ગળ્યા થેપલા – આજે જ બનાવો બાળકો અને ઘરમાં બધાને પસંદ આવે એવા થેપલા…

તીખા થેપલા લગભગ બધા ના ઘરે બનતા જ હોય છે. આજે હું ગળ્યા થેપલા ની રેસિપી લાવી છું જે મારા ઘરે વર્ષો થી બનતા આવ્યા છે. અને આ થેપલા બહુ જુના સમય થી જ પ્રચલિત છે. પણ હવે બહુ ઓછાના ઘરે બને છે … તો ચાલો આજે જોઈએ ખૂબ જ સ્વાદિષ્ટ એવા ગળ્યા થેપલા જે કોઈ પણ તીખા શાક સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે…

સામગ્રી:-


1 કપ ગોળ ( મેં કેમિકલ વિનાનો દેશી ગોળ લીધો છે)

2/3 કપ પાણી

2 કપ ઘઉં નો લોટ

2 ચમચી ખાંડ નો ભુકો

2 ચમચા ઘી અથવા તેલ મોણ માટે

ઘી થેપલા શેકવા માટે

રીત:-


સૌ પ્રથમ એક તપેલીમાં હુંફાળું પાણી લો . તેમાં ગોળ અને ખાંડ ઓગાળી લો. હવે ઠંડુ થવા દો. અને ગરણી થી ગાળી લો. હવે એક બાઉલ માં લોટ લો તેમાં ઘી કે તેલ નું મોંણ નાખી ને બરાબર મિક્સ કરો. તેમાં ઉપર બનાવેલું ગોળ વાળું પાણી ઉમેરી ને એકદમ સોફ્ટ કણક તૈયાર કરો . કણક એકદમ સોફ્ટ રાખો કેમકે એ તરત જ કઠણ થઈ જાય છે. એકસરખા લુઆ બનાવી ને ગોળ થેપલા વણી લો. હવે ઘી થી બંને બાજુ મધ્યમ આંચ પર શેકી લો. શેકાય જાય પછી ઉપર ઘી લગાડી દો. એવું કરવાથી થેપલા સોફ્ટ રહેશે. આ થેપલા ને 2 દિવસ સુધી ઉપયોગ માં લઇ શકાય છે. અને કોઈ પણ તીખા શાક સાથે ખૂબ જ સરસ લાગે છે. દેશી ચણાં ના શાક સાથે પણ ખૂબ જ સારા લાગે છે .

નોંધ:-પાણી ઓછું અને ગોળ વધુ હોય છે. કણક માં જોઈએ તો વધુ સાદું પાણી ઉમેરો અને એકદમ સોફ્ટ કણક બાંધો. થેપલા શેકતી વખતે ખાસ ધ્યાન રાખો. કેમકે આ થેપલા જલ્દી શેકાય છે અને એમાં ગુલાબી ભાત પણ જલ્દી પડે છે. વધુ પડતા શેકવાથી પણ કડક થઇ જાય છે.થેપલા તેલ થી પણ શેકી શકાય પરંતુ ઘી નો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)