“ગોપાલ” – એક હૃદયસ્પર્શી લઘુકથા

“ગોપાલ” – એક હૃદયસ્પર્શી લઘુકથા….

સાંજનો સમય હતો. બાળકો કલરવ કરતાં-કરતાં રમી રહ્યા હતાં. છોકરાઓ ક્રિકેટ રમવામાં મશગૂલ હતા. એપાર્ટમેન્ટ રોજિંદા વાતાવરણ થી ટેવાયેલું હતું. પાસે જ એક જગ્યા પર એક ગરીબ કુટુંબ વસતું હતું. પોતાની નાનકડી દુનિયા માં મશગુલ એવા માબાપ મજૂરી કરીને પાછા ફરેલ. એમના બંને બાળકો પોતપોતાની રીતે રમતાં હતાં. મોટો દીકરો ગોપાલ, એપાર્ટમેન્ટ માં રમી રહ્યો હતો. માબાપ એજ એપાર્ટમેન્ટ માં કામ કરી પૈસા કમાતાં, માટે એ બાળક ત્યાં અજાણ્યું નહોતું.

અજય, કુમાર, નિલય અને ગોપાલ ચારેય જણા ક્રિકેટ ની રસાકસી ભરેલ રમત રમી રહ્યા હતાં. બબ્બે જણ ની ટીમ, એમ કરી બંને ટીમ ચોગ્ગા, છગ્ગા મારી જોશ માં આવી રહી હતી. બસ હવે તો દસ જ રન બાકી, એમ સમજી ગોપાલે બેટ ઊંચક્યું. બોલ ઉછળીને સામેની બારી પર અથડાયો. નિર્ધારિત કરેલ ” boundary ” મુજબ ચાર રન મળતાંજ નિલય અને ગોપાલ કૂદી પડ્યા. એમની ટીમ જીત ના આરે હતી. હવે વારો આવ્યો નિલય નો.

નિલય સતર્ક રહીને બેટ ને જમીન પર ઘસડી રહ્યો હતો. સામેથી કુમાર દોડતો આવ્યો અને સિક્સર મારવાના અંદાજ થી નિલયે બેટ ઘૂમાવ્યું. અચાનક બોલ બીજી દિશા માં ફંગોળાયો. ‘ધડામ’ અવાજ સાથે એક મોટો લાઈટ નો ગોળો ફૂટ્યો. શાંત લાગતું એપાર્ટમેન્ટ ધ્રુજી ઉઠ્યું. અમુક સ્ત્રીઓ હંફાળી ફાંફળી થતી દોડીને બહાર આવી. પોતાનું છોકરું હેમખેમ છેકે નહીં, એની ખાતરી કરવા લાગી. નિલય પોતાની જગ્યા પર લગભગ થીજી ગયોતો.બે ચાર વડીલો એ આવી બાળકો ને ઠપકો આપ્યો.

વાત સાચી પણ હતી. રમવાની જગ્યા એપાર્ટમેન્ટ નહીં, પણ સામેનું મેદાન હતું. જયારે માતાઓ વઢવા લાગી અને પૂછ્યું આ કારસ્તાન કોનું છે તો હોશિયાર કુમારે આરોપ ગોપાલ પર મુક્યો. બસ પછી શું જોઈએ, ગોપાલ ના માતાપિતા ને બોલવામાં આવ્યા. લાઈટ તૂટી એનું નુકસાન ગોપાલ ના બાપ એ ભરવાનું નક્કી થયું. ગોપાલ હવે થી કદી એપાર્ટમેન્ટ માં રમી શકશે નહીં , એમ નિર્ણય લેવાયો. ભારે હૈયે ગરીબ પરિવાર પોતાના સંસાર માં પાછો વાળ્યો. ગોપાલ ક્યારેક આતુરતા થી બધાને રમતાં જોતો. પણ એને અંદર જવા પરવાનગી નહોતી એટલે પાછો ફરતો.

સમય વેહ્તો ગયો. ગોપાલ ભણીગણી ને આગળ વધ્યો. શિક્ષક બન્યા પછી પ્રિન્સિપાલ બન્યો. પોતાની નાનકડી શાળા શરુ કરી. જગ્યા મળ્યા મુજબ ફક્ત પાંચ ધોરણ સુધીજ વર્ગ શરુ કરાયા. શાળા ઘણી સફળ બની. ગોપાલ નું નામ બધે પ્રસિદ્ધ થયું. વાલીઓ રિકવેસ્ટ કરવા લાગ્યા..”સાહેબ કેમ ફક્ત પાંચ જ વર્ગ સુધી? આગળ કેમ નહીં ?” જવાબ માં ગોપાલ એ કહ્યું…”જો વધુ વર્ગો શરુ થાય તો શાળા નું મેદાન રોકાઈ જાય… બાળકો રમી ન શકે. ભણવા સાથે બાળકો ને રમવાની જગ્યા પણ જોઈએને !!”

લોકો ને ન સમજાયું કે કેમ જમીન હોવા છતાં પ્રિન્સિપાલ માન્યા નહીં. પોતાની ઓફિસ રૂમ માંથી આજે પણ ગોપાલ રમતા બાળકોને જોઈ ખુશ થાય છે. ધૂળ ના વાદળો હેઠે પોતાના ભૂતકાળ ને પણ ધૂંધળો બનતો જુએ છે.

રચનાકાર – રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપ સૌને આ સ્ટોરી કેવી લાગી અમને અચૂક કોમેન્ટ કરી જણાવજો !

ટીપ્પણી