ઈશ્વર બધું જ સમજે છે..!

આજે માણસ પાસે બધું જ છે પણ સંતોષ નથી. એનાં મગજમાં આમ તો ઘણું બધું ભમતું હોય છે પણ એક વાત નક્કી ચકરાયા જ કરે છે કે, મને જે મળવું જોઈતું હતું તે મળ્યું નથી અને મારાં સાથે અન્યાય થયો છે. એમાંના ઘણા ખરા અન્યાય અને દુઃખોનું કારણ તો માણસનો પોતાનો જ અસંતોષ છે. મેક્સીકોના એક પ્રદેશમાં ઠંડા અને ગરમ પાણીના ઝરા આવેલા છે. ત્યાં સ્ત્રીઓ પહેલાં ઉકળતા ગરમ પાણીમાં અને પછી બાજુમાં ઠંડા પાણીમાં- એમ વારાફરતી કપડાં ધોએ. આવી સરસ કુદરતી સગવડ જોઈને ત્યાં ગયેલ એક પ્રવાસીએ કહ્યું કે, આવી મસ્ત કુદરતી રચના માટે અહીંના લોકો તો ઈશ્વરનો આ આભાર માનતા હશે ને! આ સાંભળી ત્યાંના રહેવાસીએ સામે પ્રશ્ન કર્યો: શેનો આભાર? અહીંના લોકો તો અફસોસ કરે છે કે, ઝરામાં ગરમ અને ઠંડું પાણી તો છે પણ સાબુ કે સોડાવાળું નથી! માણસને કૈક તો  બાકી જ લાગે છે. એના મગજમાં એટલો બધો અસંતોષ ઘર કરી ગયો છે કે ઈશ્વર જે સામેથી આપે છે, એમાં પણ કૈક ઓછું લાગે છે!

માણસ જે નથી એ બધું મેળવવામાં રચ્યોપચ્યો છે, ને એ આંધળી દોટમાં પોતાનું કેટલું બધું ખોઈ રહ્યો છે એ ભૂલી જાય છે. પછી ઈશ્વરપાસે લાંબુ લીસ્ટ લઈને પહોંચી જાય છે, પાછું માંગવા! માણસની પ્રાર્થના પણ કેટલી લાંબી હોય છે ક્યારેક તો! પ્રાર્થના એ કોઈ ઈશ્વર સાથેની સોદાબાજી કે હિસાબકિતાબ નથી. પ્રાર્થના તો નીરવ સવાંદ છે. એનાં માટે ક્યાંય જવાની જરૂર જ નથી. કુન્દનિકાબેન કાપડિયાએ ૧૯૮૨માં એક ઉમદા પુસ્તક આપ્યું: ‘પરમ સમીપે’. પ્રાર્થનાઓનો સંચય એટલે પરમ સમીપે. શરૂઆતમાં તેઓ કહે છે કે, ‘પ્રાર્થના આપણા આકાશમાં સૂરજની જેમ ઊગે એનાં જેવી કોઈ સાર્થકતા નથી.’

રાજપીપળાના એક મિત્ર હમેંશ કહે છે કે, તમે કોઈ હોસ્પિટલ, એમ્બ્યુલન્સ કે કોઈ શારીરિક-માનસિક અસ્વસ્થ અને દુઃખી વ્યક્તિ પાસેથી પસાર થાઓ, તેને જોવો તો મનોમન વિચારો કે એને જલ્દી થી જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત થાય. એ ફટાફટ બરાબર અને સાજો સારો થઇ જાય. આ અન્ય કોઈક માટેની પ્રાર્થનાનો જ એક સાવ સરળ અને સરસ પ્રકાર છે. અને પાછો ઈશ્વરને જલ્દીથી સમજાઈ જાય એવો છે! કોઈ દુઃખી વ્યક્તિને સાચા હ્રદયથી સાંત્વન આપીએ કે કોઈ ગરીબ દર્દી હોસ્પિટલમાં હોય તો એની મદદ કરીએ-આ પ્રાર્થના જ છે. અને એ સાચી હશે તો આપણા સ્પંદનો એ માણસ સુધી પહોંચશે જ અને એની રસીદ એટલે કે ઈશ્વરનો વળતો જવાબ આપણને મળશે જ!

એક ખેડૂત હતો. આખો દિવસ ખેતરમાં કામ કરતો. એને મન એ ભલો ને એનું કામ ભલું. બીજી કશીય ફિકર નહી. વચ્ચે વચ્ચે જયારે સમય મળે ત્યારે પોતાની ઘરેથી લાવેલી પ્રાર્થનાપોથી ખોલીને પ્રાર્થના વાંચતો. એક દિવસ એ પ્રાર્થનાપોથી ઘરે ભૂલી ગયો. એને પ્રાર્થના તો યાદ નહોતી. એણે ઈશ્વરને કહ્યું કે મને પ્રાર્થના તો યાદ નથી પણ હું આખી બારાખડી બોલી જાઉં છું, તમે તમારી રીતે એને ગોઠવીને પ્રાર્થના બનાવી લેજો! ત્યારે ઈશ્વરે કદાચ કહ્યું હશે કે, તારી અત્યાર સુધી સાંભળેલી તમામ પ્રાર્થનાઓમાં તારી આજની પ્રાર્થના સર્વશ્રેષ્ઠ છે! અન્ય એક દ્રષ્ટાંત જોઈએ. એક મોચી હતો, આખો દિવસ જોડા સીવતો. એનું કામ કરવામાં એટલો સમય વીતી જતો કે એને પ્રાર્થનાનો ખ્યાલ જ ન રહેતો. ક્યારેક ઉતાવળે, જેમ-તેમ પ્રાર્થના કરતો પણ એને એનો અફસોસ રહેતો. પોતામાટે ફરિયાદ રહેતી. એક દિવસ એણે ગુરુને પૂછ્યું કે, મારાથી શાંતિથી જોઈએ એવી પ્રાર્થના નથી થતી. શું કરું? ગુરુએ તરત કહ્યું કે, તું જે રીતે બધું જ ભૂલીને કાર્યમાં મગ્ન રહે છે એ જ તારી પ્રાર્થના છે. કર્મ એ જ ધ્યાન અને એ જ ભક્તિ. એક વાક્ય વાંચ્યું હતું કે, ‘જે માણસ મૌનનો અનુવાદ કરે છે એ સૌથી મોટો અનુવાદક છે.’ આપણે બોલ બોલ કરી કરીને કેટલા બધાં શબ્દો વેડફી નાખીએ છીએ. ઈશ્વર પાસે કશુંક માંગવામા પણ એમ જ. ક્યારેક ઈશ્વર પાસે પણ આપણું મૌન રજૂ કરવું જોઈએ. એને પણ કદાચ આશ્ચર્ય થશે! પેલો ખેડૂત બારાખડી બોલે છે ને ઈશ્વર બધું ગોઠવીને સમજી લે છે. જે માણસ મૂંગો હોય- કાંઈ બોલી ન શકતો હોય એને પણ ઈશ્વર તો સમજે જ છે ને.

કોઈ હોય કે ન હોય, કોઈ રહે કે ન રહે એ ઈશ્વર એક દોસ્તની જેમ સો ટકા સાથે રહેવાનો. છોકરો જુવાન હોય, માતા-પિતા સાથે રહેતો હોય ત્યારે જો પાકીટ રાખતો હોય તો કદાચ એમાં એનાં પિતાનો ફોટો જોવા મળે! એ પાકીટ એનાં પિતાએ આપી હોય, પોતે અભ્યાસ કરતો હોય કે નવી નવી નોકરીની શરૂઆત હોય. પછી પોતાનો ચહેરો જોય, રૂપાળો લાગે એટલે પાકીટમાં પોતાનો ફોટો રાખતો થાય!  લગ્ન થાય એટલે એની પત્નીનો ફોટો એ જગ્યા લે. પાકીટ એક જ છે, ફોટાઓ બદલાય છે! જીવનમાં એક પછી એક માણસો આવતાં જાય છે, પાકીટના ખાનામાં એક ઉપર એક ફોટા આવતાં જાય છે. એમને ત્યાં બાળક જન્મે છે. બહુ રૂપાળું, વ્હાલું લાગે છે. પોતે હવે સારી નોકરી કરે છે, ઘરમાટે ઓછો સમય છે ત્યારે પોતાના બાળકનો ફોટો રાખે છે. બાળક મોટો થતો ગયો, જિંદગી વીતતી ગઈ. એ પરણ્યો. હવે એનો બાળક પોતાના કામમાં રચ્યોપચ્યો રહે છે. એ એનાં પિતા તરફ જોતો નથી. હાં, કદાચ એની પાકીટમાં એનાં પિતાનો ફોટો હોય ખરો! હવે એ વૃદ્ધ માણસ પાકીટમાં ભગવાન કૃષ્ણનો ફોટો મુકે છે! અને વિચારે છે કે જે માણસ આપણને કદીય છોડવાનો નથી, જેને આપણા તરફ ક્યારેય કોઈ અપેક્ષા નથી, જેની પાસે આપણે ક્યારેય પણ કાંઈ પણ માંગી શકીએ છીએ એ કૃષ્ણ જ છે. એને આપણી સાથે નહીં રાખીએ તો એને કશોય ફરક નહી પડે પણ ઈશ્વર વિના હું જ એકલો છું. દરેક વ્યક્તિ આવે-જાય છે, એ સાથે રહે છે. અને એવો મિત્ર છે જેનો ફોટો બદલાવવાની ક્યારેય જરૂર નહીં પડે.