ઘઉં ની ચક્રી – ચોખાના લોટની તો ચક્રી ખાધી અને બનાવી હશે આજે બનાવો ઘઉંના લોટની ચક્રી…

આ નાસ્તા માટે ની વાનગી સર્વ પ્રિય છે. નાના મોટા સૌ ને ભાવે અને પાછી સાવ સરળ. વાર તહેવારે તો હોય જ અને આખું વર્ષ પણ નાસ્તા માટે નો લોકપ્રિય વિકલ્પ છે આ ચક્રી.

ઘઉં ની ચક્રી આમ તો ઘણી સરળ છે પણ જો અમુક મુદ્દા નું ધ્યાન રાખવા મા આવે તો કાયમ એક સરખી પરફેક્ટ જ ચક્રી બનશે. ચાલો જોઈએ સરળ અને પરફેક્ટ રીત..

સામગ્રી ::

• 500gm ઘઉં નો લોટ

• મીઠું

• 2/3 ચમચી સંચળ

• 1/2 વાડકો દહીં

• 2 મોટી ચમચી તલ

• 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ

• 1.5 ચમચી લાલ મરચું

• 2/3 ચમચી હળદર

• 1/2 ચમચી હિંગ

• 4 ચમચી તેલ

• તળવા માટે તેલ

રીત :


ઘઉં ની ચક્રી બનાવવા માટે સૌ પ્રથમ ઘઉં ના લોટ ને બાફવો પડશે. આમ કરવા થી ચક્રી વધુ પોચી અને ક્રિસ્પી બનશે. કુકર માં થોડું પાણી લો. અને સ્ટેન્ડ રાખી દો. એક તપેલા માં ઘઉં નો લોટ ભરો અને ડીશ થી ટાઈટ ઢાંકી દો. વચ્ચે એક કપડું રાખવું જેથી પાણી લોટ માં ના જાય. મેં હાથરૂમાલ રાખેલ છે. કુકર બંધ કરી , મધ્યમ આંચ પર 3 થી 4 સીટી વગાડો. ગેસ બંધ કરી , કુકર ને સંપૂર્ણ રીતે ઠરવા દો. ત્યારબાદ આપ લોટ જોશો તો એકદમ ગઠ્ઠા જેવો થઈ ગયો હશે. ફિકર ના કરશો, હાથ થી મસળો ફરી પેહલા જેવો જ બની જશે. જરૂર લાગે તો ચમચા ની પાછળ ના ભાગ થી દબાવવું. લોટ ને ફરી ચાળી ને એકસરખો બનાવી લો. ધ્યાન રહે કોઈ ગાઠા બાકી ન રહી જાય , નહીં તો ચક્રી એકસરખી નહીં બને. ત્યારબાદ આ લોટ માં મીઠું, સંચળ, દહીં, લાલ મરચું , આદુ મરચાં ની પેસ્ટ , તેલ , હળદર અને હિંગ ઉમેરો. હાથ થી સરસ મિક્સ કરો. જે મિત્રો આદુ નથી વાપરતા એ ખાલી મરચાં ની પેસ્ટ વાપરી શકશે. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. ધ્યાન રહે આ કણક બહુ કઠણ કે ઢીલો ના હોય. લોટ ને ઢાંકી ને 20 થી 30 મિનિટ માટે સાઈડ પર રાખી દો. ચક્રી પાડવા ના સંચા માં તેલ લગાવી તૈયાર કરો. સંચા માં થોડો લોટ ભરો. તેલ એકદમ ગરમ થાય પછી જ ચક્રી એમાં તળવી.. સંચા થી ડીશ પર ચક્રી વાળો. નાની કે મોટી ચક્રી આપ આપની પસન્દ મુજબ પાડી શકો. બાકી નો લોટ ઢાંકી ને રાખવો જેથી સુકાય ન જાય. ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો. બહુ ફૂલ આંચ પર તળવા થી અંદર થી કાચી રહી જશે અને ધીમા તાપે તેલ બહુ ચૂસશે. કડક થાય ત્યાં સુધી તળો.

બહાર કાઢી કિચન પેપર પર રાખો જેથી વધારા નું તેલ નીકળી જશે.. સંપૂર્ણ ઠરે ત્યારબાદ જ ડબ્બા માં ભરો. આ ચક્રી આપ લાંબા સમય સુધી સાચવી શકો છો. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.