આજની પોઝિટિવ સ્ટોરી: કોરોનાએ ફિઝિકલ ડિસ્ટન્ટ વધાર્યુ, પણ સોશિઅલ ડિસ્ટન્ટ તો ઘટાડ્યું છે

વોટેસ-એપ પર સંદેશ ચમકે છેઃ ફલાણા એપાર્ટમેન્ટના છઠ્ઠા માટે ડુંગળી મ‌ળે છે. 16 રૂપિયે કિલો. મિનિમમ 2.5 કિલો લેવી પડશે.

ત્યાં એક બહેન સમાચાર લાવે છેઃ બાજુના બ્લોકનાં એક બહેન સક્કર-ટેટીનું મેનેજ કરે છે. 400 રૂપિયાની 20 કિલો. એમના ઓળખીતાનું કચ્છમાં ફાર્મ છે. ઓગ્રેનિક ટેટી. ઘરે બેઠાં મળી જશે. ઘણા તો ટેટીના ફાયદા રજૂ કરે છે. લોકો ટેટી મંગાવે છે અને મીઠી મધ જેવી ટેટી ખાતાં ખાતાં કહે છેઃ બજારમાં આવી મીઠી ટેટી તો હવે મળતી જ નથી હોં.

image source

કોઈ વળી ઘઉંનું ગોઠવી દે છે. બધા ભેગા મળીને ઘઉં મંગાવો તો વ્યાજબી ભાવે મળે. ઘઉં ભરવાની તો સીઝન છે. ઘઉંની ખરીદીનું ગ્રુપ બને છે અને બધા ઓર્ડર નોંધાવે છે. કોઈ વળી બીજાના ઓર્ડર વાંચીને પોતાના ઓર્ડરમાં ફેરફાર હાૈ કરે છે. ઘઉંના આકાર-પ્રકારની ચર્ચા જામે છે. માહિતી અને જ્ઞાનની કેનાલો વહે છે. ઘઉંના ઈતિહાસના મેસેજ પણ વહેતા થાય છે. ટૂંકમાં થોડા થોડા દિવસે એપાર્ટમેન્ટમાં ઘઉંનાં કટાં આવે છે અને ભરાઈ પડેલા લોકો ઘઉં ભરીને રાજી થાય છે.

image source

એવું જ ચોખા અને દાળનું. એક મંગાવે એટલે બીજો પણ ઓર્ડર આપે અને ચોથો ભૂલી જાય તો પાંચમો તેને યાદ કરાવે. એકબીજાની કાળજી રાખવાનો કાળ છે. ચંદ્રિકાબહેન અને માલતીબહેનને ભલે ઊભે રહેય નથી બનતું, પણ કોરોના વખતે માલતીબહેન ચંદ્રિકાબહેનને ચાર ફોન કરીને યાદ કરાવશે કે ચોખા લેવા જેવા છે, સસ્તા છે અને સારા છે, લોકો આંખો મીંચીને ભરે છે.. નહીં ભરો તો પસ્તાશો. ચંદ્રિકાબહેન રાજી થઈને આભાર માનતાં માનતાં કહે છે, મારા ભાઈનો પાડોશી વેપારી છે. અમારે ઘર જેવા સંબંધ છે. તેના ત્યાં મસ્ત રાઈ આવી છે.. મેં તો બે કિલો લઈ લીધી.
માલતીબહેન ચોખા પડતા મૂકીને રાઈને પકડે છે.

આ રીતે સહકારી ધોરણે પકડાપકડી ચાલ્યા જ કરે છે.

ભઈ સાબ, કેરીની તો વાત જ ના કરશો. અમારા એપાર્ટમેન્ટમાં ત્રણ-ચાર વખત કેરી આવી ગઈ છે. 800 રૂપિયાની 10 કિલો. કેસર કેરી. ઓર્ગેનિક હોય ખરીને નાય હોય. પાડોશી ખાતા હોય એટલે આપણેય ખાવાથી કામ. કેરી હોય એટલે હંમ. સહકારી ધોરણે કેરી પણ ખૂબ વેચાઈ.

image source

વચ્ચે તો શાકભાજી પણ વેચાયું. ફ્લેટના છોકરાઓ ટેમ્પામાંથી શાકભાજી ઉતારે અને બહેનો થેલીઓ લઈ લઈને ફ્લેટોમાંથી નીચે ઉતરે. જે બહેન વધુ શાકભાજી લે, સમજી જવાનું, તેમનું ફ્રીઝ મોટું હશે. જરૂર છે કે નહીં એ બીજી વાત.. મળે છે એટલે લઈ લો એ જ મહત્ત્વની વાત.

તો આ છે સહકારી પ્રવૃત્તિનો નવો અવતાર. આડોશી-પાડોશી, સગાં-વહાલાં, સ્વજનો.. બધાં આ રીતે ભેગાં મળીને જુદી જુદી વસ્તુઓ મંગાવી રહ્યાં છે.

image source

કોઈના ખેડૂતો જોડે છેડા અડે છે તો કોઈના વેપારીઓ સાથે. અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ફોનાફોની થાય છે. કોણ કઈ વસ્તુ મંગાવે છે તેની માહિતી ભેગી થાય છે. કોઈનો સાળો, કોઈના બનેવી, કોઈના સસરા, કોઈના મિત્ર, કોઈના સગાના પાડોશી, કોઈના કાકા, કોઈના ગામવાળા, કોઈના પહેલાનાં પાડોશી, કોઈના ઓફિસકર્મી.. કશુંક ભેગા મળીને મંગાવી રહ્યા છે અને લોકો તેમાં જોડાઈ રહ્યા છે. મજાનો ખેલ છે. નવો ખેલ છે. જુદી જુદી વસ્તુઓ માટે વોટેસ-એપ ગ્રુપો બને છે, કોઈ વળી લીંક સર્જે છે.. સંપર્કોની લીંક અને વોટેસ-એપની લીંકનો સંગમ થાય છે અને શહેરીજનો નાના પ્રકારની જરૂરી ચીજ-વસ્તુ ખરીદીને-મેળવીને ધન્યતા અનુભવે છે.

મિત્રો-વર્તુળો-ફોરમો-વ્યવસાયિક સંગઠનો-ક્લબો-જ્ઞાતિમંડળો-ધાર્મિક મંડળોમાં પણ છેલ્લા બે મહિનામાં આવી સહકારી પ્રવૃત્તિઓ થઈ છે.

જો આ વ્યવસ્થા ચાલુ રહે તો કરિયાણાવાળા અને મોલવાળાનું કાયમી લોક-ડાઉન થઈ જાય હોં. મહત્ત્વની વાત એ છે કે ખરેખર તો કોરોનાએ ફિઝિકલ ડિસ્ટન્ટ વધાર્યુ, પણ સોશિઅલ ડિસ્ટન્ટ તો ઘટાડ્યું છે.

image source

ઠેર ઠેર શહેરો અને નગરોમાં, સોસાયટીઓમાં-ફ્લેટોમાં-રો-હાઉસિંગોમાં આવાં નાનાં નાનાં સહકારી ગ્રુપો બન્યાં અને જેને જે જોઈતું હતું તે પામ્યાં. સસ્તુ મળ્યું, ઘેર-બેઠાં મળ્યું, સમયસર મળ્યું અને ગુણવત્તાવાળું મળ્યું.

કોરોના પહેલાં લોકો એકબીજાની નજીક હતાં તેનાથી આજે વધારે નીકટ-નજીક આવ્યાં છે. ફિઝિકલ અંતર જાળવીને પણ લોકો એકબીજાની વધુ નજીક ગયાં છે. શરીર સલામત અંતરે રાખીને લોકોએ એકબીજાના અંતરનું જે અંતર હતું તે ઘટાડ્યું છે. વગર સર્વેક્ષણે આ બાબત અનુભવી-જોઈ શકાય છે.
અને આમેય, જ્યારે આપત્તિ આવે છે ત્યારે માણસને ભેગા થવાનું-ભેગા રહેવાનું સૂઝે છે.

ખરેખર કોઈકે સાચું જ કહ્યું છે.. સુખ નોખાં પાડે છે, દુઃખ જોડે છે.

મને તો લાગે છે કે આ દુનિયામાં દુઃખ જેવો કોઈ ફેવિકોલ કે ગુંદર નથી.

આલેખન : રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ