લાઈવ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક – બનાવતા શીખો આ ટેસ્ટી શાક વિડીઓ અને સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

મિત્રો, આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક તો બનાવ્યું, આજે હું કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાની ટ્રેડિશનલ રીત બતાવવા જઈ રહી છું. આઈ હોપ મારી આ રેસિપી આપ સૌને ખુબ જ પસંદ આવશે.

સામગ્રી :

Ø 100 ગ્રામ બેસન

Ø 1/2 કપ ( 125 મિલી ) છાશ

Ø 1 મીડીયમ સાઈઝનું ટમેટું

Ø 1 મીડીયમ સાઈઝની ડુંગળી

Ø 1 ટેબલ સ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ

Ø 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું

Ø 1 ટેબલ સ્પૂન કોથમીર

Ø 1/2 ટેબલ સ્પૂન હળદર

Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

Ø ચપટી અજમા

Ø ચપટી હિંગ

Ø ચપટી રાઈ-જીરું

Ø 4 ટેબલ સ્પૂન તેલ વઘાર માટે

Ø વઘાર માટે તજ, તમાલપત્ર, સૂકા મરચા અને મીઠો લીમડો

રીત :

1) સૌ પ્રથમ ગાંઠિયા બનાવવા માટેનો લોટ બાંધી લેવો, તે માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ લો, તેમાં ચપટી અજમા, મીઠું, હળદર અને ચપટી ધાણાજીરું નાખો. તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ નાખીને મિક્સ કરી લો.

2) થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લો, લોટ થોડો નરમ રાખવો જેથી ગાંઠિયા પાડવામાં આસાની રહે. ફરી થોડું તેલ નાખીને લોટને મસળીને સ્મૂથ કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને થોડીવાર માટે રાખી દો.

3) એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરું નાખી તતડી જવા દો.

4) ત્યારબાદ તેમાં તજ, તમાલપત્ર, સૂકા લાલ મરચા, હિંગ, હળદર, મીઠો લીમડો અને આદુ-મરચાની પેસ્ટ ઉમેરો. બધું જ બરાબર મિક્સ કરી લો.

5) હવે તેમાં બારીક કાપેલા કાંદા અને ટામેટા ઉમેરો. ત્યારપછી તેમાં મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો. લાલ મરચું આપણે સ્વાદ મુજબ વધ-ઘટ કરી શકીએ. શાકને આકર્ષક લાલ કલર આપવા માટે મેં કાશ્મીરી લાલ મરચું યુઝ કર્યું છે.

6) ઢાંકણ ઢાંકીને ચડવા દેવું અને વચ્ચે વચ્ચે હલાવીને ચેક કરતા રહેવું. બધું જ સરસ ચડી જાય એટલે તેમાં 250 મિલી પાણી ઉમેરો. આપણે રસો રાખવો હોય એ પ્રમાણે પાણીનું પ્રમાણ વધ-ઘટ કરી શકાય. પાણી ને બરાબર ઉકાળવા દો. પાણી ઉકળે ત્યાં સુધીમાં સેવ બનાવવાના સંચા અને ગાઠિયાની ચકરીને તેલથી ગ્રીસિંગ કરી લો અને ચકરી સંચામાં ફિટ કરી લોટ ભરી લો.

7) આ બાજુ પાણી ઉકળે એટલે તેમાં છાશ ઉમેરી થોડી વાર ઉકાળવા દો. ઉકળતા વઘારમાં જ સીધા ગાંઠિયા પાડી લો. ગાંઠિયા પાડવા માટે ઝારો પણ વાપરી શકાય.

8) સંચાથી ગાંઠિયા પાડીએ તો ગાંઠિયા સાવ અડી અડીને હોય છે માટે તેને ચમચાની મદદથી હળવા હાથે છુટા કરી લો. 8 થી 10 મિનિટ્સ ઢાંકણ ઢાંકીને ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

9) 8 થી 10 મિનિટ પછી ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો અને સ્ટવની ફ્લેમ ઓફ કરી દો.

10) તો તૈયાર છે લાઈવ ગાંઠિયાનું શાક જેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

આ શાક રોટલી, ભાખરી, રોટલા, પૂરી તેમજ પરાઠા સાથે સર્વ કરી શકાય, પરંતુ બાજરાના રોટલા સાથે ખુબ જ સરસ લાગે છે.

મિત્રો, આ ગાંઠિયાનું શાક બનાવવાની ટ્રેડિશનલ રીત બતાવી છે, ખરેખર આ શાક બનાવીને સર્વ કરજો સૌને ખુબ જ પસંદ પડશે અને સાથે નાની દાદીની યાદ પણ આવી જશે. આપણા નાની-દાદીના સમયમાં આવું શાક ખુબ જ બનતું.

મેં તો બનાવ્યું, તમે ક્યારે બનાવો છો ? ઘરના બધા જ સભ્યો આંગળા ચાટતા જ રહી જશે, જો તમે બનાવશો આ રીતે ગાંઠિયાનું કાઠિયાવાડી શાક.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા
આપને આ વાનગી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ અવનવી રેસીપી શીખો અમારી સાથે.