ઘરમાં કામ કરતા કરતા ગણગણતા હતા ગીતો, સાસુ અને પતિની પ્રેરણાથી કરી ગાવાની શરૂઆત…

મિતલબેન પટેલ

ભેંસાણ તાલુકાના નાના એવા ચૂડા ગામની એક છોકરી ઓલ ઇન્ડિયા રેડીઓ પર ગુજરાતી લોકગીતો સાંભળીને થનગની ઉઠતી. પરંતુ, ગામડાને એની મર્યાદા હોય છે અને વણલખ્યા નિયમો પણ કે છોકરીએ આટલી સીમાથી આગળ ન જવું. નસીબને તો કરવટ લેવાની આદત છે જ અને લગ્ન કરીને હું રાજકોટ આવી.

ઘરકામ કરતી વખતે હું તો લોકગીતો અને ગરબા ગણગણતી જ રહેતી. મારા સાસુ અને પતિએ મને અમારી આફ્રિકા કોલોનીમાં ગરબા ગાવા માટે પ્રેરી અને લોકોએ મારો અવાજ વખાણ્યો. મને તો લાગ્યું કે મારી તો દુનિયા જ બદલાઈ ગઈ. મને ગરબીમાં ગાવા મળ્યું અને લોકોને મારો અવાજ પસંદ આવ્યો. આકાશવાણી પર થી વધુ લોકગીતો અને ગરબા શીખી. રેડીઓ તો જાણે મારો સૌથી પરમ મિત્ર બની ગયો.

પણ, કોઈ હતું જે ગરબીના એ ઘોંઘાટ વચ્ચે પણ મારા અવાજની નોંધ લઇ ગયું. એમણે મારા વખાણ કરતાં કહ્યું કે તમારે આકાશવાણીમાં સ્વર પરીક્ષા આપો. એમણે મારુ ફોર્મ પણ ભરી આપ્યું. સમયનું ચક્ર ફરીથી ગોળ ફર્યું અને મને આકાશવાણી પર ત્રણ લોકગીતો ગાવાનું આમંત્રણ મળ્યું. જે રેડીઓ પર ગીતો સાંભળીને હું ઉપરનીચે થઇ જતી એના પર મારો ખુદનો અવાજ સાંભળીને મને લાગ્યું કે મારુ હૃદય જાણે ગાળામાં અટકાઈ ગયું. હજારો પતંગિયા પેટમાં ફડફડાટ કરતાં હોય એવું લાગ્યું. જે કોલોનીના ગરબા ગાઈને હું પોતાને ધન્ય ધન્ય માનતી હતી એ આજે રેડીઓ પર હતી તો મારી લાગણી તમે ખુદ જ અનુભવી શકશો.

પછીતો પદ્ધતિસરની તાલીમ લઇ અને સ્વરતાલ શીખી. ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલ હોવાથી ત્યાંના લોકગીતો, લગ્નગીતો, ગરબા એના ઢાળ અને રાગ સાથે મારો અદમ્ય નાતો હતો. ખાસ કરીને આપણા પરંપરાગત લગ્નગીતો ભુલાતા જાય છે. ગામડાના ખૂણેખૂણે જઈને લગ્નગીતો ત્યાંની બેહનો સાથે મળીને એના જુદા-જુદા ઢાળ, રાગ અને પદ્ધતિ પણ શીખી લીધા. આ બધા ગીતોની સીડી બનાવી અને યુટ્યુબ પર પણ મૂક્યા છે.

લોકગાયક નિલેશભાઈ પંડ્યા એ મને લોકસંગીતનું મંચ પૂરું પાડ્યું, એમની સાથે રહીને હું યુનિવર્સિટી, સામાજિક સંસ્થાઓ ના કાર્યક્રમો કર્યા. દરેક લોકગીતની પાછળની વાત અને રસદર્શન યુવાધન સમક્ષ મૂકતી અને પછી એ લોકગીત ગાતી જેનાથી એ લોકગીતનું મહત્વ લોકોને સમજાય. આકાશવાણી જ નહિ, દૂરદર્શન, ડીડી રાજકોટ, અમદાવાદ, ગિરનાર વગેરે પર પણ લોકસંગીત રજુ કર્યાનો મને ગર્વ છે.

ચૂડા ગામની એ પથ્થરને રાજકોટે હીરો બનવાની તક આપી, મારા માટે તો રાજકોટ જ મંદિર છે અને આ શહેર નથી મેહફીલ છે, માણતા રહો..સૌને પહેલી નિષ્ફળતા માં હાર લાગે છે,
પણ સમય ને ફરવામાં થોડી વાર લાગે છે.
ઉતાવળે આંબા પણ કયાં પાકે જ છે,
દિગ્ગજો સીધા ક્યાં અંબર ને આંકે છે

સૌજન્ય : ફેસ ઓફ રાજકોટ

દરેક મિત્રો આ મિત્રનાકામને અને તેમની મહેનતને વધાવી લઈએ… દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી