અમદાવાદમા રહેતા દિપેન પટેલે જીમમાં ગયા વગર પોતાનું વજન 92 કિલોમાંથી ૬૫ કિલો કર્યું… વાંચો તેની આ સફર વિષે ….

‘વજન ઘટાડવું અસંભવ છે.’ ‘જીમ કર્યા વગર તો વજન ઘટે જ નઈ.’ ‘બહુ ખર્ચો થાય વજન ઘટાડવામાં…આપણે ધીરે ધીરે ઘટાડીશું.’ આવું વિચારતા લોકો આજે, આ આર્ટીકલ વાંચીને ખરેખરમાં વિચારતા જ રહી જશે.

એવું કહેવાય છે ને કે ‘મન હોય તો માળવે જવાય’, આ વાક્યને સાબિત કરે છે અમદાવાદના દિપેન પટેલ. ૨૨ વર્ષીય દિપેન પટેલનું વજન ૯૨ કિલો હતું અને નાનપણથી તેનો બાંધો એક હૃષ્ટપૃષ્ટ વ્યક્તિ તરીકેનો હતો. મોટે ભાગે તે બહારનું જંક ફૂડ ખાવાનું જ પસંદ કરતો.

પરંતુ તેના શરીર અને ખાવાની ઢબની અસર તેના દરરોજના કામ ઉપર દેખાવા લાગી. દિપેનના કહ્યા અનુસાર તેની કાર્યક્ષમતા નહીવત થવાની સાથે સાથે શરીરમાં આળસ ઘર કરી ગઈ હતી. સ્વસ્થ શરીર એ આત્મવિશ્વાસનો શ્રેષ્ટ સ્ત્રોત છે અને દિપેનના બેડોળ શરીરે તેનો આત્મ વિશ્વાસ ઘટાડવા મજબુર કરી દીધો હતો.

શું હતી વધારે પડતા વજનની અસરો?

આની અસર દિપેનની ફેમીલી લાઈફ, ફ્રેન્ડસ સર્કલ, સોશિયલ લાઈફ ઉપર ખુબ જ ખરાબ રીતે પડવા લાગી. સૌથી પહેલા તો દિપેનને અનુરૂપ સાઈઝના કપડા નહતા મળતા. ફેમીલી કે ફ્રેન્ડસ જોડે ક્યાંય પણ ફરવા જાય તો દર બીજો, જાણીતો કે અજાણીતો વ્યક્તિ વજન ઉતારવાની સલાહ આપી જાય. ઘરેથી લોકો દરરોજ ટોણા મારે તેમજ ફ્રેન્ડસ શરીરના મોટાપાની મજાક ઉડાવે. આ બધાને કારણે દિપેન ક્યાંય પણ, કોઈની પણ સાથે ખુલીને વાત નહતો કરી શકતો. લોકોના ટોણા અને તેમની વાતોનો વિષય ન બને તે માટે દિપેન એકલો જ રહેવા લાગ્યો. આત્મવિશ્વાસનો ગ્રાફ દિવસે ને દિવસે નીચો થવા લાગ્યો.

કઈ રીતે દિપેને શરુ કરી ‘FAT TO FIT JOURNEY’?

હ્યુમન સાયકોલોજી પ્રમાણે માણસ એક હદથી પણ વધારે કંટાળી જાય, ત્યાર બાદ લોકો તેને જે વાતની સલાહ આપતા હોય તેનાથી ઉંધી જ દિશામાં જાય. દિપેનના કેસમાં પણ આવું જ હતું. લોકો દરેક ઘડીએ વજન ઘટાડવાની સલાહ આપતા જેનાથી તે ખુબ જ કંટાળી ગયો હતો. એ હદ સુધી આવી ગયો હતો કે કોઈના ગમે તેટલા કહેવાથી તેને અસર થતી જ નહતી. દિપેનને ખબર હતી કે તેણે વજન ઘટાડવું જોઈએ, પરંતુ લોકોના ટોણા અને સલાહ તેને એ બાબતે કામ નહતું કરવા દેતું.

પરંતુ આ બાબતે દિપેન એક વાર વિચારવા બેઠો એ પછી ખબર પડી કે લોકોની સલાહને કારણે તે ફક્ત જીદ ઉપર આવી ગયો હતો. મનોમંથન કર્યા પછી તેણે પોતાની જાતને જ એક સવાલ કર્યો, ‘મારી જીદ મોટી કે પછી હેલ્થ?’ અને જવાબ તમારી સામે જ છે.

૧. સૌથી પહેલા દિપેને એ વાતને સ્વીકારવા થોડો સમય લીધો કે તેનું શરીર ખુબ જ મોટું છે અને વજન ૯૨ કિલો છે. ૨. ૧૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ દિપેને ચાલવાનું શરુ કર્યું. પહેલા દિવસે ૨ કિલોમીટર જેટલું ચાલ્યા પછી ધીરે ધીરે તે અંતર વધારતો ગયો, ત્યારબાદ ભાગવાનું શરુ કર્યું. સાથે સાથે તેણે ડાયેટ ઉપર પણ કામ શરુ કર્યું. ૩. ૧ અઠવાડિયા પછી ૨ કિલોમીટરનું અંતર વધીને ૫ કિલોમીટર કરી દીધું.

૪. દરરોજ આટલું બધું ચાલવાને કારણે પગ દુખવાની સમસ્યા વધી ગઈ હતી જેના નિવારણ માટે દિપેને દરરોજ રાત્રે સાઈકલ ચલાવવાની ચાલુ કરી કે જેથી પગ છુટા થઈ શકે તેમજ પગ ભરાઈ ન જાય. ૫. ૩ અઠવાડિયા પછી દિવસનું ૭.૫ કિલોમીટર જેટલું ભાગવાનું ચાલુ કર્યું. ૬. દરરોજ સવારે ઉઠીને ૭.૫ કિલોમીટર ચાલવાનું હોય તો મગજ માં સૌથી પહેલા શું વિચાર આવે? ઉઠવાની પણ ઈચ્છા થાય ! દિપેન પણ પહેલા એકની એક દિનચર્યા અને દરરોજના થાકથી કંટાળી જતો હતો પરંતુ એક વાર દરરોજ ભાગવાની ટેવ પડી, પછી એ ટેવ આદત બની ગઈ.

૭. એક મહિનાના અંતે દિપેનનું વજન ૯૨ કિલોથી ૮૪ કિલો પહોચ્યું. પણ દિપેનને સંતોષ નહતો… ૮. ૨ મહિના પછી દિપેન દરરોજના ૧૦ કિલોમીટર જેટલું ભાગતો હતો અને વજન ઘટીને પહોચ્યું ૭૫ કિલો. ૯. ૪ મહિના પછી દિપેને દરરોજના ૧૫ કિલોમીટર ભાગવાનું ચાલુ રાખ્યું અને વજન ઘટીને થઈ ગયું ૬૫ કિલો. દિપેનની ઊંચાઈ ૫ ફૂટ ૫ ઇંચ પ્રમાણે તેનું વજન 60 થી ૬૫ કિલો જેટલું હોવું જોઈએ અને ત્યાં દિપેન પહોચી ગયો. ૧૦. આજે લગભગ ૧૦ મહિના પછી તે દરરોજના ૧૫ કિલોમીટર દોડવાની સાથે સાથે ૧૦ કિલોમીટર સાઈકલિંગ પણ કરે છે અને તેનું વજન છે ૬૩ કિલો.

૧૧. અત્યારે દિપેન અમદાવાદમાં ૨ જગ્યાએ યોગા શીખવાડવા પણ જાય છે.

શું હતું તેનું ડાયેટ?

૧. સવારે દૂધ/કોફી ૨. ભાગવા કે સાઈકલ ચલાવવા જતા પહેલા કેળા ૩. એક ટાઈમ ફ્રુટ અથવા જ્યુસ (જેટલું અને જેટલી વાર ખાવું હોય એટલું ) ૪. એક ટાઈમ કઠોળ/બાફેલો ખોરાક (જેટલું અને જેટલી વાર ખાવું હોય એટલું ) કોઈ પણ સોશિયલ ફંક્શન અથવા ફ્રેન્ડસ જોડે બહાર જાય ત્યારે દિપેન મમરાનું પેકેટ જોડે રાખતો જેથી તેની ભૂખને સંતોષ થઈ શકે અને સારો સ્વાદ પણ મળી શકે. યાદ રાખવું કે બહાર ખાવાની ઈચ્છા તો દરરોજ થશે પરંતુ તમારી ડીસીપ્લીન અને વજન ઉતારવા પ્રત્યેનું ડેડીકેશન મહત્વનો ભાગ ભજવે છે.

દિપેન તરફથી સુપર ટીપ: ડાયેટ કરતા તમારું ડેડીકેશન અને ડીસીપ્લીન વધારે મહત્વની છે.

જલ્સા કરોને જેંતીલાલ સાથે દિપેન તેની ફેટ ટુ ફીટ જર્ની શેર કરતા ખુબ જ ગર્વ અનુભવે છે અને તેનો ઉદ્દેશ, તેના જેવા બીજા લોકો જે વજન ઘટાડવા માંગે છે તેમની મદદ કરવાનો છે.

જે પણ લોકો વજન ઉતારવા માંગે છે પરંતુ કોઈ પણ કારણોસર નથી ઉતારી શકતા…દિપેન તેમને નિસ્વાર્થ ભાવે મદદ કરવા માંગે છે કે જેથી એક નહિ, આવા ઘણાય આવા કિસ્સાઓ બહાર આવી શકે.

દિપેનનો મોબાઈલ નંબર: ૯૯૨૫૦૪૪૫૫૦

લેખક: યશ મોદી