શોલેનાં ગબ્બર સિંહની અત્યાર સુધીનાં જીવન સફરની કેટલીક રસપ્રદ વાતો…

બોલીવૂડના વિલન ‘ગબ્બર સિંહ’ એટલે કે અમજદ ખાનનો 12 નવેમ્બરે જન્મ દિવસ હતો. તેમનો જન્મ 12 નવેમ્બર, 1940 ના રોજ પેશાવરમાં થયો હતો. અમજદ ખાને બોલીવુડ ફિલ્મોમાં નેગેટિવ રોલ્સની સાથે સાથે પોઝિટીવ રોલ્સ પણ પ્લે કર્યા છે. શોલે ફિલ્મમાં તેમણે કરેલા ગબ્બર સિંહના રોલે તેમને બોલીવૂડમાં એક અલગ જ ઓળખ અપાવી. કેટલીએ સુપહિટ ફિલ્મોમાં કામ કરનારા અમજદના જીવનમાં બનેલી એક દુર્ઘટનાએ તેમની સંપૂર્ણ કેરિયર બરબાદ કરી દીધી. એક ફિલ્મની શૂટિંગ માટે જ્યારે તે ગોવા જઈ રહ્યા હતા ત્યારે તેમનો ભયંકર અકસ્માત થયો હતો, જેના કારણે તેમની 13 પાંસળીઓ તૂટી ગઈ હતી. આ એક્સીડેન્ટ બાદ તેઓ લાંબા સમય સુધી અભિનય નહોતા કરી શક્યા.

 

આ અકસ્માતના કારણે તેમનું વજન વધવા લાગ્યું હતું. જ્યારે અમજદનો અકસ્માત થયો હતો ત્યારે કારનું સ્ટિયરિંગ તેમના પેટમાં ઘૂસી ગયું હતું. આ એક્સીડેન્ટના કારણે તે લાંબા સમય સુધી વ્હીલ ચેયર પર જ રહ્યા. તેમનું ઓપરેશન થયું. આ દરમિયાન અમિતાભ બચ્ચને તેમના કુટુંબીજનોને ખુબ મદદ કરી હતી. અમજદખાન એક એવા માણસ હતા જે પોતાની ફીટનેસને લઈને ખુબ જ સજાગ હતા. તે રોજ બેડમિંટન રમતા અને એક્સરસાઈઝ કરવાનું પસંદ કરતા હતા, પણ એક્સીડેન્ટ બાદ આ બધું જ બંધ થઈ ગયું. તે જ કારણસર તેમનું વજન વધવા લાગ્યું.

અકસ્માત અને તે દરમિયાનની સ્થિતિ વિષે જણાવતા અમજદ ખાનના પત્ની શૈલા ખાને એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું, “અકસ્માત બાદ બધું જ થંભી ગયું હતું. દવાઓ અને હલનચલન નહીં થવાના કારણે તેમનું વજન ખુબ જ વધવા લાગ્યું હતું. તેમને ગળ્યું ખુબ પસંદ હતું, તેઓ ચાના શોકીન હતા, પણ તેમનું વજન દવાઓના કારણે વધ્યું હતું. જો કે તે ફિલ્મોમાં કામ કરતા રહ્યા.”

અમજદના પત્નીએ ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, “તે એક સાધારણ દિવસ હતો. સાંજના 7 વાગે અમજદને કોઈને મળવાનું હતું માટે તેઓ કપડા બદલવા ગયા. ત્યારે જ દીકરો શાદાબ દોડતો આવ્યો અને કહ્યું, ‘ડેડીનું શરીર ઠંડુ પડી રહ્યું છે, તેમને ખુબ પરસેવો થઈ રહ્યો છે.’ જઈને જોયું તો અમજદ બેહોશ પડ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં તેઓ આ દુનિયામાંથી જતાં રહ્યા.” શૈલા આગળ જણાવે છે કે અમજદ હંમેશા કહેતા, ‘હું આમ જ 5 મીનીટમાં જતો રહીશ અને કોઈને ખબર પણ નહીં પડે અને કોઈની પાસે સેવા પણ નહીં કરાવું. અને થયું પણ એવું.’ 27 જુલાઈ, 1992ના રોજ તેઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

અમજદ ખાન ચા પીવાના ભારે શોકીન હતા અને રોજ તેઓ લગભઘ ત્રીસ કપ ચા પી જતાં હતા. ચા વગર તેમનું કામ કરવું મુશ્કેલ થઈ જતું. કંઈક તેવો જ કિસ્સો પૃથ્વી થિયેટરમાં જ્યારે તેઓ એક પ્લેનું રિહર્સલ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ચા ના મળી અને તેઓ પરેશાન થઈ ગયા. સેટ પર જ્યારે તેમણે આ વિષે પુછ્યું તો તેમને કહેવામાં આવ્યું કે દૂધ ખતમ થઈ ગયું છે. અમજદે પોતાની ચાની તલબ પુરી કરવા બીજા દીવસે બે ભેંસ લાવીને બાંધી દીધી અને ચા વાળાને કહેવામાં આવ્યું કે ચા બનતી રહેવી જોઈએ.

મિત્રતા નિભાવવામાં પણ અમજદ ખાન પાછા નહોતા પડતા. અમિતાભ બચ્ચનની સાથે તેમની ગાઢ મિત્રતા હતી. બન્નેએ ઘણી બધી ફિલ્મો સાથે કરી હતી અને તે સુપરહીટ પણ નીવડી હતી. તમને જણાવી દઈએ કે ‘ચરસ’ (1976), ‘હમ કિસી સે કમ નહીં’ (1977), ‘પરવરિશ’ (1978), ‘દાદા’ (1979), ‘સુહાગ’ (1979), સહિત તેમણે કેટલીએ ફિલ્મોમાં કામ કર્યું હતું. અમજદ ખાનના ગયા બાદ તેમની 7 ફિલ્મો રિલીઝ થઈ. મૃત્યુ બાદ ફિલ્મ બેચેન (1993), રુદાલી (1993), દો ફંટૂસ (1994), અનોખી ચાલ (1995), આતંક (1996), હુકૂમનામા (1996), સૌતેલા ભાઈ (1996) ફિલ્મો રીલીઝ થઈ હતી.

 

અમજદ ખાનનો દીકરો પણ ફિલ્મમાં હાથ અજમાવવા આવ્યોપણ તેમને કંઈ ખાસ સફળતા ન મળી. વધારે ફિલ્મો નહીં મળવાના કારણે તેમણે બોલીવુડ છોડી દીધું અને તે આજકાલ લાઈમ લાઈટથી દૂર રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી અને તમારા મિત્રો ને પણ જણાવો, વધુ પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી