સમજી જાઓને યાર ! – તમારી મહિલા બોસનો તમારા માટે લગ્ન પ્રસ્તાવ આવે તો???

સમજી જાઓને યાર !

“ટીમહેડ આવા વર્કોહોલિક હોય એમાં નવરા જ ક્યાંથી પડાય!”, આજે ફરી વધારાનું કામ આવી જતાં મેં મારા સહકર્મી પાસે કકળાટ કર્યો. એમાં વળી ઘરેથી ફોન આવ્યો, વહેલો આવી જજે, છોકરીવાળા જોવા આવવાના છે.

સાલું, એક મહિનામાં આઠમી છોકરી! આ ઘરવાળાઓને કંઈ ધંધો નથી. મારા ઘરનાને ઐશ્વર્યારાયથી ઓછી સુંદર અને કોકિલાબાઈથી ઓછી કામગરી છોકરી તો ચાલે જ નહીં ને! કોકિલાબાઈ અમારી કામવાળી, એટલું તો સમજી જાઓને યાર! હું છોકરીને મળું એ પહેલાં જ એનો એવો ઇન્ટરવ્યૂ થઈ જતો, કે મારે એની સામે નજર કરવાની હિંમત જ ન રહેતી અને ઉભય પક્ષે ના થઈ જતી. અભિમાન નથી કરતો પણ હું એમ તો ખાસ્સોદેખાવડો છું. ભલે ઋત્વિક રોશન ન લાગતો હોઉં પણ બે-ચાર અભિષેક બચ્ચન મારી આગળ પાણી ભરે, પણ આ મારી મા અને મારી દાદી મળીને મને કુંવારો જ મારશે!

“મારે આજે ઘરે જરા વહેલું નીકળવું પડશે, બાકીનું કામ સવારે જલ્દી આવીને પતાવી દઈશ!” મેં ટીમહેડની મંજૂરી લીધી. જવાબમાં બીઝી ‘હમ્મ’ મળ્યું.

ફટાફટ કામ પતાવી, પોણા પાંચે મેં મારું બાઈક મારી મૂક્યું. વટવાથી શીલજ પહોંચતાં પિસ્તાલીસ મિનિટ. છોકરીવાળા છ વાગે આવવાના છે, સાડા પાંચે પહોંચી ફ્રેશ થઈ જઇશ. આમ તો ખાસ આશા નહોતી, પણ પૈણ તો મને ય ઉપડ્યું હતું. છવ્વીસનો થયો ક્યાં સુધી …હવે સમજી જાઓને યાર!

અમદાવાદના ટ્રાફિકની વૈતરણી પાર કરી હું માંડ માંડ પોણા છએ ઘરે પહોંચ્યો. બહાર એક નવી જ કાર ઉભી હતી અને ઘરમાં અંદર ઓલરેડી મારું માર્કેટિંગ શરૂ થઈ ગયું હતું. મારી બહેન બહાર જ આવી ગઈ અને મને પાછલાં બારણેથી ઘરમાં લઈ ગઈ.

“ જા, જલ્દી ફ્રેશ થઈને આવ! મહેમાન પાસે આવો વાઘરા જેવો ન જતો.” મારી બહેનની વાત ઉપરથી જરાક પરણવાનીઆશ બંધાઈ. હાશ, આ વખતે મારો મેળ પડી જશે!

મારા રૂમમાં સતત મારા દાદી અને મમ્મીનો અવાજ આવતો હતો. સવાલો ઉપર સવાલો.

“ભરત-ગૂંથણ આવડે છે?”

“ના” મને કેમ આ અવાજ જાણીતો લાગે છે!

“રસોઈમાં શું શુંઆવડે?”

“જોબ કરું છું એટલે ખાસ સમય નથી રહેતો, જરૂર પડે તો ખીચડી, પૌવા, ઉપમા, મેગી એવું બધું બનાવી લઉં.” સો ટકા આ અવાજ સાંભળેલો છે. હું ઓળખતી છોકરીઓને યાદ કરવા લાગ્યો.

“તો લગ્ન પછી અમારા દીકરાને આવું ખવડાવશો?”

“ આપણે રસોઈ માટે કોઈને રાખી લઈશું એ રજા ઉપર હોય ત્યારે આમાંથી કાંઈ પણ બનાવી દઈશ, એમ તો હોટલમાં પણ લઈ જઈશ, રેડી ટુ ઈટના પેકેટ લઈ આવીશ અને તમારો દીકરો પણ રસોઈ બનાવી શકેને!” મારા તો મોતિયા મરી ગયાં, દાદીને એટેક ન આવી જાય તો સારું, મારું વાંઢામરવાનું નક્કી હતું!

“ઘરનું કંઈ કામકાજ આવડે છે કે ખાલી જીભની કાતર જ ચલાવતાં આવડે છે?”

“જરૂર પડી નથી એટલે કેમ કહી શકાય! આ મીઠડી રિયાને આવડે છે બધું?”

મારી બહેન વિશે આવો સવાલ! હું જ ના પાડી દેવાનો છું, એકવાર મળું તો ખરો! હું તૈયાર થઈને બહાર આવ્યો. મહેમાનોને નમસ્તે કર્યું અને કન્યા ઉપર નજર પડતાં જ હું સ્તબ્ધ ….અરે તમે સમજો છો એવું કંઈ નથી યાર! એ દીપા હતી, મારી ટીમહેડ દીપા, એણે મારી સામે મુસ્કાન આપી.

સા…લું, મેં તો સપને ય નહોતું વિચાર્યું! બોસ હતી એટલે એ દ્રષ્ટિએ તો જોયેલી જ નહીં. દેખાવડી છે યાર, એની સાડા પાંચ ફૂટની હાઈટ મારી પોણા છ ફૂટની ઊંચાઈ સાથે સરસ લાગે હોં! એની આંખો તો જો અને હોંઠ અને …આગળ કાંઈ નથી બોલવું તમે સમજી જાઓને યાર! રંગ શ્યામ કહી શકાય તો એમ તો સુસ્મિતાસેન ક્યાં શ્યામ નથી! શ્યામ રંગ પણ સુંદરતાનો પર્યાય હોય શકે. મને તો કાળી કામણગારી લાગે. હું આટલું વિચારવા લાગ્યો પણ શું દીપાને ખબર હતી કે એ મને જોવા આવી રહી છે! એને એની અંડરમાં કામ કરતાં માણસ સાથે પરણશે?

“અમે બંને પાંચ-દસ મિનિટ વાત કરી લઈએ!” દીપાએ જ સામેથી કહ્યું.

મારા પપ્પા, મમ્મી, દાદી અને બહેન મારી જેમ જ હેબતાઈ ગયાં! હું એને મારા રૂમમાં લઈ ગયો.

“હાઈ! તને નવાઈ લાગી હશેને! મને ખબર હતી કે આજે સાંજે તારે કેમ વહેલાં જવાનું છે.” એ ખડખડાટ હસી. જાણે ચોકલેટી મખમલ ઉપર મોતી વેરાણાં.

“જો મને તું પસંદ છે, તારો બાયોડેટા જોતાં જ મેં મારા મમ્મી-પપ્પાને કહી દીધેલું કે મને આ સંબંધમાં રસ છે અને મેં બીજી કંપનીમાં જોબ પણ નક્કી કરી લીધી છે, હું નથી ઇચ્છતી કે મારા અને તારા વચ્ચે ઓફિસની કોઈ મેટર આવે એટલે તને હું પસંદ ન હોઉં તો પણ બિન્દાસ ના પાડી દેજે. હું તારી હેડ બે દિવસ માટે જ છું.”

“મને તો તું, આઈ મીન તમે પસંદ જ છો.” મેં હડબડાઈને જવાબ આપ્યો. એ ફરી હસી મને થયું અત્યારે જ એને કીસ કરી લઉં. પણ એમ તો હું સંસ્કારી.

“મેં તમને લોકોને ઓફિસમાં પણ તું કહેવાની છૂટ આપી જ છે અને હવે તો તું મને હક્કથી તું કહી શકે છો.” દીપા એકદમ મારી નજીક આવી બોલી મારી હાલત તો ….સમજોને યાર!

અમે બંનેએ બહાર આવી સંમતિ આપી દીધી. બધાની સામે હા થઈ એટલે મારા દાદી કે મમ્મીને ના-હાનો મોકો જ ન રહ્યો. તરત ગોળધાણાંખવાઈ ગયાં અને બે દિવસ પછી રવિવારે વિધિવત સગાઈ કરવાનું નક્કી થયું. મેં મારા પરિવારને જ્યારે કહ્યું કે આ મારી ઉપરી છે ત્યારે મારા દાદીના હાવભાવ તો જોવા જેવા હતાં.
એ લોકો ગયાં પછી ઘરમાં યુદ્ધ પછીની સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ.

“શું ઉતાવળ હતી, હા પાડવાની?” દાદીએ જ શરૂ કર્યું.

“એક તો કામકાજ કાંઈ આવડતું નથી, ઉપરાંત દેખાવમાંય ઠેકાણાં નહીં!” મા બોલી. બીજી કોઈ વાતે સહમત ન થતાં સાસુ-વહુ આ એક બાબતે એકમત હતાં.

“ઓફિસમાં તો ઉપરી છે જ, ઘરમાંય નોકરની જેમ રાખશે.” પપ્પાએ પણ બળતાંમાં ઘી હોમ્યું.

હું એક અપરાધીની જેમ ચારેય તરફથી ઘેરાઈ ગયો હતો. છેવટે મારી સંકટ સમયની સાંકળ રિયા કામ આવી.

“જો ભાઈ અને ભાભી એકબીજાને પસંદ કરે તો તમને વાંધો ન હોવો જોઈએ.” મેં રાહતનો શ્વાસ લીધો.

બીજે દિવસે ઓફિસમાં બંદા થોડાં લેટ પહોચ્યાં પણ અહીં તો દીપા મારી હેડ જ બનીને રહી, સ્ટાફ વચ્ચે ખખડાવી નાખ્યો. નીચી મૂંડીએ હું સાંભળતો રહ્યો. ક્યાંક પપ્પા સાચા તો નથીને! લંચબ્રેકમાં એણે મને કેબિનમાં બોલાવ્યો. હું ક-મને ગયો,

“દરવાજો લોક કરજે.” સત્તાવાહી સ્વરે દીપા બોલી.

મારો તો મૂડ ઓફ જ હતો. હું ગયો એટલે એણે પ્રેમથી પોતાનું ટીફીન ખોલી એના હાથે મને જમાડયો અને ડેઝર્ટમાં …. સમજી જાઓને યાર!

પછી બધું ફટાફટ થઈ ગયું, દીપાએ જોબ છોડી, અમારી સગાઈ થઈ. તે દિવસે અમે સગાવ્હાલા વચ્ચે ઘરાયેલાં રહ્યાં. તેની તરફના સગાઓમાં એક અહોભાવ અને મારી તરફના વ્હાલાઓમાં થોડોક અણગમો છલકતો હતો. એમાંય કોઈકે દાદીને પૂછ્યું, “કેમ વળી તમારા દીકરાનું ક્યાંય થતું નહોતું?” આખી સગાઈમાં દાદી સોગ પાળતાં બેઠાં રહ્યાં.

“ક્યારે પધારો છો, મેડમ?” મેં એને પૂછ્યું, આમ તો અમે એકબીજાને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખતાં હતાં પણ સગાઈને હજુ અઠવાડિયું જ થયું હતું ને! દિવસમાં કલાક એક વહાટ્સએપ મેસેજ અને બે-ત્રણવાર વીડિયો ચાટ કરી લેતાં પણ મળવાની તલબ, યુ નો … સમજી શકો છો ને તમે! દીપાની નવી જોબ શાહીબાગમાં હતી એટલે આખા અઠવાડિયા દરમિયાન મળવાનો કોઈ મેળ નહોતો. દાદી તરફથી આ રવિવારે અમુક વડીલોને પગે લાગવા જવાનો વટહુકમ બહાર પડ્યો હતો. પહેલાં દીપા ઘરે આવવાની હતી અને પછી અમારે રિયાને સાથે લઈ જવાની હતી. હું તો એકાંત મેળવવાના પ્લાનીંગમાં હતો. કોણ જાણે ક્યારે આવશે!

દીપા એક્ટિવા ઉપર આવી. સાડી પહેરી હતી,દાદી અને મમ્મીને ખુશ કરવા જ પહેરી હશે. કેસરી કલરમાં તેનો શ્યામવર્ણ જરા વધુ શ્યામ લાગતો હતો, પણ શું લાગતી હતી! મૃગનયની, સુહાસીની, ગજગામીની, બધાથી ઉપર કામિની મારું તો મન કાબુમાં નહોતું રહેતું. મને લાગતું હતું કે …એને …સમજી જાઓને યાર!

રિયાને લઈ, પાય લાગણ લિસ્ટ લઈ અમે નીકળ્યાં, કારમાં એ થોડી થોડીવારે ગિયરવાળા મારા હાથ ઉપર હાથ મૂકી મને ચીડવતી હતી. રિયા સાથે વાતો કરતાં કરતાં તેણે ઘરમાં બધાંની પસંદ, નાપસંદ વિશે જાણી લીધું અને એકવાર તો પાછળ ફરી રિયા સાથે વાત કરવામાં પલ્લું પણ સરકાવ્યો. એક્સિડન્ટ થતાં થતાંબચ્યો, તમે તો સમજો છોને યાર!

બધું કામ પતાવ્યું, ઘરે પાછા આવ્યાં. રિયાને એની ફ્રેંડના ઘરે જવું હતું એટલે અમને સોસાયટીના ગેટ ઉપર ઉતારી નીકળી ગઈ. અમે ચાલતાં ચાલતાં અંદર ગયાં. સાંજ ઢળતી હતી, ઘરનો ઝાંપો ખુલ્લો જ હતો, જરા એકાંત અને ખૂણો જોઈ મેં દીપાને મારી તરફ ખેંચી. જરા આજુબાજુ જોઈ એ પણ પાસે આવી અને અમે એક ગાઢ આલિંગન(હગ) કર્યું. મારા હાથ કાબુ ખોવા લાગ્યા એ જ સમયે દાદી અને મમ્મીની ચર્ચા સંભળાઈ,

“કોણ જાણે કાળી કલુટીએ શું ભૂરકી છાંટી છે, બધાના ઘરેથી ફોન આવી ગયા કે તમને કોઈ ન મળ્યું તો પૂરી અમાસનો ચંદ્ર ગોતી આવ્યાં!”

“પાછો નોકરીનો રૂઆબ! બા, આપણું શું થશે!”

મારા હાથ અટકી ગયા, આલિંગન પણ છૂટી ગયું. દીપાની આંખમાં ગુસ્સો તરી આવ્યો. મારા હાથપગઢીલાં પડી ગયા. દીપા પૂરા ગુસ્સામાં અને હું દુઃખી થઈ અંદર ગયાં પણ અંદર જઈ દીપા બધાંને પગે લાગી. ગળી ગયેલાં ગુસ્સા સાથે એનું મોઢું મ્લાન થઈ ગયું હતું. બધાં સાથે જમ્યા, તેણે રસોડામાં બધું કામ કરાવ્યું, હું એકબાજુ બેઠો બેઠો જોયા કરતો હતો. તેનો નીકળવાનો સમય થયો અને હું બહાર મુકવા ગયો.

“સોરી! મમ્મી અને દાદીને હું સમજાવી લઈશ. મને ખબર છે તું એમના દિલ જીતી જ લઈશ.” બોલવું તો હતું પણ શબ્દો મારા ગળે અટકી ગયાં હતાં. ત્યાં દીપાએ મને ખૂણામાં ખેંચ્યો.

“ટેંશન નહીં લેવાનું! હું આ ઘર માટે સુંદર-શુશીલ, રસોઈમાં કુશળ, સર્વગુણસંપન્ન કામવાળી ગોતીલઈશ. બાકી તને તો હું ગમું છું ને!” એ આંખ નચાવતી બોલી અને એના ચોકલેટીચહેરા ઉપરના મોતીથી મારા કાનની બટકું ભરી ભાગવા ગઈ. એમ હું કંઈ એને ભાગવા દઉં …સમજી જાઓને યાર!

લેખક : એકતા નીરવ દોશી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાંજરૂરથીજણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર…

ટીપ્પણી