કુબુલ – આ વાર્તા તમને ફરીથી એ ગોધરાકાંડના દિવસોની યાદ અપાવી દેશે…

કુબુલ

સાલ 2002ની વાતછે , હા ! બરોબર યાદ આવ્યું તમને,ગોધરા કાંડનું વર્ષ અને આ વાત પણ ત્યારની જ છે .

ભાવનગર થી લગભગ પચાસેક કિલોમીટર દૂરનું એક નાનકડું અમથું ગામ , હિન્દૂ કરતાં મુસ્લિમોની વસ્તી વધારે પણ બધા ખૂબ સંપથી રહે, બંનેના વિસ્તરો અલગ પરંતુ ઈદ હોય કે દિવાળી, આખું ગામ હરખના હિલોળા લેતું હોય . બધા બાળકો દિવાળીની બોણી લેવા પણ જાય અને ઈદની ઇદી લેવા પણ. નવરાત્રીમાં અંબેમાના ગરબે ગામ ઘૂમે, તો તાજીયામાં પણ સૌ ભાગ લે. આમ નાનકડા ગામમાં ગરીબી કરતા પ્રેમ વધારે હતો .

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ગોધરામાં થોડા મુસ્લિમ તત્વો કે રાજકારણી તત્વોએ, કોમીવાદ ભડકાવવા નિર્દયતાથી અયોધ્યા યાત્રીઓને જીવતા સળગાવ્યા, સ્ત્રીઓની આબરૂ લૂંટી , ટ્રેન સળગાવી અને એ આગ ધીરે ધીરે કરતા ગુજરાતમાં ચારે તરફ ફેલાઈ. કદી જે ગામોએ ઝગડા , ખૂન, મારકી , ક્રૂરતા કે ભેદભાવ નહોતા જોયા તેવા ગામો પણ આ આગની લપેટમાં સપડાઈ ગયા. બધે મારો કાપોના આવજો , બહેનો-દીકરીઓના શિયળોની લૂંટ, ઘર-બારની તૂટ ફૂટ , માણસે પોતાની માણસાઈ છોડી હેવાનીયત અપનાવી હતી.

કાલ સુધી એક પાનના ગલ્લે ઉભા રહેતા રઘુ અને અબ્દદુલ એકબીજાના લોહીના તરસ્યા થયા, આવખતે હિન્દુનું જોર થોડું વધારે હતું , મુસ્લિમોને પોતાનો જીવ-આબરૂ બચાવવા ઘરબાર છોડી ભાગવું પડી રહ્યું હતું. હા ! આ વખતે હિંદુઓ પણ મુસ્લિમ સ્ત્રીઓની લાજ લેતા અને મુસ્લિમોને જીવતા સળગાવતા. એ દ્રશ્યોનીતો કલ્પનાથી પણ અરેરાટી છૂટી જાય, પરંતુ આ વખતેતો એ ગુજરાતના દરેક ગામની હકીકત હતી.

“ફક્ત ધરાજ નહીં, ગગન પણ આજતો લાલ થયું હતું,
રાની પશુજ નહીં, ટોળું હરણોનું પણ લોહી તરસ્યું થયું હતું.”

આ આગ છેવટે, આ છેવાડાના નાનકડા ગામમાં પણ લાગી. બહારગામના તત્વોએ આવી, બંને બાજુના લોકો ઉપર હુમલા કર્યા. અંધાધૂંધી ફેલાવી અને સદા સંપથી રહેતા ગ્રામવાસીમાં ગેરસમજો ફેલાવી એકબીજાના લોહીના તરસ્યા બનાવ્યા.

વાત એમ બની કે, હિન્દૂ વિસ્તારમાં એક ખૂણે નાનકડી ઝૂંપડીમાં એક મુસ્લિમ પરિવાર રહેતો હતો , એક નવયુવાન, તેની પત્ની અને ૬ માસનું બાળક. યુવક પાસેના મોટા ગામમાં સામાન લેવા ગયો હતો, બાળક પોઢી ગયેલું એટલે સ્ત્રી પાણી ભરવા પાસે આવેલા કૂવે ગઈ હતી, તેવા સમયે ગામમાં ટ્રેકટર ભરીને લોકો આવ્યા અને એ ઝુંપડી બાળી નાખી, અંદર સુતેલું ૬ માસનું માસુમ રાખ થઇ ગયું, મા આવી પણ મોડું થઈ ચૂક્યું હતું. તેણે આવી આક્રંદ કર્યું પણ બધાના કાનો બહેરા થઈ ગયાં હતાં. એજ ટોળાએ એયુવતીને રહેંસીને મારી નાખી, પણ બધા અંધ થઈ ગયા હતા. યુવાન પાછો આવ્યો ત્યારે તેની દુનિયા લૂંટાઈ ગઇ હતી અને પૂરો રડવાનો સમય મળે, તે પહેલાં તો તેને પણ મારી નાખવામાં આવ્યો.

ગામના લોકો સમજે વિચારે તે પહેલાં એક હિન્દૂના ઘરને તોડી ફોડી નાખવામાં આવ્યું. બસ! દાવાનળ ફેલાઈ ચક્યો હતો , મુસ્લિમો ગામ છોડી ઉચાળાભરવા માંડ્યા.આવા સંજોગોમાં એક ૧૭ વર્ષીય કિશોરી નામ સંજીદા અબ્બાસી, ગામ છોડતા પહેલાં પોતાની ખાસ સહેલી મીનાને મળવા ગઈ. મીના પાસે પહોંચે તે પહેલાં, એક જીપમાં કોઈ તેને મોઢું દબાવી ઉપાડી ગયું. પરિવારથી વિખૂટી પડી ગઈ સંજીદા!

પાંચ મહિના પછી તો ભાવનગર રહેતા મામાના દીકરા આતીફ સાથે એના નિકાહ કરવાનાં હતાં. તેઓ બંને એકબીજાને પસંદપણ કરતા હતા, પરંતુ હવે તે બધી વાતનું કોઈ મહત્વના રહ્યું. તેનો પરિવાર પોતાનું ગામ છોડી ભાવનગર પહોંચી ગયો , બધાએ પોતાના મનને માનવી લીધું કે, સંજીદા હવે નહીં મળે, હેવાનોએ એ માસૂમ પંખીને પીંખીને મારી નાખ્યું હશે. વાતને લગભગ ત્રણેક મહિના થયાં, વાતાવરણ થોડું હળવું થયું. બધા જીવનની ઘટમાળમાં ગોઠવાવા મંડ્યા.

આતીફના નિકાહ સંજીદાનીજ નાની બહેન સાથે કરવાનું પાક્કું કર્યું અને એક દિવસ દરવાજે સંજીદા આવીને ઉભી રહી , બધા એને જીવતી જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેને સહી સલામત જોઈ રાજીરાજી થઈ ગયા. સંજીદાએ કહ્યું ,

“તે દિવસે હું મીનાને મળવા જતી હતી ત્યારે સામેથી એક ટોળું આવતું હતું અને અચાનક એક જીપમાં મને કોઈએ ખેંચી લીધી, એને હું ઓળખતી નહોતી, એ મને અહીં ભાવનગર લઈ આવ્યા અને પોતાના ઘરમાં પ્રેમથી રાખી, એ અલ્લાહના ફરિશ્તાએ મને બધાથી બચવી, છુપાવી રાખી. જ્યારે વાતાવરણ ઠંડુ પડ્યું એટલે તેઓએ મને પૂછ્યું કે મારે ક્યાં જવું છે! મને લાગ્યું કે, પહેલાં અહીંજ તપાસ કરી જોઈએ, માટે હું અહીં આવી“.

બધાએ કહ્યું, “આપણે તેમનો આભાર માનવો જોઈએ , ક્યાં છે તેઓ ?”

“ એ બહારજ ઉભા હશે. મને કહ્યું છે કે, તું જ્યારે બધું બરાબર કહીશ ત્યારે હું અહીંથી જઈશ.”

બધા જલ્દીથી બહાર ગયા, પણ સામે ઉભેલા માથે તિલક કરેલા હિન્દૂ યુવાનને જોઈ હેબતાઈ ગયા. સંજીદાના અબ્બુ શરમ ભર્યા અવાજે બોલ્યા,

“ ત્રણ મહિના આના પાક હિન્દૂ યુવાનના ઘરે રહીને આવી છો , તને શરમના આવી , મને તારી પાકિઝગી ઉપર કોઈ ભરોસો નથી , જેવી આવીછો તેવીજ પાછી વળ, અને જો આ હિન્દુનું મન તારાથી ભરાઈ ગયું હોય તો કોઈ કૂવો પૂર, પણ અમને માફ કર.”

સંજીદા આંખમાં આંસુ સાથે પોતાના પિતા અને પરિવાર સામે જોઈ રહી . ત્યાં તે યુવક બોલ્યો,

“બહેન! તું બિલકુલ ચિંતા નાકરીશ , ચાલ મારી સાથે , તારો આ હિન્દૂ ભાઈ તને આજીવન સાચવવા તૈયાર છે.”

સંજીદાએ જતા જતા ફરી એકવાર પરિવારજનો સામે જોયું. પાછી વળતી હતી, ત્યાંજ આતિફે તેનો હાથ પકડ્યો અને કહ્યું,

“કુબુલ હૈ, કુબુલ હૈ, કુબુલ હૈ”.

લેખક : એકતા દોશી

રોજ રોજ અવનવા વિષય પર વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી