કદાચ કોરોના ભૂલી જવાશે, પણ ભારતના ઈતિહાસની આ કલંકિત ઘટનાઓ ભૂલે નહીં ભૂલાય

હૃદયને વલોવી નાખતી ઘર ભણી ચાલતા જતા શ્રમિકાની પીડાઃ કદાચ કોરોના ભૂલી જવાશે, ભારતના ઈતિહાસની આ કલંકિત ઘટના ભૂલી નહીં ભૂલાય…..

કેટલાંક દૃશ્યોઃ

image source

૧. એક શ્રમિક પરિવાર સાયકલો પર જઈ રહ્યો છે. પીઢ દીકરાએ કેરિઅર પર ૭૫-૮૦ વર્ષની માને બેસાડી છે. તેઓ બેંગ્લોરથી ૩૪ દિવસથી નીકળ્યાં છે. મંઝિલ છે, રાજસ્થાનનું કોટા શહેર. એ પીઢ શ્રમિક ભાઈ જે રીતે પોતાની માતાને સાયકલ પર બેસાડીને લઈ જતા હતા એ દૃશ્ય જોઈને કદાચ શ્રવણ પણ ઝાંખો પડી જાય.

૨. એક ૧૨ વર્ષની દીકરી પોતાના ગામના લોકો સાથે તેલગણાંથી છત્તીસગઢ જવા નીકળી. ઘરે પહોંચવાના માત્ર ૧૪ કિમી બાકી હતાને રસ્તામાં તેનું મૃત્યુ થયું. એકની એક દીકરી હતી. મરચાં ટીંડવાની મજૂરી કરવા ગઈ હતી એ કૃશ કાયા.

૩. મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશ રેલ્વેના પાટે પાટે જતા થાકેલા-પાકેલા શ્રમિકો પાટા પર જ સૂઈ ગયા. માલગાડી આવીને ૧૬ને કચડીને જતી રહી. તેમની પાસે રોટલીઓ હતી તે વેર-વિખેર થઈ ગઈ…

image source

ભારતમાં આવાં તો સેંકડો દૃશ્યો સર્જાયાં. સેંકડો મજૂરો રસ્તા પર કચડાયા. સેંકડો ભૂખથી મર્યા. સેંકડો બિમારીથી મર્યા. ઝવેરચંદ મેઘાણીને યાદ કરીને લખીએ કે રક્ત ટપકતી સો સો ઝોળી રસ્તા પર રઝડે…

ભારતમાં ૨૫મી માર્ચ, ૨૦૨૦થી લોકડાઉનનો પ્રારંભ થયો. વડાપ્રધાને દેશના લોકોને ક્હયું કે તમે જ્યાં છો ત્યાં જ રહો. એમની વાત બરાબર હતી. કાતિલ કોરોનાનું સંભવિત જોખમ જોતાં એમ કરવું અનિવાર્ય જ હતું, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ઘરથી દૂર દેશના જુદા જુદા ખૂણે કામ કરતા શ્રમિકો વિશે એક શબ્દ પણ બોલવાનું ભૂલી ગયા. તેમના વિશે ભારત સરકારે અચૂક કોઈ વ્યૂહરચના કરવાની જરૂર હતી, હતી અને હતી જ. જો વડાપ્રધાને પ્રથમ લોકડાઉન પૂર્વના સંબોધનમાં શ્રમિકોને ધરપત આપી હોત કે અત્યારે તમે જ્યાં છો ત્યાં જ રહો, સ્થિતિ અને સંજાગો પ્રમાણે સરકાર યોગ્ય નિર્ણય કરશે. જો આમ થયું તો લાખો શ્રમિકોને હૈયાધારણ મળી હોત. એ કબૂલ કે આ પ્રકારની મહામારીનો ભારત દેશ પ્રથમ વખત જ સામનો કરી રહ્યો અને સ્થિતિ એકદમ સ્ફોટક, જાખમી અને અનિશ્ચિત હતી, પણ લાખો શ્રમિકોને ધ્યાનમાં રાખવા અનિવાર્ય હતા એ પહેલી વાત.

image source

બીજી વાત એ કે દુનિયાના કોઈ પણ માણસને આપત્તિમાં પોતાનું ઘર જ યાદ આવે. ધરતીનો છેડો ઘર એ કહેવત એમને એમ પડી નથી. ભલેને હજારો કીમી દૂર હોય, અરે કાચું ઝૂંપડું કે ફૂટપાથ પરનું ખુલ્લું ઘર હોય, તો પણ માણસ સંકટ સમયે તો ઘરભેગો થવા જ તલસે. ટૂંકમાં દેશના તમામ શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવાની, પહેલેથી જ યોજના કરવા જેવી હતી. ધારો કો અન્ય પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેતાં પહેલેથી એ યોજના ના કરી શકાઈ, કોઈ વાંધો નહીં, તો પછી તરત તો કરવા જેવી જ હતી. દિવસો પર દિવસો વિતતા ગયા અને શ્રમિકો માટે સમયસર અને યોગ્ય નિર્ણય જ ના કરાયો.

image source

લોકડાઉન ચાલુ હોવા છતાં શ્રમિકોએ ચાલતાં પોતપોતાના ઘરની વાટ પકડી ત્યારે જ ભારત સરકારે અને રાજ્ય સરકારે તાત્કાલિક તેમના માટે સગવડ કરવાની આવશ્યકતા હતા. મને તો એ લખતાં ભારે દુઃખ અને પીડા થાય છે કે વિદેશમાં રહી ગયેલા લોકોને આપણે વિમાનો મોકલીને, કેટલાકને તો સરકારના પૈસે દેશમાં પાછા લાવ્યા, પણ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમા આપણા આ શ્રમિક ભાઈ-બહેનો માટે આપણે કશું ના કરી શક્યા ? ધિક્કાર છે આપણને ! એ બિચારા-ગરીબડા-ઓશિયાળા-લાચાર શ્રમિકો ધોમધખતા તડકામાં, ભૂખ્યા પેટે ઘર તરફ ચાલ્યા.

કેવાં કરૂણ દૃશ્યો ! નાનાં નાનાં છોકરાં ભૂખે વલખતાં માંડ માંડ ચાલતાં હશે બિચારાં ! કોઈક શ્રમિક મહિલાના પેટમાં અનાજનો દાણો નહીં પડ્યો હોય, પણ તેના પેટમાં બાળક હશે અને તેને સેંકડો કીમી ચાલવું પડ્યું હશે ત્યારે તેણે કેવી અસહ્ય વેદના અનુભવી હશે ? જે બહેનો ઋતુકાળ (ટાઈમ)માં હશે તેમને કેવી તકલીફો સહન કરી હશે ? અવરાણે પગે, ભૂખ્યા પેટે, વલવલતી તરસે આ લાખો મજૂરો ઘર ભણી જતાં હશે ત્યારે ભલે ખોરાકના અભાવે તેમનાં મોંઢાં બંધ હશે, પણ પગની સાથે મન તો ચાલતું જ હશે ને ? એ લોકો શું વિચારતાં હશે ?

જેમ સંકટ સમયે જ કોઈ પણ વ્યક્તિની ખાનદાનીની કસોટી થતી હોય છે, બિલકુલ તે જ રીતે સંકટ સમયે જ જે તે શાસકની પણ કસોટી થતી હોય. શાસકે સ્વસ્થ ચિત્તે, આજના અને આવનારાં પરિબળોનો સર્વાંગી રીતે વિચાર કરીને નિર્ણય લેવા પડે. એમાં દરેકનું ધ્યાન રાખવું પડે. ભારત સરકારે અને રાજ્ય સરકારે ધર્મ આધારિત કેટલીક નાજુક બાબતોને સંવેદનશીલ રીતે સંભાળી લીધી તેના માટે તેને પૂરેપૂરા અભિનંદન આપીએ, પણ શ્રમિકોના મુદે જે કાચું કપાયું છે તે માટે તો તેને માફ કરી જ ના શકાય. આ ભૂલ કે ચૂક નથી, મોટો અપરાધ જ છે.

સેંકડો શ્રમિકોએ કરેલી કૂચ સ્વતંત્ર ભારતનું કાળું પ્રકરણ છે. એ શરમજનક છે અને કલંકરૂપ પણ છે. એ બિચારાં પોતાનું ઘર છોડીને, અન્યાય, શોષણ અને અત્યાચારો વેઠીને આપણાં કારખાનાં ચલાવે, આપણને ખેતીમાં મદદ કરે, આપણા માટે મકાનો બાંધી આપે, પીઠ દુઃખી જાય તોય આપણા માટે માલ-સામાન ઊંચકે, આપણાં એઠાં વાસણો ઉટકે, આપણે પહેરીને મેલાં કરેલાં કપડાં ધોઈ આપે, આપણા ઘરના કચરા વાળે, જાનના જાખમે આવાં વિધવિધ કાર્યો કરે અને સંકટ સમયે આપણે એમને રેઢાં મૂકી દઈએ ? એમની અપેક્ષા કેટલી ? એક ચમચી જેટલી. અમને હેમખેમ અમારા ઘરે પહોંચાડો. આપણે એટલું ય ના કરી શક્યા. પૂરાઈ ગયા ઘરમાં આપણે ! એ રખડતાં રહ્યાં, રઝડતાં રહ્યાં, ટળવળતાં રહ્યા, તલસતાં રહ્યાં અને આપણે કશું ના કરી શક્યા !

image source

હદ તો ત્યારે થઈ જ્યારે તેમની પાસેથી ભાડું લેવાયું. ગુજરાત સરકાર સહિત જે જે સરકારોએ ભાડું લીધું તેણે ગંભીર ભૂલ જ કરી કહેવાય. તેનોય વિવાદ થયો અને બચાવ કરાયો. સાવ ખોટો બચાવ કરાયો. ગેરસમજ થઈ છે તેવું કહી ભીનું સંકેલી લેવા નિષ્ફળ પ્રયાસ પણ કરાયો. ખરેખર, તો તેમને પૂરા સન્માન અને સલામતી સાથે તેમના ઘરે સરકારે પહોંચાડવા જોઈએ તેને બદલે સરકારને તેમની પાસેથી ભાડું લેતાં શરમ પણ ના આવી ? શ્રમિકો પાસેથી ભાડું લેવાનો જેને વિચાર આવ્યો હશે તેને હૃદય નહીં હોય ?

image source

જોકે ભારતમાં શ્રમિકો નસીબે શોષણ, અન્યાય, અત્યાચારો અને અવગણના જ લખાઈ છે. કોરોના કૂચ તો તેનું શીખર છે જ, પણ રોજબરોજ પણ તેમણે સહન કરવાનું જ આવે છે. સરકાર શું કે સમાજ, ઉદ્યોગપતિઓ શું કે વેપારીઓ.. આપણે તેમના ઉપર મોટા ઉપકાર કરતા હોઈએ તેમ તેમને રોજગારી આપીએ છીએ અને પછી આપણું કામ કઢાવી લઈએ છીએ. શ્રમિકોનું ખુલ્લેઆમ અને બેફામ શોષણ થાય જ છે. અત્યારે ભલે આપણે સાંપ્રત મુદ્દે સરકારનો કાન પકડીએ પણ બજાર અને સમાજ પણ શ્રમિકોની અવદશા માટે પૂરા જવાબદાર છે જ. સ્વાર્થે આપણને આંધળા અને બહેરા કરી નાખ્યા છે. આપણને એમની અવદશા દેખાતી નથી અને તેમની વેદના પણ સંભળાતી નથી.

આપણાં ઘર બનાવી આપતાં આ બિચારાં અને ઓશિયાળાં લોકો પોતે ખુલ્લામાં રહે… એમની મહાનતા તો જુઓ કે પોતે ખુલ્લામાં રહીને શહેરીજનો માટે આલિશાન ઈમારતો બાંધી આપે. ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગમાં કામ કરતા લાખો શ્રમિકો છે. અલ્યા બિલ્ડરો અને કોન્ટ્રાકટરો તો લાખો અને કરોડોપતિઓ છે. એ બધાની સંવેદના ક્યાં ગઈ ? કોઈનો રામ ના જાગ્યો ? બધા મુખ્યમંત્રીને જઈને ચેક આપી આવ્યા અને તસવીરો લઈ આવ્યા, તેમને મજૂરો ના દેખાયા ? અરે, ભાઈ, શ્રમિકોને ઘરે પહોંચાડવાના ખર્ચની એન્ટ્રી સીએસઆરમાં નાખવી હતી, પણ તેમના માટે કંઈક કરવું તો હતું.. ? કોરોના વાયરસે જવાનું નક્કી કર્યું હોય તો પણ શ્રમિકોના નિસાસા સાંભળીને પાછું ના આવે ?

image source

કોમચલાઉ કોવિડ-17 વામનું કોરોના જતું રહે એ પછી આપણે કાયમી કોરોના વિશે વિચારવું પડશે. મને તો લાગે છે આપણે તેમના પર પુષ્પવર્ષા તો ના કરી શકીએ પણ કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારોએ અને આખા દેશ જે જે શ્રમિકો ચાલતા ઘરે ગયા છે તેમની ક્ષમા માગવી જોઈએ. જે શ્રમિકો મોતને ભેટ્યા છે તેના માટે પરમાત્માને પ્રાર્થના કે તેમને પરમ શાંતિ આપજે અને બીજો જન્મ ભારતમાં શ્રમિક તરીકે ના જ આપતો…

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ