નથી.
૨. સમરી પ્રોસીઝર છે.
૩. પુરાવાને બહુ મર્યાદીત તક છે. મોટા ભાગે પુરાવાનુંસોગંદનામુ લેવાય છે અને જરૂર જણાય તો જ મૌખિક પુરાવો લેવાય છે.
૪. ફરીયાદી પોતે, વકીલ કે માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ મારફત કેસ દાખલ થઈ શકે છે.

ફોરમ કોર્ટની મર્યાદા

આમા જિલ્લા કક્ષાએ રૂા. ૨૦ લાખ સુધીનાં અને સ્ટેટ કમીશનમાં રૂા. ૧ કરોડ સુધીનાં કેસો દાખલ થઈ શકે છે. જેની કોર્ટ ફી પણ ખુબજ સામાન્ય છે એટલે કે રૂા. ૧ લાખ માટે રૂા. ૧૦૦ થી શરૂ કરી મહતમ કોર્ટ ફી રૂા. પ૦૦/- છે. – જિલ્લા ફોરમનાં હુકમ સામેની પ્રથમ અપીલ અમદાવાદ સ્ટેટ કમીશનમાં અને બીજી અપીલ દિલ્હી નેશનલ કમીશનમાં થઈ શકે છે.

કેસ દાખલ કરવાની પધ્ધતી માં કોર્ટમાં દાખલ થતી દાવા અરજીનાં સ્વરૂપમાં જ તમામ અરજીઓ આપવાની રહેશે અને તેની સાથે સીપી.સી.નો જોગવાઈ મુજબ પક્ષકારોનું સરનામુ, વકીલપત્ર, દસ્તાવેજી પુરાવા લીસ્ટ તથા તેની સાથેનાં દસ્તાવેજો રજુ કરવાનાં રહેશે. કેસ દાખલ થયા પછી સામાવાળાને તેની નોટીસ બજાવવામાં આવશે અને ત્યારબાદ કેસ આગળ ચાલશે.

આ કાયદા મુજબ કેસ દાખલ થયાની તારીખથી ઓછામાં ઓછા ૯૦ દિવસ અને વધુમાં વધુ ૧પ૦ દિવસમાં કેસનો નિકાલ કરવાનો રહે છે.

કેસ દાખલ કરવા માટેની સમય મર્યાદા

ફરીયાદનું કારણ (કોઝ ઓફ એકશન) જ્યારથી ઉભુ થાય ત્યારથી બે (૨)વર્ષની સમય મર્યાદામાં કેસ દાખલ કરવાનો રહે છે. અને અપવાદ રૂપ સંજોગોમાં વિલંબ થયો હોય તો વિલંબ માફીની અરજી સાથે કેસ દાખલ કરી શકાય છે જે વિલંબનું કારણ કોર્ટને યોગ્ય લાગે તો ધ્યાને લઈ કેસ રજીસ્ટર્ડ કરે છે.

મુખ્યત્વે કઈ કઈ વસ્તુ અગર સેવા ખામીઓનો થયેલ સમાવેશ થાય?ડોકટરો, હોસ્પીટલો, તમામ આવશ્યક ચીજ વસ્તુઓ, વિમા કંપનીઓ, એલ.આઈ.સી., બેંક, ટ્રાન્સપોર્ટનાં સાધનો, આ ઉપરાંત વકીલો, બીલ્ડરો, વગેરે તમામ સેવાઓ કે જે પૈસાથી પુરી પાડવામાં આવતી હોય તેનો સમાવેશ કરવામાં આવેલો છે.

પરંતુ આમા બીન વ્યવસાયિક એટલે કે સેવાકીય મફત અપાતી સેવાઓનો સમાવેશ થતો નથી તથા કોમર્શીયલ એટલે કે ધંધાકીય વ્યવસાયોનો પણ સમાવેશ થતો નથી. આ ઉપરાંત આમા વસ્તુઓનાં વજન, ગુણવતા, જથ્થો, એકસપાઈરીડેઈટ, ગેરંટી તથા વોરંટી પીરીયડ, ફી તથા ફરજીયાત સર્વીસને પણ આવરી લેવામાં આવેલ છે.

આ કાયદાની જરૂરીયાત, મહત્વ તથા વિશિષ્ટતા

અત્યાર સુધી ગ્રાહકો માટે ફુડ એડલ્ટેશન, તોલમાપ, દવામાં ભેળસેળ વગેરેનાં જે કાયદાઓ હતાં તે માટેનાં ઈન્સ્પેકટરો જ આ અંગેની તપાસ કરી ને આવા ગુના જણાય તો ફરીયાદ કરતા હતાં ફરીયાદી કે ભોગ બનનાર વ્યકિત જાતે કોર્ટમાં જઈ ફરીયાદ કરી શકે નહી તેવી સ્થિતિ હતી તેનાં બદલે ભારતમાં પ્રથમવારવપરાશકાર પોતે વેપારી સામે સીધી ફરીયાદ કરી શકે તેવી સુવિધા અનેઅધિકાર તેને આ કાયદાથી આપવામાં આવેલ છે તે આ કાયદાની મોટામાં મોટી વિશિષ્ટતા છે.

“મહિલાઓ અને ગ્રાહક સુરક્ષાનો કાયદો “

આ વિષયનો અર્થ ”મહિલાઓ માટે કોઈ વિશિષ્ટ કાયદો કે વિશિષ્ટ જોગવાઈ” એવો નથી પરંતુ અત્યારની સામાજિક પરિસ્થિતિ મુજબ ઘરની અને કુટુંબની મોટા ભાગની ખરીદી સ્ત્રીઓ હસ્તક જ થતી હોય છે અને તે સંજોગોમાં સ્ત્રીઓ માટે આ કાયદાના જ્ઞાનનું મહત્વ અને ઉપયોગ ખુબ જ છે અને સ્ત્રીઓએ આ કાયદાનો મહત્તમ ઉપયોગ કરવો પણ જરૂરી છે જેથી છેતરપિંડી તથા અન્યાયથી બચી શકાય અને સામાન્ય જ્ઞાન અને સાવચેતીથી વસ્તુની ગુણવત્તા, માપ અને શ્રેષ્ઠ સેવાનો મહતમ લાભ મેળવી શકાય.
સ્ત્રીઓએ મુખ્યત્વે શું ધ્યાન રાખવું જોઈએ?

(૧) કોઈપણ વસ્તુની ખરીદીના સમયે પાકા બીલનો ચોકકસ આગ્રહ રાખી તે મેળવવુ અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું.

(૨) ખાસ કરીને ઈલેકટ્રોનીકસ આઈટમો તથા મોટી ખરીદીમાં બીલ ઉપરાંત ગેરેન્ટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ વગેરે ધ્યાન રાખીને ખાસ મેળવી લેવા અને તે યોગ્ય સાચવવા.

(૩) સોના ચાંદી જેવી મોટી ખરીદીમાં કોઈપણ પ્રકારના ટેક્ષ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બીલનો આગ્રહ રાખવો અને ધરમના કાંટામાં વજન કરાવી તે ચિઠ્ઠી પણ સાચવવી અને બીલમાં શુધ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહી તેની ચોકસાઈ કરવી અને સાચવવી આનાથી ભવિષ્યમાં ચોરી વગેરેના સંજોગોમાં પણ તે ઉપયોગી થાય છે.

(૪) ખાદ્ય પદાર્થોમાં પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, ઉત્પાદનની તારીખ, એકસપાયરી ડેટ, રીટેઈલ પ્રાઈઝ, ટેક્ષ, ઈનગ્રેડીયન્ટ વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચુકપણે ફરીયાદ કરવી.

(૫)દવાઓ પ્રીસ્ક્રીપ્સન સાથે ટેલી કરી લેવી અને કંપની ખાસ ચેક કરવી તથા ઉત્પાદનની તારીખ અને એકસપાયરી ડેટ વગેરે તપાસી લેવા. કારણ કે ઘણી વખત આઈડેન્ટીકલડ્રગના એકાદ કન્ટેનમાં ફેર હોય તો પણ તેનું રીએકશન આવી શકે છે.

(૬) કપડામાં કલર, વોશબીલીટી, સીલાઈ, જરી, ભરત વગેરે ચેક કરવા અને મોટી તથા મોંઘી આઈટમમાં અચુકપણે પાકા બીલનો આગ્રહ રાખવો.

(૭) એક ગ્રામ સોનાના દાગીના જેવી વાહિયાત અને બોગસ ખરીદીના મોહમાં આવી છેતરાવું નહી.

(૮) ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સેફટી બાબત ચકાસણી કરવી અને ગેસ વિતરણની અવ્યવસ્થા કે અન્યાય સામે રક્ષણ મેળવવુ.

(૯) બાળકોના ટયુશન કલાસમાં તમામ વિષયો ઉપર પુરતુ અને યોગ્ય ધ્યાન તથા ઓછી ગુણવત્તાવાળા ટીચીંગના સંજોગોમાં અન્ય એડમીશન અંગે સંચાલકને ચીમકી તથા ફી પાછી મેળવવાના અધિકાર અંગે જાગૃત રહેવું.

(૧૦) ગલીએ ગલીએ ફૂટી નીકળેલા ટેકનીકલ શિક્ષણના કોર્ષની માન્યતા વગેરે અંગે ખરાઈ કરવી.

(૧૧) વિમાના સંજોગોમાં પોલીસીની શરતો સમજી અસલ પોલીસી અચુક મેળવી લેવી.

(૧૨) સેલ, ભેંટ કુપન, ઈનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવુ નહી.

મહિલા સંસ્થાઓ ની જવાબદારી

અત્યારે મોટાભાગની મહિલા સંસ્થાઓનું કાર્યક્ષેત્ર ખુબ જ સીમીત થઈ ગયેલુ છે સ્ત્રીઓ પોતાના મનોરંજન માટે થોડો સમય બહાર નીકળી આનંદ મેળવે તે તેમનો અધિકાર છે પરંતુ અત્યારના સંજોગોમાં કે જયારે સ્ત્રીઓ ઉપર ઘરકામ ઉપરાંત અનેક વિશિષ્ટ જવાબદારીઓ આવેલી છે ત્યારે આવી સંસ્થાઓએ ગમ્મત સાથે જ્ઞાન રૂપે આવા ઘરેલું અને સમાજ ઉપયોગી કાયદાઓના જ્ઞાન અને ઉપયોગની માહિતીઓનું આદાન પ્રદાન કરવુ એ પણ આવી સંસ્થાઓની અને તેના સંચાલકોની પ્રાથમિક ફરજ બની રહે છે જે માટે નીચે પ્રમાણેની પ્રવૃતિઓનું આયોજન કરી શકાય.

(૧) આ અંગે અવારનવાર આ વિષય અંગેના નિષ્ણાંતોને આમંત્રીત કરી તેમની પાસેથી જ્ઞાન અને માહિતી મેળવી ચર્ચા અને પ્રશ્નોતરી યોજી શકાય.

(૨) મહિલાઓની ગ્રાહક સુરક્ષા મંડળી કે કન્ઝયુમર કલબની રચના કરી સરકારમાંથી મળતા લાભો મેળવી શકાય.

(૩) ગ્રાહક સુરક્ષા કોર્ટ, તોલમાપ અધિકારી, ફુડ ઈસ્પેકટર, સેનેટરી ઈન્સ્પેકટર, ડ્રગ ઈન્સ્પેકટર, જીલ્લા પુરવઠા અધિકારી વગેરેના નિયમિત સંપર્ક ધ્વારા આ અંગેના કાયદાઓથી માહિતગાર બની તેનો મહત્તમ ઉપયોગ કરી શકાય અને આવી ઓફીસો અને કોર્ટોની મુલાકાતો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકાય.

(૪) આ કાયદાના ટુંકી માહિતીવાળા પેમ્પલેટ વગેરે મેળવીને કે છપાવીને તેનું વિતરણ કરી શકાય અને તેની સાથે જ આવા તમામ સંલગ્ન અધિકારીઓના ફોન નંબરની ડીરેકટરી તૈયાર કરી આપી શકાય.

(૫)ભોગ બનેલી કોઈપણ બેનને આવા કેસોમાં સંસ્થાકીય લેવલે મદદ કરી સામુહિક લડત આપી શકાય અને વકીલોની મદદ તથા માર્ગદર્શન ધ્વારા પણ હૂંફ આપી શકાય.

(૬)દાગીના ધોવા આવનાર, ઘરઘરાઉ સામગ્રી વેચનાર વગેરેથી થતી છેતરપિંડીથી બચવા આ અંગેના અનુભવોનુ આદાન પ્રદાન કરી શકાય. સાવચેતીનાં અભાવે આવી શકતા ગંભીર પરિણામ | ખાસ કરીને દવા અને ખાદ્ય પદાર્થોમાં કવોલીટી કે એકસ પાયરી ડેટ મેઈન ટેઈન ન થવાથી ખુબ જ ગંભીર પરિણામો આવી શકે,

આ ઉપરાંત મોંઘી મોટી ખરીદીમાં છેતરાવાથી પણ સમગ્ર કુટુંબને ઘણુ આર્થિક નુકશાન થઈ શકે તથાખાસ કરીને ગંભીર માંદગીના કિસ્સામાં યોગ્ય રીતે બધા ટેસ્ટ, ટેસ્ટ ડોઝ, કેસ હીસ્ટ્રી, એકસ-રે વગેરે રીપોર્ટ, દવાના પ્રીસ્ક્રીપ્સન, બીલ, ડોકટરના બીલ વગેરે અંગે સાવચેતી ન રાખવાથી ગંભીર સ્થિતિ સર્જાય શકે. અત્યારના યુગમાં ખાસ કરીને મેડીકલ કેસમાં આપણે જે ડોકટર પાસેથી સેવા લઈએ છે તે વીમાથી બારક્ષીત છે કે કેમ તેની પૂર્વ માહિતી પણ ઘણી જરૂરી છે.

સરકાર માન્ય સંસ્થા
આ અંગેના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો કે ગ્રાહક પંચાયત પણ ઘણા મદદરૂપ થઈ શકે છે. તો પછી એટલે જ કદાચ બે સભ્યોમાંથી એક મહિલા સભ્ય ફરજિયાત રાખવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવેલી છે તે યોગ્ય જ છે કારણ કે, સામાન્ય સંજોગોમાં પણ વ્યવહારૂ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવામાં અને તેનો સામનો કરવામાં સ્ત્રીઓ વધારે સજજ અને પ્રેકટીકલ હોય છે તેવા આપણા અનુભવો છે અને તેથી જ છેક રાષ્ટ્રીય લેવલ સુધી આ કાયદામાં મહિલા સભ્યોને રાષ્ટ્રીય લેવલ સુધી ફરજિયાત રાખવાની જોગવાઈ છે. કારણ કે સાંપ્રત યુગમાં આવા સામાજિક કાયદાઓ અંગે સ્ત્રીઓમાં જેટલી વધારે જાગૃતતા આવશે તેટલી આ કાયદાઓની અસરકારકતા અને અમલવારી વધુ બની શકશે અને તે અંગે આધુનિક નારીની પોતાની પણ પ્રાથમીક ફરજ અને જવાબદારી છે જે તેણે નિભાવવી જ પડશે.

પેન્શનરો માટે ની વિશિષ્ઠ જોગવાઈ

પેન્શનરો માટેનાં તમામ બેનીફીટસ જેવાકે પેન્શન, ગ્રેગ્યુઈટી, પેન્શનરોનાં રોકાણ અંગે બેંક, પોષ્ટ ઓફીસ, વિમા કંપનીઓ, એલ.આઈ.સી., પ્રાઈવેટ વિમા કંપનીઓ, સહકારી મંડળીઓ સાથે ની તમામ તકરારો હકક અંગેની તથા ડોકટરી સારવાર, મેડીકલેઈમ, તમામ પ્રકારનાં વિમાઓને લગતી તકરારો અંગે આ કાયદા નીચે હકુમત મળે છે.

૧) પેન્શનર જે ખાતામાં હોય તે ખાતાના અધિકારી કે મુખ્ય ઓફીસ, કે જિલ્લાની ઓફીસ અગર એક કરતા વધુ પ્રતિવાદીઓ હોય તો તેમાંનાં એક જ જિલ્લામાં હોય તો તે જિલ્લા ફોરમ ને આવા તમામ પ્રકારનાં કેસચલાવવાની હકુમત મળે છે.
૨) પેન્શનરોનાં કેસમાં પેન્શનર વતી પેન્શનર એસોસીએશન અગર તો રજીસ્ટર્ડ મંડળ કે રજીસ્ટર્ડ ગ્રાહક હીત સુરક્ષા મંડળ ફરીયાદ દાખલ કરી શકે છે પરંતુ સહ વાદી તરીકે વ્યકિતગતપેન્શનરે જોડાવાનું રહે છે જયારે પ્રતિવાદી તરીકે જે તે ખાતાના વડા, સંસ્થાનાં વડા, સરકારશ્રી, પંચાયત તથા પેન્શન એન્ડ પ્રોવીડન્ડફંડનાં અધિકારીઓને જોડવાનાં રહેશે.

પેન્શનરને ફોરમ કોર્ટનાં વિશિષ્ઠ ફાયદાઓ

૧. સીનીયર સીટીઝન, નિવૃત વ્યકિતઓ, પેન્શનરની વિધવાઓ વગેરેનાં કેસો અગ્રીમ ધોરણે ચલાવવામાં આવેછે.

૨. સુપ્રિમ કોર્ટે પણ ઠરાવ્યું છે કે, પેન્શનનાં પૈસા કોઈ ખેરાત નથી પણ પેન્શનરોનો હકક છે જે સિધ્ધાંત ખુબ ધ્યાને લેવામાં આવે છે.

૩. આ ઉપરાંત વિમાનાં પ્રિમિયમ વગેરે ભરવાની જવાબદારી જે તે ખાતાની હોય તો તથા ફરજીયાત વિમા, ગૃપ વિમા ખાતામાંથી ૧૪, ૬ નાં રેશીયોથી કપાય છે અને આ વિમાની ૨કમ ન મળી હોય તો ફોરમ કોર્ટમાં કેસ દાખલ કરી શકાય છે આ ઉપરાંત આવુ પ્રિમીયમ ભરવામાં ખાતા એ ગફલત કે બેદરકારી કરી હોય તો ખાતાના અધિકારીઓ વ્યકિતગત જવાબદાર બને છે જે માટેનો કેસ લો પણ જાણીતો છે.

૪. જે તે ખાતુ પેન્શનની રકમ બેંકમાં જમા કરાવવામાં વિલંબ કરે અગર જમા ન કરાવે કે ખોટા ખાતામાં જમા કરાવે તેવા સંજોગોમાં તે ખાતા સામે પણ નામ. ફોરમ કોર્ટમાં આવી શકાય છે.

પ. આ ઉપરાંત બેલેન્સ હોવા છતાં બેંક, પોષ્ટ ઓફીસ વગેરે ચુકવણુ ન કરે કે ચેક પાસ ન કરે કે સ્ટેન્ડીંગ ઈન્ટ્રકશન ફોલો ન કરે તો પણ આવા તમામ ખાતાઓની સેવા ખામી સામે ફોરમ કોર્ટની હકુમત છે.

૬. આ ઉપરાંત ડોકટરી સારવારમાં ખામી, વિમાનાં વળતરમાં વિલંબ અગર ઈન્કાર, એલ.આઈ.સી.ની ડીપોઝીટો પરત કરવામાં વિલંબ અગર ઈન્કાર, મેડીકલેઈમોનાં લાભોમાં વિલંબ અગર ઈન્કાર વગેરે સેવા
ઉપર મુજબની ખામીઓ સામે જે તે વ્યકિતઓ કે ખાતાઓ સામે પણ ફોરમ કોર્ટને હકુમત મળે છે.
આ અંગે કેટલીક મહત્વની અને ઉપયોગી ઓથોરીટીઓ નીચે મુજબ છે.

(અ) ૨૦૦૦(૧) એસ.આર.જે. પાના નં.૪૧ ૬ (બ) સી.પી.આર. ૧૯૯૩(૩) પાના નં. ૩પ૦ (ક) સી.પી.જે. ૨૦૦૪(૪) પાના નં. ૨૭ (ડ) સી.પી.જે. ૨૦૦૫(૩) પાના નં. ૩૩૬ () સી.પી.જે. ૧૯૯૬(૧) પાના નં. ૩૭૦ (એફ) સી.પી.જે. ૨૦૦૪(૪) પાના નં. ૬૨૭

મિત્રો જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા મિત્રો સાથે પણ અચૂક શેર કરજો, બીજાને મદદરૂપ થઇ શકશો.

લેખિકા, એડવોકેટ :હેમા શુક્લા, જુનાગઢ

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી