ગટ્ટા નું શાક – વિશ્વભરમાં પ્રખ્યાત આ રાજસ્થાની શાક હવે તમે બનાવશો તમારા રસોડે…

આ એક રાજસ્થાની શાક ની વેરાઇટી છે પણ આખી દુનિયા માં એટલું જ લોકપ્રિય છે. માત્ર ચણા ના લોટ અને દહીં જેવી 2 મૂળ સામગ્રી માંથી બનતું આ શાક , કોઈ ને પણ આંગળા ચાટવા મજબૂર કરી દે છે .

ગટ્ટા નું શાક આપ ડુંગળી , લસણ વાપરી ને પણ બનાવી શકો. અહીં બતાવેલ રીત માં મેં કોઈ ડુંગળી , લસણ નથી વાપર્યા.

સામગ્રી ::

• 2 વાડકો ચણા નો લોટ

• મીઠું

• 1 ચમચી જીરું

• 1 ચમચી અધકચરી વાટેલી વરીયાળી

• 1/2 ચમચી અજમો

• 1 મોટી ચમચી કસૂરી મેથી

• 2 ચમચી લાલ મરચું

• 1 ચમચી હળદર

• 2 ચમચી દહીં

• 2 ચમચી તેલ

• 1/4 ચમચી હિંગ

શાક માટે

• 1 ચમચી ઘી

• 3 ચમચી તેલ

• 1/2 ચમચી જીરું

• 1/2 ચમચી રાઇ

• 1/2 ચમચી વરીયાળી

• 2 લાલ સૂકા મરચાં

• 2/3 ચમચી હળદર

• 2 ચમચી લાલ મરચું

• 1.5 વાડકો દહીં (સહેજ ખાટું)

• મીઠું

• 1 ચમચી કસૂરી મેથી

રીત ::


સૌ પ્રથમ બનાવીશું ગટ્ટા .. ગટ્ટા બનાવવા એક બાઉલ માં ચણા નો લોટ ચાળી લો. હવે એમાં મીઠું , હળદર , મરચું , અજમો , વરીયાળી , જીરું , તેલ , હિંગ , દહીં અને કસૂરી મેથી ઉમેરો.


હાથ થી સરસ મિક્સ કરી લો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરો અને કણક તૈયાર કરો. આ કણક એકદમ કઠણ કે એકદમ ઢીલો ના હોવો જોઈએ.. હવે આ કણક માંથી લાંબા , અને સહેજ પાતળા એવા લાંબા એવા ગોળા બનાવો.


મોટા અને પોહળા તપેલા માં પાણી ઉકાળવા મુકો. પાણી ઉકાળવા માંડે ત્યારે લોટ ના લાંબા ગોળા પાણી માં ઉમેરો. સાથે 1 ચમચી તેલ પણ અવશ્ય ઉમેરો. તેલ ઉમેરવાથી ગટ્ટા એકબીજા સાથે ચૉટશે નહીં અને સ્મૂધ જ રાખશે.


5 થી 7 મિનિટ બાદ આપ જોઈ શકશો કે ગટ્ટા ના લાંબા ગોળા પાણી માં ઉપર તરવા લાગશે અને એના પર નાનાં નાના બબલ જેવુ જોઈ શકશો. ચાયળી માં કાઢી લો અને ઠંડા થવા દો. નિતરેલું પાણી 1.5 વાડકા જેટલું સાઈડ માં રાખી દો.

ઠરે એટલે એકસરખા માપ ના કટકા કરી લો.

તો ગટ્ટા તૈયાર છે, હવે બનાવીએ ગ્રેવી .


કડાય માં ઘી અને તેલ ગરમ કરો. એકદમ ગરમ થઇ જાય એટલે એમાં જીરું , વરીયાળી , રાઇ અને લાલ મરચાં ઉમેરો.


બધું બરાબર શેકાય જાય એટલે હિંગ ઉમેરી ગટ્ટા બાફેલા એ પાણી ઉમેરો. મીઠ, હળદર અને મીઠું ઉમેરો . પાણી ઉકળવt માંડે એટલે એમાં દહીં ઉમેરો. આ દહીં ને મેં થોડું મીઠું નાખી સરસ ફેંટી લીધું છે.


સરસ મિક્સ કરતા રહો. મિશ્રણ ફરી ઉકાળવા માંડે એટલે ગટ્ટા ઉમેરી દો. થોડી વાર ઉકાળવા દો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.


ગરમ ગરમ પીરસો. સાથે આપ રોટલી , ભાખરી કે બાટી સાથે પીરસી શકાય. આશા છે પસંદ આવશે.


રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.