ઘર તોડાવનાર – આવી સાસુ વહુની વાર્તા તમે ક્યાય નહિ વાંચી હોય, વાંચીને અભિપ્રાય જરૂર આપજો…

સુંદર સાડી માં સજ્જ કનિકા લગ્ન ના મંચ ઉપર ધીરે ધીરે પગથિયાં ચઢી રહી હતી . કેવો ભવ્ય લગ્ન સમારંભ હતો ! કેટલી ભવ્ય લગ્ન શણગાર ની તૈયારીઓ હતી ! અને આ રીસેપશન માટે નું સ્ટેજ તો સૌથી આકર્ષક હતું . પૃષ્ઠભૂમિ માં સફેદ ફૂલો અને એને દિપાવવા માટે પસન્દ કરાયેલો જાંબલી રંગ નો પરદો . કન્યા અને વર ના એક સમાન શ્વેત વસ્ત્ર પરિધાન મંચ ને ચાર ચાંદ લગાવી રહ્યા હતા . વર અને કન્યા ની પડખે ઉભેલા પરિવાર થી મંચ ની સુંદરતા વધુ દીપી ઉઠી હતી .
આંખો સામે ના એ લગ્ન મંચ ને નિહાળી કનિકા ની આંખો સામે પોતાના અને આશિષ ના લગ્ન નો મંચ તરી આવ્યો . એમના લગ્ન નો મંચ પણ આવોજ સુંદર અને ભવ્ય સજાવાયો હતો . ફૂલો નો તો જાણે ઉત્સવ યોજાયો હતો . તાજા ફૂલો ની સુગઁધ અને પ્રેમ ની અનેરી તાજગી થી આખો મંચ મહેકી ઉઠ્યો હતો . દુલ્હા અને દુલ્હન ના અતિ રમણ્ય વસ્ત્રો માં સજ્જ કનિકા અને આશિષ હાથો માં હાથ પરોવી પોતાની આસપાસ હાજર અનેક લોકો અને કેમેરા ની ફ્લેશ લાઈટ થી અજાણ ફક્ત એકમેક માં કશેક ઊંડે ખોવાઈ ચૂક્યા હતા. એમનો પ્રેમ લગ્ન ના પવિત્ર સાત ફેરા જોડે, સાત જન્મો માટે એકબીજા ને નામે થઇ ગયો હતો.
પરંતુ પ્રેમ અને લગ્ન એક બીજા સાથે સંકળાયેલી બાબતો ભલે હોય, એ બન્ને પાસાઓ બે તદ્દન વિપરીત પરિસ્થિતિઓ છે, એમાં બે મત કેવા ? પ્રેમ બે હય્યાઓ વચ્ચે થતો હોય છે જયારે લગ્ન બે પરિવારો વચ્ચે …. પ્રેમ માં દરેક પરિબળો ફક્ત બે આત્માઓ ની અનુમતિ થી ચાલે છે જયારે લગ્ન અને ઘર સંસાર માં કુટુંબ અને સમાજ ના નિયંત્રણો પણ પ્રવેશે છે . કનિકા અને આશિષ નો પ્રેમ પણ મંગળસૂત્ર અને મંડપ માં ફરેલા સાથ ફેરાઓ જોડે ફક્ત બે આત્મા ના મિલન પૂરતો સીમિત ન રહેતા કુટુંબ અને સમાજ ના નિયંત્રણો નો પણ ભોગ બનવા લાગ્યો .
આશિષ ની માતા આ પ્રેમ સંબંધ અને લગ્ન થી જરાયે ખુશ ન હતા. જે દીકરા ને નવ મહિના ગર્ભ માં સાચવ્યો , અનન્ય કાળજી અને સંભાળ થી એક પુખ્ત યુવક બનાવ્યો , દિવસ રાત એક કરી જેનું ભરણપોષણ કર્યું એજ દીકરા માટે પોતાની પસંદગી -ના પસંદગી કોઈ મહત્વજ ધરાવતા ન હતા ? એક યુવતી માટે એણે પોતાની માતા ની ઈચ્છા ની લાજ ન રાખી ? આજ સુધી જેને માટે જીવન જીવતી રહી એણે પોતાનું નવું વિશ્વ્ પોતાની જ પસંદગી થી શણગારી લીધું એ પણ પોતાની માં ના વિરોધ છતાં !
કનિકા અને આશિષ નું લગ્ન જીવન આશિષ ની માતા તરફ ના ભાવાત્મક અને નકારાત્મક વિઘ્નો થી અવરોધાવા લાગ્યું. રોજ રોજ ના ઘર કંકાસ થી ઘર નું વાતાવરણ દૂણાવા લાગ્યું. કનિકા આધુનિક પેઢી ની શિક્ષિત યુવતી હતી. વડીલો નું આદર સન્માન એને જેટલું જાળવતા આવડતું હતું એટલુંજ પોતાનું આત્મસન્માન પણ . વિના વાંકે , વિના કારણે ફક્ત કોઈ ની અંતર ની ખુશી માટે એ પોતાની જાત નું અપમાન થવા દેવું સ્વીકારી શકેજ નહીં. આશિષ ની માતા ના જુનવાણી ખ્યાલો અને માન્યતાઓ ને આંખે પાટા બાંધી એ અનુસરી શકેજ નહીં . માન મેળવવું હોય તો માન આપવું પણ પડે .
કનિકા ની આ આધુનિક વિચારધારા સામે આશિષ ની માતા નો ભાવાત્મક વિદ્રોહ ચરમસીમાએ પહોંચ્યો. પોતાની પત્ની ના આકરા સ્વભાવ સામે એક પણ શબ્દ ન ઉચ્ચારી શકનાર આશિષ ના પિતા મૌનપૂર્વક બધીજ વાસ્તવિકતા તટસ્થ રીતે નિહાળી રહ્યા હતા. બે સ્ત્રીઓ ના પ્રેમ વચ્ચે હમેશા પુરુષ જ પીસાતો આવ્યો છે.સમાજ ની આ નક્કર વાસ્તવિકતા ને કોણ નકારી શકે ? માં અને પત્ની બન્ને પ્રત્યે ની ફરજ અને જવાબદારી નું ત્રાજવું સંતુલિત રાખવાનો માનસિક પડકાર સહેલો હોય છે ? આખરે આશિષ અને કનિકા ના લગ્નજીવન ને બચાવવા એકજ ઉપાય અર્થસભર હતો. આશિષ ના પિતા એ એકાંત માં આશિષ અને કનિકા ને ઘર થી થોડાજ અંતરે એક અન્ય ફ્લેટ માં ભાડે થી રહેવા જતા રહેવા ની યુક્તિ સુજાવી. થોડા અંતર થી આશિષ ની માતા ને પણ કદાચ કનિકા ની સાચી કદર થશે અને પોતાના બાળકો થી થોડો સમય દૂર રહી એમની સંવેદનાઓ અને ભાવનાઓ ને પણ સાચો માર્ગ મળશે એ આશા એ આશિષ પિતા ની યુક્તિ અનુસાર કનિકા જોડે એક અન્ય ફ્લેટ માં રહેવા જતો રહ્યો .
કનિકા એ નિર્ણય થી જરાયે ખુશ ન હતી કારણકે એ સમાજ અને સામાજિક વિચારધારા ને સારી પેઠે સમજતી હતી. જયારે પણ પતિ – પત્ની ઘર થી છુટા થાય ત્યારે એની પાછળ ના કારણ ને જાણ્યા સમજ્યા વિનાજ સમાજ એનો દોષ પત્ની નેજ આપે છે . કનિકા નું ગણિત તદ્દન સાચું નીકળ્યું . અન્ય ઘર માં રહેવા જતા રહેવા ની યુક્તિ આશિષ ના પિતા ની હતી અને એ યુક્તિ ને સ્વીકારવાનો નિર્ણય આશિષ નો પોતાનો હતો , આમ છતાં સમાજે એ માટે નો સંપૂર્ણ દોષ કનિકા ને જ આપ્યો.
આશિષ ની માતા ના વર્તન- વલણ પ્રત્યે કોઈએ પ્રશ્નો ન ઉઠાવ્યા . પરંતુ એક વૃદ્ધ માં ને એના દીકરા થી દૂર કરનાર દોષી તરીકે કનિકા પર જ સમાજ ના લોકો આંગળી ચીંધવા લાગ્યા . સમાજ ના આ પ્રત્યાઘાતો કનિકા ને માનસિક રીતે પજવી રહ્યા. સામાજિક પ્રસંગો પર મહેણાં ટોણા સાંભળી એનું મન એમાં તર્ક શોધવા મથતું . આ બધા માં આખરે એનો શું વાંક હતો ? એને કઈ વાત ની સજા મળી રહી હતી ?

Indian businesswoman resting head in hand

આ બધા માનસિક તણાવો ની વચ્ચે આશિષ ની માતા એ ભરેલા એક પગલાં થી આશિષ અને કનિકા નું લગ્ન જીવન કણ કણ વિખેરાઈ ગયું. આશિષ ને પોતાના જીવન માં પાછો વાળવા એમણે ભરેલું એ પગલું કનિકા ની કલ્પના શક્તિ ની તદ્દન બહાર નું હતું . પોતાની હાથો ની નસો કાપવાનો , આત્મહત્યા નો પ્રયાસ ! આશિષ નું મગજ પણ હવે જાણે કાર્ય કરતું થમ્ભી ગયું હતું . જો એમને કઈ થઇ જતે તો ? ના , કનિકા ને પણ કોઈ ના મૃત્યુ નો ભાર છાતી પર લાદી જીવન જીવવું મંજુર ન હતું . એક સંબંધ થી જ્યાં બધુજ વિખેરાઈ રહ્યું હોય ત્યાં એ સંબંધ ની ગાંઠ છોડી દેવીજ બધા માટે હિતાવહ . કનિકા ને ઘર વસાવવું હતું , વિખેરવું નહીં ! સમાજે આપેલા ‘ઘર તોડાવનારી ‘ ના આક્ષેપો થી આખરે એણે પોતાની જાત ને મુક્ત કરાવી દીધી . માં અને દીકરા ના સંબંધ વચ્ચે થી એ હંમેશ માટે દૂર જતી રહી .
ભારતીય સમાજ માં માતા નું સ્થાન સૌથી ઊંચું છે . ઈશ્વરે એના પગ ને તળિયે સ્વર્ગ અર્પણ કર્યું છે . એની સેવામાંજ સ્વર્ગ ની પ્રાપ્તિ છે . કારણકે માં નો પ્રેમ નિઃ સ્વાર્થ હોય છે . પોતાના બાળકો ની ખુશી જ એના હૃદય ની સાચી ખુશી હોય છે . માતા ના ધાવણ ની કિંમત ચૂકવવાની કોઈ બાળક ની હેસિયત હોય શકેજ નહીં . પણ જયારે એજ માતૃત્વ પોતાના ધાવણ ની કિંમત વસૂલવા ઉતરે છે ત્યારે એ પ્રેમ નહીં વેપાર કરે છે . કંઈક કરી ને કંઈક મેળવવું એ સ્નેહ નહીં ફક્ત સ્વાર્થ ! પોતાના જતન અને કાળજી ના બદલા માં બાળકો ને પોતાના હાથ ની કઠપૂતળી બનાવવાની ઈચ્છા માતૃત્વ નજ હોય શકે.. કેમેરા ના પ્રકાશ થી વિચારો માં ઊંડે ઉતરેલી કનિકા ચોંકી . સ્ટેજ ઉપર પહોંચેલી કનિકા એ દુલ્હન ના હાથ માં સહપ્રેમ ભેટ આપી. દુલ્હા ના હાથ માં બૂકે થમાવ્યો. ” લગ્ન ની ખુબ ખુબ શુભકામનાઓ …..”

દુલ્હા ના વસ્ત્રો માં સજ્જ આશિષ ની મૌન આંખો નીચે ઢળી પડી . આશિષ ના પિતા ને પગે લાગી ,આશીર્વાદ લઇ એ સ્ટેજ ની દાદર તરફ વળી . આશિષ ની માતા ની આંખો માં આખરે પણ પોતાની પસંદગી ની વહુ લઇ આવવા ની જીત નો હર્ષ છલકાતો સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો . સ્ટેજ ની દાદરો ઉતરતી કનિકા ની આંખો ઉપસ્થિત સમાજ ના લોકો ઉપર તકાઈ અને એની હેરતપૂર્ણ આંખો એમને મૌન પ્રશ્ન પૂછી રહી : ” આખરે ઘર તોડાવનાર કોણ ??????” પણ અફસોસ ઉત્તર કશેજ ન જડ્યો …
લેખક : મરિયમ ધુપલી
વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.