ગોળકેરી – ગળ્યા અથાણાં ની વાત આવે તો ગોળકેરી સૌથી પહેલી યાદ આવે..

જાતજાત ના અથાણાં બનાવા માટે ગુજરાતીઓ વખણાય છે. મોટાભાગે અથાણાં ને ખાટા અને ગળ્યા એમ 2 ભાગ માં વહેચી શકાય. ગળ્યા અથાણાં ની વાત આવે તો ગોળકેરી સૌથી પહેલી યાદ આવે..

હું ગોળકેરી ની બહુ મોટી ફેન છું. મારી મમ્મી દુનિયા ની બેસ્ટ ગોળકેરી બનાવે છે. ખાટા અથાણાં દરેક વાનગી માં સ્વાદ ઉમેરે પણ ગોળકેરી નીં પોતાની પણ એક આગવી ઓળખ છે.

ઘરે ગોળકેરી બનાવવી ખૂબ જ સરળ છે. આજે હું લાવી છું ગોળકેરી બનાવા ની સ્ટેપ બાય સ્ટેપ રીત ..

સામગ્રી :

• 1 કિલો રાજાપુરી કેરી

• 7 થી 8 નંગ ખારેક

• 4 થી 5 સૂકા લાલ મરચાં

• મુઠી ભર મીઠું

• ચપટી હળદર

• 1.25 કિલો ગોળ

• 300 gm ખાંડ

• 500 gm ગોળકેરી નો મસાલો

રીત ::

સૌ પ્રથમ કેરી ને ધોઈ સાફ કરી લો. છાલ ઉતારી મોટા ચોરસ ટુકડા કરી લો. ટુકડા થોડા મોટા કરવા કેમ કે પલાળી ને સુકાવ્યા બાદ સાઈઝ થોડી નાની થઈ જશે.


હવે એમાં મીઠું અને હળદર ઉમેરો. સરસ રીતે મિક્સ કરો અને 2 દિવસ સુધી પલાળો. દિવસ માં 2 થી 3 વાર હલાવો . 2 દિવસ બાદ કેરી ને પાણી માંથી કાઢી 3 થી 4 કલાક માટે આછા તડકે કે પંખા નીચે સુકવો.


ખારેક અને લાલ મરચાં ને 8 થી 9 કલાક માટે પલાળો.. ત્યારબાદ ખારેક અને લાલ મરચાં પણ સુકવી દેવા.


એક મોટા તપેલા માં સુકવેલી કેરી , ખારેક અને લાલ મરચાં લો. એમાં ગોળ અને ખાંડ ઉમેરો. મિક્સ કરતા રહો. જ્યાં સુધી ખાંડ અને ગોળ સંપૂર્ણ ઓગળી ના જાય.


આ પ્રોસેસ ને ફાસ્ટ બનાવવા માટે ગોળ ને બારીક સમારી લેવો અથવા ખમણી લેવો. ખાંડ પણ એકદમ જીણી જ વાપરવી..


હવે આ સ્ટેપ પર આવ્યા બાદ આપ ચાહો તો સૂર્ય ના તડકે કે ગેસ પર પકાવો. તડકે મુકવા માટે જે તપેલા માં આપણે બધું મિક્સ કર્યું છે એ તપેલા પર એકદમ પાતળું કોટન નું કપડું બાંધી 3 થી 4 દિવસ સુધી અગાસી માં તડકે મુકો. રોજ સાંજે ઘરમાં લાવી એકદમ મિક્સ કરી લો. ચાસણી 1 તાર ની થવી જોઈએ.


જો ગેસ પર કરતા હોવ તો ધીમી આંચ પર પકાવો. થોડી થોડી વારે હલાવતા રહેવું. ચાસણી ને 1 તાર ની થાય ત્યાં સુધી પકાવો.


હવે આ મીશ્રણ માં ગોળકેરી નો મસાલો ઉમેરો. આ મસાલો બજાર માં તૈયાર પણ મળે છે. જો આપ ઘરે આ મસાલો બનાવા ઈચ્છો તો એ માટે 50gm રાઈ કુરિયા 20 gm મેથી કુરિયા 50 gm ધાણા કુરિયા અને 20 gm વરીયાળી મિક્સ કરો. ખાટા અથાણાં ના મસાલા ની જેમ જ બનાવાનું છે.


આ રીત થી બનાવેલ ગોળકેરી માં 1 પણ ટીપું તેલ પડતું નથી. પણ જો આપ કાચી ગોળકેરી બનાવો એટલે કે ચાસણી માટે તડકે કે ગેસ પર ના મુકો તો તેલ ઉમેરવું પડે.

2 થી 3 દિવસ માટે તપેલા માં જ રહેવા દેવું અને દિવસ માં 2 થી 3 વાર હલાવતા રહેવું .. ત્યારબાદ કાચ ની સાફ બોટલ માં ભરો અને આખું વર્ષ મજા ઉઠાવો.


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ