પરી – ગોપાલ અને પરી અચાનક છુટા પડી ગયા પણ એ પ્રેમ એ દોસ્તી શું ખરેખર એવી જ છે જેવી પેહલા હતી???

પરી

નાનકડું શહેર ,એની અંદર એક નાનકડી શેરી “શક્તિ સોસાયટી”, તેમાં એકસરખા અનેક મકાનો અને એમાં એક નાનકડો છોકરો ઘરનો નાનકો “ગોપલો” . નામ તો એનું ગોપાલ હતું પણ બે બહેનો પછી આવેલો ઘરનો લાડકો સદસ્ય. એ જ્યારે જન્મ્યો ત્યારે તેના ઘરની સામે એક મોટો બંગલો બંધાયો “શક્તિ સોસાયટી”ની બહારપણ તેને લગોલગ. ગોપાલ બે વર્ષનો થયો ત્યારે બંગલામાં એક પતિ-પત્ની અને તેમનો એક દીકરો રહેવા આવ્યા . જતિનભાઇ થોડા ઓછાબોલા એટલે કોઈની સાથે ભળે નહીં પરંતુ જયાભાભી ખૂબ મળતાવડાં, બધા સાથે વાતું કરે અને તેમનો ચાર વર્ષીય દીકરો રાહુલ ખૂબ મીઠડો , દુશ્મનને પણ પ્રેમ આવે તેવો ઠાવકો અને શાંત.

ગોપાલ લગભગ રોજ જ જયાભાભી પાસે રમવા જતો , રાહુલ પણ એને લાડ કરતો , બાપુજી ત્યાં વારંવાર જવાથી ઘણીવાર રોકતા . બાપુજી કહેતા ,

“ એલોકો મોટા માણસો કહેવાય ગોપાલના બા ! ગોપાલને એમની સાથે બહુ ભળવાના દેશો, આપણેજ પસ્તાવાનો વારો આવશે.”પણ જયાભાભીજ એને વ્હાલથી બોલાવતા અને ગોપલો ભાગી જતો. જયભાભી પાસેતો અલકમલકની વાતોનો ખજાનો હતો, તોફાની ગોપલો જયભાભી પાસે ડાહ્યો ડમરો બની જતો, બાલમંદિરમાં ભણાવાતી વાર્તાની રાણીજેવા લાગતા એને જયાભાભી. થોડા સમયમાં જયાભાભીને બીજું બાળક આવવાનું હતું. ગોપાલનો ચોથો જન્મદિવસ ગયાને થોડાક દિવસ થયા હતા અને જયાભાભીએ એક બાળકીને જન્મ આપ્યો, ગોપાલ જોવા ગયો , તેના બધા રમકડાંથી સુંદર હતી એ , જેવો ગોપાલ નજીક ગયો કે બાળકીએ એની મોટી મોટી આંખો ખોલી , કથ્થાઈ રંગની આંખો વાળી રૂપકડી ઢીંગલીને જોતાજ ગોપાલના મોઢામાંથી સરી પડ્યું “પરી”.

જયાભાભીએ અને જતીનભાઈએ નામતો એનું ધારા પાડેલું પણ ચાર વર્ષિય ગોપાલ માટે તે પરી હતી. ગોપાલ ક્યારેક જયાભાભીને પૂછતોય ખરો,

“ભાભી, આનું નામ રાધાની બદલે ધારા કેમ રાખ્યું! હું ગોપાલ અને એ રાધા.”જયાભાભી હસી પડતાં પણ જતીનભાઈને એ નિર્દોષ વાતમાં દીકરીનું ભાવિ દેખાતું અને તેઓ ગંભીર બની ગોપાલથી એક દુરી રાખતા. ગોપાલની બા જ્યારે જ્યારે એની પરણવાની મજાક કરતી ત્યારે ગોપાલ કહેતો,

“હુંતો પરી સાથે લગન કરીશ“, બધા કહેતા પરીનેતો પાંખો હોય તે ઉડી જાય અને ગોપાલ કહેતો,

“ મારી પરીને પાંખજ નથી , એટલે એ મને મૂકીને ક્યાંય નહીં ઉડે“.

રોજ ધારાના ઉઠવાના સમયે ગોપાલ એની પાસે પહોંચી જતો, બાલમંદિરના સમય સિવાય ધારાને રમાડતો રહેતો. થોડા દિવસ પછી ધારા બોલવા માંડી,

“ગો…પાલ! ગોપુ!”
બસ, પછીતો બંને દોસ્ત બની ગયા . હવે ગોપાલ મોટો થયો પહેલા ધોરણમાં આવ્યો , શાળાએ વધારે સમય જવું પડતું એકબીજા વિના એટલા કલાકો કાઢવા બન્ને માટે અઘરાં પડતાં. ગોપાલ શાળાથી આવી પોતાની થાળી લઈ સીધો ધારા સાથે જમવા આવી જતો. જયાભાભી બન્નેને સાથે વાર્તાઓ કહેતા.

સમય વહેવા લાગ્યો હવે ધારા પાંચ વર્ષની થઇ અને પોતાના જુદા ઓરડામાં સુવાલાગી , તેના ઓરડાની બારી ગોપાલના ઘરની સામેજ પડતી, બેઉ ઉઠતાંવેંત એકબીજાને જોઈ મલકી લેતા. ભણવા માટે એકજ સમયે નીકળતા પરંતુ ગોપાલ જાતો ચાલતો સરકારીશાળાએ અને ધારા એના ભાઈ રાહુલ સાથે કારમાં બેસી ઇંગલિ શસ્કૂલે.
બપોરે આવી ગોપાલ લેસન ન કરવા માટે માર ખાતો હોય અને ધારા ફટાફટ તેનું હોમવર્ક પતાવતી હોય. સાંજે ગોપાલ ગલીમાં ગડદાપાટું રમતો હોય અને ધારા ડાન્સ, મ્યુઝિકના કલાસો ભરતી હોય. છતાંય બન્ને રોજનો એક કલાક તો સાથે વિતાવતાજ. ધારા માટે ગોપાલ “ગોપુ” હતો પણ ગોપાલ તેને “પરી” જ કહેતો.

ધારા ત્રીજા ધોરણમાં આવી અને રાહુલ નવમાં ધોરણમાં આવ્યો ત્યારે જતીનભાઈએ બન્ને ભાઈ-બહેનને ભણવા માટે પંચગીની બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દિધા , જયાભાભી અને ગોપાલ સાવ સુના પડી ગયા, ગોપાલ સાતમામાં નાપાસ થયો

જયાભાભી ગોપાલને ભણાવતા અને ગોપાલ દોડી દોડીને તેમનું કામ કરી આપતો, પરંતુ હવે તેને સમજાઇ ગયું હતું કે આ ઘરની પરીના સપના જોવા માટે તેની આંખો બહુ નાની છે. પહેલા વેકેશનમાંતો જાતિનભાઈ, જયાભાભી અને રાહુલ સાથે ધારા ફરવા ગઈ પરંતુ બીજા વકેશનમાંતે ઘરે આવી , આવતાવેત પોતાના રૂમની બારી ખોલી રાડો પાડવામંડી “ગોપાલ ગોપાલ “ , ગોપાલ બહાર આવ્યો બે વર્ષ પહેલાં જોયેલી ધારા કરતા આજની ધારા વધુ સુંદર લાગતી હતી અને ગોપાલના મોઢામાંથી નીકળી ગયું “પરી”.

રાહુલને ગોપાલ હવે નહોતો ગમતો , તેને “બિલોવસ્ટેન્ડર્ડ” લાગતો, એ ધારાને પણ રોકતો પણ ધારા હજુ પાંચમામાં આવેલી બાળકી હતી. ગોપાલ વાતને બરોબર સમજતો પણ એ પોતાની પરીને જોવે ત્યારે અમીરી ગરીબી બધું ભૂલી જતો. આ રજાના દિવસોતો પળની જેમ ઉડી ગયા અને ફરી ધારા અને રાહુલ પાછા બોર્ડિંગ સ્કૂલ ગયા. રાહુલ માટે છેલ્લું વર્ષ હતું તે બારમુ ધોરણ પાસ કરી ભણવા વિદેશ ગયો. તે વર્ષે પણ ધારા ઘરેના આવી અને બીજા વર્ષે આવી ત્યારે તે ચૌદ વર્ષની તરુણી બની ચુકી હતી અને ગોપાલ અઢાર વર્ષનો યુવાન.ગોપાલ ફૂટડો યુવાન હતો , ઘણી યુવતીઓ ને ગમતો , ગોપાલ પણ બધી છોકરીઓ સાથે હસતો બોલતો, એ બધી સારી યુવતી હતી પરંતુ કોઈ એની “પરી” નહોતી. સવારે ધારાએ પોતાના રૂમની બારી ખોલી આળસ મરડી. ધારાએ ગોપાલ સામે સ્મિત આપ્યું. કિશોરી ધારા ખરેખર પરીજ લાગતી હતી. સફેદ રેશમી નાઈટ ડ્રેસમાં ભરાયેલું શરીર, રેશમી લહેરાતા વાળ, ગુલાબી હોઠ અને મોટી કથ્થાઈ આંખો, ગોપાલ જોતો રહી ગયો, “પરી….”, ફરી એના મોઢામાંથી સરી પડ્યું.

દર વખતની જેમ વકેશન આખું વાતોમાં અને રમવામાં ગયું. ધારા અને ગોપાલ બંનેની કાયમી રમત ગંજીફાનો “આલુબુખરો”, બંને રમતા રહેતા અને વાતો કર્યા કરતા. ધારા ગોપાલને હોસ્ટેલની, ત્યાંના છોકરા-છોકરીઓની, ડેટિંગની વાતો કરતી અને ગોપાલ મુગ્ધાતાથી સાંભળતો રહેતો. વકેશન ખતમ થવા આવ્યું ત્યારે એક દિવસ ધારાએ ગોપાલને કહ્યું ,

“ યુનો ગોપુ! ત્યાં મારા ક્લાસની બધી છોકરીઓને બોયફ્રેન્ડ છે.”

“ પણ હોસ્ટેલમાં તો બહુ કડક નિયમો હોય ને, પરી!”

“બધા રસ્તા હોય. સ્કૂલમાંથી નીકળી હોસ્ટેલના સમયે આવી જવાનું.” ધારા આંખ મારતાં બોલી.

“ અને તું? તને કોઈ ગમે છે? કેટલા બોયફ્રેન્ડ છે તારે?” ગોપાલથી પુછાઈજ ગયું.“ ગોપુ, તને ખબર છે, હું તને ખૂબ મિસ કરું છું! તારા માટે જે ફિલ કરું છું, તે મને બીજા કોઈ માટે ફિલ થતુંજ નથી. મને લાગે છે, આઈ રિયલી લવ યુ “. ધારા એકદમ લાગણીશીલ થઈ ગઈ.

ગોપાલને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. આ તેની પરી બોલી રહી હતી!

“ પરી, આજે પહેલી એપ્રિલ નથી હોં!”

“ તું મારી આંખમાં જો ગોપુ! તને મજાક લાગે છે?”

ધારાએ પોતાની મોટી મોટી કથ્થાઈ આંખો ગોપુની ગહેરી કાળી આંખોમાં પરોવી.

નાના શહેરનો નવયુવાન સ્વપ્ન-સુંદરીની આંખોમાં ખોવાઈ ગયો.

બન્નેએ એક બીજાને પુરા આવેગમાં ચૂમી લીધા, ગોપલ ભાવિના સપનામાં રાચવા લાગ્યો. મનોમન ગોપાલ સંગ ધારાની કંકોત્રી પણ બનાવી લીધી. પોતાની પરીનેઆ ઘર જેટલીજ સુવિધા આપીશ કે તે માટે કામ-કાજ પણ વિચારવા લાગ્યો. જયાભાભી તો માનીજશે પણ રાહુલ અને જાતિનભાઈને કેમ મનાવવા તેના વિચારો પણ કરવા લાગ્યો.પણ તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ જ્યારે સાંજે ગામની એકમાત્ર કોફી શોપમાં ધારા એની ફ્રેંડસ ને આંખ મિચકારીને કહેતી હતી “ ચેલેન્જ કમ્પ્લીટેડ ,એક વર્ષમાં પાંચમા છોકરાને કિસ કરી. ચાલો બધા મળી મને પાંચ હજાર આપો .”….

અને ગોપાલની આંખમાંથી આંસુ સાથે ફરી સરી પડ્યું “પરી??????”.

લેખક : એકતા દોશી

દરરોજ આવી અનેક નાની મોટી વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર અને વાર્તા માટે પ્રતિભાવ કોમેન્ટમાં અચૂક આપજો.

ટીપ્પણી