ફટાકડા – લાખોના ફટાકડા ફોડતા ધનવાનોને આ ખુશી કયારેય નહી સમજાય, લાગણીસભર વાર્તા…

“પપ્પા .. આવતા અઠવાડીયાથી દિવાળી શરૂ થાય છે .. આપણે ફટાકડા લેવા કયારે જવુ છે ?? ” નાનકડા અમીતે દિનેશને સવાલ પુછતા કહ્યુ. સવાલ સાંભળીને અમીતની મમ્મી હસુમતીએ પતિ સામે જોયુ. “હા બેટા.. બે-ત્રણ દિવસ પછી જઇશુ” પણ જવાબ સાથે આંખમાં આવેલી ચિંતાની લકીર ફકત પત્નીને જ દેખાણી.


અમીત ખુશ થતો બહાર રમવા જતો રહ્યો. દિવાળી ધનવાન માટે ખુશીનો તહેવાર છે.. પરંતુ મહીને 1200-1300 કમાતા સાઘારણ કુટુંબ માટે દિવાળીની ઉજવણી કેટલી અધરી છે તે તો તે કુટુંબ જ જાણે છે. “તમે હા તો પાડી, પણ આ વખતે આટલી નાણાભીડમાં ફટાકડા ન લાવીએ તો ચાલશે ” હસુમતીએ દિનેશને કહ્યુ. “જોઇશું” એમ કહીને દિનેશ પણ બહાર જતો રહ્યો.

કલાક પછી રમીને આવેલા અમીતને ખોળામાં બેસાડી શાંતિથી માથે પ્રેમથી હાથ ફેરવીને હસુમતીએ કહ્યુ , “બેટા આપણે દર વષેઁ ફટાકડા લાવીએ છીએ.. આ વષેઁ નહી લાવીએ તો નહી ચાલે?” “પણ મમ્મી બઘા જ ફટાકડા ફોડતા હોય ત્યારે આપણે શું કરશું ?” નાનકડા અમીતને ફટાકડા ન લાવવાનું કારણ સમજાતુ ન હતુ.


“બેટા.. બાજુવાળા કાકીએ કહ્યુ છે કે આ વખતે ઘણા ફટાકડા લાવવાના છે… તેમનો દિકરો ચિંતન ફટાકડા ફોડે ત્યારે આપણે સાથે ફોડશું.” મમ્મીએ સમજાવવાનો પ્રયત્ન કયોઁ. “પણ મમ્મી.. ચિંતન મને ફટાકડા આપશે ?” અમીત હજી અસમંજસમાં હતો. “હા બેટા.. કાકીએ કહ્યુ છે .. તે તને આપશે જ..” હસુમતીએ અમીતને હૈયાઘારણ આપી.


“ભલે મમ્મી એમ જ કરીશુ” નાનકડા અમીતે મમ્મીની વાત સ્વીકારી લીઘી. રાત્રે દિનેશ ઘરે આવ્યો ત્યારે અમીતે કહ્યુ ” પપ્પા આપણે આ વખતે ફટાકડા નથી લેવા. ” દિનેશે આશ્ર્ચયઁથી હસુમતી સામે જોયુ. પત્નીની આંખમાં આંસુ સાથે હકાર જોઇને સમજી ગયો કે અમીતને મમ્મીએ કોઇક રીતે સમજાવ્યો છે. પોતાની લાચારી પર તેની આંખમાં આંસુ આવી ગયા.


બસ પછી તો અમીત ફટાકડાની વાત ભુલી ગયો. તે તે નિશ્ર્ચિત હતો કે ચિંતન સાથે જ ફટાકડા ફોડવાના છે. તે તો ચિંતનના ઘરે જઇને ફટાકડા જોઇ પણ આવ્યો. ઘરે આવીને ખુશ થતા થતા ફટાકડાની વાત કરતો. તેની વાત સાંભળીને મમ્મી પપ્પા હસતા.. પણ તેની હસી પાછળ છુપાયેલી વેદના સમજવાની અમીતની ઉંમર ન હતી.


અઠવાડીયા પછી દિવાળી આવી. ધનતેરસ અને કાળીચૌદસ બન્ને દિવસે અમીતે રાહ જોઇ કે ચિંતન ફટાકડા માટે બહાર આવે . પણ ચિંતન તો તેના મામાના ઘરે જતો રહ્યો હતો. ચિંતનની મમ્મીએ જણાવ્યુ કે તે દિવાળીના દિવસે આવી જશે.. પછી બન્ને સાથે ફટાકડા ફોડજો. દિવાળીનો શુભ દિવસ આવ્યો. ચારેબાજુ રોશની અને ખુશી છલકતી હતી. પણ નાનકડા અમીતને તો બસ સાંજનો ઇંતજાર હતો. તે તો થોડીથોડી વારે ચિંતનના ઘરે જતો. તેની ઉત્સુકતા અને ફટાકડા પ્રત્યેની ધેલછા જોઇને દિનેશ અને હસુમતી બન્નેની આંખમાં આંસુ આવી ગયા. દિનેશે તો થોડાક ફટાકડા લાવવાનો વિચાર પણ કરી લીઘો. પણ હસુમતીએ કહ્યુ કે … આ તો બાળક છે … રાત્રે ફટાકડા ફોડશે એટલે બઘું ભુલી જશે. સાંજે દિનેશ તેને ખુશ કરવા બહાર લઇ ગયો.. પણ અમીતનું મન તો ઘરે જ હતું . તે જલ્દી ઘરે જવાની જીદ કરતો. ઘરે આવીને જેમ તેમ જમીને તે બહાર ચિંતનની રાહ જોતો ઉભો રહ્યો.


ચિંતન રાત્રે 11 વાગ્યા પછી ફટાકડા લઇને બહાર આવ્યો. દિનેશ અને હસુમતી પણ ઉભા હતા. ચિંતન ફટાકડા ફોડવા લાગ્યો. પણ અમીતને ન આપ્યા. અમીતે મમ્મી સામે જોયુ… મમ્મીએ ઇશારાથી સમજાવ્યુ કે હમણાં આપશે.. અમીત રાહ જોતો રહ્યો.. ચિંતન એક પછી એક ફટાકડા ફોડવા લાગ્યો. થોડીવાર પછી તે પાણી પીવા ઘરમાં ગયો. અમીત નાનો હતો પણ બહુ ડાહ્યો હતો. ચિંતનની થાળીમાં ફટાકડા પડયા હતા.. તેમાં તેણે હાથ પણ ન અડાડયો, પરંતુ ચિંતને ફોડેલા તડાફડીની લુમમાંથી એક – બે ફુટયા વગરના હતા.. તે તેણે રસ્તા પરથી ઉપાડી લીઘા. અને ફોડવાની કોશિશ કરી.


બસ… આ દ્રશ્ય જોઇને દિનેશની આંખમાંથી આંસુ નીકળી ગયા. તેનાથી રહેવાયુ નહી.. તેનો હાથ શટઁના ખિસ્સા તરફ ગયો. તેને યાદ આવ્યુ કે સવારે નવાવષઁના દિવસે મંદિરે મુકવાના અને મીઠાઇ લાવવા માટે સો રૂપિયા ખિસ્સામાં છે. તે ઉભો થઇ ગયો. અમીત હજી ફુટેલા ફટાકડામાં કોઇ બાકી રહ્યા હોય તે શોઘતો હતો. દિનેશે અમીતને તેડી લીઘો. હસુમતી સામે એક નજર કરી.. હસુમતી સમજી ગઇ.. તેણે પણ કંઇ ન કહ્યુ.. અને દિનેશ અમીતને લઇને બહાર જતો રહ્યો. થોડીવાર પછી બન્ને પાછા આવ્યા.. ત્યારે અમીતના હાથમાં પચાસ રૂપિયાના ફટાકડા હતા. અમીતે રાત્રે બાર વાગ્યે.. દિવાળીની રાત અને નવા વષઁની શરૂઆતની મિનિટે ફટાકડા ફોડયા. તેની ખુશી જોઇને દિનેશ અને હસુમતીએ નકકી કયુઁ કે હવે કયારેય ફટાકડાની બાબતમાં ના નહી પાડવાની.

લાખોના ફટાકડા ફોડતા ધનવાનોને આ ખુશી કયારેય નહી સમજાય. આજે અમીત ચાટઁડ એકાઉન્ટન્ટ છે… વરસે લાખો કમાય છે. દર દિવાળીએ તેના દીકરાને હજારોના ફટાકડા લાવી આપે છે. પણ દર વષેઁ તેને પચાસ રૂપિયાના ફટાકડા અચૂક યાદ આવે છે…

લેખક : દિપા સોની “સોનુ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ