કીમિયાગર – ક્યારેક જે તમારા માટે આશીર્વાદ બને એ જ તમને નડી પણ શકે…

કીમિયાગર
***********

આકાશમાં ચાંદની રેલાઈ રહી હતી, સમુદ્ર કિનારે આવી અફળાઈ અફળાઈ પાછો વળતો હતો. મહાનગરની રાત્રી ક્યાંક ક્યાંક જંપી ગઈ હતી તો ક્યાંક અજંપો પણ અનુભવતી હતી. ક્યાંક આખા દિવસનો થાક પથારીમાં ખંખેરાતો હતો તો કોઈક પથારી થાકમાં વીંટળાતી હતી.

ખટ,ખટ! ખટ,ખટ! મારા મહેલનું બારણું ખખડયું. ભલેને, બીજા માટે એ દસ બાયબારની એક ખોલકી હોય, મારે માટે તો મારો શીશમહેલ છે. સૂરજના તેજ કિરણોની કોઈ તાકાત નથી કે આખા દિવસમાં મારા શીશમહેલ ઉપર નજર નાખી શકે. એમ તો, ચંદ્રને ય મારા મહેલના દર્શન કરવાની છૂટ નથી. સમીર પણ મારા શીશમહેલના ઝરૂખો કે બારણું ખખડાવતાં ડરે છે, એવામાં કોણ હશે આ ગુસ્તાખ કે જેણે આ સમયે મારા શીશમહેલના દરવાજે દસ્તક દેવાની જુર્રત કરી! મારા શીશમહેલના એક માળના દાદરાના કપરાં ચઢાણ ચઢતાં-ચઢતાં ભલભલા ખખડી જાય. એના ખખડધજ કઠોડાને પકડતાં પડવાની બીક લાગી જાય. એની છત સાથે માથું ભટકાવી તમે મુકરીની હાઈટ હોવા છતાં અમિતાભી ઊંચાઈ અનુભવી શકો. આટલી મુશ્કેલીઓ પાર કરીને આવનાર માટે મારે દરવાજો તો ખોલવો જ રહ્યો.

ચરરરર! સન્નાટો ચીરતો મારા મહેલના દીવાનેખાસનો દરવાજો ખુદ મેં ખોલ્યો, સામે જોયું તો હું પોતે….. નગીન ભીખાભાઈ મહેતા! આ શું? સ્વપ્ન છે કે હું મરી ગયો છું? હું ગભરાઈને દરવાજો બંધ કરવા જતો હતો, ત્યાં સામે ઉભેલા નગીનની પાછળથી એક જાણીતો ચહેરો, એની ચીર પરિચિત મુસ્કાન સાથે ડોકાણો હા….હા યાદ આવ્યું, બે દિવસ પહેલાં હું મારી કંપનીના ફીનાઈલના વેચાણ માટે કોઈ ગ્રાહકની શોધમાં નગરી નગરી દ્વારે દ્વારે ફરી રહ્યો હતો, ત્યારે જ તો આ મળી ગયો હતો.
“ એય, નગીન! હાઈ”

“કોણ? મેં તમને ઓળખ્યા નહીં ભાઈ!” મારા એક માત્ર શર્ટની બાંય વડે પરસેવો લૂછતો હું બોલ્યો.“ તમારે મારી પાસે કંઈ ઉધાર નીકળે છે?”

“ હા! મારે તને એક ચા-બિસ્કિટની પાર્ટી આપવાની ઉધાર નીકળે છે. અરે, નગીન! યે ક્યા હાલ બના રખ્ખા હૈ, કુછ લેતે કયું નહીં? હું ……રાજુ!”

“રાજુ? ફીનાઈલ લેવાનું છે!” મેં મારા કામની વાત કરી.

“નગીન …..હું રાજુ! આપણે સ્કૂલમાં સાથે હતાં, બારમા પછી આજે મળીએ છીએ. હું તો તને ઓળખી ગયો, પણ તું બાર વર્ષની મૈત્રી …”

“રાજુ! હા યાર, સોરી!” અને અમે એકબીજાને ભેટી પડ્યા.

“ચાલ, ચા-બિસ્કિટ ખવડાવું! સ્કૂલના દિવસોમાં તેં બહુ ખવડાવ્યું છે મને.” રાજુએ મારા ખભે હાથ મૂકતાં કહ્યું.
“રાજુ! જીવન બહુ બદલાઈ ગયું છે. ક્યાં બેંકની નોકરીના સપના જોતો હતો અને ક્યાં આ ઘરે ઘરે ફીનાઈલ વહેંચું છું, અને એક તૂટવાના વાંકે જીવતી એકમાળી ચાલમાં એકલો રહું છું.” મારી નિરાશા છલકાઈ ઉઠી.

“તારું એડ્રેસ આપ તો.” રાજુએ મારું અડ્રેસ ગૂગલ મેપમાં ટપકાવ્યું અને પછી “એક કામ હતું તારું! જો તું હા પાડે, તો તારા ઘરે ચોવીસ કલાક માટે, આમિર ખાનને રહેવા મોકલું!” કહી રાજુએ આરામથી ચાની ચૂસકી લીધી.

“આ…આ…આમિર!” મારો ચાનો કપ હાથમાંથી છટકતાં બચ્યો.“ તારી ફેંકમબાજીની આદત છૂટી નથી હજી? આમિર શું કામ મારા ઘરે રહેવા આવે! એ પણ તું કહે એટલે?”.

“જો દોસ્ત, હું એક ફિલ્મી પત્રકાર છું. આમિરને એની આવનાર મૂવીમાં, ચાલના સામાન્ય રહેવાસીનો રોલ કરવાનો છે, એ રહ્યો હોમવર્કવાળો એકટર એટલે એને સાચો અનુભવ લેવો છે.” રાજુએ બીડી સળગાવતા કહ્યું.

“સારું, લેતો આવજે. ભલે લેતો અમારા માળાનો અનુભવ.” મેં હળવાશથી કહ્યું. સાચું કહુને તો મને રાજુની વાતનો જરાય વિશ્વાસ નહોતો. મોબાઈલમાં સેલ્ફી પાડી, અમે છુટા પડ્યા પછી હું તો ભૂલી પણ ગયો હતો અને અત્યારે રાજુ ડોકાણો મારી સામે ઉભેલા નગીનની પાછળથી!

“ઓહ! રાજુ…. તો આ ….આમિર ખાન?”

આમિરે અને રાજુએ સંમતિ સૂચક સ્માઈલ આપ્યું. મેં બંનેને અંદર બોલાવ્યા અને દરવાજો બંધ કર્યો. અત્યાર સુધી મને જે શીશમહેલ લાગતો એ જ દસ બાય બારનો ઓરડો મને અચાનક નાનકડી ખોલકી લાગવા લાગ્યો. આવડા મોટા સ્ટારને ક્યાં બેસાડું! ક્યાં સુવડાવું! હું તો ઘાંઘો થઈ ગયો.

“એ નગીન, પોતાનું જ ઘર સમજ!” કહેતા આમિર ખાને મારા ગાદલાં ઉપર લંબાવ્યું.“ રાજુ, તું નિકળ! મારો ડ્રાઈવર તને ઘરે પહોંચાડશે અને હા, કાલે હું જાતે આવી જઈશ. ગુડ નાઈટ!”

રાજુ મને ચિંતા ન કરવાનું કહી નીકળી ગયો. મેં અચકાતા અચકાતા આમિરને ચા-કોફીનું પૂછ્યું. એણે ના પાડી અને મારું રૂટિન પૂછ્યું,

“સાડા સાતે ઉઠી નીચે પાણીની લાઈનમાં લાગવાનું, નાહી, થોડા આરામથી ચા પીને કામે.” મેં ટૂંકાણમાં પતાવ્યું પણ એ ચીકણો ‘બાલ ની ખાલ’ કાઢે તેવો હતો, એક એક રહેવાસી વિશે કોને ખબર કેવા કેવા સવાલો પૂછ્યા. મારા જવાબો ખૂટી ગયા પણ એના સવાલોનો મારો ચાલું જ હતો. “આની સાથે લોકો કેવી રીતે રહેતા હશે!” મને ત્રાસ છૂટી ગયો. દોઢેક વાગ્યો હશે. મેં બીજું ગાદલું પાથર્યું અને મોઢું ફેરવીને સુઈ ગયો. આમીરનું બડબડ ચાલું જ હતું.“ મોટો સ્ટાર હોય તો એના ઘરનો, બે કલાકમાં તો મને થકવી દીધો. ચોવીસ કલાક કેમ જશે!” હું અકળામણ અનુભવતો ઊંઘી ગયો.

સવારે ઉઠતાં જરાં મોડું થઈ ગયું. આઠ વાગવામાં હતાં. હું પાણીની બાલદીઓ લેવા દોડ્યો પણ બાલદી નહોતી. નીચે જોયું તો બીજો નગીન મસ્તીથી પાણી લઈને આવતો હતો. આવતાંવેંત મને કહે, “તું કેમ બહાર આવ્યો! અંદર ઘૂસ! જા નાહી લે, તારા માટે બાથરૂમ ખાલી હશે.” એ રૂમમાં પુરાઈ ગયો. હું નહાવાની લાઈનમાં ગયો તો ખરેખર બધાએ ખુશી ખુશી મને લાઈન વગર અંદર જવા દીધો! પાછો આવ્યો ત્યારે બાજુવાળા ઝગડાખોર મૌશી ગરમ ગરમ પૌઆ અને ચા લઈને આવેલાં. હું બારણાં પાછળ છુપાઈ ગયો. બીજો નગીન મૌશીને મસ્કા મારતો હતો,

“ મૌશી, તું તો આ ઉંમરે કેટલી સુંદર લાગે છે! તારો ઘરવાળો જીવતો ન હોત તો હું તારી સાથે લગન કરી લેતો.”

ઝઘડાળુમૌશી હસી, ઓવારણાં લઈ ઘરે ગઈ. હું બહાર આવ્યો, બારણું બંધ કરી, અમે બંને નગીને સાથે નાસ્તો કર્યો. મેં એને બાથરૂમની લાઈનનું રહસ્ય પૂછ્યું તો એણે આંખ મારી અને જણાવ્યું કે તેણે સવારે પાણીની લાઈનમાં બધાને મદદ કરી હતી. પછી આમિરે મને આજે કામે જવાની ના પાડી.

“અરે! તારા ટાર્ગેટ જેટલા, ફીનાઇલના રૂપિયા, હું તને આપી દઈશ. આજે મને ચાલના લોકો સાથે રહેવું છે.”

હું તો આરામથી બેઠો. પણ એ ચીકણા સ્વભાવનાને શાંતિ ક્યાં! પહોંચી ગયો મારાથી ત્રણ ખોલી પછી રહેતાં એક ડ્રગની હેરાફેરી કરતાં ગુંડાના ઘરે. મેં આટલાં વર્ષમાં જેની સામે જોવાની પણ હિંમત નહોતી કરી તેના ખભે હાથ મૂકીને એ નગીન બહાર નીકળ્યો. “મરી ગ્યા!” મેં કપાળ ફૂટ્યું. એનું તો બસ આમ આખો દિવસ આ ઘરેથી પેલા ઘરે ચલક ચલાણું ચાલ્યું. હું બાધાની જેમ સંતાઈને જોયા કરતો હતો. કજીયાનું ઘર ગણાતાં કલાકાકીને ય હસતાં કરી દીધાં અને કકળાટનું મૂળ કહેવાતા ચંપક માસ્તરને ય પ્રેમથી બોલતાં કરી દીધાં. પોતાને મોટા બિઝનેસ ટાયકુન સમજતા બદાણીની સાથે પાન ખાઈ આવ્યો, બાળકોની પણ દોસ્તી કરી ચાલમાં રમ્યો અને બધાના ઘરે થોડું થોડું જમ્યો. પાછો મારા માટે ય લેતો આવ્યો. હવે મારો અણગમો ઓગળવા માંડ્યો હતો અને તે અહોભાવમાં પલટાવવા લાગ્યો હતો. હું એની સાથે ખુલીને વાતો કરવા માંડ્યો હતો અને તેની પાસેથી બધા ગુરુમંત્ર શીખવા લાગ્યો હતો. મને નીચે રહેતી કજરી બહુ ગમતી પણ એની સાથે કદી વાત કરવાની હિંમત નહોતી કરી. તેણે મને એ પણ શીખવાડી દેશે તેમ કહ્યું પણ મારે ટોયલેટ જવું પડે તેમ હતું એટલે હું ગયો. લાઈન હતી એટલે વધારે વાર લાગી. હું પાછો આવ્યો ત્યાં કજરીને મેં શરમાઈને મારા ઘરમાંથી નીકળતાં જોઈ. મારા તો બત્રીસેકોઠે દિવા થઈ ગયાં.

મોડી રાત્રે ચાલ જંપી ગઈ હતી. આમિરથી અભિભૂત થયેલ હું તેને અહોભાવથી નિરખ્યાં કરતો હતો. તેણે મારી પાસેથી વિદાઈ લીધી અને ગમે ત્યારે કામ હોય તો કહેવા જણાવ્યું. તે મને પરાણે થોડાં રૂપિયા પણ આપતો ગયો. એની સાથે ચોવીસ કલાક રહી હું તો બડભાગી બની ગયો.

બીજે દિવસે સવારે પણ ચાલનું વાતાવરણ ખુશનુમા રહ્યું. હું એના ચીંધેલા પથ ઉપર ચાલી, બધાનો મિત્ર બનવા લાગ્યો. “ગજબ કીમિયાગર છે, મારું તો જીવન જ બદલાઈ ગયું.” વિચારતાં વિચારતાં હું ઘરને તાળું મારવા જતો હતો અને કજરી એકદમ દોડીને આવી, મને ઓરડામાં ધકેલી બારણું વાસતી મારી પાસે આવી. મને એકદમ ભીંસી લીધો અને ચુંબન કરવા લાગી, મનોમન આમીરનો આભાર માનતા મેં પણ સાથ આપ્યો. થોડીવાર પછી અલગ થઈ અને જતાં જતાં બોલી,

“કાલ જેવી વાત નથી.”

મારા મોંઢામાંથી નીકળી ગયું ….”સાલો….કીમિયાગર!”

લેખક : એકતા દોશી

આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી