ગોઠલીનું ખમણ (મુખવાસ) – કેરીના ગોટલાઓ ફેંકી ન દેતા, બનાવો આ મુખવાસ આખું વર્ષ ચાલશે..

ગોઠલીનું ખમણ (મુખવાસ)

હલો મિત્રો કેરીની સીઝન તો બસ પૂરી થવામાં છે… કેરી તો બહુ ખાઈ લીધી પરંતુ તેના ગોઠલા ફેંકી તો નથી દીધા ને??

કેરીની ગોઠલીનો મુખવાસ ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ આ સરળ રીત થી બનાવશો તો વધારે સમય પણ નહિ લાગે.

કેરીની ગોઠલીનો મુખવાસ આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. તેથી તમે ચાહો તો વધારે પ્રમાણમાં જ બનાવી લેવો.

સામગ્રી:

  • કેરીના સુકા ગોઠલા,
  • મીઠું,
  • સંચળ,
  • પાણી(બાફવા),
  • ઘી અથવા તેલ,

રીત:

સૌપ્રથમ આપણે લઈશું કેરી ના ગોઠલા. જેને આપણે પાણી વડે ખુબ જ સારી રીતે ધોઈ અને તડકામાં સૂકવવા મૂકી દેવા. તેને સુકાતા ૪ થી ૫ દિવસનો સમય લાગશે.

ગોઠલા સુકાઈ ગયા બાદ તેને ઉભું પકડી અને દસ્તા વડે ભાંગી લેવા. અને ધ્યાન રાખવું કે અંદરની ગોઠલી તૂટી ના જાય.

એવી જ રીતે બધા જ ગોઠલામાંથી ગોઠલી ઓ કાઢી લેવી. અને નીકળે તેટલી તેની છાલ(ઉપરનું પળ) કાઢી લેવું.

ત્યારબાદ ગોઠલીઓને બાફવા મુકીશું. જેમાં બાફવામાં તેમાં ઉમેરીશું નમક અને જરૂર મુજબ પાણી. જેથી ગોઠલીઓ સરખી રીતે બફાઈ જાય તેમજ અંદર થી સારી રીતે ખારાશ પણ આવી જાય.

તમે ચાહો તો ગોઠલા સુકાઈ ગયા બાદ બધા જ ગોઠલા માંથી ગોઠલી કાઢવાના બદલે બીજી રીત છે બાફવાની જેમાં બધા જ ગોઠલાને ઉપર થી થોડા થોડા તોડી અને નમક ઉમેરી બાફવા મુકવા. જેથી ગોઠલા બફાઈ પણ જશે અને નમક પણ અંદર સુધી ઉતરી જશે.

હવે ગોઠલા બફાઈ ગયા છે. તેને બાફવા માટે એકાદ કલાક જેવો સમય લાગશે.

હવે તેને એક ચારણી માં કાઢી લેવા. જેથી તેનું બધું જ પાણી નીતરી જાય. અને તે સરસ ઠરી પણ જાય. ગોઠલી ઠરી ગયા બાદ તેની છાલ પણ સરળતા થી નીકળી જશે.

ત્યાર બાદ તેને ખમણી વડે ખમણી લેવું. તેમાં મોટા કાણા વાડી ખમણી નો જ ઉપયોગ કરવો. જીણી ખમણી હશે તો સુકાયા બાદ ખમણ નો ભુક્કો થઇ જશે.

બધું જ ખમણ ખમણી લીધા બાદ તેને ન્યૂસ-પેપરમાં અથવા કોટનના કપડામાં સૂકવવા માટે મૂકી દેવું. તેને તડકામાં સૂકવવાથી જલદીથી સુકાઈ જશે. તેને રોજ ૩-૪ દિવસ સુધી સૂકવવા મુકવું. ત્યાર બાદ તેને પ્લાસ્ટીકની કોથળીમાં ભરી અને પછી ડબ્બામાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. જેથી તેને ભેજ ના લાગે અને હવાઈ પણ ના જાય.

ત્યાર બાદ તેમાંથી જોઈએ એમ સેકી અને ઉપયોગ કરવો. શેકવા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો તેલ પણ લઇ શકો. ઘી ગરમ થયા બાદ તેમાં જરૂર મુજબ સંચળ ઉમેરીશું.

હવે તેમાં ગોઠલીનું સુકેલું ખમણ ઉમેરી ધીમી આંચ ઉપર ચમચા વડે ચલાવતા રેહવું. જેથી મુખવાસ બરાબર શેકાઈ જાય.

ત્યાર બાદ તેને મુખવાસ દાનીમાં ભરી સેર્વ કરો. આ મુખવાસ ખુબ જ સ્વદીસ્ટ બને છે તેમજ એક વખત બનાવી આખું વર્ષ સુધી તેનો આનંદ માંણી શકાય છે.

નોંધ:

· મુખવાસ બનાવવા માટે મેં ગોઠલાને ભાંગીને જે ગોઠલી મળે તેને બાફ્યા છે. તેને બીજી રીત થી કરવું હોય તો આખા ગોઠલાને પણ બાફવા મૂકી શકાય છે.

· બધો જ મુખવાસ એકીજોડે શેકવાની જરૂર નથી. થોડો થોડો જોઈએ એમ શેકીને ઉપયોગમાં લઇ શકાય છે.

· ગોઠલીઓ બાફવામાં નમક ઉમેર્યું છે. તમે ચાહો હોય હળદળ પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી