લુપ્ત થવાના આરે – તમારું શું કેવું ?

છેલ્લાં ૧૫-૨૦ વર્ષોમાં “રેડીમેડ ગારમેન્ટ્સ”નું માર્કેટ એવું જોરમાં છે કે, લેંધા-સદરા સાવ જ ભૂલાતાં ચાલ્યાં છે.

આજથી ત્રીસેક વર્ષ પહેલાં મધ્યમવર્ગીય પરિવારમાં વર્ષે એકવાર ઘરે જ દરજી બેસાડાય અને એક-બે તાકામાંથી આખા પરિવારના એકાદ વર્ષ ચાલે એટલાં કપડાં સિવાય જાય. અહીં પરિવાર એટલે કાકા-ફઈ-દીકરી-જમાઈ પણ સહકુટુંબ ગણી જ લેવાના…

ગામમાં આખું ખાનદાન એનાં કપડાની ડિઝાઈન ઊપરથી ઓળખાય જાય. દરેકને ડઝનબંધ છોકરાવ હોય પણ કોઈના છોકરાં ખોવાય નહિ. બુશકોટ કે ચડ્ડી કે ફ્રોક કે ઘાઘરા-ચોળી કહો… કાપડની ડિઝાઈન એ જ એનાં આખા ખાનદાનની જે-તે વર્ષની ઓળખાણ… ભંગી-ભિખારી-ભંગારવાળો ય ઓળખી જાય.

મારી દ્રષ્ટિએ ખાદીના ઝભ્ભા-લેંઘા એ સૌથી પ્રભાવશાળી ભારતીય પહેરવેશ છે.

એક જમાનો હતો કે, રજાના દિવસે ઘરમાં દુધ જેવાં ચોખ્ખાં ચણાક, આર (સ્ટાર્ચ) કરેલાં લેંઘા-ઝભ્ભા પહેરવાં એ શ્રીમંતાઈની નિશાની ગણાતી. રસ્તે ચાલતાં માણસના લેંઘાની સિલાઈ ને લંબાઈ પરથી ક્યા ધર્મનો અનુયાયી છે એ પણ જાણવું સાવ સહેલું હતું.

અગાસી કે ફળિયામાં સિંદરી/તાર પર ફરફરતો લેંઘો, એની સિલાઈ(ડીઝાઈન) થકી જે-તે પુરુષની ઉંમર ને પસંદની ચાડી ફૂંકતો તો, વળી ‘કેવી હાલતમાં સુકાય રહ્યો છે’_એ ઉપરથી મોભી સ્ત્રીની આવડત પણ છતી કરતો.

લુપ્ત થવાના આરે….

માત્ર તહેવારો પૂરતાં જ દેખાં દેતાં લેંઘા-ઝભ્ભામાં,

… બેડોળ હોય કે ટકલો કે પછી ફાંદાળો કે કાળોકબુડો…

મને તો હંમેશ કામણગારો જ લાગ્યો છે…!!

લેખક – આરતી પરીખ

આ લેખ પર આપ સૌ આપના પ્રતિભાવ અચૂક આપજો !!

ટીપ્પણી