ઘડપણ નો તે સમય – મુજ વીતી તુજ વીતશે !!! એક વાર અચૂક વાંચજો !!

લાકડીના ટેકે ધીરે ધીરે ડગ ભરતા રમણલાલ ઓરડા તરફ ચાલ્યા. ચહેરા પર હવે થાક વર્તાતો હતો. એસીની ઉંમરે જીવનની સઘળી એષણાઓ ખોઈ બેઠા હોય તેવું હતાશ તેમનું વર્તન હતું. જીવનના આ પડાવે પહોંચતા સુધી જન્મારો વહી ગયો છે તેવું તેમને લાગતું હતું.. સફેદ ધોતિયું અને તેના પર ખાદીનો સફેદ ઝભ્ભો તે તેમનો હંમેશનો પહેરવેશ. જયારે તેઓ હસતા ત્યારે નાનકડા બાળક જેવા અપ્રતિમ લાગતા. સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી હતા. દીકરી સાગરિકાને પરણાવીને સાસરે વળાવ્યાને બે વર્ષ થઇ ગયા હતા. દીકરો ક્વચિત તો એક પ્રેમાળ આઠ વર્ષના બાળક વિહારનો પિતા હતો. રમણલાલના પત્ની રમાબા પાંચ વર્ષ પેલા મોટું ગામતરું કરી ગયેલા ત્યારથી જ રમણલાલ સાવ એકલા પડી ગયા હતા.. એમ તો દીકરો ક્વચિત અને વહુ કવિજ્ઞા તેમને બહુ જતનથી રાખતા પણ જીવનસાથીની ખોટ કંઈ એમ થોડી પુરાય.


રમાબા હતા ત્યારે રમણલાલની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતા.. પોતાનાથી ના થાય તો વહુને કહીને પણ સવારે આઠ વાગ્યે ચા ટેબલ પર તૈયાર જ કરાવતા. નાહવાની, તેમના કપડા ધોવાની ત્યાં સુધી કે તેમને રોજ પહેરવાના કપડાં પણ પલંગ પર રમાબા જ તૈયાર કરીને રાખતા.. એમ તો વહુ પણ એ બધું જ કરતી। સસરાજીને કોઈ વાતે ઓછું ના આવવા દે. પણ જ્યારથી તેઓ મૃત્યુ પામ્યા ત્યારથી રમણલાલ સાવ એકલા પડી ગયા હતા. ક્વચિત પિતાજીને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરતો. પરંતુ કોણ જાને કેમ રમણલાલને એવું લાગતું કે તેઓને કોઈ પ્રેમ નથી કરતુ. કે કોઈને તેમની જરૂર નથી. વૃદ્ધત્વમાં હવે બાળપણમાં ભળવા લાગ્યું હતું.


“ક્વચિત આજે મને ગોઠણ બહુ દુખે છે.. લાગે છે ડોક્ટર પાસે જવું પડશે. તો તું જરા વહેલો આવી જજે ને.. કદાચ ઓપેરેશન કે બીજી વાત થાય તો વાંધો ના આવે ને.. લાગે છે હવે હું બહુ ઓછા દિવસોનો મહેમાન છું.”

રમણલાલ આજે સવાર સવારમાં દીકરા ક્વચિતને કહી રહ્યા હતા.. અચાનક પિતાજીની આવી વાત સાંભળી ક્વચિત તો હાંફળો-ફાંફળો થઇ ગયો. પિતાજી હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેતા ને આજે વળી અચાનક કેમ એવું બોલવા લાગ્યા તેની ક્વચિતને સહેજ નવાઈ પણ લાગી. તેણે તરત કવિજ્ઞાને બૂમ પાડી,

“કવિ, પાપાને સારું નથી લાગતું તો આજે ઓફિસે રજા મૂકી દઉં છું. તેમની પાસે જ રહું છું. તું જરા તેમના માટે ગરમ ગરમ રાબ બનાવી આપ અને પછી થોડા સફરજન સુધારી દે એટલે હું તેમને ખવડાવું..”


ક્વચિતે ઉતાવળે જ ઓફિસ ના જવાનો નિર્ણય લઇ લીધો. ક્વચિતને જાણ હતી કે તેના ગયા વગર ઓફિસમાં બધા પોતાની મરજીથી જ વર્તશે. સીંગના હોલસેલ વ્યાપારી એવા ક્વચિતની માર્કેટિંગ યાર્ડમાં મોટી દુકાન હતી. ગુજરાતના લગભગ બધા જ જિલ્લામાં તે માલ પહોંચાડતો.. આજે આ રીતે ઓફિસ નહિ જાય તો એક દિવસનું દસ હજાર નુકશાન થશે.. પરંતુ માઁબાપથી વિશેષ કંઈ જ ના હોઈ શકે તેવા સંસ્કાર અને સમજણ તેનામાં બાળપણથી હતા. અને આ જ સંસ્કારને ઉજાગર કરતા તેણે પોતાના બીમાર પિતાજીની સાથે રહેવાનું ઉચિત સમજ્યું..

રમણલાલ તો દીકરાનો આ ત્વરિત નિર્ણય જોઈ હરખાઈ ઉઠ્યા.. રમાબાના ગયા પછી આજે ઘણા દિવસે તેમને લાગ્યું કે આવી કાળજી કરનાર હજુ પણ કોઈ છે જ..”આમ તો રમણલાલના ખાસ ગોઠણ દુખતા નહોતા.. ગઈકાલે થોડું વધારે નીચે બેસી રહ્યા હતા એટલે જ ગોઠણ દુખે છે તેની જાણ હતી જ રમણલાલને. પરંતુ આજે દીકરાનો સકારાત્મક અભિપ્રાય જાણ્યા બાદ તેઓ હરખાઈ ઉઠ્યા.. વિચાર્યું કે સારું થયું મેં તબિયત ખરાબ છે એવું કહ્યું. એ બહાને એક દિવસ કોઈ મારી પડખે ને પડખે જ રહેશે.


ઘડપણ છે જ એવું ગોઝારું. આ ઉંમરે કોઈનો સાથે અને કોઈની હૂંફ માણસ સૌથી વધારે ઝંખે છે.. આખી જિંદગી એકલવાયો બનીને રહેલો માણસ પણ વૃદ્ધ થતા કોઈનો સંગ ઈચ્છે છે. વૃદ્ધત્વમાં શારીરિક આકર્ષણ નહિ પરંતુ સાથે રહેવાની આશાઓ સમાયેલી હોય છે. કોઈ પોતાનું હોય જે કાળજી કરે.. પાસે બેસીને વાતો કરે અને વાતો સાંભળે એવી ઈચ્છા દરેક ઘરડા વ્યક્તિને થાય છે.. કદાચ રમણલાલ પણ તેમાંના એક બની ગયા હતા અને તેથી જ તેઓ કોઈને સત્તત ઝંખતા રહેતા.. અને તેનું જ પરિણામ હતું આ રમણલાલ દ્વારા દીકરા સમક્ષ ઠાલવાયેલો ખોટો ઉભરો.


તે દિવસે રમણલાલ અને ક્વચિત ડોક્ટર પાસે ગયા અને બધી જ તપાસ કરાવી. ડોકટરે ચાર-પાંચ દવાઓ લખી આપી અને એક્સ-રે કર્યો. ક્વચિતે સતત તેના પિતાજીનો હાથ પકડીને રાખ્યો હતો. તેમને સંભળવામાં તે પોતે બે વાર પડતા પડતા બચ્યો. ડોકટરને બતાવીને આવ્યા બાદ ક્વચિતે પિતાજીને તેમના ઓરડામાં આરામ કરવા કહ્યું.. કવિજ્ઞા કામસર બહાર ગઈ હતી તેથી પોતે પિતાજી માટે સફરજન સુધારીને લઇ આવ્યો.. તેમને પથારીમાં બેઠા કર્યા અને પોતાના હાથે સફરજન ખવડાવ્યું.. ખવડાવ્યા બાદ તેમને સુવાડીને ચાદર ઓઢાડીને ક્વચિત પોતાના બિઝનેસના અમુક ફોન કરવામાં વ્યસ્ત થયો.. હજુ તો પંદર મિનિટ થઇ હતી ત્યાં જ રમણલાલના કણસવાનો અવાજ આવતા તે ફોન મૂકી તેમની પાસે ગયો.. તેમને પાણી આપ્યું અને પછી તેમની બાજુમાં જ બેઠો. તેમનો હાથ પકડીને અને ફોનને સાઇલેન્ટ કરીને.! તે આખો દિવસ ક્વચિત આમ જ પિતાજીની સંભાળમાં વ્યસ્ત રહ્યો.

રમણલાલને એ દિવસે બહુ મજા આવી.. પછી તો તેઓ અવાર નવાર આવું કરતા થઇ ગયા. તબિયત સહેજ પણ બગડે તોય ડોક્ટર પાસે જવાની જીદ કરતા. પરિણામે ક્વચિત ઓફિસે ના જતો.. ધીમે ધીમે ક્વચિત મહિનામાં દસ દિવસ ઓફિસે જ ના ગયો હોય તેવું બનવા લાગ્યું. ક્યારેક ગોઠણ તો ક્યારેક કમર.. ક્યારેક વળી પેટમાં દુખાવો તો ક્યારેકે ચક્કર આવવા. રમણલાલને હવે ના હોય તેવી બીમારીઓ પણ વળગી પડી હતી.. કવિજ્ઞાને ધીમે ધીમે સસરાજીની આ વાત સમજાતી હતી પરંતુ તે તેમનું માન ઓછું નહોતી કરવા ઇચ્છતી તેથી તેમનું બને તેટલું વધારે ધ્યાન રાખતી. પૌત્ર વિહાર પણ દાદાજીની સાથે જ રહેતો.


છ મહિના બાદ એક દિવસ રમણલાલે દીકરાને ફોનમાં વાત કરતા સાંભળ્યો,

“અરે ભલે થયું એક લાખનું નુકશાન.! મારા માટે પિતાજીથી વધારે કઈ જ નથી.. આ રૂપિયા મારા પરિવાર માટે જ તો કમાવ છું હું.. અને જયારે તેઓને મારી જરૂર છે ત્યારે જ તેમની પાસે હું નહિ રહું તો શું કામનું આ બધું.! આવું એક લાખનું નહિ એક કરોડનું નુકશાન પણ મને પોષાશે જો વાત મારા પિતાજીની, મારા પરિવારની હોય.. એટલે રમેશકાકા આ વાત આજ પછી ઉચ્ચારતા નહીં.!”રમણલાલ એક લાખના નુકશાની વાત સાંભળીને અત્યંત દ્રવી ઉઠ્યા.

દીકરો ફોન પર તેના મેનેજર રમેશને કહી રહ્યો હતો તે સમજાયું રમણલાલને..એશી વર્ષની ઉંમરે પોતે બાળક બનીને કેવું ગાંડપણ આદર્યું છે તેનો તેમને ખ્યાલ આવ્યો.. પોતાની એક નાનકડી ખુશી માટે દીકરાનું લાખોનું નુકશાન થઇ ગયું તેનો તેમને રંજ થયો.. પોતાની એકલતા દૂર કરવા તેઓએ જે રસ્તો અપનાવ્યો તે ખોટો છે તેવો તેમને ભાસ થયો.. તેઓ ધીમા ડગલે ઓરડા તરફ જવા લાગ્યા.. લાકડીના સહારે. અચાનક ક્વચિતનું ધ્યાન પડતા બીજી બાજુથી તે પિતાજીને સહારો આપવા પહોંચી ગયો.. ઓરડામાં પહોંચ્યા બાદ રમણલાલ પલંગ પર બેઠા અને ક્વચિતને પાસે બેસાડ્યો અને બોલ્યા,


“દીકરા. મને માફ કરી દે.. મારાથી ભૂલ થઇ ગઈ.. જાતજાતની બીમારીના નાટક કરીને સહાનુભૂતિ મેવવા મેં તારો કિંમતી સમય વેડફ્યો. મને કઈ થયું ના હોય તો પણ તને હેરાન કરીને હું હજારો વખત ડોક્ટર પાસે લઇ ગયો.. અત્યારે તને ફોનમાં વાત કરતા સાંભળ્યો ત્યારે ખબર પડી કે હું એશી વર્ષની ઉંમરેય આઠ વર્ષના આપણા વિહાર જેવું કરતો હતો.. ઘડપણમાં મને બાળપણની રમત સુજી.! હવેથી તને તકલીફ નહિ પડે દીકરા. ચિંતા ના કર..!”

પિતાજીની વાત સાંભળી ક્વચિત જરાવાર માટે હેબતાઈ ગયો પરંતુ તરત જ પિતાજીને સંભાળતા બોલ્યો.


“અરે રે.. એ શું બોલ્યા પાપા. તમે મને તકલીફ સપનેય ના પહોંચાડી શકો.. હા તમે જે કર્યું એમાં કદાચ તમારો રસ્તો ખોટો હશે પણ તમારી ઈચ્છા તો સાચી જ હતી.. આ ઉંમરે એકલું લાગે એ સ્વાભાવિક છે.. ઘડપણ અઘરું છે એમ અમસ્તુંય લોકો કહેતા નથી..! અને ભૂલ તો મારી થઇ કે તમારી જરૂરિયાતને સમજતા મને વાર લાગી. મારે તમને પહેલાથી મહિનાના અમુક દિવસો ફાળવવા જોઈતા હતા કે જેથી તમારા એકલવાયા જીવનમાં ફૂલો ખીલી ઉઠે.. મેં જો મારી ફરજ પુરી કરી હોત તો આજે આ વારો ના આવત.. પણ કઈ વાંધો નહીં. મને ખુશી તો એ વાતની છે કે તમારી તબિયત ખરાબ નહીં પણ સારી છે.. પૈસા તો આજ છે ને કાલ નથી.. આજે નથી કમાયો તો કાલે કમાઈ લઈશ.. બાપ તો મારો એક જ છે ને..!”

દીકરાની વાત સાંભળી રમણલાલ ધન્ય થઇ ગયા.. આ જમાનામાં આવો સમજદાર દીકરો મળ્યો છે તે જાણી તેમને ગર્વ થતો હતો..


તે દિવસ પછીથી તેઓ બીમારીનું કોઈ ખોટું બહાનું ના કરતા. જયારે તેમની ઈચ્છા થાય પુત્ર સાથે આખો દિવસ રહેવાની ત્યારે તેઓ સામેથી જ તેને રજા લેવાનું કહી દેતા. કદાચ ક્યારેક બીમાર પડે તો પણ વહુ કવિજ્ઞા દ્વારા સુચવાયેલો ઘરગથ્થું ઉપચાર કરી ચલાવી લેતા. સામે પક્ષે ક્વચિત પણ હવે શનિવારે અને રવિવારે પિતાજી અને પરિવાર સાથે રહેવા લાગ્યો હતો.. ફોનને ત્યારે તેના જીવનમાં કોઈ અવકાશ જ ના રહેતો. પિતાજીને ગમે ત્યાં તેઓ ફરવા જતા.. અને સાથે મળીને ખુબ આંનદ કરતા।…! દાદાજી હંમેશા પૌત્રને કહેતા,

“તું અને હું એકસરખી બુદ્ધિના છીએ.. તફાવત ફક્ત ઉંમરનો છે.. માનસિક રીતે બન્ને એક જ દિશામાં ચાલીએ છીએ. ઘડપણ અને બાળપણ જાણે એકબીજાના પૂરક છે..”

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ