ગાભાની ગોદડી – આવી સાસુ તો નસીબવાળાને મળે, પણ આ અચાનક શું થઇ ગયું…

” મંજુબેન, બા, આપણને મજાનાં મલ્યાં હોય એવું નથી લાગતું તમને ? ” વાસણ ઘસતાં ઘસતાં અલકાએ એની જેઠાણીને પૂછ્યું. ” હા,..હો હું પણ ક્યારનીય તને આવુજ પૂછવાની હતી ને તે મારા મોઢાની વાત છીનવી લીધી ” પાણીની ડોલ ઠાલવતાં મંજુ બોલી. ” કોઈને કહેવાય નહીં, તમારા દિયરને કહુંને તો એ ભૂંઠા પડે, દિવસમાં બે ત્રણ વાર બાપુજીના ફોટા પરનો સુખડનો હાર સરખો કરે ને જરા દૂર જઈને પાછાં વળી વળીને ફોટા સામું ધારી ધારીને જુએ ! ” અલકા આજુબાજુ જોતી જોતી ધીમા અવાજે બોલી.

image source

” મને ક્યાં ખબર નથી ? અલકા, આજકાલ કરતાં સાત વરસ થવા આવ્યા, બાપુજીને ગયાને. એક દિવસ તું ને મયંકભાઇ બજાર ગયેલાંને , હું પાછલી રૂમમાં નિરવને લેશન કરાવતી હતી, બારીમાંથી મારી નજર ગઈ તો શું જોયું ખબર છે ? ” બાએ કબાટ ખોલ્યું . બાપુજીનાં ચસમાં પહેર્યાં, દર્પણમાં જોયું ને ચસમાં ઉતારી સાફ કરીને, પાછાં હતાં ત્યાને ત્યાં મૂકી દીધાં ” મંજુ મરકાતી મરકાતી બોલી.

” આપણે તો નસીબદાર કહેવાઈએ કે આવી માયાળુ સાસુ આપણને મળી. બે ત્રણ દિવસ થવાય ના દે ને બોલે ‘બેટા મંજુ જાઓ બહાર આંટો મારી આવો , ‘ ભઇ મયંક આ પેપર જો અપ્સરા ટોકીઝમાં મજાનું પિચ્ચર ચડ્યું છે જા અલકાને લઈને જોઈ આવ.’ આવું કઈ સાસુ સામે ચડી ને બોલે ?” મંજુ સાસુનાં વખાણ કરવા લાગી.

image source

આવી દરિયા દિલ સાસુની વહુઓ પણ રંગીલા સ્વભાવની અને મળતાવળી. સગી બહેનોને પણ ભૂલવે તેવો એ બેયનો મન મેળ. હસતી જાયને ડોશીની સેવા કરતી જાય. ક્યારેક ડોશીની તબિયત નરમ ગરમ થાય, તો વિક્સ ઘસી આપે ને માથું દાબી આપે ને પગ દાબાવે ને માજી ઘડીકમાં ઊંઘી જાય . ઉઠે ત્યારે ફરી પાછાં હતાં એવાં એવાં તાજા ઘોડા જેવાં.

નવરાશ મળે તો ક્યારેક બેય ભેગી મળીને માજી પાસેથી એમની જુવાનીની વાતો કઢાવે. ” તે બા, બાપુજી તમને કેટલા દિવસે પીચ્ચર જોવા લઈ જતા.” નાની વહુ અલકાએ પગ દબાવતાં દબાવતાં પૂછેલું. ” શું વાત કરું બેટા અલકા, અપ્સરા ટોકીમાં દિલીપકુમારનું મોગલે આઝમ, લાગેલું ત્યારે મારો મુકેશ માંડ બે વર્ષનો હતો. હું ને તમારા બાપુજી એને લઈને ગયાં જોવા. ”

image source

” તે બા કયા કલાસની ટીકીટ લીધેલી ?” મોટી વહુએ નાનીની કેડમાં કૂણી મારતાં પૂછ્યું. ” અપર કલાસ સિવાય તમારા બાપુજી પીચ્ચર જોતાજ નઇ. એ વખતે અપર કલાસનો એક રૂપીયો ટીકીટ , ઇન્ટરમાં મને ફાલશાનું ઠંડુ શરબત પીવડાવે એ પોતે એક મીઠું પાન ગ્લોફામાં દબાવે ” માજી ચહેરાની રેખાઓ બદલતાં બોલ્યાં. ” મજા પડી ગઈ હશે એ હીટ પીચ્ચર જોવાની.” અલકાએ વાત આગળ વધારવા મસ્કો માર્યો.

” શું ધૂળ મજા પડે, ઇન્ટર પછી મારા મુકલે રડવાનું ચાલુ કર્યું ને હઠ લીધી કે , ‘ મને ઘરે જાવું, ઘરે મુકવા આય,’ મેં તો ઘણો સમજાયો પણ પીટ્યો એતો બમણા જોરથી રડવા લાગ્યો. આજુબાજુવાળાં અમારા સામું જુએ. પછીતો પીચ્ચર પીચ્ચરના ઠેકાણે રહ્યું, અમે તો એ અધૂરું મૂકીને ઘેરે આવી ગયેલાં ત્યાર પછી એ જોવાનો કદી મોકો મળેલોજ નહીં. ” માજીની આવી વાત સાંભળીને ખૂબ હસા હસ થયેલી.

image source

” તે બા એ વખતે સિનેમા થિયેટરતો બહુ આઘુ હતું તે બાપુજી તમને ચાલતા લઈ જતા ?” અલકાએ પૂછ્યું. ” તમારા બાપુજી કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર. બજારમાં નીકળે એટલે એમનો સડફો પડતો. એ મને ચલાવતા હશે ! અમે સ્ટેશનથી ઘોડાગાડીમાં જતાં. ” આવી વાતો યાદ કરતી વખતે સૂતાં હોય તો બેઠાં થઈ જતાં ને બેઠાં હોયતો ઊભાં થઈ જતાં.

એક દિવસ એવું બન્યું કે, બા બાથરૂમમાં નાહવા ગયાં ને પગ લપસ્યો કે કેમ, એતો પડી ગયાં. બેભાન થઈ ગયાં. તાત્કાલિક દવાખાને દાખલ કર્યા, સિટીસ્કેન, એક્સરે, કારડીઓગ્રામ એમ ડોકટરોએ કેટલાંય નિદાન અને ઉપચાર અજમાવ્યા ને બાટલા સતત ચાલુ.

image source

બંને ભાઈઓને વહુઓ હેરાન હેરાન, મુંબઈથી હાંફળી હાંફળી દીકરી દક્ષા પણ આવી ગઈ. બા માંડ બે દિવસે ભાનમાં આવ્યાં ને આંખો ખોલી. અઠવાડિયું હોસ્પિટલમાં રાખ્યાં . થોડું સારું લાગ્યું એટલે રજા મળી. પણ દવા ચાલુ રાખી, બીજા બે ત્રણ ડોક્ટર અને ન્યુરોલોજિસ્ટની વિઝિટો કરાવી. સારું તો થઈ ગયું હતું. પણ માજી યાદ શક્તિ ગુમાવી બેઠાં હોય તેવું લાગ્યું.

કોઈને જલ્દી ઓળખે નહીં. મંજુને અલકા સમજે ને ક્યારેક મયંકને મુકેશ કહીને બોલાવે. ક્યારેક ખાવાપીવાનું પણ ભૂલી જાય. ક્યારેક વળી પથારી ભીની કરી નાખે.

દીવાલ પરના સુખડનો હાર પહેરીને બેઠેલા બાપુજી સામું પણ ના જુએ. જેની સામે જુએ તેની સામે આંખો ચકળવકળ કરે. નાનો નીરવ તો બા પાસે જતાં પણ ગભરાવા લાગ્યો. સદાય ખુશમિજાજમાં રહેતાં માજીને જાણે કોની નજર લાગી ગઈ. વહુઓ દુઃખી દુઃખી થઈ ગઈ. ડૉક્ટરોનો પણ અભિપ્રાય એવો કે ઉંમર વધારે હોવાથી રિકવરી આવવી મુશ્કેલ છે.

image source

એમનું કહેવું એવું હતું કે માજી યાદ શક્તિ ગુમાવી બેઠાં છે તે હવે પાછી નહીં આવે. ખાસો બાર મહિના જેટલો સમય નીકળી ગયો પણ કાંઈ ફેર પડ્યો નહીં. માજી મોટે ભાગે એમની રૂમમાં ઊંઘતાં હોય. વહુઓ એમને જરૂર વગર જગાડે પણ નહીં.

દિવાળી નજીક આવી રહી હતી. એટલે ઘરની સફાઈ ધીમે ધીમે ચાલુ થઈ. ચોમાસાના ભેજને દૂર કરવા ઘરનું ફર્નિચર, માજીના વખતની પતરાની પેટીઓ ને ડામચીયાનાં ગાદલાં-ગોંદળાં તડકામાં તપાવવા મૂક્યાં. ને ઝાપટ-ઝૂંપટ ચાલુ કરી.

image source

તડકે તપવા મુકેલી વસ્તુઓમાં એક જૂની પુરાણી ગોદડી પણ હતી. આમતો એમાં કાંઈ ખાસ હતું નહીં. બસ એવીજ સામાન્ય ગોદડી જે માજીએ વરસો પહેલાં ફાટી ગયેલી જુદા જુદા રંગની સાડીઓ ને પુરુષોને પહેરવાના જુદા જુદા કપડાના ટુકડામાંથી પોતાની જાતે તૈયાર કરેલી. કોઈ દિવસ વપરાશમાં પણ ના લેવાતી.

માજી એમના રૂમમાંથી ક્યારે બહાર નીકળી ગયાં કોઈને ખ્યાલ રહ્યો નહીંને. એતો વરંડામાં તપવા મુકેલી ગોદળી હાથમાં પકડીને બુમો પાડવા લાગ્યાં. ” અલી, મંજુ, અલકા, ક્યાં ગયાં બેટા બહાર આવોતો ” બંને વહુઓ કામ પડતું મૂકીને દોડતી બહાર આવી, ” હા બોલો બા શું હતું ? મંજુએ પૂછ્યું.

image source

” આ જો આ બાંધણીની સાડીનો ટુકડો જોયો તેં ? માજી વર્ષો પુરાણી ગોદડી પર લગાવેલા જુના પુરાણા કપડાના એક થિંગડા પર હળવે હળવે હાથ ફેરવતાં બોલ્યાં. ” હા.. હા.. બા કેવો મસ્ત મરૂન કલર છે બા !” અલકાએ ખુશી વ્યક્ત કરી. ” આ જો કિનખાબી ટુકડો ” માજીએ બીજા થિંગડાને એવી રીતે આંગળી આડાડી જાણે તેમની જુવાનીને જગાડતાં હોય. વહુઓતો રાજી રાજી થઈ ગઈ. ઘણા દિવસે આજે માજીને જૂનું પુરાણું બધું યાદ આવવા લાગ્યું.

” આ છે ને મરૂન રંગની બાંધણી તમારા સસરા જામનગરથી મારા માટે લાવેલા ને આ કિનખાબી કાંચળી મારા કરિયાવરમાં આવેલી. એક દિવસ હવેલીમાં પ્રભુજી પધારેલા. બસ આ આ જ કપડાં પહેરી હું ને તમારા બાપુજી સાથે બાપજીનાં દર્શન કરવા ગયેલાં ” માજી થોડી વાર અટકયાં, એક અંગડાઈ લઈ શરીરને હળવો ઝાટકો આપ્યો ને આગળ બોલ્યાં,

” બાપજીએ મારે માથે હાથ મૂકી આશીર્વાદ આપેલા ને મારે ઓધાન રહેલાં ને બરાબર નવમે મહિને મારી દક્ષાનો જન્મ થયેલો. ” આટલું બોલીને માજી બોખા મોંએ એવુંતો મલકાયાં કે જાણે એ ક્ષણમાં તો એમણે દીકરી જણતી વખતે ભોગવેલ પ્રસવવેદના અનુભવી હોય. આમ માજીએ એક પળમાં જુવાની જીવી લીધી.

image source

મંજુ ને અલકા તો ખુશ ખુશ ! માજીને ઘરમાં લઈ ગયાં. ને પૂછ્યું ” બોલો બા ચા લેશો થોડી” ” ના બેટા જૂઓને તમે કામ કેટલું કાઢ્યું છે ? તમે ખોટી થશો, ચાલુ રાખો તમારું કામ. ” નાના નિરવને પોતાના ખોળામાં લેતાં માજી બોલ્યાં. બેય વહુઓ તો બસ વરંડામાં તપવા મુકેલી પેલી ગાભાની ગોદડીના એ બે થિંગડાં સામે જોઇજ રહી.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ