દેશના સૌથી ધનાડ્ય બિઝનેસમેનમાં બીજું સ્થાન ધરાવતા ગૌતમ અદાણી અને તેમના પુત્રો શું કરે છે ? જાણો આ લેખમાં

દેશના ટોપ ટેન અબજોપતિ બિઝનેસ મેનમાં મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે તો ગૌતમ અદાણીનું નામ બીજા ક્રમે છે. તેમ છાતં આપણે મુકેશ અંબાણી અને તેમના કુટુંબ વિષે જેટલી જાણકારી ધરાવીએ છે તેના કરતાં ક્યાંય ઓછી જાણકારી ગૌતમ અંબાણીના કુટુંબ વિષે ધરાવીએ છીએ.

ગૌતમ અદાણીની કુલ આવક 11.5 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 82.23 હજાર કરોડ રૂપિયા. ગૌતમ અદાણી, અદાણી ગૃપના ચેરમેન તેમજ સ્થાપક છે. તેમણે 1988માં એટલે કે માત્ર 26 વર્ષની ઉંમરે અદાણી ગૃપની સ્થાપના કરી હતી અને આજે 56 વર્ષની ઉંમરે તેમનો ધંધો હજારો કરોડો ડોલર્સમાં ફેલાયેલો છે.

2018માં આ ગૌતમ અદાણી દેશના ટોપ બિઝનેસમેનની યાદીમાં નવમાં સ્થાન પર હતાં જ્યારે આ વર્ષે તેમણે ઘણી ઉંચી ફલાંગ મારીને બીજા ક્રમે પોતાનું સ્થાન મેળવી લીધું છે. તેમણે અઢાર વર્ષની ઉંમરે કોલેજનો અભ્યાસ પડતો મુકીને મુંબઈ ખાતે ધંધાની શરૂઆત કરી હતી. તેમની આર્થિક સદ્ધરતા વિષે તો ઘણા બધા જાણતા હશે પણ તેમના અંગત જીવન વિષે ભાગ્યે જ કોઈને વધારે માહિતી હોય.
ગૌતમ અદાણીની પત્ની પ્રિતિ અદાણી

તેમની પત્નીનું નામ પ્રિતિ અદાણી છે. તેણી અદાણી ફાઉન્ડેશનની મેનેજીંગ ટ્રસ્ટી છે. આ ફાઉન્ડેશન પાંચ લાખ કુટુંબને વિવિધ સ્તરે સેવા પુરી પાડે છે તેમજ 1470 જેટલા ગામડાઓને તેમના સતકાર્યની અસર થઈ છે. અદાણી ફાઉન્ડેશન ખાસ કરીને શીક્ષણ, કોમ્યુનીટી હેલ્થ તેમજ કોમ્યુનીટી વેલ બિંગ્સ પર કામ કરી રહી છે.
ગૌતમ અદાણીના પુત્રો

ગૌતમ અને પ્રિતિ અદાણીના બે પુત્રો છે. મોટો પુત્ર કરણ અદાણી છે જ્યારે નાનો પુત્ર જીત અદાણી છે. મોટા પુત્રએ 2013માં પરીધી શ્રોફ સાથે લગ્ન કર્યા છે જે દેશના જાણીતા કોર્પોરેટ લોયરની દીકરી છે.

કરણ અદાણી ઇકોનોમિક્સ વિષયમાં ગ્રેજ્યુએટ ડીગ્રી ધરાવે છે તેણે પોતાની ડીગ્રી U.S.Aની Purdue universityમાંથી મેળવી છે. 2016માં અદાણી પોર્ટ એન્ડ સેઝ માટે કરણની સીઈઓ તરીકે વરણી કરવામાં આવ હતી. તે 2009થી સમગ્ર દેશમાં ફેલાયેલા અદાણી પોર્ટ્સની દેખરેખ સંભાળી રહ્યો છે. જ્યારે નાના દીકરા જીત વિષે કોઈ જાણકારી મળી નથી શકી.
ગૌતમ અદાણીએ કેવી રીતે ઉભું કર્યું અબજો રૂપિયાનું એમ્પાયર

ગુજરાતના અમદાવાદ ખાતે શાંતિલાલ અને શાંતિબેન અદાણીને ત્યાં ગૌતમ અદાણીનો જન્મ 24 જુન 1962માં થયો હતો. તેમનો જન્મ એક જૈન વાણિયા કુટુંબના વેપારીના ઘરે જ થયો હતો માટે વેપાર-ધંધો તો તેમના લોહીમાં જ હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. જો કે તેમનો રસ કાપડના ધંધામાં નહીં પણ બીજે જ હતો.
કીશોરાવસ્થાની કુમળી વયે સ્વતંત્ર ધંધામાં જંપ લાવ્યું.

તેમનો શાળાકાળનો અભ્યાસ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા સેઠ સી.એન.માં થયો હતો. અને તેમણે ગુજરાત યુનિવર્સિટિમાં બીકોમનો અભ્યાસ પણ શરૂ કર્યો હતો પણ તેને પડતો મુકી તેમણે એક કિશોર તરીકે રૂપિયા કમાવાની ધૂનમાં મુંબઈ તરફ રુખ કર્યું હતું. તેમણે 1978માં એટલે કે માત્ર 16 વર્ષની ઉંમરે મુંબઈ હીરા બજારની મહેન્દ્ર બ્રધર્સ નામની પેઢીમાં ડાયમન્ડ સોર્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યુ હતું. ત્યાં તેમણે બેથી ત્રણ વર્ષ કામ કર્યું ત્યાર બાદ તેમણે મુંબઈના ઝવેરી બજારમાં તેમની પોતાની જ ડાયમન્ડ બ્રોકરેજ પેઢી સ્થાપી, માત્ર 20 વર્ષની ઉંમરે.
ફરી અમદાવાદ તરફ રુખ કર્યું

1981માં તેમના મોટા ભાઈ મનસુખભાઈ અદાણીએ અમદાવાદમાં એક પ્લાસ્ટિક્સ યુનિટ સ્થાપ્યું જેની દેખરેખની જવાબદારી તેમણે પોતાના નાનાભાઈ ગૌતમ અદાણીને સોપી. આ ધંધામાં બન્ને ભાઈઓને અત્યંત સફળતા મળી અને તેમના માટે ધંધાના આંતરરાષ્ટ્રિય દરવાજાઓ પણ ખુલી ગયા. અને છેવટે 1988માં તેમણે અદાણી એક્સપોર્ટ્સ લીમીટેડની સ્થાપના કરી જેને આજે અદાણી એન્ટરપ્રાઇઝ લીમીટેડ તરીકે ઓળખવામાં આવે છે.

1993માં ગુજરાત સરકારે મુંદ્રા પોર્ટના મેનેજરીયલ આઉટસોર્સિંગની જાહેરાત કરી અને ત્યારે અદાણી ગૃપને તેને સંભાળવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. 1995માં તેમણે પ્રથમ જેટીનું સેટઅપ કર્યું. આજે આ કંપની દેશની સૌથી વિશાળ ખાનગી મલ્ટી-પોર્ટ ઓપરેટર કંપની છે. મુંદ્રા પોર્ટ દેશનો સૌથી મોટો ખાનગી પોર્ટ છે. આ પોર્ટ પર વર્ષના 21 કરોડ ટન કાર્ગોની આયાત નિકાસ થાય છે.

આજે ગૌતમ અદાણીનો બિઝનેસ માત્ર ભારત જ નહીં પણ ઓસ્ટ્રેલિયામાં પણ ફેલાયેલો છે. હાલ અદાણી ગૃપ નવા નવા સાહસો પણ કરી રહ્યું છે જેમાં એરપોર્ટ્સ તેમજ ડેટા સેન્ટર્સનો પણ સમાવેશ થાય છે.
ગૌતમ અદાણી સાથે જોડાયેલી અજાણી વાતો

– ગૌતમ અદાણીએ 6000 કરોડની ડીલ માત્ર 100 કલાકમાં જ પાક્કી કરી લીધી હતી. તેમણે ઉડ઼ુપી થર્મલ પાવર પ્લાન્ટ માટેની ડીલ કરવા માટે સતત 100 કલાક વાટાઘાટો કરી હતી અને આ સમય દરમિયાન તેમણે રેકોર્ડ ટાઈમમાં સમગ્ર ડીલ પાક્કી કરી લીધી હતી.

– તેમની કંપની અદાણી પાવર લીમીટેડ દેશની સૌથી વધારે ઉર્જા ઉત્પન્ન કરતી ખાનગી કંપની છે. અદાણી કંપની દેશમાં અસંખ્ય થર્મલ પાવર પ્લાન્ટ્સ ધરાવે છે. જે 4620મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. અને તેઓ સૌર ઉર્જા ઉત્પાદનમાં પણ દેશમાં પ્રથમ સ્થાન ધારાવે છે.

– ગૌતમ અદાણી પોતાની કમાણીના 3 ટકા હિસ્સો પરોપકારી પ્રવૃત્તિઓમાં ફાળવે છે. અમદાવાદમાં આવેલી અદાણી વિદ્યા મંદીર સ્કુલ ઓછી આવક ધરાવતા કુટુંબના બાળકેને મફત શીક્ષણ પુરુ પાડે છે. રાજ્યની ઉત્તમ શાળાઓમાં અદાણી સ્કુલની ગણતરી કરવામાં આવે છે.

– 2015ના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટમાં અદાણી કંપનીને મોખરાનું સ્થાન આપવામાં આવ્યું હતું. તે વર્ષે અદાણી ગૃપને દેશની સૌથી વિશ્વાસુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ ગણવામાં આવી હતી.

– દેશના મહત્ત્વના બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવાની વિચારણાનો શ્રેય તેમને જ આપવો જોઈએ કારણ કે તે સમયના રેલ્વે મિનિસ્ટર નિતિશ કુમારને તેમણે જ રેલ્વે લાઈનને બંદરો સાથે જોડવાનું મહત્ત્વ સમજાવ્યું હતું અને તે માટે મનાવ્યા હતા. અને તેને ધ્યાનમાં રાખીને જ ભારતીય સરકારની પોર્ટ-રેઈલ લિંકેજ પોલીસી ઘડાઈ હતી. આજે ભારતના વિકાસ માટે તે ઘણી મહત્ત્વની સાબિત થઈ રહી છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ