“સંબંધ નામે પરપોટો” – તમે શું માનો છો સંબંધ એટલે શું ???

સંબંધ વિશે સતત જ્ઞાનવર્ધક મેસેજ ફરતા જોવા મળે છે.સાચા સંબંધ એટલે શું,કેવો હોય સાચો સંબંધ,સંબંધોમાં પ્રાયોરિટી હોવી જોઈએ કે નહી,અપેક્ષા વગરના સંબંધો જ જીવનભર ટકે છે,સ્વાર્થના સંબંધો બહુ ટુંકા ગાળાનાં હોય છે. વગેરે…વગેરે…વગેરે….

રોજ સવાર પડેને ડાહી ડાહી વાતોના મેસેજ સોશિયલ મિડિયા પર ફરતા થાય,પણ ખરેખર સાચા દિલથી વિચારજો કે જે રીતના સંબંધ વિશેના ઉંઘ ઉડાડી દે એવા જે મેસેજ આવે છે એ પ્રમાણે જિંદગી ખરેખર જીવી શકાય છે. ખરી? એક જ દિવસ પ્રયત્ન કરો.

હમણાં જ એક મેસેજ આવ્યો ‘જે બાંધવાથી બંધાય અને તોડવાથી તુટી જાય એનું નામ બંધન,આપમેળે બંધાય અને જીવનભર ન તૂટે એનું નામ સંબંધ’.

અરે! સમબંધ એટલે જ સરખું બંધન,એટલે બંધનતો એમા આવે જ છે.શબ્દમાં જ બાંધવાની વાત વણી લેવાઈ છે.એટલે બાંધવાથી જ સમબંધ બંધાય છે.હા,આપમેળે જોડાઈ જવાય છે પણ એને ટકાવી રાખવા માટે મહેનત તો લેવી જ પડે છે.પાણીના રેલાની જેમ છૂટા મુકેલા સંબંધો સરળતાથી વહી શકતા નથી એ સનાતન સત્ય છે.એ વહી જતાં અને આખરે સુકાઈ જતાં પાણીની જેમ જ વહી જાય છે અને સુકાઈ જાય છે.

યાદ કરો તમારો કોઈ એવો સંબંધ જે શરૂઆતમાં એકદમ પ્રાયોરિટી બેઝ પર હોય,જ્યાં સંપૂર્ણ માન સન્માન અને સમય આપીને સંબંધની બરાબર ગૂંથણી કરી હોય એવો સંબંધ એકાએક છોડી દીધો હોય તો શું એ આજે પણ એટલો તરોતાજા છે! એ જ પ્રાયોરિટી પર ટકેલો છે! એટલો જ જીવંત છે?જવાબ મને નહી પોતાની જાતને જ આપજો.

જો હોય તો તમે દુનિયાની નસીબવંત વ્યક્તિ છો બેજોડ છે,૧૦૦માંથી કદાચ બે-પાંચ છે.પણ બાકીના ૯૫/૯૭ જણના જીવનમાં આવું નહી બન્યું હોય.જે સંબંધને સાવ જ છુટ્ટો મુકો એ છુટી જાય છે જો નક્કર અને કડવું સત્ય છે.એવા પણ મેસેજ ફરે છે કે છુટ્ટો મૂકી દીધેલો સંબંધ જો પાછો આવે તો આપણો ખરો સંબંધ.પણ એ પાછો આવે એનો અર્થ જ એ કે એ તમારા બંધનમાં છે એટલે જ પાછો આવ્યો.એ વાત સાબિત કરે છે કે સંબંધ છુટ્ટા મુકતા નથી.હા,જવા દેવા હોય અને છુટ્ટા મુકો તો વાત જુદી,પણ એમા તમને પાકી ખબર છે કે તમારે સંબંધ છોડવો છે એટલે છુટ્ટો મુક્યો છે.

હા,જીવનભર ન તૂટે એવા સંબંધો પણ હોય છે.પણ એમાં ઘણી બાંધ છોડ કરવી પડતી હોય છે. બાકી જ્યાં સુધી અપેક્ષાનો પ્રશ્ન છે એ તો દરેક સંબંધમાં રહેવાની જ.

કયો સંબંધ અપેક્ષાથી પર હોય છે?જણાવો.માં-બાપને બાળકના સારા ઘડતરની જીવતરની અપેક્ષા હોય છે.બાળકને માબાપના પ્રેમની,હુંફની,મદદની અપેક્ષા હોય છે.મૈત્રીમાં સમજદારીની પ્રેમની અપેક્ષા હોય છે.પ્રેમમાં પ્રેમ,કેર,સમયની અપેક્ષા હોય છે.ગીવ એન્ડ ટેકના બેઝ પર જ સમબંધની ઈમારત રચાય છે.એમાં કશું ખોટું પણ નથી.પણ એનું જતન કેટલી સચ્ચાઈથી કરી શકો છો એ મહત્વનું છે. શૈલ પાલનપુરીનો બહુ સરસ શેર યાદ આવે છે.

“એક જ કામ સંબંધમાં કીધું,
લીધું એથી બમણું દીધું.”
જૂઓ,અહી પણ વાત લેણા દેણીની છે અને એ પણ બમણું હા,સંબંધમાં પ્રેમ,સમજદારી,ત્યાગ,ધિરજ બહુ જ જરૂરી હોય છે.કોઈપણ સંબંધને કેળવવા અને જાળવવા આ તમામ પાયાના ગુણો છે.જ્યારે સંબંધમાં સરખામણી,હરિફાઈ,સ્વાર્થ,ઈર્ષા જેવા પ્રવેશ થાય છે પછી જ તણાવની પરિસ્થિતી સર્જાય છે.એક વાત ધ્યાનમાં એ પણ રાખવાની કે કાચા કાનની વ્યક્તિના સંબંધ પણ ક્યાંય લાંબા ટકતા નથી.

શરૂઆતમાં સંબંધમાં રાખવામાં આવતી અપેક્ષા ‘હક’ સ્વરૂપે સ્વીકારાય છે અને ‘ફરજ’ સ્વરૂપે સંતોષાય છે પણ જ્યારે એજ સંબંધમાં દર્શાવેલાં દુર્ગુણો પ્રવેશે છે.ત્યારે પેલી અપેક્ષા અવરોધક લાગે છે.એટલે વાત મુખ્યત્વે આપણા માનસિક અભિગમની છે.આપણી બદલાયેલી લાગણીઓની છે.એમા પણ કશું ખોટુ નથી.માણસનું મન પરિવર્તનશીલ છે તો અભિગમ બદલાય,પણ એણે દંભ કે પોકળ બહાના હેઠળ ઢાંકવું નહી.સંબંધ છે તો છે અને નથી તો નથી.બદલાયેલી પરીસ્થિતીને સાહજિકતાથી સ્વીકારી લેવાથી જીવન વધું સરળ બની જાય છે।

સંબંધ ટકાવાની વૃત્તિ જો પ્રમાણિક હોય તો અનુકૂળતા-પ્રતિકૂળતા કશું જ અડચણરૂપ નથી હોતું. સમય અને સંજોગની વાતો પણ ખોખલી સાબિત થતી લાગતી હોય છે.પ્રતિકુળ સંજોગોમાં જ માણસ સંબંધની મહતા સાબિત કરી શકે છે ત્યારે સંજોગનું બહાનું આગળ ધરવું એ તો છટકબારી હોય છે.હા,ઘણી પરિસ્થિતી ન ટાળી શકાય એવી અનિવાર્ય હોય છે પણ એ સમયે જ બન્ને પક્ષની સમજદારી કામે આવે છે.

રહી વાત સમયની તો જે સંબંધને સમય નથી આપી શકતાં એ સંબંધ સમયની જેમ સરી જતો હોય છે એ નક્કી વાત છે.કોઈપણ વસ્તુને ટકાવવા,જાળવવા,મહેનત લેવી પડતી હોય છે પછી એ હેરિટેજ સ્થાપત્ય હોય,પ્રકૃતિ હોય કે પર્યાવરણ હોય!તો વળી સંબંધ ક્યાંથી બાકાત રહે?

સમબંધ એ જીવતી જાગતી વ્યક્તિ જેટલું જ જીવંત તત્વ છે એને પોતાના કમ્ફર્ટ માટે સુભાષિતોમાં વહેતા કરવાને બદલે સાચવતા શિખીએ તો જિંદગી જલસો છે.દોસ્તો બાકી પરપોટા જેવી જિંદગી ગમે તે ક્ષણે ફુટી જવાની. રહી જવાની કેવળ સંબંધોમાં રોપેલી યાદો જે વટવૃક્ષ બનીને આપણા પછી પણ લહેરાતી રહેશે.

લેખક : ગોપાલી બુચ

દરરોજ અલગ અલગ નાની નાની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી