ગોપાલ નમકીન ધંધાની શરૂઆત કેવી રીતે થઈ અને તેને આટલી હદે વિકસાવવા પાછળ કેટલી છે માલિકની મહેનત વાંચો તમે પણ આ સકસેસ સ્ટોરીમાં

નાનકડા ઓરડામાંથી શરૂ કરેલો ફરસાણનો ધંધો આજે પહોંચ્યો છે સફળતાની બુલંદીઓ પર – ગોપાલ નમકીનની સક્સેસ સ્ટોરી

કોઈ પણ ધંધાની શરૂઆત ખૂબ જ નાનેથી થાય છે. બિલ ગેટ્સ કે પછી માર્ક ઝકરબર્ગે પણ પોતાના વ્યવસાયની શરૂઆત મકાનના ગેરેજમાંથી કરી હતી. આજના આપણા ગુજરાતના જાણીતા ઉદ્યોગ સાહસિકના ધંધાની શરૂઆત પણ તેટલા જ નાના ધોરણે થઈ હતી. આખાએ ભારતમાં લોકોને ફરસાણ ખાવું ખૂબ પ્રિય છે. ક્યારેક ખૂબ ભૂખ લાગી હોય પણ જમવાની અનુકુળતા ન હોય ત્યારે 10 રૂપિયાનું ફરસાણનું એક પેકેટ લઈને તેની સાથે જો એક કપ ચા ગટગટાવી લેવામાં આવે તો 2-3 કલાક આરામથી નીકળી જાય છે. આજે ભારતમાં ફરસાણનો ધંધો કરોડોમાં છે. એક અહેવાલ પ્રમાણે 2019માં પેકેજ્ડ સ્નેક માર્કેટ એટલે કે પડિકામાં મળતા નાશ્તાનું માર્કેટ આશરે 5,254 મિલિયન યુ.એસ ડોલરનું છે જે દર વર્ષે 7.5 ટકાની ગતિએ વિકસી રહ્યું છે.

image source

ભારતમાં સમ્રાટ, બાલાજી, લેયઝ, ઉપરાંત આપણા ગુજરાતની ગોપાલ બ્રાન્ડ પણ સેંકડો કરોડોનું માર્કેટ ભારતમાં ધરાવે છે. ગોપાલ નમકીન સ્નેક બ્રાન્ડ વેફર્સ ઉપરાંત, ગાંઠિયા, સેવ, ચણાની દાળ, સિંગ ભૂજિયા, સેવ મમરા, ચવાણું વિગેરે ઉત્પાદનો ધરાવે છે જેનું ખૂબ વેચાણ થાય છે. આજે તમને ગામડાની નાની એવી હાટડીમાં પણ ગોપાલના પડિકા જોવા મળશે.

પણ આ ધંધાની શરૂઆત કેવી રીતે થઈ અને તેને આટલી હદે વિકસાવવા પાછળની મહેનત વિષે જાણાવાની ઘણા બધા લોકોને ઉત્સુકતા થતી હશે. અને આવી વાતોથી લોકોને પોતાને પણ કંઈક કરવાની પ્રેરણા મળતી હોય છે. અને દરેક બિઝનેસની સક્સેસ સ્ટોરી ખરેખર પ્રેરણાત્મક હોય છે તે પછી કોઈ રેસ્ટોરન્ટનો બિઝનેસ હોય, કમ્પ્યુટરનો બિઝનેસ હોય કે પછી ગોપાલ જેવી ફરણાસ કંપની હોય. આજે અમે તમારી સાથે ગોપાલ નમકિનના માલિક બિપીનભાઈ હદવાણીના સંઘર્ષથી લઈને સફળતાની વાત લાવ્યા છીએ. કોઈ પણ લક્ષ પર પહોંચવા માટે તમારા માટે તેની શરૂઆત કરવી સૌથી વધારે જરૂરી હોય છે. આપણા માંના ઘણા બધા ધંધા કે પછી કારકીર્દી માટે વિવિધ આયોજન કરતા રહીએ છીએ પણ તેને સફળતા તરફ લઈ જવાનું પ્રથમ પગલું જ નથી ભરી શકતા.

image source

બિપીનભાઈ હદવાણી મૂળે જામકંડોરણા તાલુકામાં આવેલા ભાદરા ગામના વતની છે. તેઓ પોતાના પિતા અને ભાઈ સાથે ગામમાં ફરસાણની દુકાન ચલાવતા હતા. આમ તેમના લોહીમાં જ ફસાણનો ધંધો છે તેમ કહી શકાય. તેઓ પોતાના પિતાની એક વાત યાદ કરતા જણાવે છે, ‘મારા બાપુજી હંમેશા કહેતા કે આપણે જે ખાઈએ તે જ આપણા ગ્રાહકોને ખવડાવવું જોઈએ.’ તેમના કહેવા પ્રમાણે તેમનો આ જ સિદ્ધાંત તેમને સફળતા અપાવવામાં મદદરૂપ થયો છે. અને માટે આજે પણ તેમના ફેક્ટરીનો નાશ્તો જ તેમના ઘરના સભ્યો પણ ખાય છે. આ તેમની પોતાના ઉત્પાદન પ્રત્યેની પ્રામાણિકતા જ કહી શકાય.

એક સમયે એટલે કે 2006માં તેમનું જેટલું વાર્ષિક ટર્નઓવર હતું તેટલું આજે રોજનું થઈ ગયું છે. ગામડાથી શરૂઆત કરી હોવાથી ગ્રાહકો માટે ખૂબ રાહ જોવી પડતી ક્યારેક મંદીનો પણ સામનો કરવો પડતો વળી ક્યારેક સિઝન હોય તો અણધારી તેજી પણ થઈ જતી. છેવટે બિપીનભાઈએ પોતાનો ધંધો વિકસાવવા માટે પોતાના ચવાણાના પેકેટ તૈયાર કરીને તેને ગામડે ગામડે જઈને વેચવાનું શરૂ કર્યું. થોડા રૂપિયા ભેગા થતા તેઓ રાજકોટ આવી ગયા અને ત્યાં તેમણે પોતાના પિતરાઈ ભાઈ સાથે માત્ર રૂપિયા 8500નું રોકાણ કરીને ગેણેશ બ્રાન્ડથી ધંધો શરૂ કર્યો.

image source

આ બ્રાન્ડ હેઠળ તેઓ ગાંઠિયા, દાળમોઠ, ચણાની દાળ, સેવ, વટાણા વિગેરે ફરસાણ આપતા અને તેના નાના નાના પેકટ બનાવીને તેનું વેચાણ શરૂ કર્યું. ધીમે ધીમે ધંધો સારો ચાલવા લાગ્યો. ભાગીદારીમાં હંમેશા મતભેદ રહ્યા જ કરતા હોય છે અહીં પણ કંઈક તેવું જ થયું અને તેમના ભાગીદારે પોતે આખો ધંધો સ્વતંત્ર રીતે સંભાળી લીધો.

હવે તેમનો પણ સ્વતંત્ર રીતે ધંધો ઉભો કરવાનો સમય આવ્યો હતો તેમણે પોતાની પત્ની દક્ષાબેન અને બેન-બનેવીની મદદથી 1994માં નાનકડી એવી રૂપિયા 12000ની મૂડીથી ફરી ફરસાણનો ધંધો શરૂ કર્યો. આ વખતે તેમણે બ્રાન્ડનું નામ રાખ્યું ‘ગોપાલ’.

image source

શરૂઆતમાં તેમણે ગલીએ ગલીએ ગામડે ગામડે ફરીને પોતાના ફરસાણ વેચવાનું શરૂ કર્યું. અનુભવ તો પહેલેથી જ હતો માટે ધંધાને પાટા પર ચડતા વાર ન લાગી. બે વર્ષમાં તેમનો ધંધો જામી ગયો અને તેમણે પોતાના ધંધા માટે ફેરિયાઓને માલ આપવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન તેમણે ઘરેથી જ ધંધો ચાલુ રાખ્યો હતો. ધંધો વિકસતા તેમને કારખાનાનો વિચાર આવ્યો અને છેવટે તેમણે હરિપર ખાતે કારખાનું શરૂ કર્યું અને ત્યાર બાદ તેમણે ક્યારેય પાછુ વળીને નથી જોયું. આપણા માટે ભલે એવું લાગતું હોય કે ગોપાલ ફરસાણ બ્રાન્ડ રાતોરાત ઉભી થઈ હોય પણ તેની પાછળ 22 વર્ષની મહેનત લાગી છે. આજે ગોપાલ નમકીનનું ટર્ન ઓવર વર્ષનું કરોડો રૂપિયા સુધી પહોંચી ગયું છે. ધંધામાં એકધારી સફળતા મળતા તેમણે ઓર વધારે મોટી હરણફાળ લેવાનું વિચાર્યું અને મેટોડા ખાતે તેમણે એક સ્વયંસંચાલિત ફેક્ટરી નાખવાનું નક્કી કર્યું.

image source

તેના માટે તેમણે જાપાનની એક કંપની પાસેથી ક્વોટેશન મંગાવ્યા ત્યારે તેમને 56 કરોડનું ક્વોટેશન આપવામા આવ્યું. આ ક્વોટેશન તેમને જરા પણ પોસાય તેમ નહોતું છેવટે તમણે જ તેવું મશીન બનાવવાનું નક્કી કર્યું જે તેમણે માત્ર 6 કરોડમાં બનાવડાવ્યું. આજે તેમની આ ફેક્ટરી 30 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ જ ફેક્ટરીમાં ફરસાણના પેકિંગ તેમજ પ્રિન્ટિંગની એ ટુ ઝેડ પ્રોસેસ થાય છે. ફેક્ટરીમાં તેમણે કુદરતી ઉર્જાનો ઉપયોગ કર્યો છે. સોલર પેનલ દ્વારા અહીં ઉર્જા ઉત્પન્ન કરીને તેનો ઉપયોગ કરવામા આવે છે આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટનો પણ તેઓ ઉપયોગ કરે છે આમ આ એક નેચર ફ્રેન્ડલી કંપની પણ કહી શકાય કારણ કે તે ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

image source

તમને જણાવી દઈએ કે આજે ગેપાલ નમકીન માં 1200 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તેમના આધુનિક કારખાના ઉપરાંત માલની હેરફેર માટે તેઓ પોતાની 100 કરતા વધુ ટ્રક પણ ધરાવે છે સાથે સાથે તેઓ એક ઓટોમોબાઈલ વર્કશોપ પણ ધરાવે છે.

image source

એક સમયે બિપીનભાઈ હદવાણીએ ધંધો માત્ર 400 સ્ક્વેર ફીટના વિસ્તારમાં શરૂ કર્યો હતો જે આજે 20 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાઈ ગયો છે. નાના ગામડામાં વેચાતું ફરસાણ આજે મોટા શહેરોમાં ઢગલામોઢે વેચાય છે.

image source

આમ ધંધાની શરૂઆત હંમેશા નાની હોય છે પણ સાચી ધગસ, સાચી મહેનત અને ધંધા પ્રત્યેની પ્રામાણિકતા તેને સફળતાના શીખર પાર કરાવતી રહે છે. બિપિન ભાઈની ઇચ્છાશક્તિ અને તેમના પિતાના સિદ્ધાંતે આજે તેમનો વ્યવસાય સેંકડો કોરોડો સુધી પોહંચાડી દીધો છે. એક વર્ષના ટર્નઓવરને તેમણે એક દિવસના ટર્નઓવરમાં કન્વર્ટ કર્યું છે જે જરા પણ નાનીસુની વાત નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ