આ રીતે બનાવો ‘ગાજરનો દૂધપાક’, નાના મોટા સૌ આંગળા ચાટતા રહી જશે

ગાજરનો દૂધપાક

ઉત્તરાયણ નજીક આવી રહી છે ..તો પુરી અને ઊંધીયુ જોડે સ્વીટ શું બનાવવાના છો? ગાજરનો હલવો બહુ બનાવ્યો કાંઈક નવું ટ્રાય કરો. મારા ઘરે શિયાળામાં અને ઉત્તરાયણ માં ચોક્કસ બનતો ગાજરનો દૂધપાક હું આજે લાવી છું. સ્વાદમાં તો ટેસ્ટી છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક છે.

ગાજરમાં બહોળા પ્રમાણમાં વિટામિન ‘એ’ હોય છે. જે આપણી આંખો અને શરીર માટે બહુ જ ફાયદાકારક છે.

ગાજરમાં ગળપણ હોવાથી ખાંડ પણ ઓછી હોય છે જેથી બાળકો ને રોજ પણ આપી શકાય છે.

ગાજરના દૂધપાકની સામગ્રી:-

1 લિટર ફેટવાળું દૂધ (અમુલ ગોલ્ડ),
3-4 નંગ મીડિયમ ગાજરનું છીણ,
1/2 ચમચી ઘી,
ખાંડ સ્વાદાનુસાર,
2 એલચીનો ભૂકો,
1/2 વેનીલા કસ્ટર્ડ પાવડર ( ના ઉમરો તો પણ ચાલે).
૨ ચમચા દૂધ,
બદામની કતરણ ગાર્નીશ કરવા માટે,

રીત:-

સૌ પ્રથમ ગાજરને છીણીને પ્લેટમાં કાઢી લો.

પ્રથમ જાડી કડાઈ કે તપેલામાં અડધી ચમચી ઘી મુકો.

તેમાં ગાજરનું છીણ ઉમેરીને 1 મિનિટ માટે મધ્ય આંચ પાર સાંતળો.

ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો.

હવે આ દૂધ ઊકળે પછી 10 મિનીટ માટે ધીમી આંચ પાર પકાવો. પછી તેમાં ખાંડ ઉમેરો (આવું કરવાથી ગાજર બરાબર સોફ્ટ થઈ જાય છે) અને બીજા 10 -15 મિનીટ માટે ચઢવા દો.

એક નાના બાઉલ માં 1/2 ચમચી કસ્ટર્ડ પાવડર માં 2 ચમચા દૂધ ઉમેરી ને બરાબર મિક્ષ કરો.
આ મિશ્રણને ને ગાજર વાળા દૂધ માં નાખો.અને બીજી 5 મીનમાટે પકાવો.

હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરો..

હુંફાળું થાય પછી તેને ફ્રીઝમાં મૂકી ને ઠંડુ કરી ને સર્વે કરો..

નોંધ:
ગાજર પસંદ કરતી વખતે લાલ હોય તેવા પસંદ કરો જેથી દૂધનો કલર સરસ થાય છે.આગલા દિવસે રાતે બનાવી ને મૂકી દો અને જેથી ઠંડુ બરાબર થાય અને એનો સ્વાદ પણ બહુ જ સરસ બની જાય છે.ગાજરનું પ્રમાણ વધુ ક ઓછું કરી શકો છો તમારી પસંદ પ્રમાણે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી