મેંદા ની ફરસી પુરી બધા ના ઘરે બનતી જ હોય છે. ખાસ કરી ને દીવાળી માં આ નાસ્તો અચૂક થી બનાવાય છે. ઘણા ના ઘરે મેંદો નથી લાવતા અને ઘઉં ના લોટ વાપરવાનો જ આગ્રહ રાખતા હોય છે કેમકે મેંદો શરીર ને નુકસાનકારક હોય છે. આજે હું ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ઘઉં ની ફરસી પુરી ની રેસિપી લાવી છું. જે બનાવશો તો ચોક્કસ થી મેંદા ની ફરસી પુરી ના બદલે આ પુરી જ બનાવશો. બાળકો ને ટીફીન માં કે દિવસ માં કોઈ પણ ટાઈમ પર આપી શકાય એવો નાસ્તો છે.
સામગ્રી:-
1 1/2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે)
3 ચમચી ઘી (મોંણ માટે)
1/4 ચમચી જીરું અધકચરું વાટેલું
1/4 ચમચી અજમો અધકચરો વાટેલો
1/4 મરી નો ભુકો અધકચરો વાટેલો
મીઠું સ્વાદાનુસાર
હિંગ ચપટી
કણક બાંધવા માટે હુંફાળું પાણી
તળવા માટે તેલ
રીત:-
કણક એકદમ કઠણ જ બાંધવી નહીં તો પુરી ક્રિસ્પી નહીં થાય. મોણ માં ઘી ઉમેરવાથી સ્વાદ માં વધારો થાય છે. તમે ઇચ્છો તો તેલ નું મોણ આપી શકો. પાણી હુંફાળું ગરમ જ વાપરો જેથી પુરી એકદમ ક્રિસ્પી થાય. પુરી બહુ પાતળી કે જાડી ના વણવી. બહુ પાતળી હશે તો તળવામાં જલ્દી લાલ થઈ જાય અને બહુ જાડી હશે તો ફરસી નહીં બને અને કડક પણ નહીં થાય. બધી પુરી સાથે વણી ને રાખવાથી થોડી સુકાય છે અને તળાવમાં ક્રિસ્પી બને છે. વણી ને તરત જ તળવામાં આવે તો ફરસી નથી બનતી.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી