આજનો દિવસ – નવલકથાકાર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મદિવસ..

“જેણે નહીં જગતમાં પુરુષાર્થ સાધ્યો,

ઉચ્ચોચ્ચ જે પદ નહીં કદીએ જ પામ્યો.”

👉 જન્મ :-

૨૦ ઓક્ટોબર, ૧૮૫૫

નડિયાદ, ખેડા, ગુજરાત, ભારત

👉 અવસાન :-

૪ જાન્યુઆરી, ૧૯૦૭

મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત

👉 માતા :-

શિવકાશીબેન

👉 પિતા :-

માધવરામ

👉 પત્ની :

હરિલક્ષ્મી – ૧૮૬૬ ,

લલિતાગૌરી – ૧૮૭૬

👉 સંતાન :-
પુત્રી – લીલાવતી , જશવંતી

પુત્ર – રમણીયરામ

👉 જીવન પ્રસંગ

image source

૧) સાચો દિકરો

ગોવર્ધનરામ ત્રિપાઠી જન્મથી જ તે અતિ દુબળા અને માંદલા રહેતા. આ માંદલા બાળકને લીધે માતા શિવકાશી ચિંતિત રહેતી. આ કારણે એકવાર પોતાની જ્ઞાતિના એટલી જ ઉમરના હૃષ્ટપુષ્ટ-સુંદર છોકરાને જોઇને એની સાથે ગોવર્ધનની અદલાબદલી કરવાની ઈચ્છા તેમની માતાને થઇ આવી, પણ પેલા તંદુરસ્ત બાળકની મા એ માટે તૈયાર ના થઇ એટલે પછી ગોવર્ધનરામને પોતાની મા શિવકાશી પાસે જ રહેવું પડ્યું અને ગોવર્ધનરામની કીર્તિ ચોમેર ફેલાઈ ગઈ ત્યારે મા હરખ કરતી ત્યારે ગોવર્ધનરામ બનાવટી રીસથી મજાક કરતા કે, ‘હું તો તારો દીકરો નથી ને? તારો દીકરો તો ……..છે.’

૨) મેટ્રિક ની પરીક્ષા

તે વખતે મેટ્રિકની પરીક્ષામાં સંસ્કૃતની પરીક્ષા લિખિત અને મૌખિક લેવાતી હતી. સંસ્કૃતનું સાહિત્ય એમણે સારું વાચ્યું હતું. પણ વ્યાકરણ કાચું રહી ગયું હતું. તેથી લિખિત પરીક્ષામાં વ્યાકરણ ના સવાલો ના જવાબ લખી શક્યા નહી. પછી મૌખિક પરીક્ષા શરૂ થઈ. રોજ થોડા છોકરાઓ તપાસાય છે. તેમનો વારો લગભગ મહિને આવ્યો. તે દરમ્યાન ઘણા ઉજાગરા કરીને સંસ્કૃત વ્યાકરણ પાકુ કર્યું. જ્યારે મૌખિક પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને ઓરડાની બહાર ઘણી રાહ જોવી પડી. ગોવર્ધનરામ તો આગલી રાતોના ઉજાગરા ને લીધે ત્યાં જ ઉંઘી ગયા. તે વખતે પ્રો. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પરીક્ષક હતા. ગોવર્ધનરામ નો વારો આવ્યો ત્યારે તેમણે “ત્રિપાઠી” કરીને ઓરડામાંથી બૂમ પાડી. એક બૂમ નિષ્ફળ ગઈ એટલે બીજી બૂમ પાડી. તોયે જવાબ ન મળ્યો. તેથી તેનું કારણ તપાસવા તે જાત્તે બહાર અવ્યા અને જુએ છે તો બાંકડા ઉપર એક વિધ્યાર્થી ઘસઘસાટ ઊંઘે! બીજા પરીક્ષકને આવે વખતે ચીડ ચડે તેને બદલે એમના મનમાં આશ્ચર્યં અને દયા ઉત્પન્ન થયા.તેમણે પરીક્ષાર્થીને ઢંઢોળી જાગ્રત કર્યા. ગોવર્ધનરામ ઝબકીને જુએ છે તો “પરીક્ષક સાહેબ” પોતે જ એમની પાસે ઊભેલા! ગભરાટ ની લાગણી હજીતો પૂરી શમી નથી, ત્યાં તો સાહેબે પૂછ્યું , “ત્રિપાઠી તમારું નામ કે ?”

‘જી , હા.’

કુતૂહલ થી ફરી પ્રશ્ન પુછાયો:”તમે ઊંઘતા હતા?

“ગોવર્ધનરામે શાંતિથી જવાબ દીધો, “સાહેબ, મને ઊજાગરો ઘણો હતો અને અહીં બેસી બહુ રહેવુ પડ્યુ,તેથી આંખ મળી ગઈ .”

વ્યાકરણ પાછળ ગોવર્ધનરામે આખો મહિનો ગાળ્યો હતો તેથી એમણે જે જે જવાબ આપ્યા તેથી ભાંડારકર ઘણા પ્રસન્ન થયા.

૩) દરિદ્રતા

‘સરસ્વતીચંદ્ર’ લખીને પોતે કોઈ ધાડ મારી છે એવું ગોવર્ધનરામ નહોતા માનતા. કોઈએ તેમને કહ્યું કે, ‘સરસ્વતીચંદ્ર’ અમર થવા સર્જાયેલી કૃતિ છે.’ ત્યારે તેમણે જવાબમાં જણાવ્યું હતું કે , ‘તો એ ગુજરાતી સાહિત્યની દરિદ્રતા હશે.’…. (આ નવલકથા વિશે એમણે એમ પણ કહેલું કે “હું તો ફક્ત નિબંધ લખવા માંગતો હતો…”)

👉 થોડું વધારે

ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ખેડા જિલ્લા ના નડીઆદ ના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા – બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. બહેનનું નામ સમર્થલક્ષ્મી. તેમણે છ વર્ષની ઉંમરે પ્રથમ કવિતા લખી હતી.

ગોવર્ધનરામ નું પ્રાથમિક શિક્ષણ મુંબઈ ની બુદ્ધિવર્ધક શાળા માં થયો હતો. પછી અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદ માં અને ચોથા ધોરણથી મુંબઇ ની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં કર્યો. ઈ.સ.૧૮૭૧ માં મેટ્રિક અને બી.એ. (બે ટ્રાઇલે) થયા. કૉલેજના અભ્યાસ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ઇ.સ.૧૮૭૫ માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ઇ.સ.૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડાણ માં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ઇ.સ.૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,

image source

૧. એલ.એલ.બી. થઈ મુંબઈ માં વકીલાત કરવી,

૨. ક્યારેય નોકરી કરવી નહિ,

૩. ચાળિસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.

અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહી, કારણ કે તેમનુ ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવૃત્ત હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.

સંસ્કૃત માટે પણ એમનો શોખ વધતો ગયો. ઇતિહાસના વિષય ઉપર પણ તેમની ખાસ પ્રીતિ હતી. કૉલેજકાળથી જ કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શરૂઆતમાં તેઓ ગુજરાતી કવિતાં કરતા સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ ધરાવતા હતા. વ્યાપક વિષયોમાં-ઊંડાણમાં જવાની તેમની જન્મજાત વૃત્તિ હતી.

ગોવર્ધનરામની ઊઘડતી જતી જ્વલંત કારકિર્દીની નિયતિને જાણે ઈર્ષ્યા આવતી હોય તેમ ઇ.સ. ૧૮૭૪ ના વર્ષમાં દુ:ખો અને વિટંબણાઓએ તેમની પર ઘા પર ઘા કરવા માંડ્યા. તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું અને તેમની બાળકી પણ માતાની પાછળ્ ચાલી નીકળી. એ જ વર્ષમાં પિતા માધવરામ ની પેઢી તૂટી. તેઓ બી.એ.માં નાપાસ થયા. આ સંકટપરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો માળો વેંચવો પડ્યો. પછી આખું કુટુંબ મુંબઈ થી નડિયાદ ગયું. ગોવર્ધનરામ કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈ માં જ રહ્યા. (ઇ.સ.૧૮૮૩ માં ચાર ટ્રાયલે એલ.એલ.બી. પુરુ કર્યું.) આવી આર્થિક આપત્તિઓને કારણે, ઇ.સ. ૧૮૭૯ થી ૧૮૮૩ સુધી એમને અનિચ્છાએ ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી સ્વીકારવી પડી હતી.

ઈ.સ.૧૮૮૩ના અંત ભાગ માં તેમણે ભાવનગર છોડ્યુ. ત્યારે દિવાનસાહેબે તેમને રૂ.૨૫૦/- ના પગાર થી ભાવનગરના ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી.આ ઉપરાંત જૂનાગઢના દીવાનસાહેબે રૂ.૩૦૦/- ની નોકરીની ઑફર કરી, પરંતુ હવે ગોવરધનરામને લાગ્યું કે પોતે સેવેલા સ્વપ્ન અને સિદ્ધાંતો પાળવાનો સમય આવી ગયો છે. એટલે નોકરી છોડીને સ્વતંત્ર વકીલાત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. ભાવનગર થી માત્ર પચાસ રૂપિયાની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી. વકીલાત સરસ ચાલવા માંડી. ઈ.સ.૧૮૮૪ થી ઈ.સ.૧૮૮૭ સુધીમાં તેમણે પોતાના પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું. ૪૦ વર્ષની વયે નિવૃત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવ્રુત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.

ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો. વીસ બાવીસની કાચી, યુવાન અને મુગ્ધ ઉંમરે જીવનનો નકશો ચીતરવો અને તેને નિશ્ચયપૂર્વક વળગી રહેવું, પ્રેક્ટિસ છોડીને સાહિત્યસર્જનમાં જીવન સમર્પણ કરવું -આ બધી વિરલ વાતો કહેવાય ,જે ગોવર્ધનરામે કરી બતાવી. ગોવર્ધનરામ નડિયાદ આવીને વસ્યા. તરત જ કચ્છ સંસ્થા ની તરફ થી દીવાનગીરીની રૂ.૧,૫૦૦/-ના પગાર ની નોકરીનો પ્રસ્તાવ આવ્યો જેનો તેમેણે મક્કમતાથી પણ આદરપૂર્વક અસ્વીકાર કર્યો.

ઈ.સ.૧૯૦૨માં તેઓ એમ.એ ના ગુજરાતી વિષયમાં પરીક્ષક નિમાયા. આ માટે મુંબઈ જતાં તેમને બે ઉત્તમ મિત્રરત્નો સાંપડ્યાં-પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર અને સાક્ષર કેશવહર્ષદ ધ્રુવ. ઈ.સ.૧૯૦૪માં નડિયાદ માં પ્લેગ ફાટી નીકળ્યો. તેમાં તેમનાં માતુશ્રીનું અવસાન થયુ. ગાઢ મિત્ર પ્રો. ત્રિભુવનદાસ ની વારંવાર માંગણીને કરણે તેઓ ઈ.સ.૧૯૦૫ માં કુટુંબ સાથે મુંબઈ જઈ વસ્યા. ગોવર્ધનરામ ગુજરાતી સાહિત્ય પરિષદના અને નડીયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીના પ્રથમ પ્રમુખ હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પણ સંબોધી હતી (૧૯૦૨). તેઓ 1905 માં “ગુજરાતી સાહિત્ય પરિષદ” ના પ્રથમ પ્રમુખ પણ બન્યા હતા . ૧૮૮૫ થી ૧૯૧૫ સુધીનો કાળ ગુજરાતી સાહિત્યમાં “ગોવર્ધન યુગ” તરીકે ઓળખાતો હતો.

ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. પશ્ચિમ આ વિસ્તીર્ણ સાહિત્યે તેમને વિચારક મનને આર્યસંસ્ક્રુતિનાં ઊંડાણો જોવા, સમજવા અને તુલનાત્મક દ્રષ્ટિથી તેનું મૂલ્ય આંકવા લલચાવ્યા. પરિણામે તેમની સર્વગ્રાહી તલસ્પર્શી મેઘાને એક નવું જ દર્શન લાવ્યું. એક નવી જ દિશા સાંપડી. આ નવી દિશા પૂર્વ અને પશ્ચિમના અંશોના સમન્વયની. તેમણે ઘણા બળો જોય હતા,અનુભવ્યાં હતાં. દેશના યુવાનો ઉપર તેમની મોહિની પથરાયેલી પણ તેમણે જોઈ હતી. પશ્ચિમી સુધારાનો એ વેગીલો પવન આર્યસંસ્ક્રુતિ મિટાવી દેવાની હોડ બકી હોય તેવો જોરશોરથી ફૂંકાઈ રહયો હતો. એ સમયે હિન્દુ સમાજને સુધારવાના શુભાશ્યથી દલપત-નર્મદ ભલે સાચા હોય તો પણ તેમણે માત્ર દોષો જ ગાયા હતા પણ, ગોવર્ધનરામની ગુણગ્રાહી દ્રષ્ટિને એ ન રુચ્યું. તેમણે આર્યસંસ્ક્રુતિનાં મૂલ્યોને ફરી પ્રસ્થાપિત કરવાનું મુનાસિબ માન્યું. તેમણે પૂર્વ-પશ્ચિમનાં શુભ બળોને ઉત્સાહથી આવકાર્યા અને બંને સંસ્કૃતિઓના પાવન સરિતાના સંગમનું ચિત્ર રચાયું. આવી વિચારસરણી-મનોમંથનનો પરિપાક તે ‘સરસ્વતીચંદ્ર’.

હરિલક્ષ્મી, તેમનાં પહેલીવારનાં પત્નીનું અકાળ મૃત્યુ થયું હતું. આ વિયોગના વિષાદમાંથી ઉદ્ભવેલું ‘સ્નેહમુદ્રા’ નામનું કાવ્ય લખવાનું ૧૮૭૭માં શરૂ થયું હતું, ૧૮૮૯માં પ્રકાશિત થયું. ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય ‘સ્નેહ મુદ્રા’ ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના હાથ માં લીધું, જે ઈ.સ.૧૮૮૯ માં પ્રગટ થયું, પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવૃત્તિ તો ‘સરસ્વતી ચંદ્ર’ ના પહેલા ભાગનો આરંભ થઈ ગયો હતો.

image source

ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો. (આ પ્રથમ ભાગની પ્રસ્તાવના શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ અંગ્રેજીમાં લખી હતી.) આ જ અરસામાં એક બીજી મહત્વ ની ઘટના બની. ગોવર્ધનરામે પોતાના નાના ભાઈ હરિરામપાસે પુસ્તક-પ્રકાશનની પેઢી એન.એન.ત્રિપાઠીના સ્થાપના કરાવી. જેણે આજે પણ એક પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા તરીકે ઊજળું નામ રાખ્યું છે. ઈ.સ.૧૮૯૨માં ‘સરસ્વતી ચંદ્ર’ નો બીજો ભાગ પ્રગટ થયો, ઈ.સ.૧૮૯૮ માં ત્રીજો ભાગ અને ઈ.સ.૧૯૦૧ માં ચોથો ભાગ પ્રગટ થયો હતો.

અલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી એ ફક્ત આ મહાનવલ લખી હોત તો પણ ગુજરાતી સાહિત્યમાં અમર થય ગયા હોત. પોતાના જીવનના ૫૧ વર્ષમાંથી ૧૫ વર્ષ આ નવલકથા પાછળ ખર્ચ્યા હતા. આ નવલકથા આજે પણ એટલી જ લોકપ્રિય છે. “સરસ્વતીચંદ્ર” ભાગ ૧ થી ૪ નવલકથા જગત કાદંબરી ગણાઈ છે. તેના છ ભાષાઓમાં અનુવાદ થયા, ૫૪ થી વધુ આવૃત્તિઓ છપાઈ, બે ફિલ્મો બની, ચાર નાટકો થયા અને સવાસો વર્ષ સુધીએ ગુજરાતી ભાષાની સૌથી વધુ વેચાતી નવલકથા રહી. તેમની હયાતીમાં પહેલી વખત સુરત રેલ્વે સ્ટેશન સામે ભજવાયેલા “સરસ્વતીચંદ્ર” નાટકને જોવા માટે એટલી ભીડ ઊમટેલી કે ત્યાંથી ખાસ સરસ્વતી સ્પેશલ ટ્રેન સુરત દોડાડવી પડેલી !

આ નવલકથા ચાર ખંડોમાં વહેંચાયેલી છે :-

સરસ્વતીચંદ્ર ભાગ ૧ – બુદ્ધિધનનો કારભાર

સરસ્વતીચંદ્ર ભાગ ૨ – ગુણસુંદરીનું કુટુંબજાળ

સરસ્વતીચંદ્ર ભાગ ૩ – રત્નનગરીનું રાજ્યતંત્ર

સરસ્વતીચંદ્ર ભાગ ૪ – સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ (પ્રથમ ભાગ ૧૮૮૭માં અને છેલ્લો ચોથો ભાગ ૧૯૦૨માં પ્રકાશિત થયો હતો.) સરસ્વતીચંદ્ર નવલકથાને ૧૯મી સદીનો ઐતિહાસિક દસ્તાવેજ પણ કહી શકાય.

image source

ઇ.સ.૧૯૬૮માં રજૂ થયેલું હિન્દી ચલચિત્ર સરસ્વતીચંદ્ર આ નવલકથા પર આધારિત હતું. (ગોવિંદ સરૈયાએ મનીષ અને નૂતનને લઈને ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મ બનાવી હતી, જેને બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ મ્યુિઝક ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.) ૨૦૧૩-૧૪માં સ્ટાર પ્લસ પર આ જ નામથી ટેલિવિઝન ધારાવાહિક પ્રસારિત થઇ હતી. (સંજય લીલા ભણસાલી)

મહાદેવ દેસાઈની ૨૫મી માર્ચ, ૧૯૩૨ની ડાયરીમાં ગાંધીજીએ ‘સરસ્વતીચંદ્ર’ વિશે આપેલા અભિપ્રાયની નોંધ છે. મહાત્મા ગાંધીજીએ નવલકથા વાંચીને કહ્યું હતું કે, ”પહેલા ભાગમાં એમણે પોતાની બધી જ કળા ઠાલવી દીધી છે. આ વાર્તા સૌંદર્યરસથી ભરપૂર છે. પાત્રાલેખન બેજોડ છે. બીજામાં હિંદુ સમાજ સરસ રીતે આલેખાયો છે, ત્રીજામાં એમની કળા વધુ ઊંડી ગઈ છે અને તેઓ વિશ્વને જે કંઈ આપવા માગતા હતા એ ચોથા ભાગમાં ઠાલવી દીધું છે.” ઉપરાંત પુત્ર હરિલાલના ગૃહત્યાગ માટે પણ સરસ્વતીચંદ્ર મહાનવલને જવાબદાર ઠેરવી હતી ! આનંદશંકર ધ્રુવે તો આ મહાનવલ ને “કળયુગનુ પુરાણ” નામ આપેલું. મનુભાઈ પંચોળી ‘દર્શક’એ કહ્યું હોય કે, ”ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક મહાત્મા ગાંધી અને બીજી આ નવલકથા.”

ગોવર્ધનરામ ત્રિપાઠી એ “સ્નેહમુદ્રા” અને “સરસ્વતીચંદ્ર” ઉપરાંત “લીલાવતી જીવનકલા”નામનો ચરિત્રગ્રંથ અને “સ્નેહમુદ્રા” કાવ્યસંગ્રહ જેવા ૧૧ પુસ્તકો અને ૯૦ થી વધુ લેખો લખ્યા છે. “સ્ક્રેપબુક” નામની અંગ્રેજીમાં, ચાર ભાગમાં લખાયેલી તેમની આત્મકથા જીવનની સાચી ફીલસુફીનો ખજાનો કહી શકાય.

શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી નું ૪જાન્યુઆરી, ૧૯૦૭ ના રોજ મૃત્યુ થયું હતું . ૨૭ એપ્રિલ, ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું.

મારા મિત્ર વલભીના મતે સરસ્વતીચંદ્ર એટલે

image source

૫૧વરસનાં જીવનમાં ૧૫ વરસ એક મહાનવલ લખવા પાછળ ખચઁનાર એવા ગો.ત્રિપાઠીને સલામ….

એક મસ્ત મીચોઁઁડ લવસ્ટોરી…….ત્યાગ….

હોશીયારી ….પ્રેમ……..૧૦૦થી વધુ પાત્રો…..

અને જેવા નામ તેવા ગુણ….૪ભાગ…૧૦૦૦થી વધારે પાનામાં ગોઠવાયેલી મહાનવલ…..

સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી વચ્ચેનો પ્રેમ તો એવો છે જાણે….ઠંડી કોફીમાં મસ્ત ક્રિમી આવરણ…આહા….

#ફિલ્મ_સરસ્વતીચંદ્ર…

અમારા વલભીપુરનાં રાજમહેલમાં આ ફિલ્મનાં અમુક દશ્યો શુટ થયા છે …..

પરંતુ….ફિલ્મનું ગીત ચંદન સા બદન ચંચલ…….

છેલ્લે એક શેર…..

પ્રેમમાં બસ આવરણ રચાય છે ….

પછી થોડી તું હરખાય છે થોડો હું હરખાવ છું….

👉 માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ