ફિમેલ સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી – તેના માતા પિતા નહોતા આપવા માંગતા જન્મ, ભારતીએ જાહેર કરી પોતાની કહાની…

ખડખડાટ હસાવતી ભારતની એકમાત્ર ફિમેલ સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી સિંગનું દેશ માટે ઓલંપિક્સ મેડલ જીતવાનું સપનું હતું.

ભારતી સિંગનું નામ હવે ટી.વીની દુનિયામાં અજાણ્યું રહ્યું નથી. ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જે આ ભારી કાયા ધરાવતી યુવતીના જીવનની કાયાપલટ કરી મૂકી હતી.


આજે આપણાં દેશના મોસ્ટ ફેવરિટ સ્ટેડ અપ કોમેડિયનની હરોળમાં તેનું નામ પણ લેવાય છે. તેઓ એક માત્ર મહિલા સફળ કોમેડિયન છે અને તેમની આ સફળતાની સફર પણ એટલી જ રસપ્રદ અને મનોરંજક છે.

ભારતી સિંગની જન્મથી લઈને તેના સ્ટેજ પર્ફોમન્સની શરૂઆત અને લગ્નનું પ્રપોઝલ આવ્યા સુધીની દરેક વાતો એટલી તો રોમાંચક છે કે તમને લાગશે કે શું આ કોઈ ફેરી ટેલ છે કે પછી સાચી હકીકત? કોઈ રૂપાળી છોકરીનું સ્વન એવું હોય કે તે મોડેલ કે હિરોઈન બનવા ઇચ્છે, પણ કોઈ જ છોકરી કોમેડિયન બનવાના સપના તો ન જોએ!

ભારતી સિંગના જીવનમાં એવું તે શું બન્યું કે તે એક હોંશિયાર વિદ્યાર્થીમાંથી કોમેડિયન બની ગઈ! ભારતીના લલ્લીના પાત્રે સૌને ખૂબ હસાવ્યા છે. તેના આ કેરેક્ટરે તેને નવી જિંદગી આપી છે. તેના જીવનના કેટલાક પાસાં એવાં પણ છે જેનાથી આજે પણ તેના ફેન્સ અજાણ છે. આવો, ભારતી સિંગની પડદા પાછળની કહાણી, જાણીએ જે હજુ પણ છે સૌને માટે અજાણીઃ

ભારતીનો જન્મ નહોતાં ઇચ્છતાં તેમના માતા

પંજાબના અમૃતસરમાં ભારતીનો જન્મ ૩ જૂલાઈ, ૧૯૮૫ના થયો. ભારતીના પિતા નેપાળી હતા અને તેના માતા પંજાબી પરિવારના હતા. ભારતી તેમના માતાપિતાનું ત્રીજું સંતાન છે અને તેમણે એક ઇન્ટરર્વ્યૂમાં કહ્યું હતું કે હું મારા પેરેન્ટ્સ માટે અનપ્લાન્ડ ચાઇલ્ડ હતી. અને મારી મમ્મીને ત્રીજું બાળક નહોતું જોઈતું. તેમણે કેટલીક દવાઓ પણ લીધી પરંતુ છેવટે એમનું મન ન માન્યું અને મારો જન્મ થયો!

ભણવામાં હોંશિયાર હતાં તેમની પાછળ ભાઈ – બહેને આપ્યો ભોગ

ભારતી માત્ર બે વર્ષની હતી જ્યારે તેમના પિતાનું અવસાન થયું. તેમની અને તેમના મોટાં ભાઈ – બહેનના ભણતર અને ઉછેરની પૂરી જવાબદારી તેમના પર આવી ગઈ. માતાએ ત્રણેયનું સ્કુલ સુધીનું ભણવાનું માંડ માંડ પૂરું કરાવ્યું પરંતુ તેઓ કોલેજનો ખર્ચો ઉપાડી શકે તેમ નહોતા.

ભારતી ભણવામાં હોંશિયાર હતી તેથી મોટા ભાઈ અને મોટી બહેને પોતાનું ભણતર અધૂરું મૂક્યું અને તેમને બદલે ભારતીને કોલેજ મોકલી.

કોલેજમાં ભારતીને એકલદોકલ મિત્રો જ હતા

ભણવામાં તેને ખૂબ જ રસ હતો. તેમના ભાઈ બહેને તેને ગ્રેજ્યુએશન સુધી ભણાવવામાં ભોગ આપ્યો હતો તેથી તેઓ પોતાની જવાબદારી સમજીને ખૂબ જ મહેનતથી અભ્યાસમાં જ ધ્યાન આપતી અને બહુ ઓછા મિત્રો સાથે સમય વિતાવતી હતી. છતાં તે પહેલેથી હસમુખી અને આનંદી સ્વભાવની હતી અને મિત્રો સાથે ખૂબ મસ્તી કરી લેતી.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પરિવારની આર્થિક સ્થિતિ હું સમજતી હતી અને મારું કોલેજમાં એડ્મિશન થયું એજ મોટી વાત છે મારા માટે. મારે આ તકને સફળતામાં ફેરવવી છે તે હું ક્યારે નહોતી ભૂલી.

ઓલંપિક્સમાં મેડલનું સપનું

તે એક સારી સ્પોર્ટ્સ પર્સન પણ હતી. તેનું સપનું હતું કે તે ભારત માટે ઓલંપિક્સમાં મેડલ લાવવાનું સપનું જોતી હતી. તેઓ નેશનલ લેવલની રાઈફલ શૂટર અને આર્ચર રહી ચૂકી છે. ગ્રેજ્યુએશનની સાથે ભારતી આ બંને સ્પોર્ટ્સ તરફ પણ ધ્યાન આપતી હતી.

અમૃતસરની નામી કોલેજમાં તેમને સ્પોર્ટ્સને લીધે જ સરળતાથી એડમિશન મળી ગયું હતું. ઓલંપિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોતાં ભારતીની કિસ્મતમાં કોઈ બીજી જ સફળતા રાહ જોઈ રહી હતી.

કોમેડિયન તરીકે થઈ એન્ટ્રી

ભારતીનો મૂળ સ્વભાવ આંતરમુખી હતો. તે સ્કુલ અને કોલેજમાં બહુ ઓછા મિત્રો બનાવતી પણ જેમની સાથે દોસ્તી થઈ જતી તેમની સાથે તે ખૂબ હસી મજાક કરતી હતી. તેને ફિલ્મી સ્ટારની મિમિક્રી કરવાની ટેવ હતી.

એકવાર તે કોઈની મિમિક્રી કરી રહી હતી કોલેજમાં ત્યારે એક મિત્રે તેને કહ્યું કે અમૃતસરમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર શો’નું ઓડિશન ચાલુ છે તારે ત્યાં જઈને ટ્રાય કરવી જોઈએ.

ત્યાંની મોટી હોટેલના એક રૂમમાં ઓડિશન છે તેવા સમાચાર જાણી તે ગભરાઈ ગઈ. તેને થયું કે હોટેલના રૂમમાં જવું એ તેના માટે સેફ ન પણ હોય. પરંતુ પાછળથી તેને જાણ થઈ કે અન્ય સ્પર્ધકોને પણ આજ રૂમમાં બોલાવાયા છે અને કોમેડિ સર્કસથી ફેમસ થઈ ચૂકેલા તેના જ શહેરના કપિલ પણ ત્યાં હાજર હશે એ જાણીને તે ખુશ થઈ અને પોતાની કિસ્મત અજમાવવા પહોંચી ગઈ.

Keep calm and buy red! ❤🔥 Jewelry by @kundan.jewellers

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on

ત્યારે ભારતી અને કપિલની પહેલી મુલાકાત થઈ. તે સમયે જ કપિલે કહી દીધું હતું કે આ છોકરી ખૂબ જ આગળ વધશે. ભારતી આ કોમ્પ્લીમેન્ટ સાંભળીને ખૂબ ખુશ થઈ અને એક અઠવાડિયા પછી રિઝલ્ટની રાહ જોવાનું કહીને તે ઓડિશનમાંથી ઘરે પાછી આવી.

સિલેક્શનના પહેલા કોલમાં જ થઈ રમૂજ

થોડા દિવસો પછી તેને એક એન્ડેમોલ કંપની તરફથી ફોન આવ્યો કે તમારું સિલેક્શન થઈ ગયું છે. ત્યારે ભારતીને આ વાત સાચી ન લાગી અને તેમણે ફોન મૂકી દીધો! એક ઇન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું કે એક તો એ બહેન અંગ્રેજીમાં બોલતી હતી અને વળી કંપની પણ અજાણીને લાગી.

હકીકરે એન્ડેમોલ શાઈન કંપની સોની એન્ટરટેઈન્મેન્ટ તરફથી જ ઓડિશન મેનેજ કરતી હતી. તે તેમને બીજીવાર ફોન આવ્યો અને હિન્દીમાં વાત કરી ત્યારે ખબર પડી. તે પહેલાં ભારતીને થયું કે કોઈ ઇંડા વેંચતી કંપની તેને ફોન કરે છે!

શોમાં ભાગ લેવા તેમને અને તેમની માતા માટે એર ટિકિટ્સ મોકલી હતી. આ તેમની પહેલી હવાઈ સફર હતી. અહીંથી તેમની અમૃતસરથી મુંબઈ પહોંચવાની અને તેમની સફળતાની સફર શરૂ થઈ.

સફળતાની સફર

ભારતીએ ‘લાફટર ચેલેન્જ સિઝન – ૪’માં લોકોને ખૂબ હસાવ્યા. તેનું લલ્લીનું કેરેક્ટર બહુ પોપ્યુલર થઈ ચૂક્યું હતું પરંતુ તે એ સિઝન જીતી શકી નહોતી. તે નિરાશ થઈને પોતાના શહેર પરત ફરી. તે ઘરે પહોંચી ત્યાં સુધીમાં તેને બીજા અનેક શોની ઓફર્સ આવવા લાગી.

તેમને શોમાં ચોથા સ્થાને આવવા માટે કેશ પ્રાઈઝ અને ૪૮” ફ્લેટ ટી.વી. મળ્યું હતું. એ શો પછી તેમને બીજા કેટલાક શોની ઓફર્સ આવી જેને લીધે તેમના પરિવારની ફાઈનાન્સિયલ પ્રોબ્લેમ ઘણી હદે સોલ્વ થઈ ગઈ.

૨૦૦૯માં કોમેડી સર્કસમાં જોડાયા બાદ તે મુંબઈમાં જ સ્થાયી થઈ અને સૌ કોઈ તેને ઓળખવા લાગ્યું.

સફળતા મેળવ્યા પછી તેને માતા માટે એક ઘર ખરીદ્યું અને પોતાના માટે એક મર્સિડિઝ ખરીદી. તેણે એક ઇન્ટરર્વ્યૂમાં હસતાં હસતાં કહ્યું હતું કે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું મર્સિડિઝમાં ફરીશ. અમારા ફેમીલીને સેન્ટ્રો કે ઇનોવા બહુ મોટી ગાડી લાગતી.

તોડ્યા બધાના બ્રમ

ભારતી જ્યારે સ્ટેન્ડ અપ કોમેડીના ફિલ્ડ્માં પ્રવેશી ત્યારે તેના પરિવારના સૌકોઈએ તેને ચેતવી કે તારું આટલું વજન છે ટી.વી.માં આવીશ તો તારાથી કોઈ લગ્ન કરશે? ભારતીએ એ સૌના મોં બંધ કરી દીધાં તેની કામિયાબીથી. તે કહે છે કે મારા માટે મારું વજન ક્યારેય પ્રશ્ન નથી રહ્યો, મને મારી પર્સનાલીટી ખૂબ જ ગમે છે! ભારતી એક માત્ર ફિમેલ સ્ટેન્ડ અપ કોમેડિયન રહી છે જેણે આટલી મોટી સફળતા જોઈ હોય. અત્યાર સુધી આ ફિલ્ડ માત્ર પુરુષો માટે જ હતું. હવે, ભારતીને જોઈને અન્ય મહિલાઓ પણ આ કેરિયર તરીકે જરૂર વિચાર કરશે.

ભારતી કહે છે કે તેને જે કોઈએ આ કેરિયર પસંદ કરવાની ના પાડી હતી આજે તે જ લોકો મારી મિસાલ આપે છે. તેઓ કહેતા કે તારી પાસે કોઈ કામ નહીં કરાવે કારણ કે તારું વજન ખૂબ વધારે છે!

ભારતી આજે ભારતીય ટેલિવિઝનનો એક જાણીતો ચહેરો થઈ ગઈ છે અને તેને અનેક પ્રોડ્યુસરો પોતાના શોમાં ફિચર કરવા ઇચ્છે છે. આજે તેમને સેલિબ્રિટીનો દરજ્જો મળ્યો છે.

દોસ્તી ખૂબ મહત્વ ધરાવે છે ભારતી માટે

ભારતીને કોલેજમાં જ એક ખાસ મિત્રએ લાફટર ચેલેન્જમાં જવા પ્રેરણા આપી બહુ ઓછા મિત્રો હોવા છતાં ભારતી સૌ માટે સ્પેસિયલ હતી. તેણે કપિલની ફ્રેન્ડશીપને ખૂબ મહત્વ આપ્યું છે. કપિલનો શો બંધ રહ્યો એટલો સમય ભારતીએ તેને ફરી શરૂ થવાની રાહ જોઈ કારણ કે તેણે પ્રોમિસ આપ્યું હતું કે તે જ્યારે પણ કમ બેક કરશે ભારતીને જરૂર સામેલ કરશે.

કપિલ અને ક્રિષ્ના વચ્ચે પણ થોડા સમય પહેલાં બહુ જ અણબનાવ થતા હતા ત્યારે ભારતીએ જ બંને વચ્ચે સુલેહ કરાવીને કહ્યું બંને સાથે મળીને કામ કરો આ રીતે કરશો તો તેમનું ટેલેન્ટ વેસ્ટ જશે. આજે ફરી તેઓ ત્રણેય એક સાથે ધ કપિલ શર્મા શો કરી રહ્યા છે અને તે હાલમાં ટોપ ૫ ટી.આર.પી. મેળવે છે!

લવ લાઈફ અને લગ્ન

ભારતીને એવું લાગતું કે મને કોઈ લવ નહીં કરે કેમ કે દોસ્તો તેના સાથે હસી મજાક કરે પણ લવ મેરેજ કરવાનું કોઈ નહીં વિચારે. ભારતીને તેના જુનિયર સ્ક્રિપ્ટ રાઈટર હર્ષ સાથે સેટ પર મુલાકાત થઈ હતી. અને એક સ્ક્રીપ્ટ ભારતીની તેણે લખી હતી. ત્યાં જ તેમની વચ્ચે દોસ્તી થઈ હતી. પૂરા એક વર્ષ પછી હર્ષે ભારતીને એસ.એમ.એસ.થી પ્રપોઝ કર્યું.

ભારતીએ કોઈ જ રિએક્શન ન આપ્યું કારણ કે આ તેનું પહેલું લવ પ્રપોઝ હતું. બે અઠવાડિયા સુધી કોઈ જ સંપર્ક ન કર્યો પછી જ્યારે તો રૂબરૂ મળ્યાં ત્યારે હર્ષે કહ્યું કે તે ખરેખર તેને ખૂબ પ્રેમ કરે છે. હર્ષ એમ સમજતા હતા કે ભારતીએ એટલે જવાબ ન આપ્યો કેમ કે એને લાગ્યું કે જુનિયર રાઈટર છે એટલે ભારતી તેને હા નહીં પાડે.

તેમણે આ રિલેશનશિપને ૭ વર્ષ આપ્યાં અને હાલમાં જ લગ્ન કર્યા. હર્ષે આ સમય દરમિયાન ખૂબ પ્રગતિ કરીને મેઈન રાઈટર તરીકે નામના મેળવી. હર્ષે થોડા સમય પહેલાં ખતરોં કે ખીલાડી માટે ક્રીપ્ટિંગ કર્યું છે!

લાઈફ ફંડા

સૌને હસતાં જોવાની ભારતીને ઇચ્છા છે અને એવું જ કામ કરે છે એનાથી તે ખૂબ જ ખુશ છે. ખાવાની શોખીન ભારતી સવારે પંજાબી સ્ટાઈલના પરાઠા ખાઈને ઘરેથી કામ કરવા નીકળે છે અને રાતે આવીને મમ્મી સાથે વાતો અને મસ્તી કરે છે. તેણે એવું પણ કબૂલ્યું છે કે હર્ષ સાથે લગ્ન કરવા તેનો સૌથી સારો નિર્ણય છે. તે ખૂબ જ ધ્યાન રાખે છે અને ક્યારે સવાલ નથી કરતો કે ક્યારે ઘરે આવશે?

તે હસતાં હસતાં એક ટી.વી શોમાં કહી દે છે કે મારું મોટું પેટ તો ૧૧ વર્ષથી છે, તમે પૂછવા વિચારો છો એ પ્રશ્ન હું જાણું છું, અત્યાર સુધીમાં કોઈ સારા સમાચાર નથી!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ