ગાડીને ઠંડી રાખવા માટે આપણા અમદાવાદીએ અપનાવ્યો છાણ સાથેનો દેશી ઉપાય…

અરર… આ શું કર્યું અમદાવાદના સેજલબેને!! ગાડીને લીપી મૂકી છાણથી… જાણો છો તેમણે આવું કેમ કર્યું? સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યા છે, છાણનું લીપણ કરેલી લાખો રૂપિયાની મોંઘેરી ગાડીના ફોટો, જાણો છો? કોણ છે તેના માલિક અને આવું તેમણે શું વિચારીને કર્યું હતું?

કાળઝાળ ગરમીથી ત્રાસ કોને ન લાગે? એમાંય મે મહિનાના અંત સુધીમાં તો તડકો એટલો આકરો પડતો હોય છે કે કેટલાક લોકો તો કહે છે કે ગાડીના બોનેટ પર રોટલી શેકી શકાય અને બાઈકની સીટ પર પાપડ રાખી દઈએ તો એ પણ શેકાઈ જાય છે! જોતજોતાંમાં વાતાવરણમાં ગરમીનો પારો ૪૫ અંશ ડિગ્રી સુધી પહોંચી આ સમયે જરાવાર પણ બહાર નીકળીએ તો પરસેવે રેબઝેબ થઈ જવાય છે.

ત્યારે મોંઘાંડાટ એ.સી. કૂલર અને ફ્રિઝ તો હાંફી રહે તો પણ જરૂર પૂરતી ઠંડક આપી શકતાં નથી. આજકાલ તો જાણે બપોરના ભાગમાં કરફ્યુ હોય તેવો ગલીઓમાં જ નહીં જાહેર રસ્તા પર પણ સોંપો પડેલો જોવા મળે છે. ગ્લોબ્લ વોર્મિંગનું કદરૂપું સ્વરૂપ દિવસે ને દિવસે વધુ વિકરાળ થતું જાય છે. ત્યારે આવા સંજોગોમાં સામાન્ય લોકોને તો કેટલો ઉચાટ સહન કરવો પડતો હશે? એ વિચારીને માત્ર પરસેવો વળી જતો હોય છે.

આવો આજે એક અનોખી અને રસપ્રદ વાત લઈને આપની પાસે આવ્યાં છીએ. છેલ્લા એકાદ અઠવાડિયામાં એક ગાડીએ સૌનું ધ્યાન સોશિયલ મીડિયામાં ખેંચ્યું છે. તે એક ટોયોટા કારનું આખેઆખું મેકઓવર કરી મૂક્યું છે. આ સમાચાર ત્યારે સૌના ધ્યાનમાં આવ્યા જ્યારે એક ફેસબુક યૂઝર, જેમનું નામ છે રૂપેશ ગૌરાંગ દાસ છે તેમણે જુદા જુદા એંગલથી ગાડીના ફોટોઝ મૂક્યા છે.

આ ગાડી એટલા માટે ખાસ થઈ ગઈ છે કે તેને સંપૂર્ણ રીતે ગાયના છાણથી લીપી દેવામાં આવી છે. આ ફેસબુક યૂઝરે એવું કેપ્શન લખ્યું છે કે ગાયના છાણનો આવો બેસ્ટ ઉપયોગ આજ સુધી નથી જોયો. જે ૪૫ ડિગ્રીમાંથી લોકોને બચાવે!!

કોની છે આ ગાડી…?

જેમણે પહેલીવાર આ ગાડી વિશે ઉલ્લેખ કર્યો છે તેમણે લખ્યું છે કે આ ગાડી છે શ્રીમતી સેજલ શાહની. કે તેઓ મુંબઈથી અમદાવાદ હાલમાં જ શિફ્ટ થયાં છે. ગરમીના ત્રાસથી રક્ષણ મેળવવા તેમણે આ પ્રયોગ કરી જોયો છે. તેમની સાથે વધુ એક નામ જોડાઈ રહ્યું છે તે છે સેતુક શાહ… તેમણે ગાડીની વિશેષતાઓ વિશે વિગતે વાત કરી હતી.

આ ગાડીનો ફોટો અમદાવાદમાંથી પાડીને વાઈરલ થઈ રહ્યો છે તેવું કહેવાઈ રહ્યું છે. એટલે હકીકતની તપાસ કરતાં સૂત્રોના આધારે ખ્યાલ આવ્યો છે કે ગાડીનો રજિસ્ટર્ડ નંબર મહારાષ્ટ્રનો દેખાઈ રહ્યો છે. ત્યારે ખબર છે કે તે ગાડી મુંબઈ રહેવાસી રમણીકલાલ શાહના નામે છે. જેથી આ શાહ પરિવારની ગાડી હોવાની વાતને નકારી શકાશે નહીં.

શું છે ગાડીની વિશેષતા?

૩૦ લાખ રૂપિયાની ટોયોટા ગાડીને આખેઆખી કથ્થઈ રંગની ફોટોમાં જોઈ શકાય છે. તેના વિન્ડો ગ્લાસ, નંબર પ્લેટ અને લાઈટ્સને છોડીને બોનેટ, છત, દરવાજા અને ડિકિને ગાયના છાણથી લીપેલી છે તેવું નજરે પડે છે. તેને બનાવનાર સેતૂક શાહે જણાવ્યું હતું કે સૌથી પહેલાં છાણમાં પાણી અને ભૂસું મેળવીને લગાવ્યું હતું પરંતુ થોડીવારમાં સૂકાઈ જતાં તેના લેયરમાં તટ પડવા લાગી. જેથી આ પ્રયોગને સફળતા ન મળી તેવું લાગ્યું. થોડીવારે લીપણના મિશ્રણમાં ગુંદર પણ ઉમેર્યો અને ગાડીની મેટલના સ્તરે તેની પકડ મજબૂત કરી. તેમનું માનવું છે કે ગાડી ઉપર લગાડેલું આ લેયર ચોમાસા સુધી ટકી શકશે.

આવું કરવા પાછળનો વિચાર?

સેજલબેનને અધધ ૪૫થી ૫૦ ડિગ્રીની ગરમીમાં વાતાવરણને કુદરતી રીતે મદદરૂપ થાય એવો કોઈ રસ્તો શોધવો હતો. ગાયના છાણનો ઉપયોગ આપણી પ્રાચિન દેશી સંસ્કૃતિની દ્રષ્ટિએ આ પ્રયોગ કરવા માટે પ્રેરણા મળી છે. તેમનું માનવું છે કે આ રીતે ગાડીમાં છાણનું લીપણ કરવાથી ૨૦થી ૨૫% ગરમીનો પારો ઘટાડી શકાય છે. અને તેમણે ઉમેર્યું છે કે આ ગાડીમાં બેસીને એરકંડિશનર ચાલુ કરવાની જરૂર નહીં પડે.

વાઈરલ થયેલ ફોટોઝ સાથે જેઓ શેર કરે છે તેમની પ્રતિક્રિયા શું રહી?

લોકોએ આ વિચારને સકારાત્મક રીતે વધાવ્યો પણ છે. અને બીજી તરફ તેની મશ્કરી પણ કરાય છે. જેઓએ બીરદાવ્યું છે તેમણે આ કોન્સેપ્ટ પર વધુ સંશોધનો કરવાનો પણ સૂઝાવ આપ્યો છે. જો કે કેટલાક લોકોએ પૂછ્યું છે કે આ ગાડીમાં બેસતા લોકોને વાસ નથી આવતી છાણની? વળી, કોઈએ એવો પણ પ્રશ્ન ઉપાડ્યો છે કે આમ કરવાથી ગાડીના પત્રાંને નુક્સાન નહીં થાય?

કોઈએ ચેતવણીઓ આપી છે તો કોઈએ રસપ્રદ રીતે ફોટોઝને શેર કર્યા છે.

કોન્સેપ્ટ વિશે…

તમને યાદ હોય તો આપણે નાના હતાં ત્યારે ઘરના દરવાજે ખસની ટટીઓ બંધાતી અને તેની પર લોટાથી પાણી છાંટવામાં આવતું. ગૂણિયાં અને ક્ષણના પડદા જેવા કુદરતી ઉપચારો વિશે પણ વડીલો પાસે આપણે સાંભળ્યું હશે. લીંપણ કરેલાં માટીના ઘરોમાં ગામડાં જઈએ ત્યારે એવી તો ઠંડક આપતાં હોય જાણે એરકુલર મૂક્યું હોય.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ