આ અનાથ દીકરીઓના કરવામાં આવશે ધામધૂમથી લગ્ન, જાણો હાલમાં કોણ ચલાવે છે ગોંડલનો બાલાશ્રમ.

ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. બાલાશ્રમના બાળકોના પહેરવેશમાં જાંબલી રંગનો ઉપયોગ થતો. આ બાળકો સાથે પોતે દિલથી જોડાયેલા છે એવો બાળકોને અહેસાસ કરાવવા ભગવતસિંહજી પોતે મોટા ભાગે જાંબલી રંગની પાઘડી જ પહેરતા.

બાલાશ્રમના દીકરા-દીકરી માટે અભ્યાસની પૂરતી વ્યવસ્થા કરતા. આ બાળકો પગભર થાય તે માટે તેને એના રસ-રુચિ પ્રમાણેના હુન્નર પણ શીખવતા. બાલાશ્રમની દીકરી જ્યારે ઉમરલાયક થાય ત્યારે એના માટે યોગ્ય મુરતિયો શોધીને એના લગ્ન પણ કરાવી આપતા.

image source

ગોંડલના મહારાજાએ શરૂ કરેલો આ સેવા યજ્ઞ આજે ગોંડલની પ્રજા ચલાવી રહી છે. ગોંડલ બાલાશ્રમમાં રહેતી 7 દીકરીઓના આવતી કાલે લગ્ન છે. આજે મંડપરોપણની વિધિના આ ફોટો જોતા એવું લાગે કે જાણે 7 જોગણીઓ ગોંડલને પાવન કરવા આ ધરતી પર આવી છે.

માતા-પિતા વગરની આ દીકરીઓના લગ્નમાં ગોંડલના રાજકીય, ઔધોગિક, સામાજિક આગેવાનોની સાથે સાથે ગોંડલના સામાન્ય પ્રજાજનો પણ દીકરીના લગ્ન હોય એવી રીતે હરખથી જોડાય છે. દાતાઓ દાનનો ધોધ વહાવે છે અને દીકરીને અઢળક કરિયાવર સાથે સાસરે વળાવે છે. આ વખતે રાજકોટના શ્રી નિલેશભાઈ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં 100 વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.

image source

આ દીકરીઓ સહિત અત્યાર સુધીમાં 151 દીકરીઓને ગોંડલની પ્રજાએ આ રીતે ધામધૂમથી સાસરે વળાવી છે. જેમ કોઈ બાપ દીકરી માટે બધી ચિંતા કરે એમ ગોંડલના આગેવાનો આ દીકરીઓ માટે બધી જ ચિંતા કરે છે. આ 7 દીકરીઓ માટે આગેવાનોએ 150 જેટલા મુરતિયા જોયા અને એમાંથી 7 મુરતિયા પસંદ કર્યા જે દીકરીઓ માટે યોગ્ય હોય અને દીકરીઓને પણ પસંદ હોય.

આપણે સૌ માતા-પિતા વગરની આ અનાથ દીકરીઓના સુખી સંસાર માટે પ્રભુને પ્રાર્થના કરીએ અને સુખદ સહજીવન યાત્રા માટેની શુભેચ્છાઓ પાઠવીએ.

લેખક : શૈલેશ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ