વ્રત હોય કે ઉપવાસ, ફરાળી સાંબાની ખીર છે સૌથી બેસ્ટ …

ફરાળી સાંબાની ખીર

ઘરમાં રોજ કંઈ ને કંઈ નવું બનાવતા હોઈએ છીએ. પરંતુ જો ફરાળ સાથે કંઇક સ્વીટ મળી જાય તો તો મજા પડી જાય ને.એમાં પણ ખીર તો કોને ના ભાવે…

તો આજે હું લઈને આવી છું. સાંબાની ખીર.. જે ફરાળમાં પણ ખાઈ શકાય છે.

જયારે કોઈ મોળું વ્રત કરતા હોય જેમાં નમક પણ ના ખાઈ શકાય ત્યારે આ ખીર ખાવાથી ભૂખ પણ નથી લગતી.

આ ખીર મોળી તેમજ નરમ હોવાથી નાના મોટા સૌ કોઈ આ ખીરનો આનંદ માણી શકે છે.

ખીર સાંબા અને દૂધના મિશ્રણથી બને છે. તેમજ તેમાં ઉમેરેલા ડ્રાયફ્રુટ તેનો સ્વાદ બમણો કરી દેશે.

તો ચલો બનાવીએ ફરાળી સ્વીટ સાંબાની ખીર. જે ફરાળી પૂરી, પરાઠા, કે ફરાળી રોટલી જોડે પણ ખુબ જ સરસ લાગે છે.

સામગ્રી:

  • ૧/૨ બાઉલ સાંબો,
  • ૧ ગ્લાસ પાણી,
  • ૧ ગ્લાસ દૂધ,
  • ૧/૨ બાઉલ ખાંડ,
  • થોડા ડ્રાયફ્રુટ્સ.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું જરૂરી સામગ્રીઓ જેમાં લઈશું પેહલા સાંબો. જે ફરાળ માં ખવાય છે. ત્યાર બાદ લઈશું પાણી. તેને બાફવા માટે, ત્યાર બાદ દૂધ ખીર બનાવવા માટે. ખાંડ અથવા સાકર લઇ શકો છો તેમાં મીઠાસ ઉમેરવા માટે. અને લાસ્ટમાં લઈશું ડ્રાયફ્રુટ્સ. તમે તમને ભાવતા બધાજ ડ્રાયફ્રુટ્સ લઇ શકો છો. મેં આહીં કાજુ, બદામ, દ્રક્ષ, અને પીસ્તા લીધા છે.

હવે એક બાઉલમાં સાંબો લઈશું. તેને પાણીથી પેહલા ધોઈ લેવો. ત્યાર બાદ બીજું પાણી લઇ તેને ૧ કલાક સુધી પાણીમાં પાલડી રાખવો. પાણી સાંબો પલળે એટલું લેવું.ત્યાર બાદ એક લોયા અથવા સ્ટીલની તપેલીમાં આ પલળેલો સાંબો ઉમેરો. અને જરૂર મુજબ પાણી ઉમેરો. આવી રીતે સાંબાને બાફી લેવો. જેથી એ નરમ થઇ જાય.
જયારે સાંબો સાવ નરમ થઇ જાય. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરીશું. દૂધ નું પ્રમાણ લીધેલા સાંબા કરતા ડબલ પ્રમાણમાં રાખવું. ત્યાર બાદ જોઈએ એમ વધારે ઉમેરી શકાય છે.

હવે સાંબાની ખીરને ધીમી આંચ ઉપર પાકવાદો. અને તે તળિયામાં બેસી ના જાય તેના માટે તેને ચમચા વડે ચલાવતા રહો. અને ખીર ઘટ્ટ થઇ જાય તો તેને ઢીલી કરવા દૂધ ઉમેરી શકો છો.

ત્યાર બાદ તેમાં ઉમેરીશું ખાંડ. તમે ચાહો તો સાકર પણ ઉમેરી શકો છો. જેટલા પ્રમાણ માં ખીર બનાવતા હોય એ પ્રમાણે માપમાં ફેરફાર કરી શકાય છે.

હવે ખીર બની ગયા બાદ તેમાં ઉમેરીશું ડ્રાયફ્રુટ્સ. જેના થી ખીર ખુબ જ સ્વાદિષ્ટ લાગશે.ત્યારબાદ ગેસ બંદ કરી ખીર ને થોડી ઠંડી પાડવા દો. અને જો ખીર ઠંડી ઠંડી જ પસંદ હોય તો ખીર થોડી ઠરી જાય ત્યાર બાદ એક મોટા બાઉલમાં કાઢી ફ્રીઝમાં પણ મૂકી શકાય છે.

હવે ફરાળી સાંબા ખીરને સેર્વિંગ બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટ્સથી સાજાવી સેર્વ કરો. તો તૈયાર છે. ફરાળી ખીર જે ખુબ જ હેલ્થી તેમજ ટેસ્ટી છે.

નોંધ:

આ ખીર લોયામાં બનાવી છે. અને થોડા થોડા સમયે પાણી, દૂધ અને ખાંડ જેવી સામગ્રીઓ ઉમેરતા ગયા છે. પરંતુ તમારી પાસે એટલો સમય ના હોય તો આ ફરાળી ખીર કુકર માં પણ બનાવી શકાય છે. જેમાં બધી જ સામગ્રીઓ જોડે ઉમેરી અને ૨ થી ૩ સીટી થાય એટલો સમય ફરાળી ખીર ને ધીમી આંચ ઉપર પાકવા દો. ત્યાર બાદ સેર્વ કરો. આ રીતથી પણ ખીર બનાવી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી