નવરાત્રીના ઉપવાસ ચાલી રહ્યા છે અને એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા છો તો આજે જ ટ્રાય કરો આ

ચૈત્રિ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને માતાના ભક્તોએ તો ઉપવાસ પણ શરૂ કરી દીધા હશે. માટે અમે આ માઈ ભક્તો માટે કેટલીક ફરાળી વાનગીઓની રેસીપી લાવ્યા છીએ.

કોઈ પણ જાતના ઉપવાસમાં મુખ્ય અનાજો જેમ કે ઘઉં, ચોખા, વિવિધ જાતના કઠોળ તેમજ તેની દાળો અને કેટલાક શાકભાજીનું સેવન વર્જિત હોય છે. અને માટે જ આ મુખ્ય અનાજની જગ્યાએ અન્ય અનાજનો ફરાળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેમ કે મોરૈયો, કુટ્ટુ, સીંગોડાનો લોટ, સાબુદાણા, રાજગરો, સામો વિગેરે.

ફરાળી વાનગીઓમાં પોષકતત્ત્વો ભરપુર પ્રમાણમાં હોય છે.

મોટા ભાગની ફરાળી વાનગીઓ પ્રોટિન તેમજ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપુર હોય છે. તેમાં વિટામિન્સ તેમજ વિવિધ જાતના ખનીજ જેમ કે આયર્ન, કેલ્શિયમ પણ પુરતા પ્રમાણમાં હોય છે જે અન્ય પરંપરાગત અનાજ કરતાં વધારે પોષણયુક્ત હોય છે. આ ઉપરાંત તેમાંના મોટા ભાગના ગ્લુટન ફ્રી હોય છે અને તે મેદસ્વી તેમજ ડાયાબિટીક લોકો માટે આશિર્વાદરૂપ બાબત  છે.

તમારા ફરાળમાં થોડું ટ્વિસ્ટ લાવો.

તમારા રોજિંદા ફરાળમાં થોડો ટ્વિસ્ટ લાવીને તમે ભોજનમાં નવિનતા મેળવી શકો છો. અને ખુશી ખુશી ઉપવાસ કરી શકો છો.  માટે ઉપવાસ કરતી વખતે પણ તમે ઇડલી, ઢોંસા, ખાન્ડવી વિગેરે વસ્તુઓ તમારા ફરાળી અનાજમાંથી જ બનાવી તેનો ફળાહાર કરી શકો છો. અહીં અમે તમારા માટે કેટલીક આવીજ ફરાળી વાનગીઓની રેસિપી લઈને આવ્યા છે જે તમારી નવરાત્રીને જરાપણ બોરિંગ નહીં થવા દે અને તમને સ્વાદિષ્ટ ભોજન ઉપવાસ કરતાં કરતાં જ મળી જશે.

રાજગરા અને મોરૈયાની ઇડલી

સામગ્રીઃ

 • 1 કપ રાજગરાનો લોટ,
 • ½ કપ મોરૈયો, (સાફ કરીને ધોયેલો),
 • ½ કપ કુટ્ટુનો લોટ,
 • 6 કપ છાશ,
 • 1 ટી સ્પુન લીલા મરચાની પેસ્ટ,
 • સ્વાદ અનુસાર ફરાળી મીઠુ.

રીતઃ

1 કપ રાજગરાનો લોટ, ½ કપ કુટ્ટુ અને ½ કપ મોરૈયો 6 કપ છાશમાં 4-5 કલાક પલાળી રાખવા.

ત્યાર બાદ તેમાં લીલા મરચાની પેસ્ટ, ફરાળી મીઠું સ્વાદ પ્રમાણે નાખી તેને બરાબર મિક્સ કરી લો.

હવે ઇડલીના કુકરમાં પાણી ગરમ કરવા મુકી દેવું.

ઇડલીની પ્લેટ પર બરાબર તેલ લગાવી તેમાં આ તૈયાર કરેલું ખીરું રેડી દેવું.

હવે આ પ્લેટને ઇડલીના કુકરમાં 15 મિનિટ માટે મુકી દો.

તૈયાર છે ફરાળી ઇડલી તેને તમે મગફળીની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

મૌરૈયાની ખીર

સામગ્રીઃ

 • ¼ કપ મોરૈયો,
 • 2 ½ કપ દૂધ,
 • 1/3 કપ ખાંડ,
 • 5 છીણેલી બદામ,
 • 5 ઝીણા સમારેલા કાજુ,
 • 5 કીશમીશ,
 • ¼ ટી સ્પૂન ઇલાઇચીનો બારીક પાવડર,
 • અને કેસરના થોડાં રેશા.

રીત

મોરૈયો બરાબર ધોઈ લેવો અને ત્રીસ મિનટ સુધી તેને પાણીમાં પલાળી રાખવો, ત્યાર બાદ તેમાંથી બધું જ પાણી દૂર કરી દેવું.

હવે એક જાડા તળિયાવાળુ વાસણ લઈ તેમાં મધ્યમ આંચ પર દૂધ ગરમ કરવા મુકો. હવે તેમાં પાણી નિતારેલો મોરૈયો ઉમેરો.

આ મિશ્રણ જ્યારે ઉકળતું હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, લગભગ 10થી 15 મિનિટમાં મોરૈયો વ્યવસ્થિત ચડી જશે.

હવે તેમાં ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા સુકામેવા, તેમજ કીશમીશ અને ઇલાઇચીનો પાવડર ઉમેરો. તેને બરાબર હલાવી લો અને 2 થી 3 મિનિટ સુધી અથવા ખીર થોડી જાડી થાય ત્યાં સુધી ઉકળવા દો.

હવે ગેસ બંધ કરી દો. તમે ખીરને ગરમાગરમ, કે પછી સામાન્ય તાપમાન પર કે પછી ફ્રીજમાં ઠંડી કરીને સર્વ કરી શકો છો.

બકવ્હિટ થાળીપીઠ

સામગ્રીઃ

 • ½ કપ છીણેલો મૂળો,
 • ¼ કપ છીણેલું કોળુ,
 • 1 મધ્યમ કદનું બાફેલું બટાકુ,
 • 3 ટેબલ સ્પુન કુટ્ટુનો લોટ,
 • 3 ટેબલ સ્પુન સીંગોડાનો લોટ,
 • 3 ટેબલ સ્પુન મોરૈયાનો લોટ,
 • ફરાળી મીઠું,

1 ટી સ્પુન લાલ મરચુ અને જરૂર પ્રમાણે ઘી અને તેલ.

રીતઃ

છીણેલો મૂળો, છીણેલુ કોળુ અને બાફેલા બટાકાના માવાનું મિશ્રણ તૈયાર કરો.

બધા ત્રણ લોટ – કુટ્ટુ, સીંગોડા, અને મૌરિયાનો લોટ બધું જ બરાબર મિક્સ કરી લો.

હવે આ બધી જ સામગ્રી ભેગી કરી તેમાં લાલ મરચું અને ફરાળી મીઠું નાખી તેનો લોટ બાંધો. યાદ રાખો કે તમારે તેમાં જરા પણ પાણી નાખવાનું નથી કારણ કે મૂળો અને કોળુ પાણી છોડશે અને તેમાંથી જ તમારો લોટ બંધાઈ જશે.

હવે આ લોટમાંથી રોટલી વણવા માટે પ્લાસ્ટિક લો. હવે આ પ્લાસ્ટિકને તમારા ઓરસિયા પર મુકી તેના પર થોડું તેલ લગાવો.

લોટમાંથી બનાવેલો એક લુઓ લઈ તેને તેલ લગાવેલા પ્લાસ્ટિક પર મુકી તેના પર બીજું પ્લાસ્ટિક લગાવો.

ત્યાર બાદ તેને હાથ વડે થેપીને જ તેને રોટલી જેવો ગોળ આકાર આપો.

હવે રોટલી બનાવવાનો તવો ગરમ કરો, તેમાં થોડું ઘી નાખો. હવે ખુબ જ કાળજીપુર્વક તમે થેપેલી રોટલી તવા પર મુકો અને તેને પરાઠાની જેમ બન્ને તરફથી ઘીમાં શેકી લો.

તેને બરાબર ચડવી લો. બરાબર શેકાઈ જશે એટલે તે હળવા બ્રાઉન કલરની થઈ જશે. તેને તમે માખણ સાથે ગરમાગરમ જ સર્વ કરી શકો છો.

અમરન્થ પેનકેક

સામગ્રીઃ

 1. 1 કપ રાજગરાનો લોટ,
 2. ½ કપ દૂધ,
 3. 3 ટેબલસ્પૂન ગોળ,
 4. 2 ટેબલ સ્પૂન માખણ,
 5. ¼ ટી સ્પુન ઇલાઇચીનો પાવડર,
 6. 1 સફરજન (છાલ ઉતારીને છીણેલું),
 7. જીણા સમારેલા ફળ જેવા કે કેળા અને સ્ટ્રોબેરી,
 8. સુકામેવા જેવા કે કીશમીશ અને બદામ,
 9. જરૂર મુજબ પાણી.

રીતઃ

દૂધ, માખણ, છીણેલુ સફરજન, ઇલાઇચી પાવડર અને ખાંડને એક બાઉલમાં બરાબર મિક્સ કરી લો.

હવે આ મિશ્રણમાં લોટ ઉમેરી તેનું ખીરુ તૈયાર કરો. જરૂર પ્રમાણે પેનકેક ઉતરે તેટલું પાણી ઉમેરો.

હવે એક નોનસ્ટિકપેન લો તેના પર થોડું ઘી છાંટો. હવે એક કડછી જેટલું ખીરુ તવા પર રેડો અને તેને તરત જ ફેલાવી લો.

તેને બન્ને બાજુથી વ્યવસ્થિત રીતે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

તેને પ્લેટમાં લઈ તેના પર જીણા સમારેલા ફળ મુકી તેને ગાર્નિશ કરો.

તમે તેને દહીં સાથે ગર્માગરમ સર્વ કરી શકો છો

ફરાળી ખાંડવી

સામગ્રીઃ

 • 1 કપ સિંગોડાનો લોટ,
 • ½ કપ દહીં,
 • 1 કપ પાણી,
 • ફરાળી મીઠુ સ્વાદ પ્રમાણે,
 • 1 ટી સ્પુન તેલ,
 • 1 ટેબલ સ્પુન ઝીણી સમારેલી કોથમીર.

વઘાર માટેઃ

 • 2 ટેબલ સ્પૂન તેલ,
 • 1 ટી સ્પૂન તલ,
 • 2 લીલા મરચા.

રીતઃ

સિંગોડાનો લોટ, દહીં, પાણી અને મીઠું ઉમેરી તેનું સુંવાળુ ખીરુ બનાવો.

એક નોન સ્ટીક પેનમાં એક ટી સ્પૂન તેલ ધીમા તાપે ગરમ કરો.

હવે તેમાં તૈયાર કરેલું સિંગોડાના લોટનું ખીરુ ઉમેરો, તેને એકધારું હલાવતા રહેવાનું છે જેના કારણે તેમાં ગઠ્ઠા ન પડે.

ખીરુ ઘાટુ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું, લગભઘ 10-12 મિનિટ સુધી.

હવે એક એલ્યુમિનિયમ ફોઈલ લઈ તેને પ્લેટ ફોર્મ પર બરાબર પાથરી તેના પર તેલ લગાવી લો.

હવે તૈયાર થયેલું ખીરુ ગરમાગરમ જ આ ફોઈલ પર સમાન રીતે પાથરી લેવું. સ્પેટ્યુલા વડે તેનું પાતળુ લેયર પાથરવું.

જ્યારે આખી ફોઈલ પર ખીરુ પથરાઈ જાય એટલે બાકીના ખીરાને પણ આ જ રીતે બીજી એલ્યુમિનિયમ ફોઈલ પર પાથરી દો.

હવે આ ફોઈલ પર પાથરેલા ખીરાનો ધીમે ધીમે ખુબ જ કાળજીપુર્વક રોલ બનાવો.

તૈયાર રોલના સમાન ટુકડા કરો અને તેને સર્વિંગ ડીશમાં મુકી દો.

ગાર્નિશ કરવા માટે:

હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં તલ અને ઝીણું સમારેલું લીલુ મરચું ઉમેરી તેને થોડીક સેકન્ડ માટે હલાવી લો.

હવે આ વઘારને તૈયાર ખાન્ડવી પર સમાન પ્રમાણમાં રેડી લો. ત્યાર બાદ તેના પર ઝીણી સમારેલી કોથમીર છાંટી તેને ગાર્નિશ કરો.

તૈયાર છે ફરાળી ખાંડવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક નવીન વાનગીઓનીરેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી