મેધા – તમારી આસપાસ પણ આવી કેટલીય મેધા હશે તો તમે આવી ભૂલ ના કરતા…

મેધા

સાલ ૧૯૯૨ – ધોરણ ૧૨ સાઇન્સમાં બોર્ડ ફર્સ્ટ આવી મેધા. શહેરની સૌથી નામાંકિત મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. મેધામાં જેવું નામ એવા ગુણ ,પ્રખર બુદ્ધિની ધારક, સપ્રમાણ બાંધો , સરસ ઊંચાઈ, નમણો ચહેરો, સુંદરની કક્ષામાં મૂકી તો શકાય પણ ભીનોવાન વળી આખા શરીરે શીતળાના ચાઠાં. લોકોને એ ખોટ તરત જ દેખાતી. માતાપિતાની લાડકી એકની એક દીકરી પણ હજી સુધી કોઈની નજરમાં વસી નહોતી. શું શરીરનો રંગ અને શીતળાના ચાઠાં તેની પ્રખર બુદ્ધિમત્તા કરતાં વધુ મહત્વના હતાં, મેધાને ઘણી વાર વિચાર આવી જતો.સાલ ૧૯૯૪- કોલેજનું પહેલું વર્ષ પૂરું થઈ ગયેલું મેધા અહીં પણ બધાને પાછળ છોડી દરેક વિષયમાં અવ્વલ રહી. બધા વિદ્યાર્થીઓમાં મેધાના મિત્ર બનવા માટે પડાપડી થવા લાગી. બીજા વર્ષની શરૂઆતમાં બધા થોડા હળવા થવા માંગતા હતા તો કોલેજ માં બધા ડેય્ઝ ઉજવવાનું નક્કી કર્યું . બેક ટુ સ્કૂલ ડે, ટ્રેડિશનલ ડે, બ્લેક એન્ડ વ્હાઇટ ડે અને છેલ્લે રોઝ ડે. બધાએ ખુબ મજા કરી મેધાએ પણ ભણવાનું મૂકી બધી ઉજવણીમાં ભાગ લીધો પણ જયારે રોઝ ડે આવ્યો ત્યારે મેધાના હાથમાં એક પણ રોઝ ના આવ્યું. એ ઉંમરે કોને ન ગમે કોઈ એને પણ રોઝ આપે, ભલેને એ રેડ ન હોય! નિરાશ ઘરે આવતી મેધાને જોઈને રવિ અટક્યો, રવિ આર્ટસ કોલેજમાં હતો, રવિ મેધાનો પડોશી, હમઉમ્ર, મિત્ર. એ હંમેશા મેધાને હસાવતો રહેતો,

“એ હિરોઈન, કેમ અત્યારમાં પાછી આવી ગઈ?” ,

“પ્લીઝ, રવિ હેરાન નહિ કર મારો મૂડ નથી!”

“કેમ કોઈ વિષયના સરે એકાદ માર્ક કાપી લીધો કે શું ?”

“રવિ” કહેતા રડી પડી મેધા.

બંને તેમની ખાનગી જગ્યા મેધાના ઘરની અગાસીએ જઈ બેઠા,

” રવિ,આજે અમારી કોલેજ માં રોઝ ડે હતો મને એક પણ રોઝ ન મળ્યું!’

“શું વાત કરે છે મેધલી! કોઈએ તારાથી ડરીને વ્હાઇટ રોઝ પણ ન આપ્યું”

” રવિડા, તું માર ખાઈશ !”

” અરે યાર મેધા! તું આવડીક વાતમાં રડે છે, તારા માટે તો કોઈ આખો રોઝ ગાર્ડન રોપી ને બેઠું હશે પણ હિમ્મત નહિ હોય. તારા માર્કસની આજુબાજુ એના માર્ક આવે તેની રાહ જોતો હશે. તું બહુ જ સ્વીટ છે, ગોરો કલર જ સુંદરતા હોત તો ગધેડી સૌથી સુંદર ગણાત, તું તો કાજોલ છે કાજોલ. કાળી કામણગારી!” મેધા સાંભળતી રહેતી એને થતું કે મારા માટે કોઈ બીજા ની ક્યાં જરૂર જ છે મારા માટે તો રવિ જ પૂરતો છે.

સાલ ૧૯૯૬ – મેધાનું ફાઇનલ યર ચાલુ થયું, હવે બસ છ માસની ઇન્ટર્નશિપ પછી સ્પેશ્યલાઇઝેશન.

રવિ તો બીએ થઈ પપ્પાના ધંધાની રાજગાદીએ બેસી ગયેલો અને એના માટે કન્યાઓ પણ જોવાવા લાગી. આમ પણ રવિ ઘરમાં એકનો એક. એક દિવસ મેધા પાછી ઘરે આવી તો રવિ સગાઈના કાર્ડ સાથે એની રાહ જોતો હતો , મેધાએ દુઃખદ આશ્ચર્ય સાથે પૂછ્યું,

” કેમ ? કોની સાથે ?”

“અરે મેધલી! કિયારા એકદમ માધુરી દીક્ષિત છે યાર, હું તો જોતો જ રહી ગયો અને તેણે મને કહ્યું કે તમે તો એકદમ શાહરુખ લાગો છો. યાર, આપણે તો ના પાડવા જેવું કઈ હતું જ નહિ ,તેણે બાર પણ પાસ નથી કર્યું પરંતુ મારે ક્યાં એને નોકરી કરાવી છે. હું રહ્યો બી.એ. મારાથી ઓછું ભણતર હોય તો સારું ને!”

મેધા આંસુ સાથે બોલી,

“પણ રવિ, શાહરુખની જોડી તો કાજોલ સાથે હિટ છે, માધુરી સાથે નહિ “.
“મેધા એમાં તું રડે છે શું કામ! આપણે તારા માટે અજય દેવગણ શોધી કાઢીશું ને! અને પ્લીઝ, એવું ન કહેતી કે, મારે તારી સાથે પરણવું જોઈએ. મેં એવું ક્યારેય વિચાર્યું જ નહોતું. રડવાનું બંધ કર અને મારી માધુરીને જો!” મેધા આંખમાં ભરેલાં આંસુ સાથે કિયારાનો ચહેરો ન જોઈ શકી.

તે રવિના લગ્નમાં ગઈ પણ ખરી અને તેમની ખુશીઓમાં ખુશ પણ થઈ. આજે તેણે પોતાના મિત્રને છેલ્લીવાર જોયો પછી નીકળી ગઈ અન્ય શહેરમાં સ્પેશિયાલિસ્ટ બનવા.રવિના માતા-પિતા નથી રહ્યા છેલ્લે તેવા સમાચાર મળેલાં. થોડા સમયમાં મમ્મી-પપ્પા પણ એ શહેરમાં આવી ગયા અને મેધાનો પોતાના શહેર સાથે અને રવિ સાથે નાતો પૂરો થયો.

સાલ ૨૦૦૨ -ડો.મેધા ટૂંકા ગાળામાં પ્લાસ્ટિક સર્જરીની દુનિયાનું મોટુ નામ. ફી સાવ મામૂલી અને કામ ખ્યાતનામ સર્જનોની ટક્કરનું. ડો.મેધાના જીવનનું એક જ ધ્યેય હતું કે કોઈ વ્યક્તિ તેના દેખાવને કારણે અવગણના ન પામે. પોતે સહન કરેલી અહેવાલના બીજાઓની ન થાય.

ડો.મેધા હજી પણ એકલી જ હતી, હવે માત્ર કામ તેનો પ્રેમ અને જીવન બની ગયા હતા. રવિ અને તેની યાદોથી મન ક્યારેક ભરાઈ આવતું પણ તે યાદો હવે કડવી બની ગઈ હતી.

સાલ ૨૦૦૪- ડો.મેધાએ રસ્તા પર એક ગલુડિયું જોયું, જે કદાચ ભૂલથી કોઈ એસિડ વાળી વસ્તુ ઉપરથી ચાલી ગયું હતું અને પડ્યું પડ્યું વલખા મારતું હતું. પોતાની કાર રોકી મેધાએ તાત્કાલિક એ ગલૂડિયાને પશુઓના દવાખાને લઈ ગઈ,

ડો.શીરીષે ગલૂડિયાને તાત્કાલિક ઊંઘની દવા આપી પીડામાંથી તો ઉગારી લીધું પણ સાથે સાથે કહ્યું કે,

” આ જીવને માર્સી કિલિંગ રુલ હેઠળ મુક્ત કરી દેવો જોઈએ ખબર નહિ એના પંજાઓ બરોબર કામ કરે કે નહિ”

“હું એક પ્લાસ્ટિક સર્જન છું પણ કદી પ્રાણીઓ સાથે કામ નથી કર્યું, જો આપ સાથ આપો તો કદાચ આપણે આને નવજીવન આપી શકીએ.”

કામ સફળ રહ્યું. આમ, શરુ થયું એક વધુ ભગીરથ કાર્ય, મેધા અને શિરીષનો અબોલ પશુઓની સેવા કરવાનો આ સાથ જીવનસાથી બનવા સુધી લંબાયો. ડો.મેધા માણસોની સેવા તો કરતી જ સાથે જરૂર પડ્યે અબોલ જીવોની પણ પતિ સાથે મળી સેવા કરતી. સમય વીતતો ગયો. એક મીઠડી બાળકીનું પણ તેમના જીવનમાં આગમન થયું.

સાલ ૨૦૦૬- ડો.મેધાની હોસ્પિટલ માં ઇમર્જન્સી કેસ આવ્યો , એક એક્સડેન્ટ થયેલો જેમાં પતિ-પત્નીની કારનો આગળનો કાચ ફૂટી જતા બંનેના ચહેરા ઉપર ખાસ્સી ઇજા થયેલી, પુરુષને જોતા ડો.મેધા થોડી ચમકી પણ મેધાએ પોતાની જાતને ટપારી,

“ના, ના શક્ય જ નથી!”

તેઓના સગા સબંધીઓની કોઈ જ ખબર ન હતી, બંનેના મોબાઈલ પણ નહોતા મળતા , એટલે ડો.મેધાએ પોતે નિર્ણય લઈ બેઉની સર્જરી કરી, પત્નીના દેખાવમાં ખાસ ફેરફાર થયો નહોતો પરંતુ પતિને ઘણી મહેનત પછી સામાન્ય દેખાવ આપી શકાયો. પત્નીને ભાન આવતાં તેણે ઘરે ફોન કરી પોતાના ભાઈ-ભાભીને બોલાવી લીધા. પત્નીએ જણાવ્યું કે, તે અને તેના પતિ અહીંના પ્રતિષ્ઠિત આઈ.વી.એફ સેન્ટરમાં બાળક માટેની ટ્રીટમેન્ટ કરાવવા આવેલા. એના પતિના ઘરમાં નજીકના કોઈ સગા હતા જ નહીં. આઠેક દિવસના ઈલાજ પછી તેઓની સારવાર પૂરી થઈ અને તેમને પોત પોતાના ચહેરા બતાવવામાં આવ્યા, પત્નીએ ડોક્ટરનો આભાર માન્યો પણ પતિ નિરાશ હતો. પછી બંનેને એક બીજા સમક્ષ લાવવામાં આવ્યા, ત્યારે પત્નીએ કહી દીધું, કે આવા ખરાબ ચહેરાવાળા માણસ સાથે એ નહિ રહી શકે, આટલી કુરુપતા સાથે જીવન કેવી રીતે નીકળે! હા, એ પતિ પત્ની અન્ય કોઈ નહિ રવિ-કિયારા હતા!
રવિ હતાશ થઇ ગયો ત્યારે ડો.મેઘાએ કહ્યું

“ઓયે શાહરુખ નિરાશ ન થા તારા માટે કોઈ માધુરી કે કાજોલ નહિ તો રાનિ મુખર્જી તો હશે જ!”

અને તે પોતાના “નોટ સો હૅન્ડસમ ” પણ પ્રેમાળ પતિ ડો.શિરીષ સાથે નીકળી ગઈ.

લેખક : એકતા દોશી

દરરોજ અવનવી વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.. તો લાઇક કરો અત્યારેજ…

ટીપ્પણી