ગોઠલીનો મુખવાસ – આખું વર્ષ સ્ટોર કરી શકાય એવો કેરીના ગોઠલીનો મુખવાસ…

ગોઠલી નો મુખવાસ

કેરી ની સિઝન માં આપણે કેરી નો રસ કે કટકા કે ચૂસી ને ખાતા હોઈએ , છાલ અને ગોઠલા ધોઈ ને ફજેતા માં વાપરીએ . પણ પછી એ ગોઠલા નું આપ શુ કરો ?? મારી મમ્મી આ ગોઠલા માંથી ખૂબ જ સ્વાદિષ્ટ મુખવાસ બનાવે , જે આખું વર્ષ આપ ઉપયોગ માં લઇ શકો છો.

ગોઠલી ને બાફી એની સુકવણી કરવાની હોય છે , જેથી આપ આસાની થી આખું વર્ષ ઉપયોગ માં લઇ શકો છો. અને જ્યારે જરૂર પડે ત્યારે થોડા થોડા માં મસાલો ચડાવો અને આનંદ ઉઠાવો આ મસાલેદાર ગોઠલી ના મુખવાસ નો.

સામગ્રી :

• થોડા કેરી ના ગોઠલા

• મીઠું

• 1/2 ચમચી હળદર

• 1/2 અડધો વાડકો કેરી નું મીઠાવાળું પાણી અથવા અડધા લીંબુ નો રસ

• તળવા માટે તેલ

• જીરા નો ભૂકો

• હિંગાષ્ટક

• સંચળ

• ચાટ મસાલો

• હિંગ

• હળદર

રીત ::


વપરાય ગયેલા ગોઠલા ને સૌ પ્રથમ સદા પાણી માં ધોઈ લો. ત્યારબાદ આ ગોઠલા ને 7 થી 8 દિવસ સુધી તડકા માં સુકવો. ગોઠલા ને જમીન પર સીધા સુકવશો તો ચાલશે ..


ગોઠલા સુકાય જશે એટલે સફેદ કલર ના થઈ જશે. અમે જેમ જેમ કેરી વપરાતી જાય તેમ તેમ ગોઠલા સુકવતા જઈએ.. બધા ગોઠલા 7 થી 8 દિવસ સુધી સૂકવવા .


ગોઠલા બરાબર સુકાય જાય એટલે હથોડી કે દસ્તા ની મદદ થી ગોઠલા ને તોડો. ધ્યાન રહે અંદર ની ગોઠલી ભૂકો ના થઇ જાય. બને ત્યાં સુધી પેહલા કિનારી થી તોડો અને ગોઠલી આખી નીકાળવા ની ટ્રાય કરવી..


આ ગોઠલી ના ઉપર ના પડ કાઢી લેવા. હવે ગોઠલી ને પાણી માં પલાળો. દર 4 થી 5 કલાકે પાણી બદલી લેવું. સાથે જેટલું પડ નીકળે નીકળતા જાઓ.


આપ જોશો પાણી કાળા પડતા જશે. અને ગોઠલી ધીરે ધીરે સફેદ બનતી જશે.


પાણી બદલાવાની પ્રક્રિયા 4 થી 5 વાર કરો. ધ્યાન રહે ગોઠલી ના કાળા ડાઘા પડશે.


ત્યારબાદ ગોઠલી ને કુકર માં બાફવા માટે મુકો. એમાં થોડું કેરી નું પાણી , મીઠું અને હળદર ઉમેરો. ગોઠલી ડૂબે એટલું પાણી લો. ધીમી આંચ પર 3 થી 4 સીટી વગાડો.


ત્યારબાદ બફાયેલી ગોઠલી ને ચાયણી માં નિતારવા મુકો. 2 થી 3 કલાક માટે નિતારવા દો. આમ કરવા થી સમારતી વખતે ગોઠલી તૂટશે નહીં.

હવે એકદમ પાતળી ને લાંબી સુધારો. હળવે થી સુધારો નહીં તો બફાયેલી ગોઠલી નો ભૂકો થઈ જશે.


આ સમારેલી ગોઠલી ને એક કોટન ના કપડાં પર તડકે સુકવો.. આવા આકરા તડકા માં 2 દિવસ માં ગોઠલી સુકાય જશે.


ધ્યાન રહે ગોઠલી એકદમ સુકાય જ જવી જોઈએ. આ સુકવેલી ગોઠલી આપ આખું વર્ષ સ્ટોર કરી શકો છો. જયારે જોઈએ ત્યારે તળો / શેકો અને મસાલો ચડાવો.


ગોઠલી તળી ને અથવા શેકી ને બનાવી શકાય છે. તળી ને બનાવેલ વધુ પોચી અને સરસ બને છે . તેલ એકદમ ગરમ થાય ત્યારે જ તળવી.

ત્યાર બાદ આ ગોઠલી ને મોટા બાઉલ કે કડાય માં લઇ બધો મસાલો ઉમેરો.. એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો અને આનંદ ઉઠાવો આ સ્વાદિષ્ટ મુખવાસ નો . આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ