જીવનમાં જો ક્યારેય નિરાશ ન થવું હોય તો અપનાવો ગીતાના આ 11 સૂત્રો

આપણા જીવનમાં ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોમાં ભાગવત્ ગીતાનું એક આગવું સ્થાન છે. એમ પણ કહી શકાય કે તે સર્વોચ્ચ ગ્રંથ છે. આપણે ગીતામાં જણાવેલી બધી જ વાતોને શ્રદ્ધાથી માનીએ છીએ. ભાગવત્ ગિતાનો જન્મ મહાભારતના યુદ્ધ દરમિયાન થયો હતો. વાસ્તવમાં અર્જુન જ્યારે પોતાના જ કુટુંબિજનો, મિત્રો, ગુરુઓ વિરુદ્ધ યુદ્ધ લડવા માટે પોતાનું મન મક્કમ નહોતો કરી શકતો ત્યારે તેને સંસારનું જ્ઞાન આપવા માટે અને ધર્મની રક્ષા માટે યુદ્ધ લડવા માટે મનાવવા ભગવાન ક્રિષ્નએ ગીતાનું દર્શન કરાવ્યું હતું. ગીતા યુગો પહેલાં જેટલી લાગુ પડતી હતી તેટલી જ આજના યુગમાં પણ લાગુ પડે છે. તે એક સર્વકાલિન પુસ્તક છે જે ક્યારેય જુનું નથી થતું. તમારા જીવનની દરેક સ્થિતિમાં માર્ગદર્શન પુરુ પાડતો પવિત્ર ગ્રંથ છે.ગીતાના કૂલ 18 અધ્યાયો છે અને તેમાં 700 શ્લોકો છે. તે દરેક શ્લોક તમારા જીવનની દરેક સમસ્યાના સમાધાન તરફ દોરી જાય છે. ચાલો તમને એવા જ કેટલાક ગીતા-સૂત્રો વિષે જણાવીએ જે તમારા જીવનમાં તમને માર્ગદર્શન પુરું પાડશે અને તમને નિરાશાથી જોજનો દૂર લઈ જશે.શ્લોકઃ
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।
कामः क्रोधस्तथा लोभस्तरमादेतत्त्रयं त्यजेत्।।

અર્થઃ કામ ક્રોધ અને લોભ આ ત્રણ પ્રકારના નરકના દ્વાર તમારી પવિત્ર આત્માનો નાશ કરે છે એટલે કે તે તમને તમારી અધોગતિ તરફ દોરી જાય છે, તેમ ન થાય તે માટે તમારે તમારા કામ, ક્રોધ અને લોભનો નાશ કરવો જોઈએ.

વિસ્તૃત સમજઃ

કામ એટલે કે તમારી ઇચ્છાઓ, ક્રોધ, લાલસા આ બધું જ તમારા જીવનને અશાંતિ તરફ લઈ જાય છે. માટે જ શ્રીકૃષ્ણએ તેને નરકના દ્વાર સમાન ગણાવ્યા છે. જે મનુષ્યમાં આ ત્રણ અવગુણો હશે તે હંમેશા અન્યને દુઃખી કરી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. આપણા જીવનના લક્ષને પામવા માટે આપણે આ ત્રણે અવગુણોનો ત્યાગ કરવો જોઈ. આમ કરવાથી આપણું ચિત્ત હંમેશા શાંત રહે છે અને આપણે આપણા લક્ષ પર એકાગ્ર રહીએ છીએ.

શ્લોકઃनास्ति बुद्धिरयुत्कस्य न चायुत्कस्य भावना ।
न चाभावयतः शांतिरशांतस्य कुतः सुखम् ।।

અર્થઃ

યોગથી દૂર રહેતા મનુષ્યમાં નિશ્ચય કરવાની બુદ્ધિ નથી હોતી અને તેના મનમાં તે પ્રત્યે કોઈ સંકલ્પ પણ નથી હોતો. તેવા અસંકલ્પિ મનુષ્યને શાંતિ નથી મળતી, જે અશાંત રહે છે તે ક્યારેય સુખી પણ નથી થઈ શકતું.

વિસ્તૃત સમજઃ

મનુષ્ય હંમેશા સુખની શોધમાં ભટકતો રહે છે તે નક્કામી વસ્તુઓ, લોકો, પ્રસંગોમાં સુખ શોધતો ફરે છે પણ ખરુ સુખ તો તેની અંદર સમાયેલું હોય છે. પણ તેનું મન તો હંમેશા ધન, લાલસા, વાસના, આળસ વિગેરેની બદીઓથી ઘેરાયેલું હોય છે. તેના પોતાના મનની કોઈ શુદ્ધ ભાવના જ નથી હોતી. અને આવી વ્યક્તિને નથી સુખ મળતું કે નથી શાંતિ મળતી. માટે ખરા સુખને પામવા મટે તમારે તમારા મન પર કાબુ રાખવો જોઈએ.

શ્લોકઃविहाय कामान् यः कर्वान्पुमांश्चरति निस्पृहः ।
निर्ममो निरहंकार स शांतिमधिगच्छति ।।

અર્થઃ
જે મનુષ્ય પોતાની બધી જ ઇચ્છાઓનો ત્યાગ કરી અહંકાર રહિત થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરે છે તે જ શાંતિને પામી શકે છે.

વિસ્તૃત સમજઃ
આ શ્લોકમાં ભગવાન ક્રિષ્ન કહે છે કે મનમાં જો કોઈપણ જાતની કામના હોય અને તેવા સંજોગોમાં જો મનુષ્ય શાંતિની આશા રાખતો હોય તો તે નિરર્થક છે અને અશક્ય છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે મનમાંથી કામનાઓનો નાશ કરવો પડશે. જે કોઈ કર્મ કરવામાં આવે છે તેની સાથે આપણે કેટલીએ આશાઓ બાંધી લઈએ છીએ તેના આપણી ઇચ્છા પ્રમાણે જ પરિણામ આવે તેવી આશા રાખીએ છીએ. આપણી આ આદત મનને સતત નબળુ બનાવતી જાય છે. કારણ કે જ્યારે પરિણામ આપણી ધારણા પ્રમાણે નથી આવતું ત્યારે આપણું મન વધારે અશાંત બની જાય છે અને આપણે વધારે દુઃખી થઈએ છીએ. મનમાં રહેલા મોહને ત્યાગવો પડશે. પછી તે કોઈ પણ પ્રકારનો મોહ શા માટે ન હોય. તમારે માત્ર નિર્લેપ થઈને તમારા કર્તવ્યનું પાલન કરવાનું છે. બાકી બધું તમારે શ્રીકૃષ્ણ પર છોડવાનું છે.

શ્લોકઃन हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यशः कर्म सर्व प्रकृतिजैर्गुणैः ।।

અર્થઃ
મનુષ્ય પોતાના કર્મોને આધિન છે. તે ક્યારેય કર્મ કર્યા વગર રહી શકે નહીં. પ્રકૃતિનો નિયમ છે કે શ્રૃષ્ટિના બધા જ પ્રાણીઓએ કર્મ કરતાં રહેવાનું છે અને તેનું પરિણામ પણ તે જ આપે છે.

વિસ્તૃત સમજઃ

મનુષ્ય સતત એ ભયમાં રહે છે કે તે જે કર્મ કરશે તેનું પરિણામ શું આવશે તેને હંમેશા તેના ખરાબ પરિણામનો ભય રહે છે. અને એવું વીચારીને જો તમે કર્મ જ ન કરો તો તે તમારી મૂર્ખાઈ છે. શ્રૃષ્ટિમાં આવ્યા છીએ તો કર્મ તો કરવા જ પડશે. કશું ન કરવું તે પણ એક પ્રકારનું કર્મ જ છે. જેના પણ પરિણામો આવવાના જ અને તે તમને આર્થિક હાનિ, અપયશ અને સમયની બર્બાદી તરફ દોરી જાય છે. શ્રૃષ્ટિનો નાનામાના નાનો જીવ પ્રકૃતિ એટલે કે પરમાત્માને આધિન છે તે તમારી પાસે તમારી લાયકાત પ્રમાણે કર્મ કરાવી જ લેશે તમારી ઇચ્છા હશે કે નહીં હોય. માટે ક્યારેય પોતાના કર્તવ્યોથી પીછો છોડાવવાનો પ્રયાસ કરવો નહીં. મનુષ્યએ હંમશા પોતાની ક્ષમતા પ્રમાણે કર્મ કરતાં રહેવું. ફળ આપનારો પરમાત્મા છે. માટે ફળની ચિંતા ક્યારેય કરવી નહીં.

શ્લોકઃनियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्धयेदजकर्मणः ।।

અર્થઃ

તું શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે તારા ધર્મ પ્રમાણે તારું કર્મ કર, કર્મ નહીં કરવાથી તારા શરીરનો નિર્વાહ સિદ્ધ નહીં થાય. તારા અસ્તિત્ત્વનો કોઈ અર્થ નહીં રહે.

વિસ્તૃત સમજઃ
શ્રી કૃષ્ણ આ દ્વારા અર્જુનને અને સમગ્ર મનુષ્ય જાતિને બોધ આપે છે કે દરેક મનુષ્યએ પોતાના કર્મો પોતાના ધર્મ પ્રમાણે કરવા જોઈએ જેમ કે વિદ્યાર્થીનો ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, ગુરુનો ધર્મ જ્ઞાન વહેંચવાનો છે, યોદ્ધાનો ધર્મ યુદ્ધ કરવાનો છે. કર્મ નહીં કરનાર વ્યક્તિ કરતાં શ્રેષ્ઠ તે વ્યક્તિ છે જે પોતાના ધર્મ અનુસાર કર્મ કરે છે કારણ કે કર્મ વગર મનુષ્યનું કોઈ અસ્તિત્ત્વ જ નથી. મનુષ્યએ પોતાના ધર્મ પ્રમાણે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવું જોઈએ.

શ્લોકઃयद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः।
स पत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ।।

અર્થઃ
શ્રેષ્ઠ પુરુષના આચરણને સમાજ અનુસરે છે. જો તે શ્રેષ્ઠ આચરણ કરશે તો તેને અનુસરનારો સામાન્ય માણસ પણ તેવું જ શ્રેષ્ઠ આચરણ કરશે. સમાજમાં હંમેશા શ્રેષ્ઠ વ્યક્તિના કૃત્યોને જ અનુસવામાં આવે છે.

વિસ્તૃત સમજઃ
શ્રી કૃષ્ણ અહીં બોધ આપે છે કે શ્રેષ્ઠ પુરુષે પોતાના પદ અને મોભા પ્રમાણે જ વર્તવું જોઈએ. કારણ કે સામાન્ય માણસ પણ તેને જ અનુસરશે. શ્રેષ્ઠ પુરુષના કૃત્યોને જ સામાન્ય જનગણ આદર્શ માને છે. માટે શ્રેષ્ઠ પુરુષે હંમેશા કર્મ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે તે જે કરશે તેને જ સમાજમાં દાખલારૂપ ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે માતા-પિતા હંમેશા પ્રામાણિકતાથી તેમજ મનહેનતથી કામ કરશે તો તેના બાળકો પણ તેમને જ અનુસરશે. અને આ રીતે જ એક ઉત્તમ સમાજનું નિર્માણ થશે.

શ્લોકઃन बुद्धिभेदं जनयेदज्ञानां कर्म संगिनामम्।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन्।।

અર્થઃ
વિદ્વાન વ્યક્તિએ ક્યારેય લાલસાથી પ્રેરાઈને કર્મોમાં આસક્ત અજ્ઞાની મનુષ્યને કામ કરતાં રોકવો જોઈએ નહીં જેથી કરીને તેમના મન વિચલિત ન થાય. ઉલટાનું ભક્તિ ભાવથી કર્મ કરતા તે તેમને બધા જ પ્રકારના કાર્યોમાં લગાવે.

વિસ્તૃત સમજઃ
આજનો યુગ હરિફાઈનો યુગ છે દરેક માણસ કોઈ પણ સંજોગોમાં બીજાથી આગળ નીકળવા માગે છે. તેવામાં હંમેશા એવું બને છે કે કેટલાક હોંશિયાર લોકો પોતાના કામો પુરા કરી લે છે, પરંતુ પોતાના સાથીને પણ તે કામ કરવા માટે પ્રોત્સાહિત નથી કરતાં તે હંમેશા તેના મનોબળને તોડવાનો પ્રયાસ કરે છે. પાછા પાડવાનો પ્રયાસ કરે છે. પણ કૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જે પોતાના કર્મથી અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બને. તેવા જ લોકો ઉજ્જવળ ભાવિ ધરાવે છે.

શ્લોકઃ
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वत्र्मानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः।।

અર્થઃ
હે પાર્થ ! જે મનુષ્ય મને જે ઇચ્છાથી ભજે છે તેને હું તેવું જ ફળ આપું છું. બધા જ લોકો કોઈપણ રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે.

વિસ્તૃત સમજઃ
અહીં શ્રી કૃષ્ણ પાર્થને કહે છે. હે પાર્થ ! સંસારમાં જે વ્યક્તિ જેવો વ્યવહાર કરે છે તેની સાથે પણ તેવો જ વ્યવહાર થાય છે. મનુષ્ય મારું સ્મરણ વૈભવ માટે કરશે તો હું તેને વૈભવ આપીશ પણ જો તે મારું સ્મરણ મોક્ષ માટે કરશે તો હું તેને મોક્ષ આપીશ. જે જેવી ઇચ્છા કરીને મારું સ્મરણ કરે છે તેને હું તેવું જ ફળ પ્રદાન કરું છું. કંસે હંમેશા શ્રીકૃષ્ણને મૃત્યુ રુપે જ યાદ કર્યા છે માટે ભગવાને તેને મૃત્યુ આપ્યું.

શ્લોકઃ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतु र्भूर्मा ते संगोस्त्वकर्मणि।।

અર્થઃ
ભગવાન શ્રીકૃષ્ણ અહીં અર્જુનને કહે છે કે અર્જૂન, કર્મ કરવો તે તારો અધિકાર છે તારે તેના ફળ વિષે ચિંતા ન કરવી જોઈએ. માટે તું કર્મના ફળનો હેતુ ના હોય અને કર્મ ન કરવાના વિષયમાં પણ તું આગ્રહ ના કર.

વિસ્તૃત સમજ
શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે મનુષ્યએ હંમેશા ફળની ઇચ્છા વગર, ફળને ધ્યાનમાં રાખ્યા વગર જ કર્મ કરવા જોઈએ. તે જ્યારે કર્મના ફળને ધ્યાનમાં નહીં રાખી માત્ર પોતાના કર્મ પર જ કેન્દ્રિત થાય છે ત્યારે જ તેનું ઉત્તમ પરિણામ મેળવી શકે છે. માટે કર્મ કરો અને ફળનું પરિણામ તમે મારા પર એટલે કે શ્રી ક્રિષ્ન પર છોડી દો.

શ્લોકઃ
योगस्थः कुरु कर्माणि संग त्यत्त्कवा धनंजय।
सिद्धय-सिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते।।

અર્થઃ
હે ધનનંજય (અર્જુન), ભગવાન અહીં કહે છે કે કર્મ નહીં કરવાની હઠ ત્યાગ અને યશ-અપશના વિષયમાં સમબુદ્ધિ થઈને યોગયુક્ત થઈને કર્મ કર, કારણ કે આ સમત્વને જ યોગ કહેવાય છે.

વિસ્તૃત અર્થઃ
અર્જુન, ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. આપણે હંમેશા પૂજા-પાઠ, કર્મ-કાંડો, હવનો-યજ્ઞો, મંદીરો-તીર્થો સુધી જ ધર્મને સિમિત કરી દીધો છે. પણ આપણા મહાન ગ્રંથોએ માત્રને માત્ર કર્તવ્યને જ ધર્મ કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે કે કર્તવ્યનો વ્યય તું કર્મકાંડો-પૂજા વિગેરેમાં ન કર. તું ક્યારેય તારા યશ-અપયશ, નફા-નુકસાનનો વિચાર ન કર. તારે તારી બુદ્ધિ હંમેશા તારા કર્તવ્ય પાછળ જ ખર્ચવી જોઈએ. અને આવા કર્તવ્ય દ્વારા જ પરિણામ સારા આવે છે અને મનને શાંતિ મળે છે.
અને જો મન શાંત હશે તો જ તારું પરમાત્મા સાથે મિલન થશે. આજના યુગમાં મનુષ્ય કોઈ પણ કૃત્ય માત્રને માત્ર પોતાના નફા-નુકસાનને ધ્યાનમાં રાખીને જ કરે છે. તેમ ન કરવું જોઈએ.

શ્લોકઃ
तानि सर्वाणि संयम्य युत्क आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।

અર્થઃ
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ પાર્થને કહે છે કે મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાની બધી જ ઇન્દ્રિયોને વશમાં કરીને સમાહિતચિન્ત થયેલ મારા પારાયણ સ્થિત થાય, કારણ કે જે પુરુષની ઇન્દ્રિ કાબુમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે.

વિસ્તૃત સમજઃ
જીભ-સ્વાદ, ત્વચા-સ્પર્શ, કાન-સાંભળવું, આંખ-જોવું, નાક-સુંઘવું આ બધી મનુષ્યની મુખ્ય ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિઓ દ્વારા જ મનુષ્ય પોતાના સાંસારિક સુખો માણી શકે છે. દા.ત. જીભ વિવિધ સ્વાદ ચખાડે છે અને મન તૃપ્ત થાય છે, સુંદર દૃશ્ય જોઈ આંખોને શાતા વળે છે. અહીં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય પોતાની આ બધી ઇન્દ્રિયો પર કાબુ રાખે છે તે જ પોતાની બુદ્ધિ સ્થિર કરી શકે છે, તે જ પોતાના લક્ષ સુધી પહોંચી શકે છે અને પોતાના કર્તવ્યની જવાબદારી પ્રામાણિકતાથી નિભાવી શકે છે.