ફેક એકાઉન્ટ – ફેસબુક ના જમાના માં દરેકે વાંચવા જેવી સ્ટોરી !!

આજે દિવ્યા જોડે દોસ્તી થયા ને ૨ વર્ષ પુરા થયા. ‘દિવ્યા એન્ડ દિશા આર સેલિબ્રેટિંગ ટુ યર્સ ઓફ ફ્રેન્ડશીપ ‘ ફેસબુક પર બધા એજ બંને ને મિત્રતા ઉજવણી ની શુભેચ્છાઓ પાઠવી. દિવ્યા ખુબજ ખુશ હશે પણ દિશા કઈ રીતે ખુશ હોઈ શકે? દિશા નું તો અસ્તિત્વજ નથી. આજ થી ૨ વર્ષ પહેલા અન્ય મિત્રો ને અનુસરી દિનેશ માંથી એ દિશા થયો.ફેક ફેસબૂક એકાઉન્ટ, જૂઠી ઓળખ, જૂઠી માહિતીઓ, નકલી ફોટાઓ.

કોઈ કહીજ ના શકે કે આ ફેક ફેસબુક એકાઉન્ટ વાસ્તવ માં કોઈ દિશા નું નહીં પણ દિનેશ નું. મિત્રો ની સલાહ પણ કેટલી કામ લાગી. આજે ફેસબુક ની લાંબી મિત્રો ની યાદી માં બધીજ છોકરીઓ. એક છોકરી ના નામે રિકવેસ્ટ જાય કે તરતજ સ્વીકારાય જાય! એણે કેટલી છોકરીઓ ને આ જુઠા ઈ- જાળ માં ફસાવી. આ રમત માં તો જાણે એ પારંગત થઇ ગયો. મેકઅપ વેબસાઈટ, શાયરી, રેસિપી પેજ છોકરીઓ ને ગમે એ બધી જ માહિતીઓ શેર કરી , પ્રોફાઈલ પર તારીફો થી ભરપૂર કોમેન્ટ્સ, જુના ક્લાસિકલ ફિલ્મી ગીતો.

ફિમેલ સાઇકોલોજી પર જાણે પી એચ ડી કરી નાખી હોઈ. થોડાજ સમય માં એ બધાની ખુબજ નજીક પોંહચી ગયો. આ રમત માં એ ખુબજ મજા લઇ રહ્યો હતો. પણ હવે આ રમત એની આત્મા ને લજાવે છે. એને પોતાની જાત પર તિરસ્કાર છૂટે છે. બસ હવે બહુ થયું દિનેશ! હવે બંધ કર આ બધું. એનું હૃદય દર ક્ષણ એને કહી રહ્યું. કારણ ? કારણ દિવ્યા . એની દિવ્યા .

આટલી બધી છોકરીઓ ની યાદી માં દિવ્યા સૌથી જુદીજ તરી આવે . બાહ્ય અને આંતરિક બંને સ્તરે. સામાન્ય દેખાવ, મેકઅપ થી દૂર, સેલ્ફી નો ક્રેઝ નહિ. પુસ્તકો અને પ્રકૃતિ થી અનન્ય પ્રેમ. આખું પ્રોફાઈલ શ્રેષ્ઠ લેખકો અને કોટેશન્સ થી શણગારેલું. જ્યાં બધીજ છોકરીઓ રેસિપી અને મેકઅપ, ઘરેણાં અને ડિઝાઈનર વેર ની પાછળ ઘેલી ત્યાં દિવ્યા તો દરેક ક્રિકેટ મેચ ને ફૂટબોલ થી અપડેટ. નેચર અને એડવેન્ચર નું અધ્યયન . બધી ફોર વહીલર ની પાછળ ત્યાં દિવ્યા ને તો બાઈક રાઈડ ગમે.

સ્કેટિંગ ,બેડમિન્ટન ,ચેસ, બધી જ રમતો ના પેજ એની લાઈક ની યાદી માં. હસવાનું ગમે ને હસાવાનું પણ. પોતાની જેમજ એ પણ કિશોર કુમાર ની ફેન.ડેન બ્રાઉન ના બધાજ પુસ્તકો એની વાંચન યાદી માં.ફ્રેન્ડ લિસ્ટ સૌથી નાની.બધા થી જુદી આ દિવ્યા મન માં ને મન માં ધીરે ધીરે ‘ એની’ દિવ્યા બનતી ગઈ. લાગણીઓ ના તાર જયારે છેડાઈ ત્યારે પારદર્શિતા નો અરીસો અનિવાર્ય થાય.

જૂથ અને ફરેબ પ્રેમ ના તળિયે કચડાય જ જાય. બસ હવે એ દિવ્યા ને આમ અંધારા માં નાજ રાખી શકે. આવી સીધી અને સરળ છોકરી ને ધોકો કેમ અપાય? એને દિવ્યા ને મળવું હતું. એને હજુ વધુ જાણવી હતી. ‘મોર ઇન્ફોરમેશન ‘માં ફક્ત શહેર નું નામ હતું. પોતાનાં જ શહેર માં વસ્તી દિવ્યા ને ક્યાં શોધવું? જી પી એસ તો એ વાપરતીજ નહીં ! અને જો એને શોધી કાઢે તો પણ શું ? જે મિત્રતા જૂઠ અને ફરેબ થી શરૂ થઈ એનાં ભવિષ્ય ની કોઇ આશા ખરી ? સાઈબર ક્રાઈમ અને જૂઠી ઓળખ નો આ ખેલ માફી ને પાત્ર ખરો ? દિવ્યા ને કઈ રીતે પોતાનો ચહેરો બતાવે ? કઈ રીતે એની નજરો નો સામનો કરાય ? એણે કરેલ આ વિશ્વાસઘાત ને એ માફ કરશે ખરી ? પોલીસ ને જાણ કરી અંદર કરાવે તો ?

પણ પ્રેમ ની શક્તિ અનેરી ! પ્રેમ ને કોણ હરાવી શકે ? આ બધા વિચારો પંણ નહીંજ ! બસ એકવાર દિવ્યા ને મળી બધી હકીકત બતાવી દેવી છે . શબ્દે શબ્દ . બધુંજ સાચું . એની માફી માંગવી છે .એને એકવાર સાચા હૃદયે કહી દેવું છે કેટલો ચાહે છે એને . એનાં પ્રેમ નો ઈકરાર કરવો છે . બસ પછી દિવ્યા નો જે પણ નિર્ણય હોય એ ખુશી થી સ્વીકારશે . એ જે પણ સજા આપશે એ કબૂલ .

એક જૂઠ ને ટકાવા સો જૂઠ નો સહારો લેવો જ રહ્યો. એણે ઇનબૉક્સ માં પોતાના જન્મદિવસ નું જૂઠું આમંત્રણ મોકલી આપ્યું. શહેર ની જાણીતી ‘રીડ એન્ડ ડ્રિન્ક’ કોફી શોપ માં. ‘જવાબ જરૂર આપવો કે જેથી પાર્ટી ની યોજના યોગ્ય રીતે થઇ શકે. એની આ યોજના સફળતા તરફ ધીરે થી વધી જયારે એના સદભાગ્યે દિવ્યા એ આમંત્રણ સ્વીકાર્યું. બસ હવે આવતીકાલ ની રાહ . હવે દિશા નો હંમેશ માટે અંત ને દિનેશ ની વાસ્તવિકતા નો સ્વીકાર .
એ સમય કરતા એક કલાક પહેલાજ જતો રહ્યો. ‘રીડ એન્ડ ડ્રિન્ક’ કોફી શોપ. સાથે લઇ ગયો દિવ્યા ને ગમતા ઓથર ડેન બ્રાઉન ના કેટલાક પુસ્તકો. પ્રેમ ની સૌ પ્રથમ ભેટ!

પણ એ સ્વીકારશે ખરી? માફી આપશે ખરી? કે પછી???? સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકાર ના વિચારો એને સતાવી રહ્યા! હૃદય ના ધબકાર વીતતા સમય ની સાથે વધતા ચાલ્યા…કેટલીવાર મનોમન માફી માંગી ચુક્યો. પણ રૂબરૂ શું થશે? શું ખબર? પ્રેમ ની પરીક્ષા માં ખરો ઉતરશે કે દિવ્યા ની નજર માંથી હંમેશ માટે ઉતરી જશે? નજર કોફીશોપ ના બારણે લટકાઈ રહી. દરેક આહટ માં એને જોવાની અધીરાઈ. કેટલી કોફી એ પી ચુક્યો. સમય રેતી ની જેમ સરતો રહ્યો. પણ દિવ્યા નું નામોનિશાન નહીં . ધીરે ધીરે આશ તૂટવા લાગી. એ નહીં આવશે…. અને એ નહીંજ આવી. એક કલાક ઉપર થયો . કદાચ કિસ્મત ને પણ આજ મંજુર. જે હોઈ એ . ઘરે જઈ શાંતિ થી એને મેસેજ કરી બધુજ જણાવી દઈશ!

એ બિલ ચૂકવી ઉભો થયો. કોફીશોપ ના બારણે પહોંચ્યો કે ખૂણા ના ટેબલ પર યુનિવર્સીટી માં સાથે ભણતા એના પાક્કા મિત્ર ને જોયો. હૃદય ભારે હોઈ ત્યારે મિત્ર થી વધુ સારી કોઈ ઔષધિ નહીં . મન નો ભાર હળવો કરવાની આશા એ ટેબલ પાસે પહોંચ્યો. પુસ્તક માં ડૂબેલા
મિત્ર ને એણ ધ્યાનભંગ કર્યો:
“હે જય વોટ્સ અપ્પ?”
“હે દિનેશ હાઉ આર યુ બડ્ડી?”
“અલોન?”
” ઓન ડેટ” જય ની ખુશી એ એના જખમ પર મીઠું રેડ્યું.
“ઓહ લકી બોય”

“જોઈન મી” જય એ કુરશી તરફ ઈશારો કર્યો. હજી એની ગર્લફ્રેન્ડ પોહચી ન હતી. થોડા ક્ષણ માટે દિનેશ કુરશી પર ગોઠવાયો.
” આપણા શહેરનીજ?”
પુસ્તક બંધ કરતા જય એ હકાર માં માથું ધુણાવ્યું.
” સેમ યુનિવર્સિટી?”દિનેશ એ ઉત્સાહ થી પૂછ્યું.
“ખબર નહિ?” જય નો ચ્હેરો ઉદાસ થયો.
“પેહલી મુલાકાત? લવ એટ ફર્સ્ટ સાઈડ?” દિનેશે મિત્ર ની જરા મશ્કરી કરી. પણ જય નો ચ્હેરો વધુ ગંભીર થયો:
” મેં એને છેતરી” જય ના આ વાક્યએ દિનેશ ની ચોટ પણ તાજી કરી. જય તો જાણે કોઈ વીટનેસ બોક્સ માં હોઈ એમ પોતાની ભૂલ સ્વીકારી મિત્ર આગળ હળવો થતો ગયો.

“ફેસબુક પર છોકરી ના નામે એકાઉન્ટ ખોલ્યું.જસ્ટ ફોર ફન . ઘણી છોકરીઓં ને મૂર્ખ બનાવી.”
દિનેશ બિલકુલ સ્તબ્ધ. આ તો એનીજ કહાણી ! એ ચુપચાપ સાંભળતોજ ગયો.
“રમત માં મજા આવવા લાગી. પણ બધીજ મજા ઉતરી ગઈ જયારે સાચો પ્રેમ થયો”

દિનેશ થી વધુ આ પીડા કોણ સમજી શકે???
” એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ને બધું જ બદલાયું. એના જેવી સીધીસાદી છોકરી ને હું ના છેતરી શકું.”
દિનેશ ને જાણે સહ પીડા સહ વેદના વાળો મિત્ર મળતાજ હ્ય્યુ હળવું જેવું લાગ્યું. મિત્ર ને આશ્વાસન આપતા એ બોલ્યો:

“આજે બધું સ્પષ્ટ કરી નાખ. સત્ય ને સ્વીકારી પ્રેમ નો પણ સ્વીકાર કરી નાખ. મિત્ર પ્રેમ અને સત્ય જ્યાં ભેગા મળે ત્યાં બધુજ સચવાય જાય ”
દિનેશ ના શબ્દો થી એ આશ્વાસન તો પામ્યો પણ ઉદાસીનતા થી ના છૂટ્યો:
” પણ પ્રેમ સ્વીકારવા પ્રેમ સામે પણ હોવો જોઈએ ને? ગઈ કાલે એનો પ્રથમ મેસેજ મળ્યો. એના જન્મદિવસ ની ઉજવણી ના આમંત્રણ સાથે. કન્ફર્મ પણ કર્યું. આમંત્રણ સ્વીકાર્યું. પણ અહીં આવી જાણ્યું કોઈ પાર્ટી યોજાયજ નથી.”

દિનેશ નું માથું ભમવા લાગ્યું. એની નજર જય ના પુસ્તક પર પડી.
‘ઘી લોસ્ટ સિમ્બોલ ‘ બાઈ ડેન બ્રાઉન.

મગજ અને હૃદય એક સાથે બંધ પડવા લાગ્યા. મોઢે થી એટલાજ શબ્દો નીકળ્યા:
” આર યુ વેટીંગ ફોર દિશા????

જય મલકાયો:

“યુ નો હર? તને એનું નામ કેમ ખબર?”
દિનેશ એને ગિફ્ટ પેકેટ થમાવી રહ્યો. જય એ ઉતાવળ થી, અધીરાઈ થી ખોલી કાઢ્યું. બુક્સ બાઈ ડેન બ્રાઉન!!!
“મારી દિશા ક્યાં છે???” જય ખુશી થી ઉછળ્યો .
“બિલકુલ એની દિવ્યા ની સામેજ” શૂન્યમનસ્કતા થી દિનેશ બોલ્યો. અને જય ફરીથી કુરશી પર ફસડાય પડ્યો!!!!

લેખક : મરિયમ ધુપલી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી