જલ્સા કરોને જેંતીલાલ

એક્ઝામના સમયમાં તમારા બાળકો માટે બનાવો ખાસ પોષ્ટિક અને સ્વાદિષ્ટ મિલ્ક હલવો…

આજે હું એક મિલ્ક હલવા ની રેસિપી લઈ ને આવી છું . જેનો સ્વાદ દૂધ ની બળી થી એકદમ મળતો આવે છે. 15 મિનીટ માં બની જતો આ હલવો ખૂબ જ ટેસ્ટી છે.

એકવાર જરૂર થી ટ્રાય કરો અને જણાવો તમને કેવો લાગ્યો.

મોટાભાગ ના લોકો એ દૂધ ની બળી ટેસ્ટ કરી જ હશે પરંતુ ઘણા લોકો એના માટે નું દૂધ નથી વાપરતા..

ગાય કે ભેંસ એના બચ્ચા ને જન્મ આપે પછી જે ઘટ્ટ દૂધ મળે એમાંથી બળી બનાવામાં આવે છે. આ ઘટ્ટ કાચા દૂધ માં ખાંડ ઉમેરી વરાળમાં બાફવાથી દૂધ ની બળી બને છે. પરંતુ ઘણા બધા લોકો આ દૂધ નો ઉપયોગ નથી કરતા.

એકદમ સોફ્ટ અને સ્વીટ એના યુનિક ટેસ્ટ માટે બળી ખૂબ જ પ્રચલિત છે. હું આજે જે રેસિપી લઇ ને આવી છું એનો ટેસ્ટ એકદમ બળી જેવો જ છે.

મેં આ રેસિપી માં ચાઇના ગ્રાસ નો ઉપયોગ કર્યો છે. ચાઇના ગ્રાસ એ વેજિટેરિયન જીલેટિન છે જેને દરિયામાં થતી એક વનસ્પતી માંથી બનાવામાં આવે છે. જેને અગાર- અગાર પણ કહેવામાં આવે છે . જેનો ઉપયોગ કરવાથી તે દૂધ અને પાણી ને જમાવી દે છે.( જીલેટિન ની જેમ જ ઉપયોગ કરી શકો છો)
ચાઇના ગ્રાસ તમને મોટા કરીયાણાં સ્ટોર માં મળી જશે.( 10-15 ₹ નું એક પેકેટ મળતું હૉય છે.)

બાળકો ને પણ આ બહુ જ પસંદ પડશે. દૂધ હોવાથી પૌષ્ટિક પણ છે.

સામગ્રી:-

750 ml દૂધ (ફેટવાળું લેવું જેથી સ્વાદ ખૂબ જ સરસ બને છે)

4 -5 ચમચી ખાંડ કે સ્વાદ મુજબ

2 ઈલાયચી નો ભૂકો

ચપટી જાયફળ નો ભૂકો

2 ચપટી કેસર

1 પેકેટ ચાઇના ગ્રાસ

રીત:-

સૌ પ્રથમ ચાઇના ગ્રાસ ને પેકેટ માંથી નીકાળી લો. અને સાદા પાણી માં 10 મિનીટ માટે પલાળી રાખો. ચાઇના ગ્રાસ દેખાવ માં ચોખાની પારદર્શક સેવ જેવું હોય છે. એને પાણી માં પલાળશો એટલે એ સોફ્ટ જેલી જેવી સેવ બની જશે.હવે આ સેવ ને ગરણીમાં નિકાળી લો એટલે પાણી નીકળી જાય.

એક જાડા તળીયા વાળા તપેલા માં 700 ml દૂધ લો. અને ઊકળે એટલે પલાળી ને રાખેલું ચાઇના ગ્રાસ ઉમેરો. પછી ખાંડ , કેસર , ઈલાયચી અને જાયફળ નો ભૂકો ઉમેરી ને બરાબર મિકસ કરો..
ધીમા તાપે ચાઇના ગ્રાસ દૂધ માં ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો લગભગ 5 મિનીટ થશે.

હવે કાંઠા વાળી થાળી માં આ તૈયાર કરેલું દૂધ નાખી દો. પછી દૂધ ઠંડુ થશે અને જામી જશે. જે એકદમ બળી જેવું જ હશે. પછી કાપા કરી ને કટકા કરી લો. તમને ઠંડુ ભાવે તો ફ્રીઝમાં 30 મિનીટ માટે મૂકી દો. અને સર્વ કરો.

નોંધ:-

ચાઇના ગ્રાસ માં ઉપર દૂધ કેટલું લેવું એ લખેલું જ હોય છે. જે લખ્યું હોય એનાથી ઓછું લેવું. મારા પેકેટ પર 1 લીટર લખ્યું હતું મેં 700 ml લીધું છે. આવું કરવાથી દૂધ વધુ સરસ જામે છે.

દૂધ હલાવતા રહેવું એટલે નીચે ચોંટી ના જાય.

સ્વાદ માં ખૂબ જ સરસ એવો મિલ્ક હલવો કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવો છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

તમને આ રેસીપી કેવી લાગે એ કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમને પ્રેરણા આપે છે.

Exit mobile version