ફરાળી શીંગ પાક – ફરાળમાં ખાઈ શકાય એવો સિંગ પાક સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો, ખુબ પૌષ્ટિક છે..

ફરાળી શીંગ પાક

મગફળીમાંથી પર્યાપ્ત માત્રામાં આયરન કેલ્શિય્મ અને જિંક મળી જાય છે.ઓમેગા 6 થી ભરપૂર મગફળી ત્વચાને કોમળ બનાવી રાખે છે.મગફળી ખાવાથી દિલથી સંકળાયેલા રોગો થવાના ખતરા ઓછા થઈ જાય છે.તો ચાલો ફરાળમાં મગફળીમાંથી બનતી મીઠાઈ શીંગ પાક ખાઈએ અને પરિવારને ખવડાવીએ.

શીંગપાક બનાવવા જોઈતી સામગ્રી:

  • ૧ બાઉલ મગફળીના દાણાનો ભુક્કો,
  • ૧/૨ બાઉલ ખાંડ (સ્વાદ મુજબ)પાણી,
  • ઘી પ્લેટ ગ્રીસ કરવા,
  • ડ્રાય ફ્રૂટ્સ (ઓપશનલ).

શીંગ પાક બનાવવાની રીત

– સૌ પ્રથમ એક કડાઈમાં મગફળીના દાણા લઇ ઘીમાં તાપે સરસ શેકી લેવા, દાણા શેકાય જાય એટલે તેને ઠંડા થવા દેવા.દાણા ઠંડા થઇ જાય એટલે હથેળી વચ્ચે મસળી ફોતરી કાઢતું જવું, પછી ફોતરાંને દાણાથી અલગ કરવા સૂપડા વડે અથવા ફૂંક મારીને કરવો, કોઈ દાણા પર ફોતરી રહી જાય તો ચાલે છે.
 પછી દાણાને મિક્સર જારમાં લઇ થોડી સેકેંડ પૂરતું ફેરવી બન્ધ કરી દેવું, જો વધારે પીસાય જશે તો દાણામાંથી તેલ નીકળી જશે.

પછી ચારણામાં ભુક્કો લઇ ચાળી લેવો, પાછું સહેજ પીસી ચાળી લેવું. મેં અહીં ઘઉં ચાળવાનો ચારણો લીધેલ છે, તમે નાના કાણાવાળો ચારણો લઇ શકો છો.

પછી એક કડાઈમાં ખાંડ લઇ, ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવું.

પછી ફાસ્ટ ગેસ પર હલાવતા જવું, ખાંડ ઓગળી જાય એટલે મીડીયમ ગેસ પર હલાવતા રહેવું.ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી ચાસણી ચેક કરવી, એક તારની ચાસણી થાય ત્યાંસુધી પકાવવાની છે.એક તારની ચાસણી થઇ જાય એટલે ગેસ બન્ધ કરી જે વાસણમાં દાણાનો ભુક્કો છે તેમાં ચાસણી ઉમેરી દેવી. પછી બધું બરાબર મિક્સ કરી, ઘી થી ગ્રીસ કરેલ પ્લેટમાં તરત મિશ્રણ ઉમેરી થપથપાવી લેવું.પછી સેટ થવા દેવું, ૧૦-૧૫ મિનિટ પછી ચપ્પા વડે કાપા કરી લેવા.  તો તૈયાર છે ફરાળી મગફળીના દાણામાંથી બનતી મીઠાઈ શીંગ પાક.

નોંધ:  ચાસણીને જયારે પીસેલ દાણાના ભૂક્કામાં ઉમેરીએ તે વખતે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરી ગ્રીસ કરેલ પ્લેટમાં પાથરી શકાય.

અંદર ડ્રાય ફ્રૂટ મિક્સ ન કરવા હોય અને ઉપરથી લગાવવા હોય તો પ્લેટમાં પાથર્યા બાદ તરત લગાવી લેવા જેથી તે પણ શીંગ પાક જોડે સેટ થઇ જાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી