‘જનરલ સાબ દી મંજ’  (જનરલની ભેંસ) – એક રમૂજી ટૂંકી સત્યઘટના.

વીસેક વર્ષ પહેલાની વાત છે. એક હરિયાણવી જરનૈલ સાહેબે ભારતીય સેનાની એક ડીવીઝનની કમાન સાંભળી. દેશી જરનૈલ સાહિબની સાથે-સાથે તેમની પાળીતી બે ભગરી ભેંસો પણ તેમનાં અધિકૃત બંગલાનાં બેકયાર્ડમાં રહેવા આવી ગઈ.

બન્યું એવું કે, એક દિવસ વહેલી સવારે, એક વીઆઈપી ભેંસ તેના વીઆઈપી બંગલામાંથી છટકીને બ્રિગેડમાં ફરવા નીકળી પડી અને નજીકમાં આવેલી એક શીખ પલટણનાં યુનિટ ગાર્ડનનાં બગીચાની લીલોતરી તેની નજરે પડી ગઈ. સવારનો સમય હતો પલટણનાં સભ્યો દિનચર્યામાં મશગુલ હતા. આ ઘુસણખોરીની કોઈને પણ ખબર પડે તે પહેલા તો ભેંસે બગીચાનો સત્યાનાશ કરી દીધો.

બગીચાની દેખરેખની જવાબદારી સિપાઈ જરનૈલ સિંહની હતી, તે સવારની ફૌજી દિનચર્યા પતાવીને જેવો બગીચાની સારસંભાળ માટે પહોંચ્યો તો તેણે આટલી માવજતથી ઉછેરેલા શાકભાજી અને ફૂલો આ ઘુસણખોર દ્વારા નષ્ટ થઇ જવાથી રોષે ભરાયો. તેણે શાંતિથી એ જાનવરને પકડ્યું થોડું ધોકાવ્યું અને કેન્ટોનમેન્ટનાં ઢોરનાં ડબ્બે જમા કરાવી દીધું.

બીજી તરફ ફ્લેગ સ્ટાફ બંગલામાં માહોલ કૈંક અલગ જ હતો, સાહેબની ભેંસ ચોરાઈ ગઈ છે. ભારે ધમાલ થઇ, જરનૈલ સાહેબ ધુઆ પુઆ થયા, પણ સાંજ પડતાં સુધીમાં ડબ્બે પુરાયેલી ભેંસ મળી આવી અને તેના વીઆઈપી બંગલામાં પાછી લાવવામાં આવી.

ઇન્કવાયરી કમીશનની તપાસમાં બહાર આવ્યું કે શીખ પલટણમાં થી કોઈએ જાનવરને ડબ્બે જમા કરાવ્યું તું, બટાલિયન કમાન્ડર ને તથ્ય જણાવવામાં આવ્યું.
સિપાઈ જરનૈલ સિંહે તેના કૃત્યનો સ્વીકાર કર્યો અને તેની કમાન અધિકારી સામે પેશી થઇ.

જયારે સી.ઓ. સાહેબે ઠેઠ પંજાબીમાં તેને પૂછ્યું કે, “ઓયે તૈનૂ પતા નઈ સી, ઓ જનરલ સાબ દી મંજ (ભેંસ) સી. (પંજાબ રેજીમેન્ટમાં આંજે પણ અધિકૃત બોલચાલની ભાષા પંજાબી જ છે.)
ભોળા સિપાઈ જરનૈલ સિંહે નિર્દોષતાથી ઉત્તર વાળ્યો :-
સાબ જી, મંજ દે અગ્ગે કોઈ સ્ટાર પ્લેટ તે લગ્ગી નહીં હોઈ સે જો મૈનૂ પતા ચલદા કી જનરલ સાબ દી હૈ જી.
જરનૈલ સિંહનો જવાબ જનરલ સાહેબ સુધી પહોંચ્યો. જનરલ હસીને લોટપોટ થઇ ગયા, તેમણે જરનૈલ સિંહને તેમની સામે હાજર થવાનો આદેશ આપ્યો.

જરનૈલ સિંહ મોટા સાહેબ સામે ફૂલ યુનિફોર્મમાં હાજર થયા. સાહેબે જરનૈલને પેલું વાક્ય ફરી સંભળાવવા કહ્યું, પણ બે સ્ટાર વાળા જનરલ સાહેબ સામે, જરનૈલની બોલતી તો બંધ થઇ ગઈ. આ તરફ જનરલ સાહેબ પણ માંડ હસવું રોકીને જરનૈલને મનાવવાની કોશિશ કરી રહ્યા હતા. અંતે જરનૈલ સિંહે ફરી વાર, આ વખતે જનરલ સાહેબ સમક્ષ દોહરાવ્યું, “સાબ જી, મંજ (ભેંસ) દે અગ્ગે કોઈ સ્ટાર પ્લેટ તે લગ્ગી નહીં હોઈ સી જો મૈનૂ પતા ચલદા કી તુહાડી હૈ જી…”
(સેના અને પોલીસમાં બ્રિગેડીયર રેન્ક અને તેનાથી ઉચ્ચ અધિકારીઓનાં વાહનોમાં આગળ નંબર પ્લેટની સાથે સ્ટાર પ્લેટ પણ લાગેલી હોય છે. જે અધિકારીનાં પદની સૂચક હોય છે. બ્રિગેડીયરને એક સ્ટાર, મેજર જનરલને બે સ્ટાર, લેફ્ટનેન્ટ જનરલને ત્રણ સ્ટાર, જનરલ (આર્મી ચીફ)ને ચાર સ્ટાર અને ફિલ્ડ માર્શલને પાંચ સ્ટાર.)

[email protected]
પૂર્વ નૌસૈનિક મનન ભટ્ટ

ટીપ્પણી