ઘરમાં માત્ર થોડા ફેરફાર કરી તમે તમારા ઘરની 50 ટકા વિજળી બચાવી શકો છો !

આજે લોકો ઘરમાં બધા જ આધુનિક ઉપકરણો વસાવી તો લે છે કારણ કે તે રૂપિયા માત્ર એક જ વાર ખર્ચવાના હોય છે વારંવાર નથી ખર્ચવાના હોતા. પણ ત્યાર બાદ તે ઉપકરણો વાપર્યા બાદ વીજળીનું જે ભારેખમ બીલ આવે છે તે ભલભલાને ધોળા દિવસે તારા બતાવી દે છે. અને પછી તે જ ઉપકરણોને નહીં વાપરવાના સમ ખાવામાં આવે છે અથવા તો તેનો ઉપયોગ કચવાતા મને કરવો પડે છે. પણ તમારી આજ સમસ્યા માટે અમે કેટલાક નક્કર ઉપાયો લઈને આવ્યા છે.

વીજળીનું બીલ ઘટાડવા માટે તમે ઘણા પ્રયાસ કર્યા હશે, જેમ કે ઘરની લાઇટો બદલી હશે, એસી-ફ્રિજ પણ બદલી ચુક્યા હશો તેમ છતાં વીજળના બિલમાં કોઈ જ ઘટાડો નહીં થયો હોય. હવે ખાલી ઘર જ બદલવાનું બાકી રહેશે, એક અંશે તો આ ઉપાય કંઈ ખોટો નથી તમે ઘરમાં અમુક ફેરફાર કરીને તમારા વીજળીના બિલમાં અરધો અરધ ઘટાડો કરી શકો છો. જો તમે આ પ્રકારનું ઘર બનાવવા માગતા હોવ અથવા તમારા જ ઘરમાં આવો કોઈ ફેરફાર કરવા માગતા હોવ તો તમારી હોમ લોનમાં તમને કેટલીક રાહત મળી શકે તેમ છે.

સરકાર તરફથી ઇકો નિવાસ નામનું પોર્ટલ બનાવવામા આવ્યું

ભારત સરકારના ઉર્જા મંત્રાલય સાથે જોડાયેલી સંસ્થા બ્યુરો ઓફ એનર્જી એફિશિયેંસી હવે રેસેડેન્શિયલ સેક્ટરમાં વીજળીના વપરાશને ઘટાડવા માટે નાગરિકોને કેટલાક નુસખા બતાવી રહી છે. તેમના આ નુસખાઓ અજમાવવાથી ઘરના વિજળી વપરાશમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. તેના માટે જો તમારું ઘર નવું જ બનતું હોય અથવા તો તમારા ઘરમાં રિનોવશન ચાલી રહ્યું હોત તે દરમિયાન તમારે કેટલાક ફેરફાર કરવાના રહે છે અથવા તો ઘર બનેલું જ હોય તો તેમાં પણ કેટલાક નાના-નાના ફેરફાર કરીને તમે તમારા વીજળીના વપરાશને ઘટાડી શકો છો.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયેંસી તરફથી તૈયાર કરવામાં આવેલા ઇકો નિવાસ પોર્ટલ (www.econiwas.com/launch/) માં આપવામાં આવેલા વિકલ્પો જેમ કે બે બેડરૂમ, ત્રણ બેડરૂમ, તમારું ઘર જેટલી જગ્યા ધરાવતું હોય તે પ્રમાણે પસંદ કરી શકો છો. આમાંના કોઈ એક ઓપ્શન પર ક્લિક કરતાં જ તમારા ઘરની છત, દીવાલ, બારીઓ વિગેરેમાં શું ફેરફાર કરવા જોઈએ અને તે ફેરફાર કરવાથી વીજળીના વપરાશમાં કેટલો ઘટાડો થઈ શકે છે તેને ટકાવારીથી દર્શાવવામા આવ્યું હોય છે.

બ્યુરો ઓફ એર્નર્જી એફિશિયેંસીના ડીરેક્ટર જણાવે છે કે જો ઘરની છત, દિવાલ વિગેરમાં જો ઇસ્યુલેટર લગાવવામાં આવે અને બારીઓ પર છજા લગાવીને બારીઓને ડબલ ગ્લાસથી કવર કરવામા આવે તો ઘરની વીજળીમાં 35 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ ઉપરાંત ઉનાળા દરમિયાન તમે જો એસીના તાપમાનમાં એક ડીગ્રીનો વધારો કરી દો તો તમે લગભગ 6 ટકા વિજળી ઘટાડી શકો છો. દા.ત. જો તમે એસીનું તાપમાન 18 ડીગ્રી રાખતા હોવ તો તે વધારીને તમે 24 ડીગ્રી રાખો તો તમારા એસીના ચાલુ રહેવાના કારણે તમારું જે બીલ આવે છે તેમાં તમે 36 ટકા જેટલો ભારે ઘટાડો કરી શકો છો.

આ ઉપરાંત હવે કેટલીક સંસ્થાઓ દ્વારા ભવિષ્યમાં જે કોઈ પણ ઘર બનાવવામા આવે તેને પાવર સેવર સ્માર્ટ હોમ તરીકે બનાવવાનો આગ્રહ કરવામાં આવે છે. પણ લોકોની તેની સામે દલીલ છે કે તેના કારણે 5 ટકા ખર્ચો વધી જાય છે. જે કંઈ ખોટી વાત નથી પણ માત્ર પાંચ ટકા ખર્ચો વધારે ચૂકવીને તેની સામે તમને જીવનભર વીજળીના ભારે બીલમાં રાહત મળે છે. આ સંસ્થાનો એવો દાવો છે કે વીજળીની ઓછી જરૂરિયાત પડે તેવા ઘરો બનાવવાથી અને તેનો ઉપયોગ કરવાથી વીજળીના બીલમાં 30થી 50 ટકા સુધીનો તો ઘટાડો થાય જ છે પણ જો થોડું વધારે ધ્યાન રાખવામા આવે તો તેના કરતાં પણ વધારે ઘટાડો લાવી શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ