આજે નવરાત્રીનું ત્રીજુ નોરતુ છે. અને આ સમયે ગરવા ગિરનાર ખાતે મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. ગિરનારના સાંનિધ્યમાં આવેલા કમંડલ કુંડ પર નવરાત્રિ નિમિત્રે મોરારિબાપુની રામકથા ‘માનસ જગદંબા’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે કથાના પ્રારંભે જ મોરારિબાપુ ગરબા રમ્યા હતા. બાપુએ હાથમાં ગરબા લઈ ગરબે ઘૂમ્યા હતા. મોરારિબાપુ છેલ છબીલો ગુજરાતી, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, ઓચીંતી આંગણમા આવી વગેરે જેવા રાસ-ગરબા પર ઝૂમી ઉઠ્યા હતા.

બાપુની આ 849મી કથા
પ્રથમ નોરતે માનસ જગદંબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જ બાપુએ જણાવ્યું હતું કે, ‘માની કૃપા હોય તો જ ગિરનાર પર રામકથા ગાવા મળે.’ રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા ગિરનારની ટોચ પર કમંડળ કુંડ ખાતે આયોજીત કરાયેલી બાપુની આ 849મી કથા છે. સોરઠના અવધૂત જોગંદર સમાન ગિરનાર પર્વત પરની આ પ્રથમ ઐતિહાસિક કથા છે. અદભૂત સ્થાન પર કોરોનાના કપરા કાળમાં બાપુની શ્રોતા વગરની છઠ્ઠી રામકથા કથા છે. નવલા નોરતાના પાવન અવસર પર આજે સવારે 9:30 વાગ્યાથી આ કથાનો પ્રારંભ થયો છે. લોકડાઉનમાં પણ બાપૂએ શ્રોતા વગર કથા કરી હતી.

વાદ્યકારો અને થોડા ટેકનિશિયન સિવાય કથામાં કોઈ શ્રોતા નથી.
પ્રથમ નોરતે મોરારિબાપુની 849મી રામકથાનો ગિરનારના ત્રીજા અને ગુજરાતમાં સૌથી ઊંચા એવા ગુરુ ગોરખનાથ શિખરની તળેટીમાં આવેલા કમંડલ કુંડમાં પ્રારંભ થયો હતો. આ કથા શ્રોતા વિનાની વર્ચ્યુલ કથા યોજવામાં આવી છે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઉતરીને દત્તાત્રેય તરફ જતાં માર્ગ પર ‘કમંડલ કુંડ’ આવે છે. અહીં મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. આ પહેલા તુલસીશ્યામ પર 700 પગથિયા ઉપર આવેલા મા રૂકમણીજીનાં ચરણોમાં કથાગાન થયું હતું. મોરારિબાપુએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્ય તંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે તેનું ચુસ્ત પાલન કરીને આ કથા યોજાવામાં આવી છે. વાદ્યકારો અને થોડા ટેકનિશિયન સિવાય કથામાં કોઈ શ્રોતા નથી.

ગીરનાર પર્વત પર પહેલીવાર કથા
ગિરનાર પર્વત પર 3000 ફૂટની ઊંચાઈએ પણ અન્નક્ષેત્ર ચાલે છે. આ પહેલા પણ જૂનાગઢ શહેર અને પંથકમાં કથા ગાન થયું છે. પરંતુ હિમાલય પરનું કૈલાસ-માનસરોવર, નિલગીરી પર્વત પરનું ભૂસંડી સરોવર, બર્ફાની બાબા અમરનાથ તેમજ ચારધામ- બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી જેવા દુર્ગમ ક્ષેત્રમાં રામકથાનું ગાન કરી ચૂકેલા મોરારીબાપુ ગીરનાર પર્વત પર પહેલીવાર કથા કરી રહ્યાં છે. ‘કમંડલ કુંડં’ની આ કથા કરવી એવો રાજકોટના જયંતીભાઈ ચાંદ્રા અને ચાંદ્રા પરિવારનો મનોરથ હતો. જયંતિભાઈએ ગીરનાર ક્ષેત્રના તમામ સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો પાસે રૂબરૂ જઇને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. વન વિભાગથી લઈને સરકારી તંત્રની મંજૂરીની તમામ ઔપચારિકતા તેમણે પૂર્ણ કરી છે. બધાં જ નીતિ-નિયમોને આધિન રહીને આ કથાનું આયોજન કરાયું છે.

મોરારીબાપુએ પોથી પધરાવીને માતાજીને પ્રાર્થના કરી
શ્રોતાઓ આસ્થા ચેનલનાં માધ્યમથી તેમજ યુ-ટ્યૂબ પરથી કથાગાનનું લાઇવ પ્રસારણ જોઇ શકાશે. અંબાજી મંદિર ખાતે મોરારીબાપુએ પોથી પધરાવીને માતાજીને પ્રાર્થના કરી,ગિરનારની ટોચ પર બિરાજમાન જગતજનનીમાં અંબાજી મંદિર ખાતે મોરારીબાપુએ ગઈકાલે પોથી પધરાવીને માતાજીને પ્રાર્થના કરી હતી. આ તકે મંદિરના મહંત મોટાપીરબાવા, તનસુખગીરીબાપુએ પોથીનું પૂજન કરી આશીર્વાદ આપીને માતાજીની પ્રસાદ રૂપે ચૂંદડી અર્પણ કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ