ગેરસમજ – એક નાનકડી ગેરસમજ થઇ અને હંમેશની જુદાઈ આવી ગઈ બંને મિત્રો વચ્ચે…

દિલીપભાઈ, બેંગ્લોર જવા ખૂબ ઉત્સુક હતાં. ત્યાં એના અનિરુધ્ધને ખૂબ સારી કમ્પનીમાં નોકરી મળી હતી, ક્વાર્ટર મળ્યું હતું અને પગાર પણ તગડો હતો. એટલે દીકરાએ ત્યાં ઘર વસાવ્યા પછી પહેલી વખત જ દિલીપભાઈ બેંગ્લોર જતાં હતા. પણ, એનાથી વધુ આનંદ એમને તો એ વાત નો હતો કે અનિરુદ્ધના સસરા દુષ્યંતભાઈ પણ છેલ્લા કેટલાક વર્ષથી બેંગ્લોર સ્થાયી થયા હતાં અને હમણાંથી એ અનિરુદ્ધ સાથે એમના ઘરે જ રહેતાં હતાં. દિલીપ અને દુષ્યંત , નાનપણના ગોઠીયા હતાં.


ઘણા વર્ષથી છુટા પડી ગયા હતાં. દિલીપભાઈ વિચારી રહ્યા, ” હવે તો મળશું ને ત્યારે ખૂબ મોજ કરશું! આટલા વર્ષો સૌ સૌની જવાબદારીમાં પડી ગયા અને વેવાઈ બન્યા, પહેલા જ તેઓ બેંગ્લોર જ સ્થિર થયા હતાં.. હવે તો હું પણ ત્યાં રોકાઈ જાવ તો કશોય વાંધો નથી. સાવ નિવૃત થયા પછી એ..ય ને જલસો કરવો છે !! અનિરુધ્ધને કહીશ ગમે ત્યાંથી ગુજરાતી ગાંઠિયા ગોતી કાઢ અને વહુ ને ખબર છે બન્ને પપ્પા કેટલી ચા પી જશે !! બનાવ્યા રાખશે.. ડબલ ડબલ.. બન્ને પપ્પા માટે !”


વિચારયાત્રા ત્યારે જ અટકી જ્યારે, અનિરુદ્ધ બોલ્યો, ” ચાલો પપ્પા, ઘર આવી ગયું!'” વહુએ એમને આવકાર્યા અને “હા.શ !!” કરીને દિલીપભાઈ બેઠા . પણ એમની આંખ તો જીગરી યાર ને શોધતી હતી.!! અનિરુદ્ધ, અંદરના રૂમમાં જઈને, બોલ્યો ” ચાલો પપ્પા મારા પપ્પા આવી ગયા .. કે અહીં એમને બોલાવું ??” દિલીપભાઈના કાને અવાજ અથડાયો .. “હા, આવું છું !”

વહુ એ ચા નાસ્તો આપ્યા એમાં પણ, દિલીપભાઈનો જીવ ન લાગ્યો. ..થોડીવાર લાગી પણ.. તો ય દોસ્ત ન આવ્યો.. !! દિલીપભાઈ એ ફરી પુચ્છા કરી, તો અનિરુદ્ધ સસરાના રૂમમાં ગયો અને તરત પાછો આવીને બોલ્યો , ” પપ્પા, સુઈ જાઓ !! મારા સસરાને તો ઊંઘ આવી ગઇ છે. તમે પણ સુઈ જાઓ.” દિલીપભાઈનું મોં પડી ગયું.એમનું દિલ દુભાણું , પણ તે કાંઈ બોલ્યા નહિ .. ચુપચાપ રિસાઈને સુઈ ગયા.


બીજે દિવસે સવારે ઉઠીને પણ, દિલીપભાઈ રૂમ માં જ ભરાઈ રહ્યા. એ રાહ જોતા રહ્યા.. કે એમને કોઈ મનાવે !! મોડેથી વહુ એ અવાજ કર્યો, ” પપ્પાજી, મારા પપ્પાને લેવા મારો ભાઈ આવ્યો છે..!!.” દિલીપભાઈ એ દરવાજો જ ન ખોલ્યો !!! છેક મોડેથી દિલીપભાઈએ વધુ માઠું લગાડી ને નાછૂટકે બહાર આવ્યા કે કોઈ મને તો મનાવવા ય ન આવ્યું !! જોયું તો ઘરમાં કોઈ જ નહોતું.

એ વિમાસણમાં પડી ગયા !! કે આ લોકો મારી સાથે શું કરે છે ?? એમને હવે તો વધારે ગુસ્સો આવતો હતો. પણ કોઈ હતું નહીં એમનો ગુસ્સો કોની પાસે કાઢે ?? એ જમાનામાં મોબાઈલ ફોન પણ નહોતા જેથી કોઈને ફટાક કરી પૂછી લઈએ કે ક્યાં છો બધા ?? હવે, સાંજ પડી, રાતે મોડેથી દીકરો અનિરુદ્ધ ઘરે આવ્યો.!! એને જોઈ ને દિલીપભાઈ.. જાણે કે જ્વાળામુખી ફાટ્યો !! એવો ગુસ્સો ઉતાર્યો કે આમ મને અહીં શુ અપમાનિત કરવા તેડાવ્યો કે ??? અને.બીજું કંઈ કેટલુયે.. ન કહેવાના વેણ કહી દીધા !!


ત્યારે, અનિરુદ્ધ.. રડતાં રડતાં એટલું જ બોલી શક્યો, ” પપ્પા, તમને ગેરસમજ થઈ છે !! મારા સસરાને બોલાવવા હું રૂમ માં ગયો હતો અને “હા, હમણાં આવું હો !! .. કહેતાં કહેતાં.. એમને થોડી વારમાં જ બીમારીને કારણે અને દવાની ઘેન ને હિસાબે ઊંઘ ચડી ગઈ. હું સવારે તમને બધું કહી દેવાનો હતો કે એ અહીં આવીને ખૂબ બીમાર પડી ગયા હતાં. હવે થોડું થોડું સારું હતું..સવારે એમને રૂટિન ચેક અપ માટે લઈ ગયા તો ત્યાં જ એમનું પ્રાણ પંખેરું ઊડી ગયું !!


પપ્પા, . એ પણ તમારી જ રાહ જોતા હશે..! એવું હવે અમને સમજાયું પણ, કમનસીબે તમે સવારે, એમને મળ્યા નહિ અને એ તમને રાતે મળવા બહાર ન આવી શક્યા !! અને અનિરુદ્ધ ફરી રડી પડ્યો..!!દિલીપભાઈ બોલ્યા, ” કાશ .!! મેં માઠું લગાડવાને બદલે સામે ચાલીને મારા જિગરીને મળીને, હૈયે લગાડ્યો હોત !! પણ, ઓહ એક ગેરસમજ ને આટલી જુદાઈ ??”

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

કોઈદિવસ પોતાના સ્વજનોથી રીસાવવું નહિ અને જો રિસાવ તો પછી સામે ચાલીને બોલાવી પણ લો.