ઘર દીવડી – દિકરાના મોહમાં એક માતા કેટલું બધું ગુમાવતી હોય છે…લાગણીસભર વાર્તા…

આજે તેજસ્વી તારલાઓ જેવા વિદ્યાર્થીઓ, કે જે લોકોએ, દસમા કે બારમા ધોરણની, બોર્ડની પરીક્ષામાં કે પછી 12 ધોરણ પછી જે-તે ક્ષેત્રમાં પ્રથમ હરોળમાં આવેલા હોય તેવા વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ હતો. વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને આમંત્રિત મહેમાનોથી શહેરનો ટાઉનહોલ ખીચોખીચ ભરાયેલો હતો. સરસ્વતી માતા ની પાસે દીપજ્યોતિ પ્રગટાવીને, આવેલા મુખ્ય મહેમાન તથા અન્ય મહાનુભાવો એ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

વાલીઓનો તો જાણે કે મેળાવડો ભરાયો હોય તેવું વાતાવરણ લાગતું હતું. ઘણી બધી બહેનો વાતોમાં ખૂબ મશગૂલ હતી. મોટાભાગની બેનો તો જાણે કે પોતાનું બાળક ઈનામ મેળવવા માટે પસંદ થયું તેની પાછળ માત્ર પોતાનું જ એકનું જ યોગદાન છે તેવું જતાવતી હતી. બધા ખુબજ ખુશખુશાલ હતા તેમાં કાર્યક્રમ શરૂ થતા શાંતિ સ્થપાઈ ગઈ અને મુખ્ય મહેમાન એવા મંત્રીશ્રી, કોઈ એરિયાના ધારાસભ્ય અને બીજા કેટલાક અતિથિઓએ પ્રારંભિક પ્રવચન કર્યા.

ત્યારબાદ, એક પછી એક દીકરા-દીકરીઓને સ્ટેજ પર નંબર પ્રમાણે બોલાવવાનું શરૂ થયું. ઘણા બધા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ થવા લાગ્યા. જેનું નામ બોલાતું જતું હતું તેવા હોશિયાર દિકરા-દિકરીઓ એક પછી એક સ્ટેજ પર આવવા લાગ્યા હતા.

તેમને તાળીઓના ગડગડાટથી વધાવતાં હતા તેમના માતા-પિતા પણ ખૂબ ખૂબ ખુશ દેખાતાં હતાં. આ ઇનામ વિતરણમાં બે બહેનો દિશા અને નિશાને ઘણા ઘણા ઈનામો મળ્યા હતા આ બંને બહેનોએ અલગ અલગ ક્ષેત્રમાં આગળ રહીને જુદા-જુદા ઘણા બધા ઇનામો મેળવ્યા. જેને એક કે બે મળ્યા હતા તેવા બાળકના માતા-પિતા પણ, આ બે બહેનોને મળતા, આટલા બધા પ્રાઇઝ થી અંજાઈ ગયા હતા. નામ બોલાય તે દીકરા કે દીકરીનું નામ લે ત્યારે તેમના માતા-પિતાને પણ ત્યાં પોતાની સીટ પર ઊભા કરવામાં આવતાં હતાં. ઇનામ મેળવનારના મો પર તો, ખુશી હોય જ પણ, તેમના વાલી પણ ખૂબ હરખાતા હોય.

તેમાંય જે તે વિદ્યાર્થીની મમ્મીઓની તો ખુશી છલકાઈ જતી હોય તેવું દેખાઇ આવતું હતું. પણ દિશા અને નિશા જ્યારે જ્યારે ઈનામ લેવા સ્ટેજ પર આવતી ત્યારે તેમના મમ્મી શીલાબહેન રડતા હતા. સતત રડતાં જતાં હતા. પહેલા તો એમ લાગતું હતું કે એ એમના હર્ષાશ્રુ હશે !! પણ તે ઘણીવાર સુધી રડ્યા કર્યા .. !! તો હવે તો બધા તેમની સામે જ જોઈ રહેતા હતા !!

ઇનામ વિતરણ પૂર્ણ થયા બાદ વાલીઓમાંથી અભિપ્રાય માટે બે શબ્દો બોલવાનું કહ્યું. એકાદ ભાઈ, ઊભા થયા અને ઔપચારિક વાતો કરી જણાવ્યું કે આવા કાર્યક્રમોથી બાળકોને જાહેરમાં સન્માન થવાથી તેનો ઉત્સાહ વધે છે અને બીજા બાળકોને જવલંત સફળતા મેળવવા માટે ખૂબ પ્રેરણા મળે છે. તેમણે દિશા અને નિશા ના ય નામ લીધા કે તે બંને બહેનો ખૂબ જ તેજસ્વી છે. બધી દીકરીઓ એ તેમની પ્રગતિ માંથી પ્રેરણા લેવી ઘટે !! તો વળી શીલાબેન રડી પડ્યા!! તેનાથી ધ્રુસકું છૂટી ગયું.

વળી બધાનું ધ્યાન તેના તરફ ખેંચાયું તેમના પતિ ધીરજભાઈ તેમને શાંત પાડવા લાગ્યા કાર્યક્રમના સંચાલકે હવે, બહેનોમાંથી કોઈને સ્ટેજ પર આવી બોલવા અનુરોધ કર્યો. બધાના આશ્ચર્ય વચ્ચે શીલાબહેન ઊભા થયા !! તેમણે આંખો લૂછી અને તેઓ મક્કમ ડગ ભરતાં, એ સ્ટેજ પર આવ્યા,… તેમણે બોલવાની શરૂઆત કરી..

“આમંત્રિત મહેમાનો મંત્રીશ્રી તથા વાલીઓને માનભેર સંબોધીને તેમણે જણાવ્યું કે, આજે તેઓ પોતાની જ વાત કરવા !! ખાસ કરીને માફી માંગવા ઊભા થયા છે !! બધા ધ્યાનથી તેમને સાંભળી રહ્યા !! શીલા બહેન કહેવા લાગ્યા, મારા લગ્ન પછી બે વર્ષે અમારે ત્યાં દિશાનો જન્મ થયો અને તેના પછી તે બે વરસની થતાં, નિશા આવી !!

જ્યારે નિશાનો જન્મ થયો ત્યારે, મને ખૂબ જ દુઃખ થયું હતું.હું ખૂબ રડી પણ હતી… કે મારે એક પુત્રી હતી અને બીજી શું કામ આવી ?? મારે પુત્રની જરૂર હતી. મારો પુત્ર માટેનો મોહ, ખૂબ વધારે હતો. પણ, હવે ત્રીજી ડીલેવરી માટે મારું શરીર સક્ષમ નહોતું. તેથી બીજી ડિલિવરી માં જ મારુ ઓપરેશન કરી નાખવામાં આવ્યું.

પણ, મને કેમે ય કરીને આ પરિસ્થિતિ મંજૂર નહોતી !! પહેલા બાળક તરીકે દિશાને મેં બે વર્ષ લાડ લડાવ્યા.. પણ, જેવી નિશા !! પણ બીજી દીકરી આવી !! ત્યાર પછી હું બંનેને કોસવા લાગી.

ઘણા લોકોને ત્યાં બે કે ત્રણ દીકરા છે અને મને ભગવાને … દીકરી અને તેય વળી, બબ્બે દીકરી જ શા માટે આપી ?? હું ઘણીવાર મનોમન ભગવાન સાથે ઝઘડતી અને તે ફરી રડવા લાગ્યા! સ્વસ્થ બની શીલાબેન આગળ બોલ્યા.. ઘણીવાર તો દિશા કે નિશા બેમાંથી કોઈ બીમાર પડે તો તેમના પપ્પા, તેમને હોસ્પિટલ લઈ જવાનું કહેતા ત્યારે હું એમને ના પાડતાં કહેતી, “રહેવા દો !! દીકરીઓને કાંઈ ન થાય ! નકામો ખર્ચ શા માટે ??

મારી બંને દીકરી સમજણી થતાં-થતાં સહજતાથી સમજી ગઈ હતી કે અમે બન્ને બેનો સગી મા ને ઓરમાન દીકરીઓ હોય એવી લાગીએ છીએ !! શીલાબેનની આંખોમાંથી ગંગા જમના વહેતા હતા !! મારી બન્ને દીકરીઓ પહેલેથી ખૂબ જ સમજુ હતી. તે ક્યારેય નકામો ખર્ચ કરાવતી ન હતી. ઘરમાં મને બધું કામ કરાવતી અને હું તેમના નજીવા વાંક હોય ત્યારે પણ ખીજાય જાવ, તો બંને બહેનો રડતી-રડતી સુઈ જતી. પણ, ક્યારેય મારી સામે ઉંચા અવાજે ના બોલતી !! હું પણ માં હતી !!

તેઓ સૂતી હોય ત્યારે ક્યારેક તેમની સામે જોતી બેસતી અને મને વહાલ ઉભરાતું !!… ત્યારે તેમના માથે હૂંફાળો હાથ ફેરવી લેતી … પણ ભૂલેચુકેય, જો તે જાગી જાય તો ન ખબર પડતાં, મારી એમના પ્રત્યેની કૂણી લાગણી ઊડી જઈને કઠોરતા આવી જતી. મારા પતિ ધીરજ ખૂબ સમજુ છે. તે મને ઘણી વખત સમજાવતા. પણ,

મારે ગળે કેમેય ઘૂંટડો ઉતરતો જ નહોતો !ધીરજ, અમારી દિકરીઓને, પિતાના પ્રેમની સાથે, માની મમતા પણ આપતા રહેતા. હું આ બધું જોઈને વધુ ખીજાતી અને ત્રણેય ઉપર ગુસ્સો કરી મનમાં જે આવે તે બોલી નાખતી… મારી દિશા અને નિશાને હું “પાણા” એટલે કે “પથ્થર” જ કહેતી !! ….અને અડોશ-પડોશ કે સગાવાલાના , કોઈ નાના દીકરાને જોતી …તો, હું તેના તરફ પ્રેમથી જોઈ રહેતી અને તેના ઉપર હું ઓળઘોળ થઈ જતી!! પણ, તે મારો નથી !! એ વિચારે ફરીથી દુઃખી થઈ જતી !!

અને તે વખતે , જો સામે દિશા કે નિશા સામે આવી જાય તો તેમનો ઉધડો લઇ નાખી, એમને પણ કોસતાં અચકાતી નહીં !! હું શીલા ખરા અર્થમાં પથ્થરની શીલા બની ગઈ હતી !!! આજે મારી દિશા કમ્પ્યૂટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં છે અને નિશાને મેડિકલ પહેલા રાઉન્ડમાં એડમીશન મળી ગયું છે !! બધા તેમના આટલા વખાણ કરે છે ત્યારે, મારે આજે બધાની સામે જાહેરમાં એકરાર કરવો છે !!

બોલતા બોલતા શીલાબેન રડવા લાગ્યા… અને રડતા રડતા.. કહે, “મારી દીકરીઓ !!! હું તમારી માં, તમારી ગુનેગાર છું !! ભગવાન !! હું તમારી પણ ગુનેગાર છું કે તમે આપેલા આપે વરદાનને ઓળખી ન શકી !! જેવી રીતે,મૃગજળમાં પાણી નથી તે ખબર હોવા છતાં તેની પાછળ દોડીએ !! તેમ, મને પુત્રની ઘેલછા , અતિશય હતી !! પુત્રની એષણા રાખતી હું !!!

કેવી કમનસીબ !! મારી સામે જ બે અનમોલ પુત્રી રત્ન છે !! તેમને ક્યારેય ઓળખી ન શકી !! આજે હું મારી ભૂલ સ્વીકારું છું અને હું ખરા દિલથી માફી …. (ફરી શીલાબેન રડી પડ્યા) આજે હું ખરા દિલથી માફી માગું છું …. મને માફ કરો મારી દીકરીઓ !!! ..અને તે સ્ટેજ પર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા !!! ત્યારે દિશા નિશા અને તેમના પપ્પા પણ આંખમાં આંસુ સાથે સ્ટેજ પર દોડી આવ્યા…

દિશા અને નીશા તેમની મમ્મીની બંને બાજુ ઉભી એને છાના રાખવા લાગી !!! શીલાબહેન ફરી સ્વસ્થ થઈને બોલ્યા… ” આવો મારી દીકરીઓ ! આવો !!” તેમણે બંને હાથ ફેલાવીને દિશા નિશાને પોતાની આગોશમાં લીધી.. પછી બોલ્યા …” હું ફરી ફરીને ભગવાન તથા મારી આ બંને દીકરીઓની માફી માગું છું !!! હું જાહેર કરૂં છું..

આજે જાહેરમાં બોલતા મને ગર્વ મહેસૂસ થાય છે… કે ..મને આજે અભિમાન છે …કે હું આવી હોશિયાર અને ડાહી, ગુણીયલ બે-બે દીકરીઓની માં છું. આજે, હું ભગવાનનો આભાર માનું છું !! ભગવાન !!, તે મને બે દીકરીઓની મા બનવાનું સૌભાગ્ય આપ્યુ!! એ બધાને હું કહું છું કે તમારે એક દીકરી હોય તો તમે રાણી જેમ રાજ કરો !! અને જો તમારે બે દીકરી હોય તો તમે તમારી જાતે મહારાણી સમજજો!!!

આજે હું જગતભરની દીકરીઓને મારી બાહોમાં સમાવી લેવા માંગુ છું અને તેમને કહું છું … ” દીકરીઓ !! આવો !!અને હું તમારા બધા પર મારા ભરપૂર વહાલનો, મારા પ્રેમનો ધોધ, વરસાવું છું ! હું પ્રત્યેક માં ને આજે કહેવા માગું છું …કે કોઈ દીકરીની મા , પોતાની દીકરીની ઉપેક્ષા ન કરે !! ને મેં ભૂલ કરી છે તેવી ભૂલ કોઈ માં ન કરે !!

હું બઘી જ દીકરીઓને કહેવા માગું છું, કે “તમે દીકરીઓ !! ખરેખર ઘરની દીવડીઓ છો !! દિકરા તો એક કુળનું નામ રોશન કરે !! પણ દિકરી તો બે કુળને તારે છે !! આજની તમારી નાનકડી દીવડી જેવી દીકરી, ઘરદીવડી, મોટી થઈને, સમાજને ખૂબ મોટી રોશની આપી શકે છે !!દીવાદાંડી રૂપ બની શકે છે !! તમે માત્ર તેના ઉપર પ્યાર વારસાવો !! પ્યાર વરસાવો !!

સ્ટેજ પર આંખમાં ગંગાજમના સાથે, શિલાબેન, દિશા નિશા અને ધીરજભાઈ ઉભા હતા … આખા હોલમાં હાજર રહેલ બધા જ ભાઈ-બહેનો ઉભા થઇ ગયા.. તેમને માન આપી અને આંખમાં આંસુ સાથે તાળીના ગડગડાટ વચ્ચે વધાવી લેવામાં આવ્યા !! આ હોલમાં ક્યારેય ન પડી હોય તેવી તાળીઓની ગુંજ, ગુંજી ઊઠી !! તાળીનો ગડગડાટ સતત ઘણીવાર સુધી ચાલુ જ રહ્યો !! ચાલુ જ રહ્યો !!

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

દરરોજ દક્ષા રમેશની આવી જ લાગણીસભર વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ