સામનો – એક યુવતી જેની સાથે ભૂતકાળમાં બની હતી એક ઘટના જે આજે પણ એને સતાવે છે…

સામનો

ચોરને કાંધ મારે તેવો તડકો તપતો હતો, આકાશ ચૈત્રી આગ ઓકતું હતું. કોઈ કોઈ વાહન નીકળતા તેનો થોડો ઘણો આવાજ સંભળાઈ જતો. બધા પશુ-પક્ષી બપોરની ગરમીથી ત્રસ્ત થઈ જંપી ગયા હતાં. ખીલેલા ગુલમહોર અને ગરમાળાના વૃક્ષો આંખોને થોડી ઘણી શાતા આપે તેવા હતા. તે પોતાના રૂમમાં એરકન્ડિશન ચાલુ કરી “ધ કુકુ’સ કોલિંગ” વાંચતી આડી પડી હતી. આછા જાંબલી રંગના, અર્ધ પારદર્શી સુતરાઉ લખનવી સલવાર કમિઝમાંતે ગજબ સુંદર લાગી રહી હતી. કાંઈક અંશે ઘઉંવર્ણી કહી શકાય તેવી ત્વચા, થોડું પાતળું કહી શકાય તેવું વસારહિત શરીર, નમણું નાક, મોટી ચમકદાર કાળી આંખો, લાંબા ભરાવદાર વાળ, કામણગારા શરીરના વળાંકો. નખશીખ બંગાળી સૌન્દર્ય મૂર્તિ સમી તે અનેક હૈયાની રાણી હતી. એ જાસૂસી નવલકથામાં અનેક જગ્યાએ તે ખુદને કલ્પી રહી. તેપણ તો પરિસ્થિતિથી ઘેરાયેલી હતી અને ત્યાંથી ભાગીને એકાંતમાં છુપાઈ હતી.“ડીંગડોંગ” દરવાજાની બેલ વાગી, કોણ આવ્યું હશે આવા બળબળતા તડકામાં? હજુતો વિચાર કરે તે પહેલાંતો ફરી બેલ મારીને બીજી વાર આગંતુકએ જણાવ્યું, કે એને બહુ ઉતાવળ છે. તે પોતાના કપડાં વ્યવસ્થિત કરતી ઝડપથી બહાર આવી, દરવાજાને થોડો ખોલી તિરાડમાંથી જોયું તો ફક્ત એક સફેદ હેટ દેખાણી. એકદમ સોફેસ્ટિકેટેડ હેટ, જાણેકે કોઈ જાસૂસ. ત્રીજી વાર બેલ મારવા એ વ્યક્તિ ફરી અને તેના ગોગલ્સ દેખાયા. થોડી અસમંજસમાં તેણે દરવાજો ખોલ્યો.

કાળો, કદરૂપો પણ મજબૂત શરીર સૌષ્ઠવવાળો અને અલગ ચમક, સ્માર્ટનેસ ધરાવતો એક માણસ સામે ઉભો હતો. તેના મોઢા ઉપર એક પ્રકારની ઠંડી ક્રૂરતા હતી. એને જોઈનેજ અણગમો, ડર અને ધૃણા એક સાથે થાય તેવું હતું. તે અવાચક બની આગંતુક સામે જોતી રહી.“કમ ઓન લક્ષ્મી આટલી વાર? આ ગરમીતો બાપરે!” કહેતો, એવા વાઝોડાની જેમ અંદર ઘૂસ્યો. ગોગલ્સ અને હેટ સેન્ટર ટેબલ ઉપર ફેંકી સોફામાં બેસી ગયો.

“અરે! આમ મારા ઘરમાં ઘૂસી જવાનું પ્રયોજન શું છે? કોણ છો તમે? તમારાથી કોઈ ગફલત થઈ છે , મારું નામ રિયા છે લક્ષ્મી નહીં.” તે પૂરા આવેશમાં અને સ્વસ્થતા દર્શાવતી બોલી, પરંતુ અંદરખાને લક્ષ્મી નામ સાંભળતાંજ ઊથલ પાથલ શરૂ થઇ ગઇ હતી.

“તારા નાટકીયા શબ્દો અને અભિનય તારી સિરિયલો માટે સીમિત રાખ. ટી.વીના દ્રશ્યો ત્યાંજ સારા લાગે સમજી લક્ષ્મી!”

“કોઈ જાતની ઓળખાણ વગર મારા ઘરમાં આવી, મને તું-કારાથી બોલાવનાર, તમે કોણ છો?”

“મને ફરદીને મોકલ્યો છે”.

ફરદીનનું નામ પડતાંજ રિયાનો સ્વસ્થતાનો દેખાડો ભાંગી પડ્યો.

“ક્યાં છે ફરદીન? તમે એને કેવી રીતે ઓળખો? એ તમને ક્યારે મળ્યો?” રિયાથી ઢગલાબંધ સવાલો પુછાઈ ગયા.

“તમેતો રિયા છો ને! તમારે ફરદીન સાથે શું લેવા દેવા!”

“બસ ,એટલું કહીદો કે બધું બરાબર છે?”

“તને શું લાગે છે? મને શા માટે મોકલ્યો હશે, ફરદીને?”

રિયાની હાલત કાપોતો લોહીન નીકળે તેવી થઈ ગઈ. મનમાં થરથર ધ્રૂજતીતે બહારથી સંપૂર્ણ સ્વસ્થ દેખાવાનો અભિનય કરતી હતી.

“ એ ફક્ત એક ભૂલ હતી, હું નિર્દોષ છું.”

“તો પછી છેલ્લા દસ વર્ષથી છુપાતી કેમ ફરે છો?”

રિયાની આંખો સમક્ષ બાર વર્ષ પહેલાંની એક સાંજ તરવરી ઉઠી. બાંગ્લાદેશના ખુશનુમા ગામ સ્યાલહેતમાં તે, તેના મા અને બાબા ખુશહાલ જીવન જીવતા હતા. બંગાળી લક્ષ્મીપુજાના દિવસે તેનો જન્મ થયો હોવાથી તેનું નામ પાડ્યું હતું લક્ષ્મી. કેવા સુંદર હતાં તે દિવસો! બાબા ત્યાં ફોરેસ્ટ ઓફિસર હતા. રજાનાએ દિવસે, તેઓ ત્રણેય જીપમાં બેસી ફરવા નીકળ્યા અને એક મોટા ટ્રક સાથે તેમનો અકસ્માત થયો, નાની લક્ષ્મીને કાંઈ સમજ પડે તે પહેલાંતો મા-બાબા ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યા. અગિયારવર્ષની નિસહાય બાળકી, ત્યાં બેઠીબેઠી રડતી હતી. થોડીવારપછી એક કાર તેની પાસે ઉભી રહી એમાંથી એક અંકલ, આંટી અને અઢારેક વર્ષનો એક છોકરો ઉતર્યા. તેઓ મુસ્લિમ હતાં. આંટીએ બહુ પ્રેમથી લક્ષ્મીના માથે હાથ ફેરવ્યો,“બેટી! તારું ઘર ક્યાં છે? ઘરમાં કોઈ મોટું છે? ચાલ અમે તને ઘરે છોડી દઈએ.”

તે વધારે રડવા માંડી. સાંજ ઢળવા આવી હતી, તેઓએ લક્ષ્મીને એમની કારમાં સાથે લીધી. રસ્તામાં અંકલે નજીકના પોલીસ સ્ટેશનમાં થયેલા અકસ્માતની જાણ કરી અને જણાવ્યું કે,

“જો આબાળકીના કોઈ વડીલ મળે તોજ અમને ખબર આપજો. આ બાળકી આજથી અમારી સાથે રહેશે.”

રસ્તામાં ફરદીને લક્ષ્મી સાથે સારી દોસ્તી કરી લીધી. તે થોડી થોડી વારે રડીપડતી અને ફરદીન તેને ચૂપ કરતો, હસાવવાની કોશિશ કરતો. મોડી રાત્રે તેઓ ઢાકાના એક બંગલો પાસે પહોંચ્યા. તે રાત્રે આંટીએ લક્ષ્મીને તેમની સાથે સુવડાવી. રાત્રે પણ નાની લક્ષ્મી ઊંઘમાંથી ઝબકીને હિબકે ચડી જતી હતી. બે-ત્રણ દિવસ એવું ચાલ્યું પછી લક્ષ્મી મા-બાબા વગર રહેવા ટેવાઈ ગઈ, અંકલ-આંટી તેને કોઈ કમી રહેવા ન દેતા. ફરદીન પણ એનો ખાલી સમય લક્ષ્મી સાથેજ વિતાવતો.

પોલીસ તરફથી લક્ષ્મી સંબંધી જાણકારી ન મળતાં તેઓએ લક્ષ્મીનું સ્કૂલનું એડમિશન કરાવી દીધું. “ઉદયન વિદ્યા વિહાર” હિંદુ બાળકો માટેની કો-એડ સ્કૂલ હતી. વર્ષ વીતી ગયું, લક્ષ્મી તેમની સાથે એકદમ ભળી ગઈ હતી. હવે ફરદીન કોલેજમાં જતો હતો અને લક્ષ્મી છઠ્ઠા ધોરણમાં. એક દિવસ ફરદીન તેના રૂમમાં આવ્યો અને …….

“ ક્યાં ખોવાઈ ગઈ લક્ષ્મી? ફરદીન યાદ આવી ગયો!” આવનાર અજાણ્યા શખ્સે લક્ષ્મીને વર્તમાનમાં લાવી દીધી.

“ મારી વાતતો સાંભળો! મેં કાંઈજ કર્યું નથી. એ એક એક્સિડન્ટ હતો.”

“ ખરેખર!” આવનાર વ્યક્તિએ લક્ષ્મીને જાણે સાણસામાં પકડવી હોય તેવી વિચિત્ર નજરે તાકતા પૂછ્યું.

“ હું …હું શું કામ કંઈ કરું! હું તો તેને …..”

“ અટકી કેમ ગઈ લક્ષ્મી! એક અનાથ હિન્દૂ છોકરી, પૈસાદાર મુસ્લિમ છોકરો. જીસ થાલીમેં ખાયા, ઉસી મેં છેદ!”

“ ના! હુંતો બાળક હતી. મને અમીર-ગરીબ, હિન્દૂ-મુસ્લિમના ભેદભાવની ક્યાં ખબર હતી!”

લક્ષ્મીની આંખ સામે ફરી એ દિવસો ઉપસી આવ્યા….ફરદીન તેની પાસે આવતો, ભણાવવાના બહાને તેના અંગ-ઉપાંગ ઉપર હાથ ફેરવી લેતો. હવે તે પણ કિશોરી થવા લાગી હતી. ફરદીનના સાનિધ્યનું કારણ, પોતાની આસપાસ ફરવાનું કારણ હવે તેને થોડાથોડા સમજાવવા લાગ્યાં હતાં. તે એ અડપલાંથી થોડી રોમાંચિત પણ થતી. તેની નાની અણસમજ આંખોમાં ફરદીન સાથે લગ્નના સપનાં પણ અંજાવવા લાગ્યા. તે ભૂલી ગઈ હતી, કે તે તો એમના ઉપકારો નીચે દબાયેલી છે અને ફરદીન તેનાથી ઘણો મોટો છે. થોડા સમયમાં ફરદીનના લગ્ન નક્કી થઈ ગયા, તેને ખૂબ દુઃખ થયું. તેરવર્ષની લક્ષ્મી રડતી હતી, એ તેની પાસે આવ્યો અને આ વખતે લક્ષ્મીને ચૂપ કરાવવાની સાથે એ તેનો ગેરલાભ ઉઠાવવા માંગતો હતો. તેણે લક્ષ્મીને ચુમવાની-ભીંસવાની કોશિશ કરી. દુઃખ અને ગુસ્સાથી ભરેલી લક્ષ્મીએ પાસે પડેલી પિત્તળની ફૂલદાની ઉઠાવી એના માથામાં મારી દીધી. એ ચત્તોપાટ પડી ગયો.

લક્ષ્મી ગભરાઈ ગઈ અને ભાગી. જવા માટે કોઈ ઠેકાણું તો હતું નહીં! લપાતી છુપાતી કોઈ બસમાં ચડી ગઈ. બસ ભારતની સરહદની હતી. લક્ષ્મીપહોંચી ગઈ અગરતલા, એ દિવસોમાં સરહદ પાર કરવામાં ખાસ વાંધો આવતો નહીં. તે ભૂખી-તરસી રઝળતી હતી. એક ચાની કીટલીની માલિકને તેના ઉપર દયા આવી, તેને ચા આપવા અને વાસણ ધોવાનું કામ આપ્યું અને ત્રણ વખત ચા-બિસ્કિટ તથા સુવાની જગ્યા આપી.

 

“ લક્ષ્મી! ચા નહીં પીવડા વે? તને ચા બનાવતાં સરસ આવડે છે નહીં! દિવસો બદલાઈ ગયા તો ચા બનાવવાનું પણ ભૂલી ગઈ કે શું!” તે અજાણ્યો માણસ ક્રૂરતા પૂર્વક હસવા લાગ્યો.

“ જુઓ મિસ્ટર! પહેલા તમે વ્યવસ્થિત વાત કરો, તમારું નામ અને કામ કહો. મારી વિષે ઘણી માહિતી આપી થોડી તમારી પણ આપો.” લક્ષ્મી પોતાને આશ્વાસન આપતી હોવ તેટલા પોકળ જુસ્સાથી બોલી.

“ચા પીવડાવે તો કદાચ ફરી કોઈ મદદ મળી જાય”.હા! તે વખતે ચાની કીટલી ઉપરજતો જીવન બદલાયું હતું. ત્યાં ડિરેક્ટર બેનર્જીદા પોતાની સિરિયલ માટે નવો ચહેરો શોધતા હતાં, તેમને લક્ષ્મી ગમી ગઈ, છ મહિનાની ટ્રેનીંગ પછી સ્વપ્ન નગરી મુંબઈમાં નવો ચહેરો લોન્ચ થયો “રિયા”. લક્ષ્મીએ અને તેની ગત ઝીંદગીને ભૂલી નવો જન્મ ધારણ કર્યો અને અત્યારે ત્રેવી સવર્ષની ઉંમરે કીર્તિ અને કલદાર બંને પામી, બેનર્જીદા અનેતે પિતા-પુત્રી માફક એક પરિવાર બની ગયા, ત્યારે અચાનક આ મુસીબત ક્યાંથી આવી!

“લક્ષ્મી ઉર્ફે રિયા! ક્યાં સુધી ભાગીશ તું તારા ભૂતકાળથી, આજ નહીં તો કાલ તારો ગુન્હો તારી સામે અવવાનો જ છે. દેશ છોડી દેવાથી, નામ બદલીનાખવાથી તારી સજા માફ નહીં થઈ જાય.”

“ તમે કોણ છો? આ રીતે મારા ઉપર આરોપ નાખવાનો હક્ક તમને કોણે આપ્યો? હું એક પ્રતિષ્ઠિત અભિનેત્રી છું. તમારા ઉપર હું માનહાનીનો દાવો કરીશ.”

“ તારી આ ગભરાહટજ તારા ગુન્હાની સાક્ષી છે લક્ષ્મી! હું તને ફાંસી અપાવી ને રહીશ.”

લક્ષ્મીના મોઢા ઉપર પ્રસ્વેદબિંદુઓ બાજી ગયા. ગળામાં સોસ પાડવા લાગ્યો. તીરાડો પાડવા લાગી,

“ બેનર્જીદા …..બેનર્જીદા”.

પાસેના રૂમમાંથી બેનર્જીદા દોડતા આવ્યા, અને રિયાને ઢંઢોળી.“એય રિયા! કી હોલો!”

ઓહ! તેતો વાંચતા વાંચતા સુઈ ગઈ હતી, તેનો ડર સ્વપ્નમાં તેને સતાવતો હતો. બેનર્જીદાએ તેને સમજાવ્યું કે આ ડરનો સામનો કરવોજ રહ્યો.

બીજે દિવસે તેણે ઢાકાની ફ્લાઈટ પકડી, સચ્ચાઈ જાણી તેનો સામનો કરવા, ફરદીનના ઘર તરફ …..

લેખક : એકતા દોશી

દરરોજ આવી રોમાંચથી ભરપુર વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી